પાંચ પાંચ દાયકા સુધી હિન્દી ફિલ્મ સંગીતમાં વૈવિધ્યપૂર્ણ ગીતો દ્વારા ભારત રત્ન મોટીબહેન લતા મંગેશકર કરતાં જુદો ચીલો ચાતરનારાં અજોડ ગાયિકા આશા ભોંસલેએ તાજેતરમાં ચિરવિદાય લીધી. એમણે ગાયેલાં ગીતો વિશે બધાંએ નોંધ લીધી. દરેક પ્રકારના ગીતને આશાજી પોતાના કંઠ દ્વારા જીવંત કરી નાખતાં. એ વિશે ઘણું લખાયું પણ છે. થોડાં વરસો પહેલાં એ ગરવા ગુજરાતી ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસે ગવડાવેલાં ગરબાના પુનઃ ધ્વનિમુદ્રણ પ્રસંગે અમદાવાદ આવ્યાં ત્યારે ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર તરીકે તેમની સાથે દોઢેક કલાક ગાળવાની તક મળેલી.
આ મુલાકાત દરમિયાન આશાજીને અપેક્ષા ન હોય એવો એક મુદ્દો પણ ચર્ચવાની તક મને મળી ગયેલી. આશાતાઇની આ ખૂબી વિશે ભાગ્યેજ લખાયું છે અથવા કદાચ ખૂબ ઓછું લખાયું છે. એ ખૂબી એટલે રસોઇકલા-પાકશાસ્ત્ર. આશાજી ખૂબ સરસ વાનગીઓ બનાવતાં. એમની વાનગી ચાખવાની તક મળે એ વ્યક્તિ જીવનભર એ વાનગી કદી ભૂલી શકે નહીં. અવિનાશભાઇ સાથે વિવિધ સ્થળે સ્ટેજ પ્રોગ્રામ માટે જાય ત્યારની વાત છે. પ્રોગ્રામ પતે અને બધાં ઉતારા પર પાછાં ફરે એટલે અવિનાશભાઇ હેતથી કહે, એ આશાડી, ચાલ ઝટપટ ખીચડી બનાવી નાખ. આશાજી દરેક વખતે જુદી જુદી ખીચડી બનાવે. ક્યારેક ફોતરાંવાળી મગની દાળ અને કણકીની, ક્યારેક મોગર અને કણકીની, ક્યારેક ચોખા અને મગની તો ક્યારેક વેજિટેબલ એટલે કે વિવિધ શા કભાજી સાથેની ખીચડી. કોઇક વાર તુવેર દાળ અને ભાતની ખીચડી. અવિનાશભાઇ કહેતાં કે આશાની ખીચ઼઼ડી માખણિયા ખીચ઼ડી હોય છે. કોઇકવાર મસાલા ખીચડી જે સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રેમવતી ભોજનાલયમાં પીરસાય છે.
એ વિશે પૂછ્યું ત્યારે આશાતાઇ મૂડમાં આવી ગયાં. એમનાં ગીતો વિશે તો લગભગ દરેક પત્રકાર પૂછતો હોય છે. પાકકલા વિશે કદાચ કોઇ પૂછતું નહીં હોય. એ કહે, હું સાવ નાનકડી હતી ત્યારથી માઇનો પડછાયો બનીને રસોડામાં હાજરી આપતી. માઇ વિવિધ રસોઇ બનાવે એ હું ચૂપચાપ જોયા કરું. ક્યારેક એમને મસાલા વિશે કે કઇ વાનગીમાં ઉમેરવાથી વધુ ટેસ્ટી બને એવા ગાંડાઘેલા સવાલો પૂછ્યા કરું. માઇ શાંતિથી જવાબ આપે. એ રીતે હું બહુ ઝડપથી રસોઇકલા શીખી ગયેલી. પછી તો જ્યારે તક મળે ત્યારે હું જાતજાતના પ્રયોગો કરું. એ પ્રયોગને માણનાર પણ હું. વાનગી કેવી બની છે એનો ખ્યાલ સૌથી પહેલાં મને આવી જતો. ધીમે ધીમે હું શાકાહારી અને માંસાહારી એમ બંને પ્રકારની વાનગીઓમાં કુશળ થઇ ગઇ.
વિદેશ પ્રવાસમાં હોઉં ત્યારે જે વાનગી મને સ્વાદિષ્ટ લાગે એના વિશે જે તે હૉટલના રસોઇયાને પૂછું કે આ વાનગીની રેસિપી શું છે. કલાકાર તરીકે જાણીતી થઇ ગયેલી એટલે જે તે હૉટલના સંચાલકો મને સહકાર આપતા. આમ આંતરરાષ્ટ્રીય વાનગીઓ પર પણ મારો હાથ બેસી ગયો. માઇના આશીર્વાદથી અને પરમાત્માની કૃપાથી આજે મારી ત્રણ ત્રણ હૉટલો ધમધોકાર ચાલે છે. હું જાતે રસોઇયા પસંદ કરું છું અને એમને તાલીમ આપું છું. એમને એટલી સારી રીતે રાખું છું કે બીજી હૉટલવાળા ઊંચા પગારની કે બીજી કોઇ લાલચ આપે તો પણ મારો સ્ટાફ મને છોડીને જતો નથી. આશાતાઇની ત્રણમાંની બે હ઼ૉટલ તો વિદેશમાં છે. એક દૂબઇમાં છે અને બીજી સ્કોટલેન્ડમાં છે. બંને સરસ ચાલે છે.
એજ રીતે આશાતાઇ ફેશનેબલ વસ્ત્રોની પસંદગી અને ખાસ તો સાડીઓની પસંદગીમાં અવ્વલ રહ્યાં છે. તમે એમના સ્ટેજ શોની વિડિયો જુઓ તો ખ્યાલ આવી જાય. ત્રણેક કલાકના કાર્યક્રમમાં એ ક્યારેક ફટાફટ ચાર પાંચ સાડી બદલીને ઓડિયન્સ સમક્ષ રજૂ થાય. આમ એ ખરા અર્થમાં વર્સેટાઇલ કલાકાર અને ઉમદા ઇન્સાન હતાં. કોઇ નવી પ્રતિભા આવે ત્યારે આશાજી ક્યારેય અસલામતી અનુભવતાં નહોતાં. એમને પોતાની આવડ઼ત પર પૂરો ભરોસો હતો. એમની વિદાયથી ખરા અર્થમાં એક યુગનો અસ્ત થયો.
સહેજ પણ આત્મશ્લાઘા વિના એક હકીકત જણાવું. આશાતાઇ અમારાં ગુરુબહેન હતાં. અમે સૌ પંડિત નવરંગ નાગપુરકરનાં શિષ્યો રહ્યાં હતાં. અગાઉ પંડિત નવરંગ નાગપુરકર ઉર્ફે માસ્ટરજી વિશે લખી ગયો છું. અલવિદા આશાતાઇ....
Comments
Post a Comment