પેન પરિક્રમા અગાધ વિદ્વતા, અખૂટ નમ્રતા

 


1990ના દાયકાનો પ્રસંગ છે. ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખાનો એ સુવર્ણકાળ હતો. દેશવિદેશના ગુજરાતીઓને ચિત્રલેખાનું વ્યસન થઇ ગયું હતું. એક આશ્વિન નવરાત્રિએ તંત્રી-નવલકથાકાર હરકિસન મહેતાએ આદ્ય શક્તિ અને શક્તિપૂજા વિશે કંઇક કરવું જોઇએ એવું સૂચન કર્યું. થોડીક ચર્ચા પણ થઇ. મેં છોટે શાસ્ત્રીજી તરીકે ઓળખાતા પરમ વિદ્વાન (હવે સ્વર્ગસ્થ) હરિભાઇ કોઠારીને ફોન કર્યો અને અમારો વિચાર વ્યક્ત કર્યો. સહેજ વિચારીને હરિભાઇએ કહ્યું, અજિત, વિચાર તો સરસ છે પરંતુ આ મારું કાર્યક્ષેત્ર નથી. તારે બીજા કોઇ વિદ્વાનનો સંપર્ક સાધવો જોઇએ.

મેં કહ્યું કે હરિભાઇ, આપ જ સૂચવો, કોનો સંપર્ક સાધવો ઘટે છે ?

એક કામ કર, હરિભાઇ બોલ્યા, ભાગવતાચાર્ય ભૂપેન્દ્ર પંડ્યાનો સંપર્ક સાધી જો. 

હું એમને ઓળખતો નથી, મેં મૂંઝવણ વ્યક્ત કરી. હરિભાઇ હસી પડ્યા. કહે કે એકવાર ફોન તો કરી જો. જેટલા વિદ્વાન છે એટલાજ નમ્ર છે. તને મૂંઝવણ જણાય તો મારું નામ આપજે, બસ..

મેં શ્રી ભૂપેન્દ્રભાઇને ફોન કર્યો. પરસ્પર ઔપચારિક નમસ્તે વગેરે પત્યું પછી મેં મુદ્દાની વાત કરી. ભૂપેન્દ્રભાઇએ પૂછ્યું કે ક્યારે મળવાની ઇચ્છા છે ?

આપને અનુકૂળ હોય ત્યારે, મેં જવાબ આપ્યો. તરત તેમણે કહ્યું કે અત્યારે સમય છે ? તો આવી જાઓ. અર્ધો પોણો કલાક બેસીએ.

હું તરત મારા ટુ વ્હીલર પર ઊપડ્યો. કાંદિવલી અને બોરિવલી વચ્ચે ઠાકુર કોમ્પલેક્સ અને સાંઇબાબા મંદિર નજીક ભૂપેન્દ્રભાઇ એ સમયે રહેતા હતા. (હાલના રહેઠાણની મને જાણ નથી.) લગભગ દોઢેક કલાક વાતો કરી. શબ્દે શબ્દે વિદ્વત્તાનો અહેસાસ થાય. પણ ખોટો ડોળ કે દંભ નહીં. સાવ સરળ અને નમ્ર સ્વભાવ. અમને જોઇતી માહિતી આપી. ચા-પાણી પીધાં અને અમે છૂટાં પડ્યાં. વરસો વીતી ગયાં.

હાલ 2026નો મે મહિનો છે. હિન્દુ પંચાંગ પ્રમાણે પુરુષોત્તમ (અધિક જેઠ) માસ ચાલે છે. કાંદિવલી વેસ્ટમાં આવેલી જમનાદાસ અડુકિયા સ્કૂલના પટાંગણમાં એમનો ભાગવત જ્ઞાનયજ્ઞ ચાલુ છે એવી જાણ થતાં મેં મળવાનો વિચાર કર્યો. સ્કુલનો આખોય પટાંગણ ખીચોખીચ ભરેલો હતો. થોડીવાર તો હું મૂંઝાયેલો કે આટલી ભીડમાં ભૂપેન્દ્રભાઇને શી રીતે મળાશે ? બુધવારે 20મી મેએ બપોરે ચારેક વાગ્યે શરૂ થયેલી કથા રાત્રે નવ વાગ્યે પણ ચાલુ હતી. સ્કૂલના દરવાજે આવેલા એક ઓટલા પર બેઠેલા થોડાક શ્રદ્ધાળુઓ સાથે હું પણ બેઠો. સાડા નવની આસપાસ ભૂપેન્દ્રભાઇ વ્યાસપીઠ પરથી ઊતર્યા. એજેવોમને પ્રણામ કરનારાની ભીડ ઉપરાંત પોતાનાં બાળકોને બાળકૃષ્ણ બનાવીને લાવેલાં માતાપિતાનો ઉત્સાહ ... આ બધાંની વચ્ચે મેં પણ ઝંપલાવ્યું. એમને શરૂમાં હું પણ કોઇ શ્રોતા જેવો લાગ્યો હોઇશ.

છેલ્લાં પચીસ ત્રીસ વર્ષમાં એમણે દેશવિદેશમાં સેંકડો ભાગવત જ્ઞાનયજ્ઞ કર્યા હશે. હજારો લોકોના સંપર્કમાં આવ્યા હશે. અનેક લોકોને નિકટતાથી મળ્યા હશે. મેં આદ્યશક્તિવાળા લેખનો અછડતો ઉલ્લેખ કર્યો. એમના ચિત્તમાં ભાગવતના પ્રસંગો રમતાં હશે અને થોડાક થાકેલા પણ હશે. એમણે તરત કોઇ પ્રતિભાવ ન આપ્યો. ધીમે ધીમે સૌના નમસ્કાર ઝીલતાં ઝીલતાં ચાલતા રહ્યા. છેક સ્કૂલના દરવાજે એમને લેવા આવેલી મોટર નજીક પહોંચ્યા ત્યારે એમણે નામ પૂછ્યું. એમના મનમાં કદાચ પરિચય તાજો થયો હશે પરંતુ હૈયેથી નામ હોઠે આવતું નહોતું. મેં અજિત પોપટ કહ્યું કે તરત એમના ચહેરા પર આત્મીયતા પ્રગટી. ત્રીસ વર્ષ પહેલાં જે નમ્રતા અનુભવેલી એવીજ નમ્રતા ફરી એકવાર મેં અનુભવી. પાછાં મળીએ ક્યારેક એમ કહી અમે છૂટાં પડ્યા. ભૂપેન્દ્રભાઇની એક વિશેષતા મારા મનમાં ઘર કરી ગઇ. પત્રકાર તરીકે છેલ્લાં પચાસ વર્ષમાં અસંખ્ય કથાકારો, પુરાણીઓ, ગાયકો, સંગીતકારોને મળ્યો છું. એમાંના આંગળીને વેઢે ગણાય એટલા લોકો એક ખૂબીને કારણે સદા યાદ રહી ગયા છે. તમે જો ધ્યાન આપ્યું હોય તો તમને પણ ખ્યાલ હશે. 

ભજન સમ્રાટ અનુપ જલોટા અને આપણા ગરવા ગુજરાતી પ્લેબેક સિંગર પ્રફુલ દવે ઉપરાંત ભૂપેન્દ્રભાઇના ચહેરા પર સદાય એક આકર્ષક સ્મિત રમતું હોય છે. અનુપજી કે પ્રફુલભાઇ ગાતાં હોય અને ભૂપેન્દ્રભાઇ ભાગવત વિશે બોલતાં હોય, ચહેરા પર જરાય ભાર નહીં. સ્મિત રમતું હોય. આ જેવી તેવી સિદ્ધિ નથી. સ્વાધ્યાય પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી દાદાના ચહેરા પર પણ એવું જ સ્મિત રહેતું. ઘણા કથાકારો આખાય બ્રહ્માંડનો ભાર પોતાના મસ્તક પર હોય એવી ગંભીરતાથી બોલતાં દેખાય. એવા ગંભીર વક્તા ભલભલાને નિદ્રાસનમાં મોકલી દે. ભૂપેન્દ્રભાઇનું સ્મિત અને નમ્રતા કેમેય કરીને ભૂલાય નહીં. એમની સાથેની થોડીક ક્ષણો પણ યાદગાર બની રહી.

-----------


Comments