સોરી દોસ્ત, રાતના પ્રોગ્રામને કારણે ઊઠવામાં મોડું થયું....
---------------------------------------
પુરુષોત્તમ ઉપાધ્યાય. સુગમ સંગીત ક્ષેત્રનું માઉન્ટ એવરેસ્ટ જેવું નામ અને એવુંજ ગંજાવર કામ ! યોગાનુયોગ તો જુઓ, મહાનગર મુંબઇના પેડર રોડ પર જ્યાં પુરુષોત્તમ રહેતા એ મકાનનું નામ પણ એવરેસ્ટ. જસલોક હોસ્પિટલની બરાબર સામે સંગીતકાર કલ્યાણજી આણંદજીના મ્યુઝિક રૂમ વિમલા મહાલ હેઠળથી પુરુષોત્તમના એવરેસ્ટમાં જવાય. સતત ઉષ્માથી ભરેલો આદમી ! ગયા અઠવાડિયે એક દોસ્તનો વ્હોટસ્ એપ સંદેશો આવ્યો, પુરુષોત્તમ ગયા. વાંચીને જાણે વીજળીનો જબરદસ્ત આંચકો લાગ્યો. હજુ તો થોડા દિવસ પહેલાં એમને મળેલો. સંગીતકાર કલ્યાણજી આણંદજી વિશેનું મારું પુસ્તક પ્રગટ થઇ રહ્યું હતું એ માટે આણંદજીભાઇના આશીર્વાદ લેવા ગયેલો. થયું, ચાલને પુરુષોત્તમભાઇને રામ રામ કરતો જાઉં. એમની તબિયત વિશે જાતજાતની વાતો થતી હતી. હું ગયો તો એ તો સરસ મૂડમાં હતા. મને કહે, ચાલ, એક સેલ્ફી લઇ લે. તું પાછો અમદાવાદથી ક્યારે આવીશ ? એમના એ શબ્દો આર્ષવાણી બની રહ્યા. હું તો અમદાવાદથી મુંબઇ વચ્ચે આવજા કરીશ. પુરુષોત્તમને ફરી ક્યાંથી મળાશે ?
ચાલ, એક સેલ્ફી લઇ લે, પાછો ક્યારે અમદાવાદથી આવીશ
------------------------
પુરુષોત્તમ મારાથી બારેક વર્ષ મોટા. સંગીતની વાત કરીએ તો અધધધ ઊંચેરા. આપવડાઇના ભાવ વિના કહું તો અમે ગુરુભાઇ હતા. અમે બંને ગ્વાલિયર ઘરાનાના માસ્ટર નવરંગ નાગપુરકરના શિષ્યો. પુરુષોત્તમે સંગીતને વ્યવસાય રૂપે સ્વીકાર્યું, મને તો કલ્યાણજીભાઇએ સૂચવેલું કે પત્રકાર તરીકે સંગીત વિશે લખવું હોય તો પહેલાં સંગીત શીખી લે. એટલે મેં સંગીત વિશારદ કર્યું. મુંબઇના સાંધ્ય દૈનિક જન્મભૂમિમાં છેક 1970ના દાયકામાં શાસ્ત્રીય સંગીત વિશેની કોલમ મારાથી શરૂ થઇ. પુરુષોત્તમને જ્યારે મળવાનું થાય ત્યારે એને મારી કોલમ વિશે કંઇક અચૂક કહેવાનું હોય.
મેં અને સરોજે સાઉથ બોમ્બેના આર્યસમાજમાં પ્રભુતામાં પગલાં માંડ્યાં ત્યારે છેક છેલ્લી ઘડીએ અને એ પણ જન્મભૂમિ દૈનિકના કાર્યાલયના લેન઼્ડલાઇન ફોન પર ભાઇને જણાવ્યું. પહેલાં તો ઠપકો આપ્યો. લગ્નમાં આવતાં મોડું થયું. આગલી રાતના કાર્યક્રમનું જાગરણ નડ્યું હશે. અમે આર્યસમાજની વિદાય લઇ રહ્યાં હતાં ત્યાં અચાનક સફેદ સફારી સૂટમાં પુરુષોત્તમ પ્રગટ થયા. સોરી દોસ્ત, રાતના જાગરણને કારણે ઊઠવામાં જરા મોડું થઇ ગયું, એવા શબ્દોમાં દિલગીરી વ્યક્ત કરીને પછી દિલથી આશીર્વાદ આપ્યા.
ગુજરાત સમાચાર દૈનિક કાવ્ય સંગીત સમારોહ યોજે ત્યારે અચૂક મળવાનું થાય. પુરુષોત્તમ પાસેથી કશુંક નવુંં જાણવા મળે. સારા ગાયક ઉપરાંત સારા સ્વરનિયોજક, સારા મિમિક્રી આર્ટિસ્ટ. કંઠ, કવિતા અને કહેણી ત્રણેનો અનોકો ત્રિવેણીસંગમ. પણ મળે ત્યારે ઉષ્માથી અને ઉમળકાથી ભરપુર હોય. 1988માં અમે લંડનમાં મળી ગયા તો કહે, સાલ્લા, પોપટ ખરો ને, અહીં પણ મારી પાછળ ઊડી આવ્યો... સંભારણાં ઘણાં છે. હવે તો સંભારણાં જ રહ્યાં, એક સહૃદય મિત્ર, જ્ઞાની ગુરુભાઇ અને વ્હાલથી ધબ્બો મારે એવો મોટોભાઇ હવે આંખોથી સદાને માટે ઓઝલ થઇ ગયો. જ્યાં હશે ત્યાં મહેફિલ જમાવતો હશે. એ મહેફિલનો માણસ હતો, સૂર સરિતા સ્નેહથી વહાવતો હશે....!
🌹🙏🌹
ReplyDelete