સરોજને ઇન્ટરવ્યૂ આપતાં બાળપણને યાદ કરી રહેલાં મંજુબહેન
-------------------
તેર તેર રાત્રિના સંગીત સમારોહ દ્વારા અમદાવાદને આંતરરાષ્ટ્રીય લેવલે નામના અપાવનારી સપ્તક સંસ્થાના સહસ્થાપક અને ટોચના સિતાર વાદક વિદૂષી મંજુબહેને ઓચિંતી ચિરવિદાય લીધી એ સમાચારે અમને દિગ્મૂઢ કરી દીધાં. ઘણાં બધાં સંભારણાં કલ્પના ચક્ષુ સમક્ષ ઊમટ્યાં. આટલા મોટા ગજાના કલાકાર, છતાંય અહંકારનો છાંટો સુદ્ધાં નહીં. નમ્રતા એમના વ્યક્તિત્વનું એક દિવ્ય પાસું હતું. એમને ભાવભીની શ્રદ્ધાંજલિ રૂપે અહીં એક બે સંભારણાં સસ્નેહ-સાદર પ્રસ્તુત કરું છું.
ભારતીય વિદ્યા ભવનના સાંસ્કૃતિક સામયિક નવનીત સમર્પણમાં મારી પત્ની સરોજ શાસ્ત્રીય સંગીતના દિગ્ગજો વિશે લખતી હતી ત્યારની વાત છે. અમે મંજુબહેનને ફોન કર્યો. તરત ઉમળકાભર્યા સ્વરે કહે, એ બહાને આપણે ધુરંધર કલાકારોને યાદ કરીશું. બોલો, ક્યારે આવો છો ? અમે સમય નક્કી કર્યો અને શાહીબાગના એમના નિવાસસ્થાને મળવા ગયાં. મૈત્રીભાવે ફોટોગ્રાફીમાં આગળ વધેલા પ્રોફેસર ડોક્ટર મયૂર ત્રિવેદી અમારી સાથે હતા. એમને સંગીતની વાતોમાં બહુ રસ પડે.
-------------------
મંજુબહેન રોજ રાત્રે નીરવ વાતાવરણમાં બે અઢી કલાક રિયાઝ કરે એટલે સવારે થોડા મોડા હોય. પૂજાપાઠથી પરવારીને તરોતાજાં અને મલકતા ચહેરે અમારી સાથે બેઠાં. તદ્દન સ્વાભાવિકતાથી વાતો કરે. પોતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સિતારવાદક છે એવો ભાવ એમની વાતોમાં જરાય ન જડે. કેટલા બધા નસીબદાર ! તરુણાવસ્થામાં જોધપુરમાં પંડિત દામોદરલાલ કાબ્રાનું માર્ગદર્શન મળ્યું. પંડિત દામોદરલાલ કાબ્રા ઉસ્તાદ અલી અકબર ખાનના શિષ્ય. આમ મહિયર ઘરાનામાં મંજુબહેનનો પ્રવેશ થયો. પંડિત નંદન મહેતાને પરણીને અમદાવાદમાં સ્થાયી થયાં. સપ્તક સંસ્થાની સ્થાપના થઇ. સપ્તક સ્થપાઇ એ પહેલા કે કદાચ એ પછી પંડિત રવિશંકર અમદાવાદ પધાર્યાં. મંજુબહેને એમનું માર્ગદર્શન મળ્યું. પંડિત રવિશંકરજી પાસે તો ઔપચારિક રીતે ગંડાબંધન પણ કરાવ્યું. આમ બબ્બે દિગ્ગજ કલાકારોનું માર્ગદર્શન મેળવ્યું. પછી બંનેની ખૂબીઓને આત્મસાત કરીને પોતાની અલગ વાદનશૈલી વિકસાવી. મહિયર ઘરાનાના પ્રચલિત રાગો પર ગજબનો કાબુ મેળવ્યો. એક તરફ એમની પોતાની સંગીતયાત્રા અર્થાત્ સિતારવાદનના કાર્યક્રમો અને બીજી તરફ પોતાના શિષ્યોને તાલીમ આપવાનો આરંભ કર્યો. એમની ખરી તપશ્ચર્યા સપ્તકનો સંગીત સમારોહ ગણી શકાય. દેશવિદેશમાં વસતા ભારતીય સંગીતના સાધકોને એક સ્થળે ભેગા કરવા, એમનાં રસરુચિ અનુસાર મહેમાનગતિ કરવી, ટોચના કોઇ કલાકારનો અહં ન ઘવાય એ રીતે સૌને સાચવવા એ જેવી તેવી કસોટી નથી. એમાંથી મંજુબહેન સો ટકા સફળ થઇને પાર ઊતર્યા. જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે પંક્તિ અમને અનાયાસે યાદ આવી ગઇ.
નવનીત સમર્પણનો ઇન્ટરવ્યૂ સરસ થયો. વાચકો અને કલાકારોએ બિરદાવ્યો. એ મુલાકાત શાસ્ત્રીય સંગીતના મુદ્દે હતી. પછીની અમારી મુલાકાત અણધારી રીતે ફિલ્મ સંગીતના સંદર્ભમાં થઇ. ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં યાદગાર ગીતોને રજૂ કરતી અમદાવાદની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગ્રામોફોન ક્લબમાં ક્લાસિકલ ડાન્સર તેમજ વીતેલા જમાનાની માતબર અભિનેત્રી વૈજયંતી માલા પધારવાની હતી. દીનદયાળભા હોલની લિફ્ટમાં અમે ભેગાં થઇ ગયાં. મા, તમે અહીં ? એવા અમારા સવાલના જવાબમાં એમણે સહજપણે કહ્યું કે મને ગ્રામોફોન ક્લબનો સંદેશો હતો કે તમે પધારો એટલે આવી ગઇ. જરાય દંભ દેખાડો કે અભિમાન નહીં. હોલમાં વૈજયંતીમાલાની બાજુની બેઠક પર સારો એવો સમય ધીરજભેર બેઠાં. પછી વિનમ્ર રીતે રજા માગીને નીકળ્યાં. જતાં જતાં કહ્યું, મારો રિયાઝનો સમય થઇ ગયો એટલે હવે જાઉં છું. રિયાઝ ચૂકી શકાય નહીં.
એમના નિર્વ્યાજ સ્નેહનો અનુભવ મને હજુ થવાનો બાકી હશે. ગુજરાત સમાચારમાં દર શુક્રવારે પ્રગટ થતી મારી સિનેમેજિક કોલમના થોડાક ચૂંટેલા લેખોનાં બે પુસ્તકો તૈયાર થયાં. શાસ્ત્રીય સંગીતની પ્રાચીન ઠુમરીઓ પર આધારિત સુપરહિટ ફિલ્મ ગીતો વિશેના લેખોનું સંકલન યાદ પિયા કી આયે... અને પોતપોતાનાં વાદ્યો દ્વારા જે તે ગીતોને યાદગાર બનાવનારા પરદા પાછળના કલાકારો વિશેનાં સંભારણાં કુછ યાદ ઇન્હેં ભી કર લો.. આ બે પુસ્તકોનું વિમોચન ક્યાં, કોના દ્વારા કરાવવું એની મૂંઝવણ હતી.
સપ્તકના મંચ પર લેખક દંપતી, પંડિત રાજન અને પંડિત સાજન મિશ્રા ઉપરાંત પંડિત કુમાર બોઝ સાથે વિદૂષી મંજુબહેન પણ હાજર રહ્યાં.
----------------
વાતવાતમાં મેં બનારસ ઘરાનાના સ્વરસાધક અને ગુજરાત યુનિવર્સિટીના ઉપાસના વિભાગના ડાયરેક્ટર વિરાજબહેન ભટ્ટને કાને વાત નાખી. ડરતાં ડરતાં પૂછ્યું કે ગુરુજી (બનારસ ઘરાનાના ટોચના ગાયક પંડિત રાજન મિશ્રા)ને વિનંતી કરી જોઉં ? વિરાજબહેને હા પાડી. બંને વિદ્વાનો પંડિત રાજન મિશ્રા અને પંડિત સાજન મિશ્રા વિરાજબહેનના પિતાને ત્યાં ઊતર્યા હતા. એમની સાથે વાત થઇ. પંડિતજીએ મારો દ્રષ્ટિકોણ જાણી લીધો અને તરત હા પાડી. મેં પૂછ્યું કે મંજુબહેનને વાત કરવી પડશે ને ? જવાબમાં પંડિતજીએ હૈયાધારણ આપી કે હમ કર લેંગે. આપ ચિંતા મત કીજિયે...
જે રાત્રે છેલ્લી આઇટમ તરીકે પંડિતજી બંધુ બેલડીનું ગાયન હતું એ મધરાતે અમે મંચ પર પહોંચીએ એ પહેલાં મંજુબહેને મને અને સરોજને અભિનંદન આપ્યાં અને કહ્યું કે હું પણ તમારી જોડે જ મંચ પર આવીશ. અમને સાનંદ આશ્ચર્ય થયું. મંચ પર સર્વશ્રી પંડિત રાજન મિશ્રા, પંડિત સાજન મિશ્રા અને તબલાનવાઝ પંડિત કુમાર બોઝ સાથે મંજુબહેન, હું અને સરોજ ઉપસ્થિત થયાં. રાજનજીએ મને બિરદાવ્યો અને આશીર્વાદ આપ્યા. મંજુબહેનના ચહેરા પર સાત્ત્વિક આનંદ ઝળહળતો હતો જાણે એમના પરિવારના કોઇ સ્વજનનું કાર્ય સિદ્ધ થયું હોય !
મંજુબહેનની ચિરવિદાય અંગત રીતે અમારાં માટે કદી ન પૂરાય એવી ખોટ છે. દિવ્ય ધામમાં પણ કદાચ એમના જેવા સિદ્ધહસ્ત સિતારવાદકની ખોટ હશે એટલે સર્જનહારે એમને પોતાની પાસે તેડાવી લીધાં. પરમ કુપાળુ પરમાત્મા મંજુબહેનના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના... ઓમ્ શાંતિ: શાંતિ: શાંતિ: !
Comments
Post a Comment