લો કરો વાત, ઊઠાંતરી કે નકલખોરીની ય હેટ્ટ્રીક !




થોડા સમય પહેલાં એક ગુજરાતી લેખકના બોલિવૂડ વિશેનાં પાંચેક પુસ્તકોનું વિમોચન થયું. આ પ્રસંગે લેખક અને પ્રકાશકે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ યોજ્યો હતો. એમાં હાજર રહેલા એક દોસ્તે ફોનમાં કહ્યું, ઓરકેસ્ટ્રાએ લાલ લાલ ગાલ... ગીતથી શરૂઆત કરી અને ઓડિયન્સ ઝૂમી ઊઠ્યું. દરેક જણ બેઠક પરથી ઊઠીને નાચવા માંડ્યું. આહાહાહા, શું મજા પડી છે ! એ સાંભળીને આ લખનારને અન્ના અને એમના સાથીઓ યાદ આવી ગયા. જ્હોન ગોમ્સ, ચીક ચોકલેટ, કિશોર દેસાઇ.... આ ગીતના સર્જનની વાત પણ યાદ આવી ગઇ. છે..ક 1956-57ની વાત છે. રસપ્રદ વાત એ કે માત્ર એક વિદેશી ગીતની તર્જ પરથી બોલિવૂડમાં ત્રણ ત્રણ ગીતો બન્યાં. ત્રણે ત્રણ સુપરહિટ નીવડ્યાં. આજે લગભગ સડસઠ-અડસઠ વર્ષ પછી પણ આ ગીતો ઓડિયન્સને નાચતું કરી દે છે. વાત માંડીને કરવા જેવી છે.

મૂળ અમેરિકાના પેન્સિલવાનિયા શહેરના પરિવારનો એક તરુણ મિશિગનના હાઇલેન્ડ પાર્કમાં જન્મીને ઊછર્યો. બાળપણથી સંગીતનો દિવાનો. સંગીતની થોડીક બાકાયદા તાલીમ પણ લીધેલી. સતત અજંપ રહે. કંઇક નવું કરવું છે એવી  એની પ્રબળ ઇચ્છા. હું ગાઉં અને આજની ટીનેજર પેઢી નાચી ઊઠે એવું મારે કંઇક કરવું છે. બિલ હેલી એનું નામ. જો કે આખું નામ વિલિયમ જ્હોન ક્લીફ્ટન હેલી. દોસ્તો એને બિલ હેલી કહેતા. એના બેન્ડનું નામ પણ બિલ હેલી બેન્ડ હતું. દિવસરાત મહેનત કરતો. નીત નવા અખતરા કરતો. એમાંથી એણે સંગીતની પોતાની એક શૈલી સર્જી. 

એ જમાનો એલ્વિસ પ્રિસ્લીનો હતો. બિલ હેલી પ્રિસ્લી કરતાં કંઇક જુદું અને યુગસર્જક કરવાનાં સપનાં જોતો હતો. એક દિવસ બિલ પિયાનો પર બેઠો હતો. એના મનમાં એક ગીતના શબ્દો રમતા હતા. એ ગીતો પણ લખતો. એ ગીતો પોતેસ્વરબદ્ધ કરીને ગાતો પણ ખરો. તે દિવસે એ પોતાના નવા ગીત રોક અરાઉન્ડ ધ ક્લોક (ચોવીસે કલાક રોક ડાન્સ કર્યા કરો.)ની તર્જ અંકે કરી રહ્યો હતો. યસ, એ રોક એન્ડ રોલ શૈલીનો પ્રણેતા ગણાયો. એની આ નવી શૈલીના ગીત સંગીતની હજારો નહીં, લાખો નકલો વેચાઇ. આમ તો એણે રોક એન્ડ રોલના અસંખ્ય ગીતો લખ્યાં છે. આપણને આ રોક અરાઉન્ડ ધ ક્લોક ગીત સાથે સંબંધ છે.

આ ગીતનાં તર્જ અને લયમાં એક અનોખી તાજગી હતી. યુવા પેઢીને આકર્ષે એવો તરવરાટ હતો. 1950ના દાયકામાં બિલ હેલી ભારતની મુલાકાતે આવેલો. મદ્રાસ (આજનું ચેન્નાઇ), કોલકાતા અને લખનઉ જેવાં થોડાંક સ્થળોએ એનો સુપરહિટ અને હાઉસપેક્ડ કાર્યક્રમ થયેલો. બિલ હેલીનું આ રોક અરાઉન્ડ ધ ક્લોક ગીત આપણા અન્ના સાહેબ અર્થાત્ સી રામચંદ્રના સાંભળવામાં આવ્યું. એમણે તરત એના પરથી કોઇ હિન્દી ગીત તૈયાર કરવાનો નિર્ણય કર્યો. મજા જુઓ. સી રામચંદ્ર જેવોજ વિચાર અન્ય બે ફિલ્મ સંગીતકારોના મનમાં આવ્યો. એક હતા એન દત્તા (દત્તા નાઇક) અને બીજા હતા રવિ. એક વિદેશી તર્જ પર આધારિત ગીત હિન્દી ફિલ્મમાં મુકવાનો વિચાર. 

સૌથી પહેલાં આ ગીતની તર્જ ઊઠાવવાની તક મળી એન. દત્તાને. યોગાનુયોગે ફિલ્મ સર્જક મહેશ ભટ્ટના પિતા નાનાભાઇ ભટ્ટ મિસ્ટર એક્સ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. વિજ્ઞાનપ્રેમી એક પ્રોફેસર અદ્રશ્ય થઇ શકાય એવું કોઇ રસાયણ કે સાધન શોધી રહ્યા હતા. (વરસો પછી આ જ વિષય પરથી શેખર કપૂરે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ બનાવેલી.) મિસ્ટર એક્સ ફિલ્મમાં એન દત્તાએ આ તર્જ પરથી મજરૂહ સુલતાનપુરી પાસે ગીત લખાવડાવ્યું. એ ગીત એટલે આ લાલ લાલ ગાલ જાન પે હૈ લાગુ.... 1957ના જાન્યુઆરીની પહેલીએ આ ફિલ્મ રજૂ થઇ. લાલ લાલ ગાલ મુહમ્મદ રફીએ ગાયું.

રમૂજી ઘટના એ બની કે એ જ દિવસે એટલે કે 1957ના જાન્યુઆરીની પહેલીએ એક જબરદસ્ત કોમેડી ફિલ્મ પણ રજૂ થઇ. ફિલ્મ સર્જક એમ વી રામને આશા નામની ફિલ્મ બનાવી જેમાં કિશોર કુમાર અને વૈજયંતીમાલા મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મમાં બિલ હેલીની પેલી તર્જ પરથી સી રામચંદ્રે ઇના મીના ડીકા ગીત બનાવ્યું.  આ ગીત રાજેન્દ્ર કૃષ્ણે લખ્યું અને કિશોર કુમાર તથા આશા ભોંસલેએ ગાયું. ધમાલ મચી ગઇ. ટીકાકારો ટીકા કરતા રહ્યા મિસ્ટર એક્સ તથા આશા બંનેનાં ગીતો સુપર ડુપર હિટ સાબિત થયાં.

પછીના વરસે અર્થાત્ 1958ના જાન્યુઆરીમાં વધુ એક કોમેડી ફિલ્મ આવી. ફિલ્મ સર્જક એસ ડી નારંગની આ ફિલ્મમાં કિશોર કુમાર સાથે નૂતન મુખ્ય ભૂમિકામાં હતી. અહીં સંગીતકાર રવિએ બિલ હેલીની તર્જ પરથી મજરૂહ સુલતાનપુરી પાસે એક ગીત લખાવ્યું. આમ આ વિદેશી તર્જ પરથી બનેલા બબ્બે ગીતો મજરૂહ સુલતાનપુરીએ રચેલાં. ખરું પૂછો તો આ ગીત બાળકોને અંગ્રેજી મૂળાક્ષરો કે શબ્દો શીખવતા હો એવું હતું. સીએટી કેટ કેટ માને બિલ્લી, આરએટી રેટ રેટ માને ચૂહા... આ ગીતે પણ ધમાલ મચાવી. 

1957ને આજે સડસઠ વર્ષ થવા આવ્યાં. એમ કહો કે સંગીત રસિકો અને ફિલ્મ રસિયાઓની આખી બે પેઢી બદલાઇ ગઇ. પરંતુ આ ગીતોનો જાદુ એવોને એવો જ છે. જ્યારે જ્યાં પણ આ ગીતો રજૂ થાય છે ત્યારે ઓડિયન્સ સ્થળ કાળ ભૂલીને નાચવા માંડે છે એટલે કાર્યક્રમના આયોજકોએ નાચગાનની ધમાલમાં ક્યાંક તોફાન ન થઇ જાય એની તકેદારી રાખવી પડે છે. વિદેશી તર્જની ઊઠાંતરી કહો કે નકલખોરી કહો કે અનુસર્જન કહો, જે કહો તે પણ બીજા બહુ ઓછાં વિદેશી ગીતે દાયકાઓ સુધી આવો જાદુ સર્જ્યો હોવાનું સાંભળ્યું નથી. એક તર્જ, એક લય, ત્રણ સંગીતકાર, ત્રણ ફિલ્મ અને ત્રણે ત્રણનો જાદુ ત્રણ ત્રણ પેઢી સુધી અકબંધ !


Comments

  1. ખુબ જ સંશોધનાત્મક માહીતી.... 🌹👍🌹

    ReplyDelete

Post a Comment