જસ્ટિસ વર્માના વિવાદે ન્યાયતંત્ર વિશે કોમન મેનમાં શંકા જગાડી...

 

દિલ્હી હાઇકોર્ટના જજ તરીકે ફરજ બજાવી રહેલા જસ્ટિસ યશવંત વર્માના બંગલામાં રૂપિયા પાંચસો પાંચસોની અસંખ્ય નોટો સળગતી સ્થિતિમાં મળેલી. એ પછી એમને અલાહાબાદ હાઇકોર્ટમાં મોકલી દેવાયા. જસ્ટિસ વર્માનેત્યાંથી મળેલી માતબર રકમના કિસ્સાની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિએ જસ્ટિસ વર્માને કાઢી મૂકવાની ભલામણ કરી. સવાલ એ છે કે  એમની સામે આવાં કડક પગલાં લેવાય એ પછી પણ સામાન્ય માણસના મનમાં જાગેલી શંકા દૂર થશે ખરી ? આ સવાલનો જવાબ ખરેખર વિકટ છે. વાત વિચારવા જેવી છે. અત્યાર અગાઉ લોકશાહીનાં ચાર પગલાંમાં એક માત્ર ન્યાયતંત્ર પર સામાન્ય માણસનો વિશ્વાસ ટકી રહ્યો હતો. 

ધારાસભા, કારોબારી અને મિડિયા પરનો સામાન્ય માણસનો વિશ્વાસ ક્યારનોય ડગી ગયો હતો. એકમાત્ર ન્યાયતંત્ર પર એ વિશ્વાસ ટકી રહ્યો હતો. છેલ્લા થોડા સમયથી બની રહેલા બનાવો એ વિશ્વાસના પાયા પર પ્રહાર કરી રહ્યા છે. જસ્ટિસ યશવંત વર્માનો કિસ્સો બન્યો એ પહેલાં તમને યાદ હોય તો એક એવો અહેવાલ પ્રગટ થયો હતો કે દર ત્રીજી હાઇકોર્ટના જજ કોઇના અંકલ હોય છે. અંગ્રેજીમાં અંકલ શબ્દ વપરાયો હતો. એના ચાર અર્થ ગુજરાતીમાં કરી શકાય- પિતૃ પક્ષે કાકા, ફુઆ, માતૃ પક્ષે મામા અને માસા. (અંગ્રેજીમાં પેટર્નલ અને મેટર્નલ અંકલ એવા શબ્દો વપરાય છે.)

અદાલતોમાં જજ અને વકીલ તરીકે કાકા-ભત્રીજા કે મામા-ભાણેજ સામસામે હોય ત્યારે વાદી-પ્રતિવાદીને અદાલતી કાર્યવાહી પર શંકા જાગે એ સમજી શકાય એવી વાત છે. અન્યાયનો ભોગ બનેલા અરજદારને ન્યાય મળશે કે કેમ એ વિશે શંકા જાગે જ. આ વિશે પ્રગટ થયેલા અહેવાલમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ઓછામાં ઓછા ત્રણસો પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં પોતાના સંબંધીને જજ તરીકે મોકલ્યા હતા. બીજા શબ્દોમાં એમ કહેવાય કે સુપ્રીમ કોર્ટમાં પણ કાકા મામા જજ તરીકે બિરાજે છે. આ ભૂતપૂર્વ પ્રધાનના કહેવા મુજબ કમ સે કમ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના દરેક ત્રીજા જજ કોઇ ને કોઇના અંકલ હતા.

દેશમાં હાલ પચીસ હાઇકોર્ટ છે. કેન્દ્ર સરકારે દરેક હાઇકોર્ટને વધુમાં વધુ બાસઠ જજની ફાળવણી કરી છે. પરંતુ ભાગ્યેજ કોઇ કોર્ટમાં પૂરેપૂરા બાસઠ જજ છે. મોટે ભાગે પિસ્તાલીસથી પચાસ જજ હોય છે. દર ત્રીજા જજ કોઇ ને કોઇ વકીલના અંકલ હોય તો એ જજ-વકીલ સાથે સંકળાયેલા કેસને એકસો ટકા તટસ્થ કે નિષ્પક્ષ કેવી રીતે ગણવો ? આ સિસ્ટમને "અંકલ જજ સિન્ડ્રોમ" તરીકે વર્ણવાઇ હતી. માત્ર પંજાબ હરિયાણા હાઇકોર્ટ સુધી આ વાત મર્યાદિત હોય તો તો જાણે સમજ્યા. પરંતુ દેશની દરેક હાઇકોર્ટમાં જો અંકલ જજ સિન્ડ્રોમ હોય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા વિશે દરેક નાગરિકને શંકા જાગવાની શક્યતા વધી જાય.

જજોની નિમણૂક અને અન્ય બાબતો અંગે કોલેજિયમ અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદના પગલે આ ચર્ચા  શરૂ થઇ હોવાનું કહેવાય છે. સુપ્રીમ કોર્ટે જે જસ્ટિસ યશવંત વર્માને દૂર કરવાની ભલામણ કેન્દ્રને કરી એ જસ્ટિસ વર્મા વિશે હિન્દુ તરફી દરેક કેસનો જબરદસ્ત વિરોધ કરનારા તેમજ મુસ્લિમોને લગતા દરેક કેસમાં લઘુમતીના વકીલ તરીકે સેવા આપનારા (સવાયા મુસ્લિમ જેવા) કપિલ સિબલનો અભિપ્રાય જાણવા જેવો છે. કપિલ સિબલ તો જસ્ટિસ યશવંત વર્માને ફાઇનેસ્ટ જજ તરીકે બિરદાવે છે. જસ્ટિસ વર્માના બંગલામાંથી મળેલા કરોડો રૂપિયા વિશે સિબલ રહસ્યમય મૌન સેવે છે. ફાઇનેસ્ટ જજના બંગલામાં આટલી મોટી રકમ ક્યાંથી આવી એ એક યક્ષપ્રશ્ન છે. એનો જવાબ કદી નહીં મળે.

મહત્ત્વની વાત એ છે કે આ અંકલ સિન્ડ્રોમનો જેટલો વહેલો અંત આવે એટલું સારું. અંગ્રેજીમાં એક લોકોક્તિ છે- સીઝર્સ વાઇફ મસ્ટ બી એબો ડાઉટ... કોમન મેનના મનમાં ન્યાયતંત્ર અને ન્યાયમૂર્તિ વિશે અત્યાર સુધી જે આદરભાવ રહ્યો છે એ ટકી રહે એટલા માટે પણ જજો સમ્રાટ સીઝરની પત્નીની જેમ શંકાથી પર થઇ જવા ઘટે.


Comments