ઉજળિયાત અને ઉચ્ચ હોદ્દેદાર પુરુષનો અહં ઘવાય ત્યારે પશુ જાગી ઊઠે !

છેક નીચલી ગણાય એવી સ્મોલ કોઝિઝ કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી લગભગ રોજ નવા નવા કેસ ઊભા થતા જાય છે. અત્યાર સુધીમાં કરોડો કેસ વિલંબિત પડ્યા છે. એનો નિકાલ આવતાં બીજાં પચીસ ત્રીસ વર્ષ નીકળી જાય. બીજી બાજુ અદાલતોમાં જજોની સંખ્યા પૂરતી નથી. વકીલો તારીખ પે તારીખ માગ્યા કરીને પોતાનાં ગજવાં ભરતાં રહે છે. એવા સમયે હાઇકોર્ટના એક જજ દ્વારા બીજા જજને હેરાન કરવાના સમાચાર આવે ત્યારે સામાન્ય માણસને આશ્ચર્યનો આંચકો લાગે. એને એવો ખ્યાલ ન આવે કે જજ પણ મારા જેવો માણસ છે. મારામાં જે ખૂબી-ખામી હોય એ જજમાં પણ હોવાની. ઇર્ષા-અદેખાઇ, અંગત ગમા-અણગમા, પોતે ઊંચી જાતના છે એવું મિથ્યાભિમાન. હોદ્દાની તુમાખી. સંસ્કારિતાનો અભાવ. આવું બધું જજોમાં પણ હોવાનું. આ કિસ્સો એ રીતે વિચારવા જેવો છે. માણસ બીજાનો ન્યાય કરતી વખતે પોતાનો ચહેરો આયનામાં કેમ નહીં જોતો હોય ? કોઇની કામ કરવાની આવડત બીજા કરતાં વધતી-ઓછી હોઇ શકે. એ સ્વાભાવિક છે.

સુપ્રીમ કોર્ટમાં ગયા અઠવાડિયે એક કેસ આવ્યો. એ કેસની વિગતો વાંચીને સુપ્રીમ કોર્ટના જજ સાહેબો પણ ચોંકી ઊઠ્યા. આ શું થઇ રહ્યું છે ? વાત માંડીને કરવા છે. રા. સ્વ. સંઘના વડા મોહન ભાગવતથી માંડીને હિન્દુ, જૈન તથા શીખ ધર્મના સાધુસંતો હવે ખુલ્લંખુલ્લા કહે છે કે ઊંચનીચના ભેદ છોડો અને સંગઠિત થાઓ. એવા સમયે આ કેસ આંખ ઊઘાડનારો છે. ઝારખંડ હાઇકોર્ટમાં અનુભા રાવત ચૌધરી નામનાં એક મહિલા જજ છે. તેજસ્વી મહિલા છે. એને હાલ ધાવણું સંતાન છે. કોઇ પણ માતાને ધાવણા બાળકની ચિંતા રહે એ સ્વાભાવિક છે. નિયમ અનુસાર આ મહિલા ચાલુ પગારે 92 દિવસની રજા લઇ શકે. એમણે ઝારખંડ હાઇકોર્ટના વરિષ્ઠ જજને રજાની અરજી આપી. પેલા ભાઇના દિમાગમાં  હોદ્દાની અને સત્તાની રાઇ ભરાઇ ગઇ હશે. એમણે રજાની અરજી ફેંકી દીધી. રજા-બજા નહીં મળે. ચૂપચાપ કામ કરો. આ મહિલાએ અપમાન તો સહન કરી લીધું. પણ બેસી ન રહ્યાં.

અનુભાએ સુપ્રીમ કોર્ટને અરજી મોકલી કે મને રજા જોઇએ છે. પરિસ્થિતિ આવી છે. છતાં મારી રજા નામંજૂર કરવામાં આવી છે. યોગાનુયોગે આ મહિલા દલિત છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને પૃચ્છા કરી કે શું વાત છે ભૈ ? આ મહિલાની રજા કયા કારણસર નામંજૂર થઇ છે ? અનુભાની રજા નામંજૂર કરનારા સાહેબની ડાગળી ચસકી. આ બાઇની આટલી હિંમત કે અમારી વિરુદ્ધ સુપ્રીમમાં અરજી કરે ? એમણે આ મહિલાના વાર્ષિક રિપોર્ટમાં એમની વિરુદ્ધ અઘટિત રિપોર્ટ લખ્યો જેથી આ મહિલાનું પ્રમોશન કે પગાર વધારો અટકી જાય. હવે અનુભાને ગુસ્સો આવ્યો. આ તો ચોર કોટવાલને દંડે એવી વાત થઇ.

અનુભાએ ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. એમાં અથથી ઇતિ સુધી બધી વિગતો લખી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્ર અને જસ્ટિસ મનમોહનની બેંચ સમક્ષ આ કેસ આવ્યો. બંને જજસાહેબ અપસેટ થઇ ગયા. એક દલિત મહિલા માનનીય દ્રોપદી મુર્મુ આ દેશના રાષ્ટ્રપ્રમુખ (રાષ્ટ્રપતિ) તરીકે કાર્યરત છે ત્યારે અન્ય દલિત મહિલાને હાઇકોર્ટ આ રીતે હેરાન કેવી રીતે કરી શકે ? શા માટે હેરાન કરે છે ? સુપ્રીમ કોર્ટે ઝારખંડ હાઇકોર્ટ પાસે ખુલાસો માગ્યો છે કે આ કેસ અમારા સુધી કેમ પહોંચ્યો છે અને સંબંધિત મહિલા જજને આ રીતે હેરાન કયા કારણે કરવામાં આવે છે એનો ખુલાસો તત્કાળ આપો.

ગયા સપ્તાહે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાનનો રહસ્યમય ક્રેશ થયો એ આઘાતના આંચકાને કારણે આ સમાચાર તરફ આપણા સૌનું ધ્યાન ગયું નહીં. વિચારવાનું એ છે કે અપરાધીને સજા કરનારા જજને પોતાને આ રીતે અદાલતના સાથી કર્મચારીઓ (અહીં સાથી જજો) આ રીતે હેરાન કરે તો મારા તમારા જેવા સામાન્ય નાગરિકની વાત ક્યાં રહી ? સંબંધિત મહિલા જજનો વાંક એટલો જ છે કે એ દલિત છે.


Comments