પેન પરિક્રમા-15 ગુરુઓં કે ગુરુ, ઉસ્તાદોં કે ઉસ્તાદ માસ્ટર નવરંગ નાગપુરકર


આજે તો મહાનગર મુંબઇના વાંદરા ઉપનગરની સ્કાયલાઇન સંચોડી બદલાઇ ગઇ છે. ગીચતા અને ભીડભાડ વધી ગયાં છે. ચારેક દાયકા અગાઉ એવું નહોતું. એ દિવસોની વાત છે. લગભગ રોજ પરોઢિયે એક સજ્જન મોર્નિંગ વોક કરવા નીકળતા. વાંદરા લેક પાસે એક સરસ મંદિર છે. ત્યાં નમસ્કાર કરીને એ ચાલવાની શરૂઆત કરે. અર્ધું સુતરાઉ ખમીસ, એવુંજ સુતરાઉ પેન્ટ, બંને ઇસ્ત્રી વગરનાં પણ સ્વચ્છ. પગમાં કોલ્હાપુરી ચંપલ. કસરતી કાયા. જો કે બેઠી દડીનું શરીર. આંખો પર ઠીક ઠીક જાડી ફ્રેમના ચશ્મા. જે કોઇ સામે મળે એ નમસ્કાર માસ્ટરજી એમ સંબોધન કરે. છેક 79 વર્ષની વય સુધી ટટાર ચાલે અને પૂરેપૂરી તંદુરસ્તી જાળવીને સૂરીલું જીવન જીવનારા એ માસ્ટરજી એટલે શાસ્ત્રીય અને સુગમ સંગીતના ધુરંધર કલાકારોના ગુરુ માસ્ટર નવરંગ જોગેશ્વર નાગપુરકર. નામ નવરંગ અને સંગીતની કલામાં પણ નવરંગી પ્રતિભા. જુદા જુદા દસ બાર વાજિંત્રો પૂરેપૂરી નિપુણતાથી વગાડે. ગાવાનું તો ખરું જ.

 પહેલાં  શિષ્યા, પછી જીવન સાથી નીલાતાઇ સાથે

-------------------------

અટક સૂચવે છે એમ માસ્ટરજી મૂળ નાગપુરના. 1919ની નવરાત્રિ દરમિયાન જન્મેલા એટલે માતુશ્રીએ નામ પાડ્યું નવરંગ. પિતા જોગેશ્વર ભારતીય સંગીતના શોખીન. ખૂબ સાંભળે. ક્યારેક પોતે પણ અભંગ ગાય. એમના એ સંસ્કાર નવરંગ પર પડ્યા. પિતા આ બાળકની ઇચ્છા સમજી ગયા એટલે એને સંગીતની તાલીમ અપાવવાની શરૂઆત કરી. પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરના પ્રખ્યાત ગ્વાલિયર ઘરાનાના પંડિત કૃષ્ણારાવ શંકર પંડિત પાસે બે વરસ શીખ્યા. પછી પંડિત નારાયણરાવ વ્યાસ, અમદાવાદમાં પંડિત શંકરરાવ વ્યાસ અને પાછળથી ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં જોડાયેલા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સંગીત શીખ્યા. 1940માં મુંબઇમાં ભીંડીબજાર ઘરાનાના ઉસ્તાદ અમાન અલી ખાન પાસે શીખતા થયા. અવાજ પૌરુષભર્યો પણ મધુર. એ સિવાય ખૂબ ઓછાબોલા.

ગ્રહણ શક્તિ એવી જબરદસ્ત કે સાત વર્ષની વયે એક જલસામાં જલતરંગ પર રાગદારી વગાડીને ઓડિયન્સને મુગ્ધ કર્યું. તાળીનો ગડગડાટ થયો. પરંતુ આ બાળકને તાળીની બહુ પડી નહોતી. એ તો સ્ટેજ પરથી ઊઠીને ચાલતો થયો. 1935થી યુવાન વયે મુંબઇ રેડિયો પરથી શાસ્ત્રીય ગાયન શરૂ કર્યું. દેશ આઝાદ થયા પછી લગભગ નિયમિત  આકાશવાણી મુંબઇની બી ચેનલ પરથી એમનું ગાયન રજૂ થતું. 

દરમિયાન, એમને ગુરુજીનો આદેશ થયો કે તારી પાસે હવે બંદિશોનો ખજાનો છે. તું હવે વિદ્યાદાન કરવા માંડ. દક્ષિણ મુંબઇના સિક્કાનગરથી ચાર ડગલા દૂર આનંદ ભવનની સામે આંગ્રે વાડી નામે એસ્ટેટ છે. એમાં હિંદ વિદ્યાલય નામની મરાઠી માધ્યમની શાળા. એના આચાર્ય માસ્ટર નવરંગના ચાહક. એમણે રોજ સાંજે છ વાગ્યે સ્કૂલનો સમય પૂરો થાય ત્યારબાદ સંગીતના વર્ગો ચલાવવાની રજા આપી. માસ્ટરજીએ સંગીત મંદિર નામે સંસ્થા સ્થાપી. સાવ નજીવી ફી લઇને સંગીત શીખવવાનું શરૂ કર્યું.


 ગઝલ  સમ્રાટ પંકજ ઉધાસના મ્યુઝિક રૂમમાં ગુરુજી સાથે અજિત પોપટ અને સરોજ પોપટ.

--------------

એમની પ્રતિષ્ઠા એવી જામેલી હતી કે એક પછી એક કલાકારો એમના શાગિર્દ થવા લાગ્યા. એવાં કેટલાંક નામો જાણવા હોય તો જગપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે, પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુર, ગઝલના શહેનશાહ પંકજ ઉધાસ, ગુજરાતી સુગમ સંગીતના ટોચના ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય, ઉદય મઝુમદાર, કૌમુદી મુનશી, લિજેન્ડરી ફિલ્મ સર્જક વી શાન્તારામનાં પુત્રી અને પંડિત જસરાજજીનાં પત્ની મધુરા, પંડિત જિતેન્દ્ર અભિષેકી, શુભા વ્યાસ, પાછળથી માસ્ટરજીનાં પત્ની બનેલાં નીલાતાઇ, પંડિત જગન્નાથ પ્રસાદ, પ્રમિલા દાતાર... આ યાદી ખાસ્સી લાંબી થવા જાય છે. કોઇ આપવડાઇના ભાવ વિના કહું તો અમે પતિપત્ની બંને (અજિત અને સરોજ પોપટ) પણ માસ્ટરજીના શિષ્યો. એમના માર્ગદર્શન હેઠળ 1986માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની સંગીત વિશારદની ડિગ્રી મેળવી. 

બોરિવલીમાં અમે સંગીત મંદિરની શાખા શરૂ કરી ત્યારની તસવીરી ઝલકમાં પ્રવચન કરી રહેલા અનુપ જલોટા, માસ્ટરજી, પૂજ્ય મુકુંદરાયજી ગોસ્વામી અને અજિત પોપટ.

---------------------

આટઆટલા ધુરંધર કલાકારોના ગુરુ હોવા છતાં માસ્ટરજી એકદમ નમ્ર. એમના સ્વભાવમાં ક્યાંય દંભ-દેખાડો કે અહં જોવા મળે નહીં. 1980ના દાયકામાં એક ગુરુપૂર્ણિમા નિમિત્તે અમે ચિત્રલેખામાં ગુરુશિષ્ય વિશે કવર સ્ટોરી કરી ત્યારે એમને ઇન્ટરવ્યૂ આપવા માટે ખૂબ સમજાવવા પડેલા. રીતસર ભાઇબાપા કરવા પડેલા. એમને મિડિયામાં ચમકવાનો જરાય ઉમળકો નહીં. અમારા ગુરુભાઇ પંકજભાઇએ (પંકજ ઉધાસે )એમને માંડ માંડ તૈયાર કર્યા. પંકજભાઇના મ્યુઝિક રૂમમાં અમે મળ્યાં. એમણે ફોટોગ્રાફ્સ લેવા દીધા. એ કવરસ્ટોરીને સારો આવકાર મળેલો.

અમે બોરિવલીમાં સંગીત મંદિરની શાખા શરૂ કરી ત્યારે માસ્ટરજી એવી શરતે આવેલા કે મને ભાષણ કરતાં આવડતું નથી. હું એક અક્ષર પણ બોલીશ નહીં. ભજન સમ્રાટ અનુપ જલોટા, માસ્ટરજી અને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના મોટા મંદિર (ભૂલેશ્વર, ત્રીજા ભોઇવાડાના) વરિષ્ઠ આચાર્ય પ્રખર વીણાવાદક પૂજ્ય મુકુંદરાયજી ગોસ્વામીજી આ પ્રસંગે પધારેલા. માસ્ટરજી અમારા પ્રયાસોથી ખૂબ ખુશ હતા. એ કહેતા, લખવાનું ચાલુ રાખજો. કલમ દ્વારા પણ સંગીતનો પ્રચાર કરો અને બાળકોને ભારતીય સંગીત તરફવાળીને પણ સંગીતની સેવા કરો. મારા આશીર્વાદ સદૈવ તમારી સાથે છે. આજે માસ્ટરજી સદેહે આપણી વચ્ચે નથી. પરંતુ એમણે આપેલા સંગીતના સંસ્કાર અમારી જીવન સંધ્યાને વધુ આનંદમય બનાવે છે. 


Comments

Post a Comment