આંગિક, વાચિક અને સંવેદનાત્મક અભિનય સાથે કોઇ કલાકાર ગાઇ શકતો હોય એ એની વિશેષતા ગણાય. સંગીતની જાણકારી એની કલામાં પૂરક બની શકે. હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ શરૂ થયું એ પહેલાં સિનિયરમોસ્ટ અભિનેતા અશોક કુમાર જેવાએ પણ પોતાની ફિલ્મોનાં ગીતો ગાયેલાં. પાર્શ્વગાયન શરૂ થયું એ સાથે એક અને ખરા અર્થમાં અજોડ કલાકારનો ઉદય થયો. એ અજોડ ગાયક અભિનેતા એટલે ગઇ સદીના ત્રીજા દસકામાં છવાઇ ગયેલા કુંદનલાલ સાયગલ. એમનો સ્વાભાવિક અભિનય અને દૈવી કહી શકાય એની એમની ગાયકી. એમનાં ગીતો આજની યુવા પેઢીને પણ ઘણે અંશે આકર્ષે છે. જો કે સાયગલનો જીવનદીપ બહુ નાની ઉંમરમાં વિરમી ગયો. એમના પછીના દાયકાઓમાં આવેલા મોટા ભાગ પ્લેબેક સિંગર્સે સાયગલની શૈલીને આત્મસાત કરવાના ભરપુર પ્રયાસો કર્યા.
આજના સિનિયર સિટિઝન જેમનાં ગીતો સાંભળતાં ધરાતાં નથી એવા મોટા ભાગના ગાયકોએ પરદા પર અભિનય કરવાના પ્રયાસો પણ કરી જોયા. મુહમ્મદ રફી 1945માં રજૂ થયેલી ફિલ્મ લૈલા મજનુમાં રૂપેરી પરદા પર દેખાયા. હૃદયસ્પર્શી અને દર્દીલા ગીતોથી છવાઇ ગયેલા મૂકેશજીએ તો ચારેક ફિલ્મોમાં અભિનય કરી જોયો. નિર્દોષ (1941), આદાબ અર્જ (1943), આહ અને માશુકા (1953) મૂકેશજીની ફિલ્મો.
મખમલી કંઠના ગાયક તલત મહેમૂદે તો ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. ટોચના સંગીતકાર જયકિસન પણ એકાદ ફિલ્મમાં પરદા પર દેખાયા. કિશોર કુમાર આ બધાંથી અળગ તરી આવે. એ માત્ર ગાયક નહોતા. અચ્છા અભિનેતા-કોમેડિયન, ફિલ્મ સર્જક અને સંગીતકાર પણ હતા. અહીં માત્ર હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા પુરુષ ગાયકોની વાત નોંધી છે. પંકજ મલિક જેવા બંગાળી કલાકારોની વાત જુદી છે.
ગાયક અભિનેતા તલત મહેમૂદ અને કિશોર કુમાર સિવાય બાકીના બધા એટલે કે મુહમ્મદ રફી, મૂકેશ અને જયકિસનને બહુ જલદી સમજાઇ ગયું કે આપણે જે કલામાં માહિર છીએ એ જ પકડી રાખવી બહેતર છે. તલત અને કિશોરે તો ઘણી ફિલ્મો કરી.કિશોર કુમારે તો પાછળથી મુહમ્મદ રફીને થોડા સમય માટે પાછળ રાખી દીધા. આટલી પૂર્વભૂમિકા પૂરતી છે.
હવે આજથી એક એવા કલાકારની વાત શરૂ કરવી છે જેણે પોતે નક્કી કરેલી મંજિલ સુધી પહોંચવા સારો એવો સંઘર્ષ કર્યો. એ સંઘર્ષ ફળ્યો તો એવો ફળ્યો કે આજે એ ટોચનો કલાકાર ગણાય છે. એના સંઘર્ષકાળનો એક નાનકડો પ્રસંગ માણવા જેવો છે.
મુંબઇના અંધેરી ઉપનગરમાં માતાપિતા સાથે આ ટીનેજર મકાનના બીજા મજલે એક ઓરડીમાં રહેતો. પરિવારની અથવા કહો કે પિતાની આવક નિશ્ચિત નહોતી એટલે ઘરમાં ઝાડુપોતા કરવાથી માંડીને ભોજન પછી એંઠાં વાસણ માંજવામાં એને નાનપ નહોતી લાગતી. વચ્ચે વચ્ચે કપડાં પણ ધોતો. સાથે સાથે કંઇક ગણગણ્યા કરતો.
એ નીચે ઊતરે ત્યારે એક દુકાનદાર એને મજાકમાં કહેતો કે અહીંથી પસાર થતી છોકરીઓ અંદર અંદર વાત કરતી હોય છે કે બીજા માળે રહેતા દંપતીનો નોકર ખૂબ રૂપાળો છે. જાણે કોઇ ફિલ્મ એક્ટર... દુકાનદારની વાત સાંભળીને આ ટીનેજર સહેજ મલકી લેતો. પોતાની પ્રશંસાને એ ગંભીરતાથી લેતો નહીં. આજે પણ પ્રશંસાથી એ ફૂલાતો નથી અને ટીકાથી વ્યથિત થતો નથી.
કારકિર્દી પર નજર કરીએ તો એણે બાળ કલાકાર તરીકે થોડીક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. યુવાન થયા પછી પણ બે ચાર ફિલ્મોમાં અભિનય કર્યો. ચોકલેટી ચહેરો અને આકર્ષક વ્યક્તિત્વ તો હતું. એણે ધાર્યુ હોત તો અભિનેતા તરીકે પણ સફળ થયો હોત. પણ ચહેરા પર મેકપ કરીને આંખો આંજી નાખતી ફ્લડ લાઇટ્સથી ઘેરાઇને કેમેરા સામે અભિનય કરવાની એની કોઇ યોજના નહોતી, ન તો અભિનય એની આખરી મંજિલ હતો. એને તો પોતાના આરાધ્ય દેવ જેવા એક કલાકારની જેમ સ્વરસાધના કરવી હતી. એનો સંઘર્ષ, એનો પુરુષાર્થ અને એની અખૂટ ધીરજે એને ઝળહળતી કામિયાબી અપાવી. આવતા શુક્રવારથી એ કલાકારની વાતો અને એની કલાનો આસ્વાદ આપણે લેવાના છીએ. કયા કલાકારની વાતો આપણે કરવાના છીએ એની કલ્પના કરવાની તમને છૂટ છે.
Comments
Post a Comment