પેન પરિક્રમા-14 આરબ અને મુસ્લિમ દેશોમાં પણ ફિલ્મી ભજનોનો જાદુ


યજમાન દંપતી બાદલ અને ઝરણા સાથે લેખક દંપતી

--------------------------------

ફેસબુકના મારા દોસ્તો, ક્યારેક જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે એક કરતાં વધુ વખત વિસ્મયનો અહેસાસ થાય. 2024ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં મને અને સરોજને ઓમાનના એક નાનકડા નગર સલાલાહમાં બે સપ્તાહ રોકાવાની તક મળી હતી. આ એક અત્યંત રળિયામણું નગર છે. માત્ર ચાર લાખની વસતિ સામે આસમાની, મોરપિંછ રંગ અને સોનેરી રંગના મોજાં સાથેના બીચ, બરાબર સાગરનાં ઊછળતાં મોજાંની સમાંતર પહાડો, કોતરો, ખીણો અને માણસોની વસતિ કરતાં અનેકગણાં વૃક્ષો તેમજ પશુ-પંખી. પચાસ સાઠ વરસ પહેલાં આરબો તંબુમાં રહેતા અને ઊંટ દ્વારા નિર્વાહ કરતા. આજે મોટા ભાગના આરબ દેશોની સિકલ બદલાઇ ચૂકી છે. એમાંય દૂબઇ તો જાણે પ્રવાસીઓ માટે સ્વર્ગ બની રહ્યું છે. આપણે વાત સલાલાહની કરીએ છીએ.

સૌથી પહેલું વિસ્મય એ કે અમેરિકી ડોલર, બ્રિટિશ પાઉન્ડ કે યુરો કરતાં ઓમાનની કરન્સી વધુ મોંઘી છે. એક ડોલરના એંસી રૂપિયા કે એક પાઉન્ડના આશરે સો રૂપિયા પકડો તો ઓમાનના એક રિયાલના (અમારા પ્રવાસ દરમિયાન) રૂપિયા 216 -બસો સોળ હતા. સલાલાહમાં આંખે ઊડીને વળગે એવી બાબત સ્વચ્છતા અને લોકોનું સ્વૈચ્છિક શિસ્ત હતું. પાંચસો ફૂટ દૂરથી ટ્રાફિક સિગ્નલ ઓરેંજ થતું દેખાય એટલે આપોઆપ વાહન થંભી જાય. દરેક વાહનની મિનિમમ સ્પીડ 80 થી 100 કિલોમીટરની પણ દરેક વાહન ચાલક અન્યને આગળ જવા દેવા તૈયાર.



 લેખકને વહાલ કરી રહેલું એક હરણબાળ

--------------------------------------------

અમારા યજમાન બાદલ અને ઝરણાં ખૂબજ પ્રેમાળ. આખી સોસાયટીમાં બધાં એમને ચાહે. આડોશીપાડોશીને જાણ થઇ કે અમે આવ્યાં છીએ તો બધાં સામેથી મળવા આવવા માંડ્યાં અને અત્યંત પ્રેમથી કહેશે, અમારે ત્યાં જમવા પધારો. અહીં અમદાવાદના બે કુટુંબ છે. એક કુટુંબ પટેલ છે અને બીજું બ્રાહ્મણ છે. બ્રાહ્મણ પરિવારના મોભી પિયુષભાઇને જૂનાં યાદગાર સંખ્યાબંધ ફિલ્મ ગીતો મોઢે છે. એમણે અમને દેશી જમણ પીરસ્યું. ખીચડી, રસાવાળું બટેટાનું શાક અને ભાખરી. 

 સોસાયટી વિશે વધુ વાત કરીએ એ પહેલાં બીજી એક વાત કરવી જરૂરી છે. કચ્છના એક સાહસિક ઉદ્યોગપતિ (મારા નામધારી) અજિતભાઇ અમલાઇએ અહીં આશરે બાવીસ ત્રેવીસ વરસ પહેલાં એક દવા કંપની સ્થાપી છે. ઓમાન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ્ કંપની. અમારા યજમાન બાદલ આ કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વડા છે. આ કંપનીમાં દેશના લગભગ દરેક રાજ્યના પ્રતિભાશાળી યુવાનો કામ કરે છે. કંપનીએ પોતાના કર્મચારીઓ માટે એક કોલોની બનાવી છે. એ ઓમાન ફાર્મા કોલોની તરીકે જાણીતી છે. અહીં તમને ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, હિન્દી, તમિળ, તેલુગુ, ઉડિયા, બંગાળી, આસામી એમ દરેક પ્રદેશના દરેક ભાષા અને ધર્મના લોકો મળી આવે. કોલોનીના રહેવાસીઓ એટલા બધા સંપ-સહકારથી રહે છે કે તમે કલ્પી ન શકો. અહીં મુસ્લિમ પરિવારો પણ છે. તમામ રહેવાસીઓ વચ્ચે ગજબનો ભાઇચારો છે.

આ કોલોનીમાં બે સપ્તાહના રોકાણ દરમિયાન અમને કેટલાંક બાળકોની સ્કૂલ તરફથી અપાતી ડાયરી જોવાની તક મળી. ખરું વિસ્મય ડાયરી વાંચી ત્યારે થયું. આરબ દેશની ભારતીય બાળકો માટેની સ્કૂલમાં પ્રાર્થના તરીકે હિન્દી ફિલ્મોનાં બે ત્રણ યાદગાર ગીતો જોવા મળ્યાં. એવું પહેલું ગીત- રાધર ભજન, એટલે ફિલ્મ મૈં ચૂપ રહુંગી (સુનીલ દત્ત, મીના કુમારી, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીત ચિત્રગુપ્ત)નું તુમ્હીં હો માતા પિતા તુમ્હીં હો, તુમ્હીં હો બંધુ સખા તુમ્હીં હો... આ ભજન રાગ ભૈરવીમાં છે. જો કે સ્કૂલના સંચાલકોએ ગીતમાં થોડી છૂટ લીધી છે. કદાચ રાજેન્દ્ર કૃષ્ણની પરવાનગી લીધી હશે.

મૂળ ગીત ફિલ્મમાં અનાથ આશ્રમનો એક બાળક ગાય છે (જે વાસ્તવમાં નાયક સુનીલ દત્ત અને નાયિકા મીના કુમારીનો પુત્ર છે પણ સંજોગવશાત્ અનાથ આશ્રમમાં ઊછર્યો છે. આ ભજન નાયક-નાયિકાના પુનર્મિલનમાં નિમિત્ત બને છે). ઓમાનની સ્કૂલના સંચાલકોએ બીજા અંતરામાં શબ્દફેર કર્યો છે. ફિલ્મમાં અનાથ આશ્રમનું બાળક ગાય છે એટલે બીજા અંતરાની પહેલી પંક્તિ એવી છે કે જો ખિલ શકે ના વો ફૂલ હમ હૈં, તુમ્હારે ચરણોં કી ધૂલ હમ હૈં.... ઓમાનની સ્કૂલમાં ગવાતી પંક્તિ આ રહી- જો કલ ખિલેંગે વો ફૂલ હમ હૈં, તુમ્હારે ચરણોં કી ધૂલ હમ હૈં... કેટલો સરસ ફેરફાર ! અમે આવતી કાલે ખીલવાનાં છીએ. આવતી કાલના નાગરિક છીએ. 

બીજું જે ફિલ્મી ભજન અહીં પ્રાર્થના રૂપે ગવાય છે એ ફિલ્મ અંકુશનું છે. જૂનાં ફિલ્મ ગીતોના રસિયા સિવાય બહુ ઓછા લોકો આ ફિલ્મના ગીતકાર-સંગીતકારનું નામ જાણતા હશે. એ ગીત એટલે ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના... ગીતકાર અભિલાષ (મૂળ નામ ઓમપ્રકાશ). સંગીતકાર કુલદીપ સિંઘ. આ ગીત પણ અહીંની સ્કૂલોમાં પ્રાર્થના તરીકે ગવાય છે. ઘણાને ખ્યાલ નહીં હોય કે આ ગીતના રચનાર અભિલાષના અંતિમ દિવસો સાવ મુફલિસીમાં વીત્યા. દસ મહિના પથારીવશ રહ્યા. સખત બીમાર હતા. કેન્સરનો ભોગ બન્યા હતા. જેમની આ રચના વિવિધ દેશોમાં અને ખાસ તો મુસ્લિમ તથા આરબ દેશોમાં ગવાતી હોય એ ગીતભવકાર સાવ દરિદ્ર સ્થિતિમાં 2020ના સપ્ટેંબરની 27મીએ આ ફાની દુનિયા ત્યજી ગયા. રસપ્રદ વાત એ ડ્રાઇવર જ  આ પહાડો પર કાર ચલાવી શકે કારણ કે માર્ગમાં ઠેર ઠેર એવાં બોર્ડ આવે કે  મિનિમમ સ્પીડ 80 કિલોમીટરની હોવી જોઇએ. અહીં મોટા ભાગના લોકો પાસે જપાની ટોયોટા કાર છે. ઇવન માલવાહક ટેમ્પો અને ટ્રક પણ ટોયોટાની.


સૂફી સંત જોબની દરગાહના  દરવાજે માહિતીદાયક બોર્ડ

-----------------------------

રણજિત નામના એક કેરળવાસી યુવાન અમને આ પહાડો પર અને જુદા જુદા બીચ પર ફરવા લઇ જતા.અત્યંત કુશળ ડ્રાઇવર. ગમે તેવો વળાંક આવે રણજિત આરામથી કાર ચલાવે. એ અમને એક દુર્ગમ કહી શકાય એવા પહાડ પર આવેલી એક સંતની દરગાહ પર લઇ ગયા. એ દરગાહે પણ અમને વિસ્મયનો અનુભવ કરાવ્યો. ઓલ્ડ ટેસ્ટામેન્ટ તરીકે જાણીતા ટિઅને કુરાને શરીફમાં આ સંતનો ઉલ્લેખ છે. એમનું નામ જોબ હોવાનું બોર્ડ પર લખેલું હતું. ખ્રિસ્તી ધર્મને બે અઢી હજાર વરસ જૂનો ગણીએ તો આ સંતએ પહેલાં અહીં આવ્યા હોવા જોઇએ. અતિ દુર્ગમ પહાડો અને ગીચ જંગલ ઓળંગીને આ સૂફી સંત અહીં શી રીતે આવ્યા હશે એ વાતનું વિસ્મય થાય. દરગાહની બહાર એક પાટિયા પર એમના વિશે થોડી માહિતી લખેલી હતી. એ અહીં આવ્યા અને ભૂખ-તરસ સાથે બંદગી કરતા. એક વાર વખૂબ પ્યાસ લાગી ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે હવે. એ મને થોડી  મદદ કરો. એમની પ્રાર્થના સ્વીકારાઇ અને નજીકની એક પહાડી પર અચાનક ઝરણું વહેતું થયું. પછી આ સંત અહીં જ રહી ગયા. ારે

ઓમાનને લોબાનના જન્મસ્થળ તરીકે પણ ઓળખાવાય છે. આપણે ઘણીવાર માર્ગમાં એવા ફકીરને જોઇએ છીએ જે  ક હાથમાં ધૂપદાની અને બીજા હાથમાં સળગતા કોલસા પર પંખો નાખતા હોય. થોડી થોડી વારે ધૂપદાનીમાં લોબાનનો ભૂકો ભભરાવતા હોય. સૌથી શુદ્ધ અને ખૂશ્બોદાર લોબાનનાં અહીં અસંખ્ય વૃક્ષો છે. લોબાન તરીકે ઓળખાતું આ દ્રવ્ય વૃક્ષ પરથી મળે. વૃક્ષની છાલ ખેંચો. પછી એક પ્રવાહી વહેતું થાય. એ સુકાઇ જાય ત્યારે આ કામના અનુભવી શ્રમિકો એને ઊખેડી લ્યે. એ પછી એને ધૂપ તરીકે વાપરી શકાય. આખા ઓમાનમાં લોબાનનાં હજારો વૃક્ષો છે. કેટલાક સ્થળે એવાં પાટિયાં જોવા મળે જેમાં ઓમાનને લોબાનના જનક  (પિતા ) તરીકે ઓળખાવ્યું હોય.

અહીં બે સરસ મંદિરો છે. એક મંદિર ફક્ત ગણપતિબાપાનું છે. બીજું મંદિર તમામ દેવ-દેવીઓથી સજ્જ છે. એ મંદિરમાં અમે સ્વાધ્યાય પ્રણેતા દાદા પાંડુરંગ શાસ્ત્રીજીની છબી અને સ્વાધ્યાય પરિવારને લગતી અન્ય તસવીરો છે. આ મંદિરમાં અમે માદર્શન કરવા ગયા ત્યારે એક મંડળી હાર્મોનિયમ, તબલાં ઢોલક અને મંજિરાં સાથે ભજન કરી રહી હતી. મંડળીના તમામ સભ્યો સાઉથ ઇન્ડિયન. તાજેતરમાં દક્ષિણ ભારતના એક પોલિટિશ્યને સનાતન ધર્મને ખતમ કરવાની હાકલકરી હતી એ તમને યાદ હશે. બીજી બાજુ આ સાઉથ ઇન્ડિયન ભક્તો ભગવાન શ્રી રામનાં ભજનો હિન્દીમાં ઉમળકાભેર ગાઇ રહ્યા હતા. આ મંડળી અઠવાડિયે બે ત્રણ વાર ભજન કરવા આવે છે માહિતી અમને આપવામાં આવી.

સલાલાહની વાત કરીએ ત્યારે સર્પોદ્યાન તરીકે ઓળખાતા વિસ્તારની મુલાકાત લેવાની ઇચ્છા થાય. પરંતુ અમારા યજમાને એ તરફ જવાની ના પાડી. આ વિસ્તારમાં અત્યંઅત જોખમી વળાંકો ધરાવતી પહાડીઓ છે.  એની કોતરોમાં દોઢથી બે ફૂટ લાંબા સાપના રાફડા છે. વિશ્વના સૌથી ઝેરી ગણાતા સાપ-નાગ અહીં છે. માણસ ચાલે ત્યારે જમીનમાં એના વાઇબ્રેશનને કારણે સાપ રાફ઼ડાની બહાર આવી જાય. એટલે અમારા યજમાને અમે એ તરફ જવાની ચોખ્ખી ના પાડી.

સલાલા વિશે બીજું ઘણું લખી શકાય. આજે આટલું બસ. વધુ ફરી ક્યારેક.

Comments