પેન પરિક્રમા-14 ગઝલ સમ્રાટ ગણાતા હોવા છતાં અત્યંત નમ્ર ઇન્સાન- પંકજ ઉધાસ

 


 પૂજ્ય ગુરુજી માસ્ટર નવરંગ, પંકજભાઇ, અજિત અને સરોજ

---------------------

બિનાકા ગીતમાલા જોડે સંકળાયેલા હતા એવા ઘુંટાયેલા ખરજના કંઠના જાદુગર અમીન સયાનીની વિદાયના સમાચાર હજુ તાજા હતા ત્યાં સોમવારે 27મી ફેબ્રુઆરીએ સવારે ગઝલગાયકીના બેતાજ બાદશાહ પંકજ ઉધાસની વિદાયના સમાચાર મળ્યા ત્યારે સ્તબ્ધ થઇ જવાયું. ગંભીર ઊર્દૂ-પર્શિયન ગઝલને આમ આદમી માણી શકે એવી સરળ તર્જ-લયમાં રજૂ કરવામાં પંકજભાઇનો જોટો જડવો મુશ્કેલ છે. એ પોતે ભલે બેગમ અખ્તર અને જગજિત સિંઘની ગાયકીના ચાહક હતા. એમણે પોતે તો સરળતા જ પસંદ કરી. પત્રકાર તરીકે એમને એક કરતાં વધુ વખત મળવાની તક મળી હતી.

મને એમના વ્યક્તિત્વનું જે પાસું સૌથી વધુ સ્પર્શી ગયેલું એ એમની નમ્રતા હતી. પોતાના ક્ષેત્રના સર્વોચ્ચ શિખર પર બિરાજતા હતા પરંતુ એમના પગ ભોંય પર હતા. અહંકાર ગોત્યો જડે નહીં. એટલા બધા નમ્ર અને સાદગીપૂર્ણ કે તમને રસ્તે ચાલતાં મળી જાય તો કલ્પના પણ ન આવે કે આ માણસ દુનિયાભરના ગઝલ પ્રેમીઓને ડોલાવે છે. એમને જ્યારે જ્યારે મળવાનું થયું ત્યારે એમની ગાયકી ઉપરાંત એમની નમ્રતા અમને મંત્રમુગ્ધ કરતી. ચિત્રલેખા પરિવારના ફિલ્મ સામયિક જી માટે એમને એક કરતાં વધુ વખત મળવાનું થયેલું. ગમે તેવા અટપટા સવાલોના જવાબ એ સાવ સ્વાભાવિક રીતે આપતા. દંભનું નામનિસાન નહીં.


આ કલાકારની સાદગી તો જુઓ.  ઇન્ટરવ્યૂ આપવા બેઠાં છે પરંતુ જરાય ભપકો નહીં. સાવ  સાદાં

વસ્ત્રોમાં બેઠાં છે.

----------------------

અમને સૌથી વઘુ વિસ્મય તો ત્યારે થયું જ્યારે અમને અકસ્માત જાણવા મળ્યું કે  અમે (હું અને સરોજ) એમના ગુરુબાંધવ છીએ. ફરક માત્ર એટલો હતો કે એમને માટે સંગીત વ્યવસાય હતો, અમારે માટે સંગીત શોખ પૂરતું અને પત્રકાર તરીકે લખવા માટે હતું.

ચિત્રલેખા સામયિકના એક વિશેષાંક માટે ગુરુ-શિષ્ય પરંપરા (સંગીતની ભાષામાં ઘરાના) વિશે લખવાનું થયું ત્યારે અમને જાણ .થઇ કે પંકજભાઇ પણ ગ્વાલિયર ઘરાનાના દિગ્ગજ પંડિત નવરંગ નાગપુરકરના શિષ્ય છે. પૂજ્ય નવરંગ સર વિશે ફરી ક્યારેક લખીશ. લેખના સંદર્ભમાં અમે ગુરુજીની હાજરીમાં પંકજભાઇના મ્યુઝિક રૂમમાં બેઠાં હતાં. એ અલૌકિક ક્ષણે ગુરુજી અને પંકજભાઇ સાથે રિયાઝ દરમિયાન બેસવાની તક મળી. આ લખાણ સાથે એ યાદગાર તસવીર રજૂ કરી છે.

પંકજભાઇની ઔર એક વિશેષતા એટલે સૌનો આદર કરવાની તેમની તત્પરતા. એમના સાજિંદા સાથે વાત કરો ત્યારે એ વાતનો ખ્યાલ આવે. વીતેલા જમાનાના અદ્વિતીય મેંડોલીનવાદક અને સંગીતકાર સજ્જાદ હુસૈનનો એક પુત્ર પંકજભાઇ સાથે મેંડોલીન વગાડે. પંકજભાઇ એનો પરિચય કરાવે ત્યારે અચૂક સજ્જાદ હુસૈનનો ઉલ્લેખ આદરસહિત કરે. પોતાના દરેક સાજિંદાનું માન જળવાય એની તકેદારી રાખે. દરેકની સગવડ સચવાય એની પૂરેપૂરી કાળજી લેતા.

મારા એક પુસ્તકની પ્રસ્તાવના ધુરંધર સાહિત્યસ્વામી શ્રી ચંદ્રકાંત બક્ષીએ લખી છે. એમણે મને સૂચવેલું કે ઊર્દૂ ભાષા-લિપિ વિશેનું આ પુસ્તક છે એટલે તું પંકજ ઉધાસ પાસે આવકાર જેવું કંઇક લખાવે તો સારું. મેં પંકજભાઇને ફોન કર્યો. અત્યંત વ્યસ્ત હોવા છતાં અને વિદેશ જવાની પૂરતૈયારી હોવા છતાં મને કહે કે અબી હાલ આવી જા. હું તૈયાર કરાવી રાખું છું. .કંઇ ફેરફાર કરવો હોય તો તારી હાજરીમાં થઇ જશે. મારે રીતસર અંધેરીમાં આવેલા ચિત્રલેખા કાર્યાલય પરથી પેડર રોડ દોડવું પડ્યું. હું પહોંચ્યો ત્યારે એ એરપોર્ટ જવાની તૈયારીમાં હતા. પરંતુ ચહેરા પર જરાય ઉચાટ કે ઉતાવળ નહીં. મને કહે કે લખાણ જોઇ લે. બરાબર હોય તો આપણે નીકળીએ. આ શબ્દો ફરી વાંચો. આપણે નીકળીએ એટલે કે મારે પેડર રોડથી બોમ્બે સેન્ટ્રલ જઇને ટ્રેન ન પકડવી પડે એટલા માટે એ પોતાની કારમાં મને અંધેરી સુધી લઇ જવાના હતા. કયો દિગ્ગજ કલાકાર આવી સહજતા દાખવે એ મને કહો.

ક્યારેક કોઇ અન્ય સમારંભમાં મળી જાય તો અચૂક ખબરઅંતર પૂછે. એકવાર અનુપ જલોટાના આલ્બમના વિમોચન પ્રસંગે અમે ભેગા થઇ ગયા. અમે અનુપજીના પિતાશ્રી ભજન સમ્રાટ પુરુષોત્તમદાસ જલોટાજી સાથે બેઠેલા. એ ટેબલ પાસે આવીને પહેલાં કમરેથી ઝુકીને જલોટાજીને પ્રણામ કર્યા. પછી અમારાં બંનેનાં ખબરઅંતર પૂછ્યા. ત્યારબાદ અનુપજીને મુબારકબાદ દેવા ગયા.

આવા ઉમદાદિલ માનવી અને ગઝલ ગાયકીના ટોચના કલાકારની વિદાયથી એક યુગનો અસ્ત થયો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. દુઃખ એક વાતનું થાય કે બંને મોટાભાઇઓ શ્રી મનહરભાઇ અને નિર્મલભાઇ આપણી વચ્ચે છે ત્યારે સૌથી નાના એવા પંકજભાઇએ ઓચિંતી વિદાય લઇ લીધી. આ વસમો આઘાત જીરવવાની પંકજભાઇના પરિવારને પરમાત્મા શક્તિ આપે અને સદ્ગતના આત્માને ચિર શાંતિ બક્ષે એવી પ્રાર્થના. એમણે  ગાયેલી ગઝલો આપણી પાસે છે જે આપણને સતત પંકજભાઇની યાદ તાજી કરાવશે.


Comments