એક ક્રાન્તિકારી વિચારને સાકાર કર્યો
------------------------
મકર સંક્રાન્તિના આગલા દિવસે શનિવાર, તારીખ 13 જાન્યુઆરીએ બપોરે મારા ગાયકું-સંગીતકાર મિત્ર ઉદય મઝુમદારનો વ્હોટસ એપ આવ્યો- કિરાણા ઘરાનાની દિગ્ગજ ગાયિકા ડોક્ટર પ્રભા અત્રેનું પૂણેમાં 91 વર્ષની વયે નિધન... મારા પર તો જાણે વજ્રાઘાત થયો. કરોડો સંગીત રસિકો માટે ટોચની ક્લાસિકલ ગાયિકા પ્રભા અત્રે. અમારાં માટે પ્રભાતાઇ. મરાઠી ભાષામાં તાઇ એટલે મોટીબહેન. એ કેવા સંજોગોમાં મોટીબહેન થયાં એ વાત આગળ આવશે.
પ્રભાતાઇ સાથે પ્રથમ પરિચય 1976ના જાન્યુઆરીમાં. મુંબઇના રંગભવનમાં સૂર સિંગાર સંસદ તરફથી દર વર્ષની જેમ સ્વામી હરિદાસ સંગીત સંમેલનનું આયોજન થયેલું. એ દિવસોમાં મુંબઇમાં માત્ર બે ગુજરાતી દૈનિકો. સવારનું મુંબઇ સમાચાર અને સાંજનું જન્મભૂમિ. હું જન્મભૂમિ સાથે સંકળાયેલો હતો. મારા ઉપરી સાથે વાત કરીને મેં ટિકિટ ખરીદીને સ્વામી હરિદાસ સંગીત સંમેલન કવર કરવાનો નિર્ણય કર્યો. એ સમારોહ દરમિયાન પ્રભાતાઇનો અલપઝલપ પરિચય થયો. સમારોહ પૂરો થયો. આખી વાત વિસરાઇ ગઇ. મને એમ હતું કે આટલા મોટા કલાકાર કોને કોને યાદ રાખે અને કોને ભૂલી જાય..
પરંતુ ના, એ મને ભૂલ્યાં નહોતાં. થોડા સમય પછી જન્મભૂમિ કાર્યાલયના સરનામે એક જાડું પરબીડિયું આવ્યું.. એમાં પચાસેક પ્રશ્નો અંગ્રેજીમાં પૂછ્યા હતા. સાથે એક સાવ ટૂંકી નોંધ હતી- હું મારા પીએચ.ડી.ના થિસિસ માટે એક સર્વેક્ષણ કરી રહી છું. મિડિયા અને શાસ્ત્રીય સંગીત એવા વિષયના આ સર્વે માટે તમને પ્રશ્નાવલિ મોકલું છું. જવાબ આપીને ઉપકૃત કરશો. મેં મારી સમજ પ્રમાણે જવાબો આપ્યા.
સરોજને પ્રેમથી માર્ગદર્શન આપ્યું------------------------
કોઇ ગુજરાતી પત્રકારને શાસ્ત્રીય સંગીતના ટોચના કલાકાર દ્વારા મળેલી આ પહેલવહેલી સ્વીકૃતિ. એ જ રીતે ગુજરાતી પત્રકારત્વમાં શાસ્ત્રીય સંગીત સમારોહ વિશે લખનાર પ્રથમ પત્રકાર તરીકેનું બહુમાન પણ મને મળ્યું. પ્રભાજીનો થેંક્યુનો સંદેશો પણ મળી ગયો. મને ત્યારબાદ જાણ થઇ કે મોટા ભાગના સમકાલીન ક્લાસિકલ કલાકારોને ઔપચારિક શિક્ષણ મળ્યું નથી. બીજી બાજુ પ્રભાજી તો ડબલ ગ્રેજ્યુએટ હતા. બી.એ. એલ.એલ.બી. થયેલાં હતાં. ઉપરાંત સંગીતમાં એમણે અનુસ્નાતક સુધીની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ડોક્ટરેટ મેળવ્યું. લગભગ આખી દુનિયામાં કાર્યક્રમો કર્યા. કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં મ્યુઝિક વિભાગના વડા તરીકે સેવા આપી. પરંતુ નમ્રતાનો સાક્ષાત અવતાર. એમનું સ્મિત મેગ્નેટિક (ચુંબકીય) હતું. વિદ્વત્તાનો જરાય ભાર નહીં. નિખાલસતા પણ નોંધવા જેવી. એ કહેતાં, અમારા ઘરાનામાં સરગમની લયકારીની પરંપરા નથી. મને ઉસ્તાદ અમીર ખાનની આ પ્રકારની લયકારી ગમી એટલે મેં પણ અપનાવી લીધી.
અમે જુદા જુદા સંગીત સમારોહોમાં મળી જતાં. એમની દ્રષ્ટિ મારા પર પડી જતી. ગ્રીન રૂમમાં મળીએ ત્યારે સ્મિતની આપલે થતી. આમ ને આમ વરસોનાં વહાણાં વીતી ગયાં. 1980ના દાયકામાં પરદેશથી પાછાં ફર્યા બાદ હું ચિત્રલેખા સાથે સંકળાયેલો હતો. એક દિવસ બપોરે એમનો ફોન આવ્યો. મૈં પ્રભા અત્રે બોલ રહી હું... મેં આશ્ચર્યનો આંચકો અનુભવ્યો. કંઇ બોલું એ પહેલાં એમણે આગળ કહ્યું કે મેં જન્મભૂમિમાંથી તમારો સંપર્ક નંબર મેળવ્યો. તમારી સાથે થોડીક વાત કરવી છે. મેં તરત કહ્યું કે હું એકાદ કલાકમાં તમારે ત્યાં પહોંચું છું. હરકિસનભાઇની પરવાનગી લઇને હું મારા ટુ વ્હીલર પર નીકળી પડ્યો. એ દિવસોમાં પ્રભાજી વેસ્ટર્ન રેલવેના માટુંગા વિસ્તારમાં રહેતા. એમને ઘેર પહોંચ્યો. એમણે કદાચ મને પોતાના ઘરની બારીમાંથી સ્કૂટર પાર્ક કરતાં જોઇ લીધો.
અમે મળ્યાં કે તરત પહેલાં તો હેતથી ઠપકો આપ્યો. પૂછ્યું, ક્યાંથી આવ્યા ? અંધેરીના વીરા દેસાઇ રોડ પરથી. તો ટ્રેનમાં કેમ ન આવ્યા ? મેં કહ્યું કે તમને મળવાની અધીરાઇ હતી. તો કહે, એવી અધીરાઇમાં ક્યારેક અકસ્માત થઇ જાય તો ? જાનથી જઇએ અથવા કોઇ અંગ કાયમ માટે નકામું થઇ જાય. બીજીવાર આવી ભૂલ કદી નહીં કરતા. મેં કહ્યું સોરી તાઇ... બસ ત્યારથી એ મારાં તાઇ અર્થાત્ મોટી બહેન બની રહ્યાં. એ પછી હું કાયમ તેમને તાઇ કહેતો.
------------------------------
સરોજ સાથે લગ્ન પછી અમે એમને મળવા ગયાં ત્યારે વાતવાતમાં એમણે સરોજને સૂચન કર્યું કે તારો કંઠ ઠુમરી, દાદરા, ચૈતી, હોરી, ભજન, ગઝલને અનુરૂપ પૂરબ અંગના ગાયકો જેવો છે. તું એ દિશામાં આગળ વધવાની મહેનત કરજે. સરોજે ગ્વાલિયર ઘરાનાના પંડિત નવરંગ નાગપુરકર પાસે રહીને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીત વિશારદ કર્યું. ફર્સ્ટ ક્લાસ આવ્યો. પ્રભાતાઇ ખુશ થયાં. એ પછી સરોજે શામચોરાસી ઘરાનાના દિગ્ગજ (અને અનુપ જલોટાના પિતા) ભજન સમ્રાટ પુરુષોત્તમદાસ જલોટાજી પાસે ભજન ગાયનની વધુ સઘન તાલીમ લીધી.
હવે મૂળ વાત. મને ચિત્રલેખામાંથી પ્રભાતાઇએ ઘેર કેમ બોલાવેલો. એમને એક ક્રાન્તિકારી કહેવાય એવો વિચાર આવેલો. લગભગ દર ગુરુપૂર્ણિમાએ વિવિધ કલાકારોના શિષ્યો ગુરુપૂજન કરે છે. એ વિશેના અહેવાલો મિડિયામાં પ્રગટ પણ થાય છે. પરંતુ ક્યારેય કોઇ મહિલા ગુરુની ગુરુવંદનાનો કાર્યક્રમ થયાના અહેવાલો વાંચવા મળતાં નથી. હું તો તેમની વાત સાંભળીને ચકિત થઇ ગયો. કેવો વિરલ વિચાર. મેં ઉત્સાહપૂર્વક એમને બિરદાવ્યાં થોડી વાતો કરીને અમે છૂટાં પડ્યાં.
થોડા દિવસ પછી મને સંદેશો મળ્યો કે મહિલા ગુરુવંદનાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિલે પારલે પૂર્વમાં આવેલી પાર્લે કોલેજના હોલમાં અમુક દિવસે કાર્યક્રમ છે. તમારે આવવાનું છે. મારી પાસે એક નોન-પ્રોફેશનલ કેમેરા હતો. એ લઇને હું કાર્યક્રમના સ્થળે સમયસર પહોંચી ગયો. ત્યાં શું જોઉં છું. સભાગૃહ ખીચોખીચ ભરેલું છે. મહિલા ગુરુઓમાં જે તે ઘરાનાની દિગ્ગજ મહિલાગુરુઓ હાજર છે. સર્વશ્રી ગંગુબાઇ હંગલ, સરસ્વતી રાણે, જ્યોત્સનાબાઇ ભોળે, માણિક ભીડે, નૃત્યગુરુ ડોક્ટર કનક રેળે અને એક તથા અજોડ સિતારા દેવી. પ્રભાતાઇ પોતે પણ ખરાં. આટલા બધાં મહિલા કલાકારોને સાચવવા, એમનો અહંક્લેશ ન થાય એ રીતે એમનું ક્રમશઃ સન્માન કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ પ્રભાતાઇએ કુનેહપૂર્વક આખુંય કામ પાર પાડ્યું. મને ગ્રીન રૂમમાં બોલાવીને હાજર મહિલા ગુરુઓ સાથે પરિચય કરાવ્યો.
------------------------------------
મેં પેલા એમેચ્યોર કેમેરા વડે થોડાક ફોટા પાડ્યા. ચિત્રલેખા ગુજરાતી અને મરાઠીમાં આ કાર્યક્રમનો અહેવાલ પ્રગટ થયો. તાઇ ખુશ થયાં. બહુ ઓછાં દૈનિકોએ આ કાર્યક્રમમાં રસ લીધો હતો. આખરે તો આપણો સમાજ પુરુષ પ્રધાન ખરો ને... ફરી થોડો સમય વીતી ગયો. એકવાર વાતવાતમાં આપણા જગપ્રસિદ્ધ પાર્શ્વગાયક મનહર ઉધાસ સાથે વાત થતી હતી. મનહરભાઇએ કેટલાક સાંગીતિક મુદ્દા અંગે કોઇ જાણકાર વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં પ્રભાતાઇને ફોન કર્યો. એમણે એક રવિવારે સવારે દસેક વાગ્યે અમને મળવા બોલાવ્યા.
મનહરભાઇ વોર્ડન રોડથી પોતાની કારમાં નીકળ્યા. હું બોરિવલીથી દાદર પહોંચ્યો. મનહરભાઇએ મને કારમાં પિકપ કર્યો. અમે તાઇને ઘેર પહોંચ્યા. તાઇએ ઉમળકાભેર આવકાર આપ્યો. થોડી ઔપચારિક વાતો થયા પછી મનહરભાઇએ પોતાની જરૂરિયાત
જણાવી. તાઇએ કહ્યું, તમે તો મોખરાના અને સફળ પ્લેબેક સિંગર છો. તમને વધુ માર્ગદર્શનની જરૂર નથી. વળી, હું હવે મુંબઇ છોડીને પૂણે જઇ રહી છું. ત્યાં મારું ગુરુકૂળ શરૂ થઇ રહ્યું છે. એટલે તમારે મને મળવું હોય તો પૂણે આવવું પડે. મનહરભાઇના વ્યસ્ત સમયપત્રકને કારણે નિયમિત આ રીતે મુંબઇ-પૂણેની દોડાદોડ શક્ય નહોતી. એટલે પ્રભાતાઇને મળ્યાની યાદગીરી રૂપે ફોટા પડાવીને અમે છૂટાં પડ્યાં. એ અમારી છેલ્લી મુલાકાત.
એ પછી એકવાર તાઇ અમદાવાદમાં 100 ફિટ રોડ પરની એક આધ્યાત્મિક સંસ્થામાં કાર્યક્રમ આપવા આવ્યાં ત્યારે મળેલાં. હવે તાઇ સ્વરલોકમાં વિલીન થઇ ગયાં. મને અને સરોજને એમની કેટલીક સ્વરચિત બંદિશો ખૂબ ગમતી. એકાદ બેની ઝલક આપું તો વિરહિણી નાયિકાની મનોદશા રજૂ કરતી રાગ મારુબિહાગની મધ્યલય તીનતાલની રચના- જાગું મૈં સારી રૈના બલમા... અને રાગ કલાવતીની મધ્યલય એકતાલની બંદિશ તન મન ધન તો પે વારું....મને પંડિત જસરાજજીએ પ્રભાતાઇએ ગાયેલો રાગ ભૈરવ સાંભળવાની ખાસ ભલામણ કરેલી પણ પ્રભાતાઇના ભૈરવ અને મારી કુંડલી કદી મળી નહીં. તાઇની રેકોર્ડેડ રચનાઓ અમને સદા તાઇની યાદ આપતી રહેશે....
Comments
Post a Comment