ગુજરાતી ભાષાના કવિ સુરેશ દલાલના જીવનની એક ઘટના બહુ જાણીતી છે. ઘણું કરીને મુંબઇના ધોબીતલાવ વિસ્તારમાં આવેલા મેટ્રો થિયેટર પાસે બનેલી હોવાનું સાંભરે છે. એક મિત્ર સાથે સુરેશભાઇ કોઇ પાનવાળા પાસે કે અન્ય દુકાન પાસે ઊભેલા, એ સમયે એક અજનબીએ કહ્યું કે તું તો બહુ મોટો કવિ થવાનો છે. એ સમયે સુરેશભાઇએ કદાચ હસી નાખ્યું હશે, પણ પછી જે બન્યું એ આપણે સૌ જાણીએ છીએ. એવો જ એક આશ્ચર્યજનક કિસ્સો આ રહ્યો. આફ્રિકન દેશ ઝામ્બિયાના લુસાકા શહેરની એક હોટલમાં બનેલો છે. એક યુવાનને જોઇને આપણા એક ગુજરાતી ભૂદેવે કહેલું એક દિવસ તું ઝામ્બિયાનો રાષ્ટ્રપ્રમુખ થવાનો છે.
આજે તો કથાકાર, સાધુ, સંત અને સિદ્ધ પુરુષની સમૂળી વ્યાખ્યા બદલાઇ ગઇ છે. અથવા એમ કહો કે મિક્સ થઇ ગઇ છે. અધ્યાત્મની દુનિયાના સાધકો અને સિદ્ધ પુરુષો આ બધાથી અલગ હોય છે એ મિતભાષી અને અંતર્મુખ હોય છે. જાહેરમાં આવતા નથી અને આવે તો બહુ બોલતા નથી. ગુજરાતમાં તો વીરપુરના જલારામ બાપા, બગદાણાના બજરંગદાસ બાપા, આપા ગીગા, રંગ અવધૂત, પૂજ્ય મોટા વગેરે ઘણા સાધકો અને સિદ્ધ પુરુષો થઇ ગયા.
એ સૌની હરોળમાં મૂળશંકરભાઇ (બાપુજી)ને આવે છે. ગિરનાર પર્વતની યાત્રા દરમિયાન કનકાઇ નેસ નજીક એમને આદ્ય યોગીરાજ પૂજ્ય યોગાનંદજીનો સાક્ષાત્કાર થયો અને જનમોજનમના ગુરુ-શિષ્ય એક થઇ ગયા. આ યોગાનંદજી એટલે પરમહંસ યોગાનંગ- યોગી કથામૃતના કથાનાયક. ગુરુશિષ્યના આ સહવાસના પગલે બાપુજીને કેટલાક એવા અનુભવો થયા જેને વિજ્ઞાનની ભાષા કે વ્યાખ્યામાં સમજાવી શકાય નહીં.
પાતંજલ યોગશાસ્ત્રમાં જે સાધના વર્ણવી છે એ જુદી છે. યોગના નામે થતાં આસનો અલગ બાબત છે. મૂળશંકરભાઇના જીવનની કેટલીક યાદગાર ઘટનાઓને જિજ્ઞાસુઓ માટે સંકલિત કરીને એક પુસ્તક પ્રગટ કરાયું છે. છેલ્લા ચાર સાડા ચાર દાયકાથી વેપાર વાણિજ્ય (કોમર્સ)નું પત્રકારત્વ ખેડનારા શિરીષ મહેતાએ પૂજ્ય બાપુજીની ડાયરીના આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. એમાં કહેવાતા બાપુ-બાબાના ધતિંગ અને બોગસ ચમત્કારો ખુલ્લા પાડવા ઉપરાંત જેને ખરેખર યોગસાધના કરવી છે એણે શું કરવું જોઇએ એનું સચોટ માર્ગદર્શન પણ બાપુજીએ આપ્યું છે. ગુજરાત સમાચારમાં રહસ્યવાદ વિશે છેલ્લાં ત્રણ સાડા ત્રણ દાયકાથી લખનારા વિદ્વાન દેવેશ મહેતાએ પુસ્તકની પ્રસ્તાવનામાં પણ યોગસાધના વિશે સરળ સમજ આપી છે. યોગસાધનામાં રસ હોય એવા જિજ્ઞાસુઓ માટે આ પુસ્તક અનિવાર્ય (મસ્ટ) જેવું છે.
Comments
Post a Comment