પેન પરિક્રમા-12 કેવો અજીબોગરીબ ઇત્તેફાક, જેમને કદી ન જોયા છે ન ક્યાંય મળ્યો છું, એવા દિલેર દોસ્ત...!


અમારાં લગ્નમાં મારાં માતુશ્રી અને નવદંપતી સાથે સંગીતકાર કલ્યાણજીભાઇ

------------------------------------  

ખરેખર ગદ્ગદ થઇ જવાયું. જેમને કદી મળ્યો નથી, જેમના વિશે કશું જાણતો નથી, ક્યારેક ફેસબુક પર કોઇ પોસ્ટ જોઇ હશે. એથી વિશેષ કશું નહીં. હકીમ એટલે યુનાની ઔષધિના નિષ્ણાત ડોક્ટર અને રંગવાલા એટલે કલર મર્ચંટ. એવા જનાબ હકીમ રંગવાલાએ મારા તાજેતરમાં પ્રગટ થયેલા પુસ્તક ‘સ્વરબેલડી કલ્યાણજી આણદજી’ વિશે ટચૂકડો પરિચયાત્મક લેખ ફેસબુક પર લખ્યો અને એ લેખને ઘણો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો. મારા સાથી પત્રકારો સર્વશ્રી શિરિષ મહેતા, પ્રફુલ શાહ અને અનિલ રાવલે પણ અભિનંદન પાઠવ્યા. હું જનાબ હકીમ રંગવાલાનો શુક્રગુજાર છું. આ નિમિત્તે થોડીક અંગત વાત કરવાની ઇચ્છા જાગી.

આમ તો મારાં પુસ્તકો છેલ્લાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતી ભાષાના કદાચ સૌથી મોટા પ્રકાશક, રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રગટ થતાં રહ્યાં છે. પ્રવીણ પ્રકાશનના સંચાલક-માલિક શ્રી ગોપાલભાઇ માકડિયા (પટેલ) સાથે એટલાં જ વરસોનો જૂનો આત્મીય સંબંધ છે. પરંતુ કોરોના પછી નવાં પુસ્તકો પ્રગટ કરવાની મારી ઇચ્છા નહોતી. ગુજરાત સમાચારમાં કલ્યાણજી આણંદજીના સંગીત વિશેની મારી લેખમાળા સિનેમેજિક કોલમમાં પ્રગટ થયા પછી મારા સંગીતપ્રેમી મિત્ર  ચંદ્રશેખર વૈદ્યનો પ્રેમાગ્રહ કે હઠાગ્રહ જે કહો તે હતો, કે મારે કોઇ પણ હિસાબે આ પુસ્તક પ્રગટ કરવું જોઇએ. વૈદ્ય અમદાવાદની સૌથી જૂની ગ્રામોફોન ક્લબના સ્થાપકોમાં એક છે, સંગીતના ઊંડા અભ્યાસી છે અને જ્ઞાનપ્રભા જેવી સરસ લાઇબ્રેરી ચલાવી હોવાથી ખૂબ વાંચ્યું અને પચાવ્યું છે. એમનીદલીલ એવી પણ હતી કે અગાઉ સર્વશ્રી નૌશાદ, મદન મોહન, ઓ પી નય્યર અને શંકર જયકિસન વિશે પુસ્તકો પ્રગટ થયાં છે પરંતુ કલ્યાણજી આણંદજી વિશે કોઇ પુસ્તક પ્રગટ થયાનું ધ્યાનમાં નથી. આવનારી પેઢીઓ માટે પણ તમારે આ પુસ્તક પ્રગટ કરવું જ જોઇએ એવો ચંદ્રશેખરનો આગ્રહ હતો. એમણે જ ઝેનઓપસવાળા કિરણભાઇ ઠાકરનો પરિચય કરાવ્યો. 

વરસોનો આત્મીય સંબંધ હોવાથી હું અન્યત્ર પુસ્તક પ્રગટ કરાવું તો ગોપાલભાઇની લાગણી દૂભાશે, કદાચ એ નારાજ થશે એવા ભયે પણ મેં વૈદ્યનો આગ્રહ સ્વીકાર્યો. આ પુસ્તક પ્રગટ કરવાની દિશામાં આગળ વધ્યા. ગોપાલભાઇને હજુ સુધી આ વાત કહેવાની હિંમત હું કેળવી શક્યો નથી. દરમિયાન, મારા આપ્તજન જેવા વરિષ્ઠ સંગીતકાર આણંદજીભાઇ સાથે પણ આ બાબતે વાત થઇ. એમની ઉદારતા તો જુઓ. એમણે આશીર્વાદ રૂપે જે શબ્દો લખી આપ્યા છે એ શબ્દોએ મારી આંખના ખૂણા ભીના કરી નાખ્યા. એ પત્ર પણ અહીં રજૂ કરું છું. 



કલ્યાણજીભાઇ હયાત હતા ત્યારે એમની સાથે નિયમિત બેઠકો થતી. ક્યારેક તો સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી બેઠકો બીજી સવારે પાંચ વાગ્યે પૂરી થતી. ફિલ્મ સંગીતની ઘણી બારીક બાબતો એમની પાસે સમજવા મળી. મને ખૂબ પ્રેમ કરતા. મારા અને સરોજના પ્રેમલગ્ન વખતે આગલા દિવસના રેકોર્ડિંગનો થાક હતો અને લગ્નના દિવસે પણ રેકોર્ડિંગ હતું છતાં કલ્યાણજીભાઇ હાજર રહ્યા અને અમને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. એ પછી પણ એમની સાથેની બેઠકો  થતી રહી. 

મુરબ્બી શ્રી આણંદજીભાઇ સાથે લેખક અજિત પોપટ

--------------------------------------------------                              

             ચંદ્રશેખર જેવા દોસ્તના આગ્રહથી પ્રગટ થયેલુ આ પુસ્તક આપ સૌને ગમશે એવી મારી અપેક્ષા છે. વાસ્તવમાં આવાં હજુ બીજાં બે ત્રણ પુસ્તકો પ્રગટ કરી શકાય એવું કામ કલ્યાણજી આણંદજીએ કર્યું છે. બધા લેખકોને એમનું કામ ગમે એ જરૂરી નથી. કોઇ ટીકા કરે તો કરે. છાબડી ઢાંક્યે સૂરજ ઢંકાતો નથી. આણંદજીભાઇ આ ઉંમરે (90 પ્લસ) ફ્રી નથી. પ્રતિભાશાળી બાળકોને ગુરુકૂળ પદ્ધતિથી સંગીત શીખવે છે. અત્યારે ફિલ્મોમાં સંગીત પીરસતા નથી એનું કારણ પણ સમજવા જેવું છે. આ બંને ભાઇઓએ જે સમયગાળામાં મેલોડીપ્રધાન સંગીત પીરસેલું એ સમય હવે રહ્યો નથી. એટલે કલ્યાણજીભાઇની વિદાય પછી આણંદજીભાઇને ફિલ્મો ન મળી એમ કહેવું એ એમને અન્યાય કરવા બરાબર છે. આજે અર્થસભર ગીતો અને મેલોડી પ્રધાન સંગીત ક્યાં અન કેટલું છે એ આપણે સૌ જાણીએ છીએ. વધુ તો શું કહું. ફેસબુકના તમામ દોસ્તોનો અંતઃકરણપૂર્વક આભાર.


Comments

  1. ખુબ ખુબ દિલ થી અભિનંદન, અજિત ભાઈ. તમારાં આ ઉમદા કાર્ય નું મૂલ્ય અનેક ગણું એટલા માટે વધી જાય છે કે સન્માનનીય કલ્યાણજી આણંદજી ભાઈ ના સંગીત વિષે આજ સુધી કોઈ પુસ્તક પ્રસિદ્ધ થયું નથી એ ભગીરથ કાર્ય ને તમે પુર્ણ કરીને લાખો સંગીત પ્રેમીઓની ઘણા સમય ની ઈચ્છા પુર્ણ કરી છે. તમે કહેલી કલ્યાણજી આણંદજી વિશેની બીજી અસંખ્ય વાતો જે તમે આ બુક માં સમાવી નથી તેને પણ ભવિષ્ય માં જરૂર પ્રસિદ્ધ કરાશો વિપિન ડાભી. મહુવા

    ReplyDelete

Post a Comment