આપણા સારાનઠારા વિચારોનો પડઘો પીવાના પાણીમાં પડે ખરો ?


હેડિંગમાં પ્રશ્ન વાંચીને તમે જરૂર વિચારમાં પડી જવાના. પાણીમાં માણસના વિચારોનું પ્રતિબિંબ શી રીતે પડે એેવો સવાલ કોઇને પણ થાય એ સ્વાભાવિક છે. અગાઉ આ સ્થળેથી વાત કરેલી કે ગણેશપુરીના સ્વામી મુક્તાનંદ કહેતા કે આ સૃષ્ટિમાં કશું નિર્જીવ કે જડ નથી. વૃક્ષ-વનસ્પતિ, ફળ-ફૂલ, કાંકરા-પથરા દરેકમાં જીવ છે. આપણા વિજ્ઞાની ડોક્ટર જગદીશચંદ્ર બોઝે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુરવાર કરેલું કે વૃક્ષ-વનસ્પતિમાં જીવ છે. માણસના શરીરની વાત કરીએ તો વિજ્ઞાન કહે છે કે શરીરમાં 70 ટકાથી વધુ પાણી છે. માણસના સકારાત્મક કે નકારાત્મક વિચારોની અસર તંદુરસ્તી પર થાય છે. પચાસ ટકાથી વધુ બીમારી માનસિક કારણોથી થાય છે એવું તો આધુનિક તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે.

એક વિજ્ઞાની કોઇ સફળ પ્રયોગ કરે એના અનુસંધાનમાં બીજા વિજ્ઞાનીને બીજો કોઇ નવો પ્રયોગ કરવાની પ્રેરણા મળી જતી હોય છે. માણસના શરીરમાં 70 ટકા પાણી છે એવું પ્રતિપાદન થયા બાદ ઘણા પ્રયોગો થયા. એમાં એક પ્રયોગ ખૂબ મહત્ત્વનો છે. જપાનના એક વિજ્ઞાની ડોક્ટર મસારુ ઇમોટોએ આ પ્રયોગ કર્યો છે. એમનો પ્રયોગ ખરેખર રસપ્રદ છે. બે જુદા જુદા વાસણમાં ભરેલા પાણી પર આ પ્રયોગ ડોક્ટર ઇમોટોએ કર્યો. એક ગ્લાસમાંના પાણીની પ્રશંસા કરી, એના માટે થોડા સારા વાક્યો બોલ્યા. બીજા ગ્લાસમાંના પાણીને ધિક્કારી કાઢ્યું અને એની આકરી ટીકા કરી.  હવે વાંચજો ધ્યાનથી. જે ગ્લાસના પાણીના વખાણ કર્યા હતા એ એક બીમાર વ્યક્તિને દવા સાથે આપતાં એની તબિયતમાં સારો સુધારો દેખાયો. બીજા ગ્લાસનું પાણી જે દર્દીને આપવામાં આવ્યું એની તબિયતમાં થોડો વધુ બગાડો થયો. શક્ય છે, હાઇડ્રો થેરપીનું બીજ આવા પ્રયોગો દ્વારા રોપાયું હોય. પાણી બીમાર માણસને સારો કરી શકે છે એવી પ્રેરણા ડોક્ટર ઇમોટોના પ્રયોગો પછી પ્રચલિત થઇ હોઇ શકે. પાણીની પણ પોતાની યાદશક્તિ હોય છે એવું પણ એમણે પુરવાર કર્યું.

પાણીની ટીકા,પ્રશંસા અને અપશબ્દથી સર્જાયેલા આકારો...

------------------------------

એનો સરળ અર્થ એ કે પાણી પણ સજીવ છે. ડોક્ટર ઇમોટોએ ઔર એક પ્રયોગ જરા જુદી રીતે કર્યો. એક ડેમ (બંધ)ના પાણીના બે ગ્લાસ લઇને એકની પ્રશંસા અને બીજાની ટીકા કર્યા બાદ એ પાણીની ખાસ પ્રકારની ફોટોગ્રાફી કરવામાં આવી. જે ગ્લાસના પાણીની પ્રશંસા કરવામાં આવેલી એમાં સરસ મજાના ભરતગૂંથણ જેવી જલબિંદુઓની ડિઝાઇન રચાઇ ગઇ. બીજા ગ્લાસના પાણીમાં બેડોળ આકાર રચાઇ ગયા. એજ રીતે પાશ્ચાત્ય ક્લાસિકલ સંગીતકારો બીથોવન, મોરિસ, બાખ વગેરેની સંગીતિકા સંભળાવવામાં આવી ત્યારે મોતીનાં તોરણો જેવી ડિઝાઇન સર્જાઇ ગઇ. પોપ-રોક મ્યુઝિક સંભળાવવામાં આવ્યું ત્યારે કદરૂપી રચના સર્જાઇ ગઇ.

આપણી પરંપરામાં પંચ મહાભૂતની વાત આવે છે- પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ. આપણાં પુરાણોમાં દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં જે આયુધો વપરાયાં એમાં અગ્નિનું હથિયાર અને વરુણનું હથિયાર એવા શબ્દપ્રયોગો આવે છે. અગ્નિ આગ લગાડે એમ પાણી આગ બુઝાવે. એનો અર્થ એ પણ ખરો કે પાણીમાં સર્જન અને વિસર્જન બંને પ્રકારની શક્તિ રહેલી છે. વહેલી સવારે દરિયા કિનારે પારસીઓ, કચ્છી લોહાણાઓ અને સિંધી ભાઇબહેનો વરુણ દેવની પૂજા કરતા નજરે પડે છે. આ પૂજાની પરંપરા પાછળ પણ આવું કોઇ વૈજ્ઞાનિક તારણ હશે. ડોક્ટર ઇમોટોએ જળ પ્રયોગો કર્યા એ પહેલાં પણ પાણી તો સજીવ હતું જ. ડોક્ટર ઇમોટોએ પોતાના પ્રયોગો દ્વારા પાણી પણ ચૈતન્યમય છે એ નવસંશોધન કર્યું. 

આપણે કોઇ પૂજા આરાધના કરવા બેસીએ ત્યારે હાથમાં અંજલિ લઇને પુરોહિત સંકલ્પ કરાવે છે. ઝવેરચંદ મેઘાણીની કથાઓમાં મરણપથારીએ પડેલો પિતા પુત્રને કહે છે, તું પાણી લે કે પિતાના અપમાનનો બદલો લઇશ. બદલો લેવામાં તું પાછો પડીશ તો મારા જીવની ગતિ નહીં થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પાણી પણ મારી તમારી જેમ સજીવ છે. પાણીમાં પણ પ્રાણ છે. દરિયાખેડુઓ તો વાતવાતમાં કહેતા હોય છે કે મેરામણ માઝા ન મૂકે. (મહાસાગર મર્યાદા ન ચૂકે ). જપાની વિજ્ઞાન ડોક્ટર ઇમોટોએ કરેલા સંશોધને વિશ્વને પાણી વિશે વિચારવાની નવી દ્રષ્ટિ આપી.


Comments