અરિજિતની બહુમુખી પ્રતિભાનો લાભ લેવામાં હાલના સંગીતકારો નિષ્ફળ નીવડ્યા છે ?

 


હાલના સમયના સૌથી લોકપ્રિય પુરુષ ગાયક અરિજિત સિંઘનાં સુપરહિટ ગીતોનો આસ્વાદ આપણે માણી રહ્યા છીએ. પ્રચંડ પ્રતિભા, અથાક પુરુષાર્થ અને પ્રારબ્ધનો ત્રિવેણી સંગમ હોવા છતાં અરિજિતની બહુમુખી પ્રતિભાનો લાભ લેવાતો નથી એવું કેમ લાગ્યા કરે છે ? આ મુદ્દો જરા જુદી રીતે સમજવાની જરૂર છે. ધ્યાન આપજો.

કિશોર કુમારે ગાયેલું એક સરસ પારિવારિક ગીત છે- મેરી પ્યારી બહનિયાં, બનેગી દૂલ્હનિયા, સજ કે આયેંગે દૂલ્હે રાજા ભૈયા રાજા બજાયેગા બાજા... (ફિલ્મ સચ્ચા જૂઠા, સંગીત કલ્યાણજી આણંદજી), મન્ના ડેનું તદ્દન અલગ સ્વરલગાવ સાથેનું એક પ્રણય ગીત છે- અય મેરી જોહરાજબીં, તુઝ કો માલુમ નહીં, તુ અભી તક હૈ હસીં ઔર મૈં જવાં... (ફિલ્મ વક્ત સંગીત-રવી), મુહમ્મદ રફીએ ગાયેલું દેશપ્રેમનું એક ગીત છે- અબ કોઉ ગુલશન ન ઊજડે અબ વતન આઝાદ હૈ, રૂહ ગંગા કી હિમાલા કા બદન આઝાદ હૈ.. (ફિલ્મ મુઝે જીને દો, સંગીત જયદેવ), મૂકેશનું એક ભાવવાહી ગીત છે- જીના યહાં, મરના યહાં ઇસ કે સિવા જાના કહાં...(ફિલ્મ મેરા નામ જોકર, સંગીત શંકર જયકિસન), હેમંત કુમારે ગાયેલું હૃદયસ્પર્શી ગીત છે 0 હૈ અપના દિલ તો આવારા, ન જાને કિસ પે આયેગા...(ફિલ્મ સોલવા સાલ, સંગીત હેમંત કુમારઃ.....

આ માત્ર બે ચાર દાખલા લીધા. કિશોર કુમારવાળું ગીત પારિવારિક સંબંધોને લગતું છે, મન્ના ડેએ ગાયેલું ગીત પ્રૌઢ વયે ઇશ્કી મિજાજ ધરાવતા નાયકનું છે, મુહમ્મદ રફીએ ગાયેલું ગીત દેશદાઝથી ભરપુર છે, મુકેશે જીવનની વાસ્તવિકતા રજૂ કરી છે અને હેમંત કુમારે કોઇ છેલબટાઉની દિલની વાત પેશ કરી, આ છે જુદા જુદા ભાવ-સંવેદનોને રજૂ કરતાં ગીતો. વીતેલા દાયકાના યાદગાર ગીતોમાં આ ગીતો સ્થાન પામ્યાં છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને કહેલું કે દરેક દાયકે જેમ ફેશન બદલાય, ખાવાપીવાના ટેસ્ટ બદલાય તેમ ફિલ્મ સંગીત પણ બદલાય છે. વર્તમાન પેઢીના ટીનેજર્સને ગમે તેવું સંગીત પીરસાય તેમાં સમીક્ષકોએ નાક મચકોડવાની જરૂર નથી. દોષદ્રષ્ટાઓ મૂગા રહે એ બહેતર છે.

રહેમાનની વાત સાથે સોએ સો ટકા સંમત થઇએ તો પણ એવું સતત લાગ્યા કરે કે અરિજિત સિંઘની પ્રતિભાનો લેવાવો જોઇએ એટલો લાબ આજના સંગીતકારો લઇ શક્યા નથી. આવા સંગીતકારોમાં એ આર રહેમાનનો પોતાનો પણ સમાવેશ થઇ જાય છે. દસમાંથી આઠ-નવ ફિલ્મો એક્શન ફિલ્મ હોય ત્યારે સોફ્ટ અને મેલોડી સભર સંગીતને બહુ ઓછો અવકાશ રહે એ હકીકત સમજી શકાય એવી છે. બીજું, તમે મનોમન નોંધ લીધી હશે કે દસમાંથી સાત-આઠ ગીત એક જ તાલમાં અને એક જ પ્રકારના લયમાં સર્જાય છે. ટીનેજર્સને કમર લચકાવવાની તક મળે કે મસ્તીમાં ઝૂમીને ડાન્સ કરવાની તક મળે એવો લય યોજાય એમાં કશું ખોટું નથી. પરંતુ કોઇ પણ બાબતનો અતિરેક અભાવ પેદા કરે. 

પાશ્ચાત્ય સંગીતના પ્રભાવ હેઠળ સંગીતકાર આર ડી બર્મને પણ જાતજાતના પ્રયોગો કરેલા. એ પ્રયોગોએ સમકાલીન ટીનેજર્સને ઘેલાં કર્યાં હતાં એ હકીકત છે. સાંપ્રત સંગીત રસિકોને મોજ પડે એવું સંગીત પીરસ્યું હોવા છતાં પંચમના સંગીતમાં જબરદસ્ત વૈવિધ્ય હતું. એટલે તો પંચમના અવસાન પછી રજૂ થયેલી 1942 અ લવસ્ટોરી ફિલ્મનાં ગીતો હિટ નીવડ્યાં હતાં એ યાદ કરવા જેવું છે. 

આ લખનારને સતત એમ લાગે છે કે અરિજિતના કંઠની ખૂબી, એની રેંજ અને એની ભાવપ્રણવતાને યોગ્ય ન્યાય મળે એવી તર્જો બહુ ઓછી મળી છે. એમાં દોષ ગાયકનો નથી. હાલના સંગીતકારોનો છે. પછી એ પ્રીતમ હોય, શંકર અહેસાન લોય હોય, રામ સંપટ હોય, જીત ગાંગુલી હોય કે વિશાલ શેખર હોય. આ સંગીતકારો એવી દલીલ કરી શકે કે અમે તો પ્રોડ્યુસર માગે એવું આપીએ છીએ અથવા આજની પેઢીને ગમે એવું સંગીત આપીએ છીએ. દલીલ ખાતર દલીલ ઠીક છે. વાસ્તવિકતા એ છે કે મુહમ્મદ રફી કે કિશોર કુમારને ગીતોમાં જે વૈવિધ્ય સૂર અને લયનું મળ્યું એવું વૈવિધ્ય અરિજિતને હજુ મળ્યું નથી. આટલી વાત ધ્યાનમાં રાખીને આવતા શુક્રવારે અરિજિતે ગાયેલાં વધુ થોડાંક રોમાન્ટિક ગીતોની ઝલક માણીશું.


Comments