ઘેર બેસીને સાજાસારા રહેવાની કેટલીક તરકીબો આપણા પૂર્વજોએ વર્ણવી છે. એવી કેટલીક તરકીબો આજના ઇન્ટરનેટ યુગમાં ભૂલાતી જાય છે. સાથોસાથ તંદુરસ્તીના કેટલાક નૂસખા આધુનિક વિજ્ઞાન આપણને જુદી જુદી રીતે યાદ કરાવે છે. એવો એક નૂસખો તાજેતરમાં હેલ્થ ટુ ડે સામયિકમાં વાંચવામાં આવ્યો. અહીં તમારી સાથે શેર કરું છું. આ નૂસખો એકદમ સહેલો છે. એનો સાર ફક્ત એટલો જ કે ગાઓ. તમારો કંઠ મુહમ્મદ રફી કે કિશોર કુમાર જેવો ન હોય તો પણ સંકોચ રાખવાની જરૂર નથી. બાથરૂમ સિંગર હો તો પણ વાંધો નથી. વાત માત્ર એેટલી કે ગાતાં રહો. ગાવાથી તમને કેટલા લાભ થાય છે એ અનુભવે જણાશે. અહીં એ ફાયદાઓનો સાર રજૂ કર્યો છે.
વિજ્ઞાનીઓ કહે છે કે ગાવાનો સૌ પ્રથમ લાભ શ્વસનક્રિયાને થાય છે. ગાતી વખતે આપોઆપ (ઓટોમેટિકલી) શ્વાસોચ્છવાસ ઊંડા થઇ જાય છે. એટલે સ્ટ્રેસ કે ટેન્શન આપોઆપ ઓછું થાય છે. ભજન ગાયક અનુપ જલોટાએ એકવાર કહેલું કે ગાઓ એટલે અનાયાસે પ્રાણાયમ થઇ જાય છે. પછી અલગ રીતે પ્રાણાયમ કરવાની જરૂરર રહેતી નથી. ગાવાથી ચહેરાના સ્ના્યુઓને યોગ્ય કસરત મળે છે. ગાતાં હો ત્યારે ચહેરાના સ્નાયુ સ્વયં હળવા થઇ જાય છે અને છાતીની ઉપરના લગભગ બધા સ્નાયુને કસરતનો લાબ મળે છે. ગાતી વખતે અનાયાસે મગજમાં એવાં હોર્મન્સ વહેતાં થાય છે જે તમને આનંદ અને નિરાંતનો અહેસાસ કરાવે છે.
આ અભ્યાસ કરનારા વિજ્ઞાનીઓ કહે છે કે નિયમિત ગાનારને સહેલાઇથી ઊંઘ આવી જાય છે અને નશ્કોરાં બોલતાં હોય તો એ તકલીફ દૂર થઇ જાય છે.ગાનારનું રક્તાભિસરણ (બ્લડ સર્ક્યુલેશન) સુધરે છે અને આખા શરીરને, ખાસ તો મગજને વધુ ઓક્સિજન મળવા લાગે છે. એટલે આનંદનો અનુભવ કરાવતાં રસાયણો વધુ વહેતાં થાય છે. ફેફસાં અને હૃદયને પૂરતું પોષણ મળે છે. કોર્ટિઝોલ નામના રસાયણમાં ઘટાડો થતાં વ્યક્તિ અનેરી હળવાશ અનુભવવા ઉપરાંત રોગપ્રતિકાર શક્તિ વધે છે. ગાવાથી ગળાના અને મોંના અવયવોની કમજોરી દૂર થાય છે. આ અંગો સુદ્રઢ થાય છે. સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે બ્લડ પ્રેસર નોર્મલ રહે છે.
એકલાઅટુલા વડીલો માટે તો ગાવાની પ્રવૃત્તિ ખૂબ લાભદાયી બની રહે છે. અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી તકલીફો ઓછી થાય છે. અગાઉ જણાવ્યું એમ મગજમાં એવા હોર્મોન્સનો પ્રવાહ વધે છે જે હતાશા અને ડિપ્રેશનને નજીક આવવા દેતા નથી. ગાયન કોઇ પણ પ્રકારનું હોય. તમે સવારે ઊઠીને પ્રભુ ભજન રૂપે ગાઓ અથવા મનગમતું કોઇ ફિલ્મી ગીત ગાઓ. થોડીવારમાં તમે હળવાફૂલ થઇ જશો અને એ આખો દિવસ એ હળવાશ તમારી સાથે રહેશે. સહેજ પણ ટેન્શન જેવું લાગે કે તરત મનગમતું ગીત ગણગણો. થોડી સેકંડોમાં એની પોઝિટિવ અસર તમારામાં ફરી વળશે.
શાસ્ત્રીય સંગીતની અભ્યાસીઓ તો કહે છે કે નિયમિત ગાતાં રહેવાતી આવરદા વધે છે. તમે બે ચાર કલાકારોને યાદ કરો તો આ વાતનો ખ્યાલ આવશે. સ્વર કિન્નરી લતા મંગેશકર 90 વર્ષથી વધુ જીવ્યાં. પંડિત ભીમસેન જોશીનાં ગુરુબહેન શાસ્ત્રીય ગાયિકા ડોક્ટર ગંગુબાઇ હંગલ તમાકુના વ્યસનને કારણે કેન્સરનો શિકાર બન્યા છતાં છેલ્લી ઘડી સુધી ગાતાં રહ્યાં. 91 વર્ષ જીવ્યાં. આવા બીજા ઘણા દાખલા મળી આવશે.
આપણે ધંધાદારી ગાયક-ગાયિકા હોવું જરૂરી નથી. કંઠ સૂરીલો હોય કે ન હોય, વાંધો નહીં. નિયમિત પાંચ દસ મિનિટ ગાવાની ટેવ પાડવી જોઇએ. નુકસાન તો નહીં જ થાય, લાભ જરૂર થશે. તો આજથી જ ગાવાની શરૂઆત કરી દો અને સાજાં સારાં રહો.
Comments
Post a Comment