સર્જનહારે દરેક વ્યક્તિમાં અખૂટ ઊર્જા ભરી ભરી છે, એને સમજીએ તો ચકિત થઇ જવાય

    

પ્રાચીન ભારતીય ગ્રંથો અને આધુનિક વિજ્ઞાન વચ્ચે કોઇ સંબંધ ખરો ? એવો પ્રશ્ન જિજ્ઞાસુઓને થતો હોય છે.  પોતાને આધુનિક ગણતા ઘણા લોકો પ્રાચીન ભારતીય ગ્રંથોની વાત નીકળતાં મોં મચકોડે છે.  હકીકત એ છે કે હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ જે વાત કરેલી એ આજનું વિજ્ઞાન સ્વીકારે છે અને નીત નવા સંશોધનમાં ભારતીય ગ્રંથોમાં વર્ણવાયેલી વિગતો સાચી ઠરે છે. તાજેતરમાં એક વિજ્ઞાની ડોક્ટર બ્રુસ લીપ્ટનની શોધ વિશે વાંચવાની તક મળી. એનો સાર અત્રે પ્રસ્તુત છે. એ પહેલાં એક આડવાત જરૂરી જણાય છે. મોટા ભાગના મોટિવેશનલ સ્પીકર્સ કે અધ્યાત્મ પુરુષો કહે છે કે રોજ સવારે ઊઠીને તમે સૌ પ્રથમ પોઝિટિવ નિર્ણય કરો કે આજનો મારો દિવસ શ્રેષ્ઠ નીવડશે. હું જે કામ હાથમાં લઇશ એ અચૂક સફળ થશે.

પોઝિટિવ વિચારની આ વાત ઘણાને સહેલાઇથી ગળે ઊતરતી નથી. હવે ડોક્ટર બ્રુસ લીપ્ટનની શોધની વાત કરીએ. બ્રુસ કહે છે કે માણસના શરીરમાં એક 1,00,000 કરોડ કોષો છે. (અંગ્રેજીમાં આ આંકડો 50 ટ્રિલિયન કહેવાય.) આ દરેક કોષમાં 1.4 વોલ્ટ જેટલી વીજળી છે. હવે તમે કલ્પના કરો કે પચાસ ટ્રિલિયન કોષની કુલ વીજળી કેટલી થઇ. ડોક્ટર બ્રુસ કહે છે કે આધુનિક તબીબી વિજ્ઞાન જેનેટિક્સ (રંગસૂત્ર શાસ્ત્ર)નો મહિમા કરે છે પરંતુ ખરું રહસ્ય આ કોષોમાં રહેલું છે. આપણે જે વિચાર કરીએ એનો અમલ જેનેટિક્સ દ્વારા નહીં પણ જીવંત કોષો દ્વારા થાય છે. એટલે જેનેટિક્સની ચિંતા હાલ પૂરતી બાજુ પર રાખીને કોષો પર ધ્યાન આપવું જોઇએ.

પચાસ ટ્રિલિયન કોષોની ઊર્જા માણસના દરેક વિચારને એક પ્રકારનું સંચાલન બળ પૂરું પાડે છે. બીજા શબ્દોમાં એમ કહીએ કે રોજ સવારે માણસ જે વિચાર કરે એનો સીધો કે આડકતરો અમલ કોષો દ્વારા થાય છે. સવારે કોઇ નેગેટિવ કે પોઝિટિવ વિચાર આવે તો એનો અમલ આ કોષો દ્વારા થવા માંડે છે. ક્યારેક તો માણસે ન ધાર્યું હોય એવું બનવા માંડે છે. સવારે ઊઠીને કોઇ વિદ્યાર્થીને એ દિવસની પરીક્ષાના પેપરનો ડર સતાવવા માંડે તો એ જ ક્ષણથી એનો આત્મવિશ્વાસ ડગવા માંડે છે અને એણે ગમે તેટલી પૂર્વતૈયારી કરી હોય તો પણ તે દિવસે એનું પેપર સારું જતું નથી. કારણ, તો કહે, એણે પરોક્ષ રીતે પોતાના ડરને સાકાર કર્યો .

ડોક્ટર બ્રુસના આ વિચારને ભારતીય ગ્રંથોના વિચાર સાથે મૂકીએ તો આપણને નવાઇ લાગે કે હજારો વર્ષ પહેલાં આપણા પૂર્વસૂરિઓ શી રીતે આ તારણ પર આવ્યા હશે. દાખલા તરીકે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના મુખે કહેવાયું છે કે મનઃ એવમ્ મનુષ્યાણામ્ કર્મણં બંધ મોક્ષયોઃ... સરળ શબ્દોમાં એનો સાર એટલો કે માણસના સુખદુઃખનું નિમિત્ત એનું પોતાનું મન હોય છે. હવે વિચારો, આધુનિક શરીર વિજ્ઞાની જે મુદ્દો રજૂ કરે છે એ હજારો વર્ષ પહેલાં મહર્ષિ વેદ વ્યાસે તારવ્યો હતો. 

ડોક્ટર બ્રુસ લીપ્ટનના આ સંશોધનને ધ્યાનમાં રાખીને આજના ઇન્ટરનેટ યુગમાં પણ વ્યક્તિ કામિયાબ નીવડી શકે છે. આજની ભયંકર ભાગદોડ ભરેલી જિંદગીમાં સતત સ્ટ્રેસ અનુભવવાને બદલે પોઝિટિવ વિચારો દ્વારા માણસ પોતાની સમસ્યાઓનું નિવારણ કરી શકે છે, પોતાના વ્યવસાયમાં આગળ વધી શકે છે, હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેસર જેવા વ્યાધિઓથી ઊગરી શકે છે. એ માટે સીધો સરળ માર્ગ છે સકારાત્મક રીતે જીવવાનો. આમ થશે કે નહીં એવો વિચાર પણ એક પ્રકારની શંકા છે. એની વાત પણ ગીતામાં છે- સંશયાત્મા વિનશ્યતિ... ખોટી શંકામાં રાચવું નહીં. સતત સકારાત્મક વિચારવું. એ રીતે વિચારતાં એક સમય એવો આવશે જ્યારે તમે દ્રઢ સંકલ્પ કરતા થઇ જશો. એમાંથી સંકલ્પસિદ્ધિના માર્ગે આગળ વધી શકાશે.    

-------------  








Comments