!અમદાવાદમાં બનેલી એક સત્યઘટના છે. પાંચ-છ વર્ષની એક બાળકીને એમઆરઆઇ (મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ) કરાવવાનું આવ્યું. આટલી નાની બાળકી એમઆરઆઇ બોક્સમાં અર્ધો પોણો કલાક સુવા તૈયાર નહોતી. માતાપિતાએ સમજાવી. દાદા-દાદીએ સમજાવી, ડોક્ટરે સમજાવી પરંત બાળકી માનતી નહોતી. આ વાત અન્ય એક ડોક્ટર સુધી પહોંચી. એમણે બાળકીનાં માતાપિતાને સમજાવીને કેસ પોતાના હાથમાં લીધો. બાળકી સાથે પ્રેમથી વાત કરતાં કરતાં આ ડોક્ટરે એ બાળકી પર રેઇકી તરીકે ઓળખાતી એક પ્રાચીન વિદ્યા અજમાવી. બાળકી એમઆરઆઇ માટે તૈયાર થઇ ગઇ. એના ફેમિલી ડોક્ટરને હાશ થઇ.
બીજો એક વધુ રસપ્રદ કિસ્સો છે .
એક મહિલા મનોચિકિત્સક અમદાવાદના સુખી વિસ્તારમાં રહે છે. એમના બંગલામાં સંખ્યાબંધ ઇલેક્ર્ટ્રોનિક સાધનો છે. માઇક્રોઓવન છે, હોમ થિયેટર છે, ડીવીડી પ્લેયર છે, રેફ્રિજરેટર છે, એર કંડિશનર છે. આ મહિલા કહે છે કે છેલ્લાં પંદર વીસ વર્ષમાં કદી મારા ઘરનાં આ સાધનોને મારે સર્વિસ કરાવવી નથી પડી. કેમ, તો કહે, હું આ બધાં સાધનોને અને ઇવન મારી કાર અને ટુવ્હીલરને નિયમિત રેઇકી આપું છું, એમને મારાં સંતાનો જેવો પ્રેમ કરું છુ. આજ સુધી મારા ઘરની કોઇ ચીજને સર્વિસ કરાવવી પડી નથી. કેટલાંક સાધનો પંદર વર્ષથી વધુ જૂનાં છે.
આ વાત સહેલાઇથી ગળે ઊતરે એવી નથી સિવાય કે તમને ભારતીય અધ્યાત્મ વિદ્યામાં રસ હોય. ગણેશપુરીવાળા સ્વામી મુક્તાનંદ કહેતા કે આ સૃષ્ટિમાં જડ કે અચેતન જેવી કોઇ વસ્તુ નથી. દરેકમાં જીવ છે. એના આંદોલનો ઓછાં હોવાથી આપણને ખ્યાલ આવતો નથી કે એ જીવંત છે. આ વાત સમજો તો તમને દૈનિક રહેણીકરણીમાં કદી કોઇ તકલીફ ન પડે. જડ વસ્તુ સમજીને તમે કોઇ ચીજની અવગણના કરો તો એ તમને ધાર્યું કામ આપે નહીં.
ભારતીય લશ્કરમાં પ્રશંસનીય કામગીરી બજાવીને પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવાની શાબાશી મેળવનારા કર્નલ લેફ્ટનંટ સી સી બક્ષીએ એક સરસ દાખલો એમના ‘વૈશ્વિક ચેતના’ (અંગ્રેજીમાં કોસ્મિક એનર્જી) પુસ્તકમાં આપ્યો છે. એ કહે છે કે ભારતીય લશ્કરના દરેક જવાન એના શસ્ત્રને જીવંત સમજે છે. ક્યારેક કોઇ જવાને એની તોપ નજીકથી પસાર થવાનું હોય તો તોપને સેલ્યુટ મારીને પછી આગળ વધે છે. પોતાના લશ્કરી વાહનને કુટુંબીજન જેવો પ્રેમ કરે છે અને રોજ જાતે સાફ કરે છે.
વાત રેઇકીની હતી. આ વિદ્યા 2500 વર્ષ જૂની હોવાનું મનાય છે. 20મી સદીના આરંભે એક જપાની વિદ્વાન ડોક્ટર મિકાઓ ઉસુઇએ સર્વપ્રથમ રેઇકી વિદ્યા અજમાવી હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે. આજે તો દુનિયાભરમાં લાખો લોકો રેઇકી અપનાવી ચૂક્યાં છે. સાવ સરળ ભાષામાં કહીએ તો રેઇકી એ એક પ્રકારે ઊર્જા વહનની પ્રક્રિયા છે. એક સાદો સીધો દાખલો લઇએ. દૂરથી ચાલીને આવેલા પિતા થાકેલા હોય અને પુત્ર એમનાં પગ દબાવે ત્યારે પિતા સહજપણે ઊંઘી જાય છે. આ પણ એક પ્રકારની રેઇકી છે. માથું દુઃખતું હોય અને દબાવવાથી રાહત થતી હોય તો એ પણ રેઇકી છે. રેઇકી અને પ્રાણ ચિકિત્સા એક સિક્કાની બે બાજુ જેવી છે.
રેઇકીની તાલીમ લીધેલી કોઇ સાજી સારી વ્યક્તિ શુભ ભાવનાથી પોતાની ઊર્જા બીમાર વ્યક્ત તરફ વહેતી કરે ત્યારે બીમાર વ્યક્તિને અચૂક આરામ થાય છે.
ગુજરાત રાજ્યમાં રેઇકી લાવનારા શ્રી પ્રવીણ પટેલ કહે છે કે આ વિદ્યા એલોપથી કે બીજી કોઇ પણ ચિકિત્સા પદ્ધતિનો વિકલ્પ નથી એ હકીકત સમજી લેવાની ખાસ જરૂર છે. રેઇકીની તાલીમ દરમિયાન જપાની ભાષામાં બે ચાર પ્રતીકો શીખવવામાં આવે છે. એ પ્રતીકોનો ઉપયોગ ઊર્જા વહન વખતે જરૂરી બને છે.
તમે શિરડીના સાંઇબાબા કે વીરપુરના જલારામ બાપાનો હાથ આશીર્વાદની મુદ્રામાં જોયો હશે. એ હાથ દ્વારા સંત પોતાની ઊર્જા જરૂરતમંદ વ્યક્તિ તરફ વહેતી કરે છે. સંતોમાં ખડક જેવો અડગ સંકલ્પ સિદ્ધ થયેલો હોય છે એટલે જે વ્યક્તિને આશીર્વાદ આપે એનું મંગળ થાય છે. આધુનિક વિજ્ઞાન આ વાતને સહેલાઇથી સમજાવી શકે એમ નથી.
Comments
Post a Comment