પચાસ સાઠ વર્ષ ચાલે એવા ફિલ્ટર પ્લાન્ટ અને પ્રેસર પંપનું કૌતુક ક્યારેક તો કરો !

હેડિંગ વાંચીને ચોંકી નહીં જતા. પહેલાં આખી વાતને વાંચીને શાંતિથી વિચારજો. ડોક્ટર થઇને સંન્યાસી થઇ ગયેલા સ્વામી શિવાનંદજીના એક અનુયાયી પાસેથી જાણી છે. આમ ચો જૂની ગુજરાતી ત્રીજા ચોથા ધોરણમાં એક વાર્તા આવતી. બીજી બધી રીતે સશક્ત એવા એક યુવાનને ભીખ માગતો જોઇને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે એને એના હાથ-પગ કે આંખ વેચવાની ઓફર કરેલી. પેલાએ આ અંગો વેચવાની ના પાડી ત્યારે વિદ્યાસાગરે એને સમજાવ્યો કે તારી પાસે આવાં અમૂલ્ય અંગો છે તો પછી ભીખ કેમ માગે છે ? વિદ્યાસાગરે એને સાવ નાના પાયે એક ધંધો શરૂ કરવાની સહાય કરેલી. હવે વાંચો સ્વામી શિવાનંદના અનુયાયીની વાત. 

ગ્રાઉન્ડ ફ્લોરથી મકાનને ધાબે પાણી ચડાવવા માટે આપણે પંપ વાપરીએ છીએ. ટાંકી ભરાઇ જાય એટલે મોટર અને પંપ બંધ કરી દેવાનાં વિશ્વની બેસ્ટ કંપનીની મોટર અને પંપ હોય તો પણ એની આવરદા વધુમાં વધુ દસથી પંદર વર્ષની હોય છે. દર બે ત્રણ વરસે એની સર્વિસ કરાવવી પડે. પાણીની ક્ષાર વગેરેની ગુણવત્તા પર આ સાધનોની કાર્યક્ષમતાનો આધાર રહે છે. 

કુદરતે દરેક વ્યક્તિને હૃદય નામનો પંપ આપ્યો છે. દિવસ રાત, ચોવીસે કલાક અને 365 દિવસ એ અવિરત રક્તાભિસરણના કાર્યમાં વ્યસ્ત રહે છે. માણસ થોડી સમજદારીથી, સાત્ત્વિક આહાર અને સંયમી જીવન જીવે તો કુદરતે આપેલો આ પંપ પચાસ સાઠ વરસ સુધી પૂરેપૂરી નિષ્ઠાથી પોતાનું કામ કર્યે જાય છે.

શરીર વિજ્ઞાન- વિદ્યા શાખામાં કિડની તરીકે ઓળખાતા ફિલ્ટર પ્લાન્ટની કાર્યક્ષમતા પણ એવી જ છે. સાઠ સિત્તેર વર્ષ એ પોતાનું કામ કર્યે જાય છે. કુદરત કહો, પરમાત્મા કહો, સર્જનહાર કહો- ગમે તે નામે ઓળખો. પરંતુ આ પંપ અને ફિલ્ટર પ્લાન્ટ બનાવીને એણે કમાલ કરી છે. અજોડ છે આ અવયવો.  એ કામ કરતાં અટકે ત્યારે માણસને એની કિંમત સમજાય છે.

આધુનિક શહેરીજીવનમાં માણસ એટલો બેફામ રીતે જીવ્યે જાય છે કે હૃદય યા કિડની નબળાં પડે કે એમાં ખોટકામ સર્જાય ત્યારે માણસને ખ્યાલ આવે છે કે મોજશોખ ભારે પડી ગયા. આ વાત અત્યારે યાદ આવવા પાછળ એક નાનકડી ઘટના નિમિત્ત બની ગઇ. 

અમદાવાદના એક બગીચામાં સવારે મોર્નિંગ વોક કરવા આવતા બે વડીલોની ગપસપ કાને પડી ગઇ. એક વડીલે કહ્યું, મેં તો ની (ગોઠણનો સાંધો) રિપ્લેસમેન્ટ

કરાવવાનો નિર્ણય માંડી વાળ્યો. કેમ ? તો કહે, ડોક્ટરને પૂછ્યું કે આ તમારો સાંધો કેટલા વરસ ચાલે, ત્યારે એણે આઠ દસ વરસનો અંદાજ આપ્યો. પાંચ સાત લાખનો ખર્ચ કરીને આવો સાંધો નખાવવાનો અર્થ શો ? મને પાંસઠ વરસ તો થયાં. લાકડી લઇને ધીમે ધીમે ચાલી શકું છું. ભગવાને આપેલા સાંધા પંચાવન સાઠ વરસ ચાલ્યા, એ જેવી તેવી વાત છે. જે થોડાં વરસ બાકી છે એ આત્મવિશ્વાસથી ખેંચી કાઢીસ.

મે઼ડિકલ સાયન્સ અને ટેક્નોલોજીએ જબરદસ્ત સિદ્ધિઓ મેળવી છે એ હકીકત છે. છતાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. સર્જનહારે જે શરીર આપ્યું છે એના જુદા જુદાં અંગઉપાંગોની કાર્યક્ષમતા વિશે ક્યારેક વિચારીએ ત્યારે મંત્રમુગ્ધ થઇ જવાય. માણસ સાદું સાત્ત્વિક જીવન જીવે તો એના હૃદય અને કિડની જીવનભર કામ આપતાં રહે છે.

અધ્યાત્મવાદીઓ  ગાઢ ઊંઘને મૃત્યુ સાથે સરખાવે છે.  એ ગાઢ ઊંઘમાં પણ હૃદય-કિડની અને મગજ સતત કાર્યશીલ રહે છે. ગાઢ ઊંઘમાં રહેલી વ્યક્તિના નામની કોઇ બૂમ પાડે તો વ્યક્તિની ભીતર કોઇ જાગતું હોય છે. એ હોંકારો દે છે. આ પણ એક કૌતુક છે. દિવસે દિવસે નવા નવા વ્યાધિ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે માણસ જીવનશૈલી થોડીક બદલી નાખે તો ઘણા વ્યાધિથી ઊગરી જઇ શકે. નક્કી માણસે પોતે કરવાનું છે. હાલ તબીબી સારવાર શ્રીમંતોને પરવડે એવી થઇ ગઇ છે. થોડીક હોસ્પિટલો ગરીબોને મફત સારવાર આપે છે ખરી પરંતુ એવી સંસ્થાઓ અપવાદરૂપ છે. આકસ્મિક માંદગી આવે ત્યારે દોડાદોડ અને વધુ પડતો ખર્ચ કરવા કરતાં જીવનશૈલી થોડી સંયમિત કરી દેવામાં કશું ગુમાવવાનું નથી.


Comments