સતત લાગણીના ચડાવ-ઉતાર સાથે હૃદયની તંદુરસ્તીને પણ ખાસ્સો સંબંધ છે...

જબ દિલ હી તૂટ ગયા, હમ જી કે ક્યા કરૈંગે... કે મુહબ્બત કી જૂઠી કહાની પે રોયે... જેવાં ગીતો સાંભળીએ ત્યારે કવિની કલ્પના પર વારી જવાનું મન થાય. જો કે વિજ્ઞાનીઓ કહે છે કે સુખ-દુઃખ, હર્ષ-શોક વગેરે લાગણીઓ કંઇ હૃદયમાં ઉત્પન્ન થતી નથી, હૃદય તો શરીરમાં રક્તાભિસરણ કરતો એક પંપ છે. લાગણીઓ તો ચિત્તતંત્રમાં ઉત્પન્ન થાય છે. એ તંત્ર મન સાથે સંકળાયેલું છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે મનઃ એવમ્ મનુષ્યાણાં કર્મણમ્ બંધ-મોક્ષયોઃ.... પરંતુ વિજ્ઞાન સતત માનવ જીવન અને માનવ મનને સમજવાના પ્રયારો કરતું રહ્યું છે. એવા પ્રયાસોના પગલે 1990ની આસપાસ જાપાનના વિજ્ઞાનીઓએ એક નવી વાત શોધી કાઢેલી.

વિજ્ઞાનની ટેક્નિકલ ભાષામાં એનો ઉચ્ચાર જીભના લોચા વાળી દે એવો છે. આ શોધ ટાકોત્સુબો કાર્ડિયોમાયોપથી તરીકે ઓળખાય છે. આ અઘરા નામનો સરળ પર્યાય આ રહ્યો- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ. આ વિષયના નિષ્ણાતો કહે છે કે લાગણીના ચડાવ-ઉતાર અને હૃદયની તંદુરસ્તી વચ્ચે સીધો સંબંધ છે. એક નાનકડો દાખલો લો. તમે મોબાઇલના સ્ક્રીન પર નજર રાખીને ચાલી રહ્યા હો અને અચાનક પાછળથી કોઇ વાહન ધસમસતું આવે અને કાનના પરદા ધ્રૂજી ઊઠે એવું હોર્ન વગાડે ત્યારે તમારા ધ્યાનમાં આવ્યું હોય તો હૃદયના ધબકારા વધી જતા અનુભવાય છે. પરસેવો વળી જાય છે અને ધ્રૂજી જવાય છે.

પ્રેમમાં નિષ્ફળતા મળે કે ઓચિંતો ભય યા આઘાત થાય ત્યારે હૃદય પર એની જબરદસ્ત અસર થાય છે. આ શોધના  વિજ્ઞાનીઓ કહે છે કે શરીરના વિવિધ અંગ ઉપાંગોને લોહી પહોંચાડતી હૃદયની ડાબી બાજુની ચેમ્બર પહોળી થઇ જાય છે એેટલે રક્તાભિસરણને માઠી અસર થાય છે. ક્યારેક હાર્ટ એટેક પણ આવી જાય છે તો ક્યારેક માણસ ત્યાં ને ત્યાં ઢળી પડે છે. આવું સૌથી વધુ મહિલાઓ સાથે બને છે. પુરુષ કઠણ કાળજાવાળો ગણાય છે. સ્ત્રીઓ પુરુષની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે.  બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના 90 ટકા કિસ્સા મહિલાઓ સાથે થયા હોવાનું નોંધાયું છે

એક યુવતીને અચાનક જાણ થાય છે કે એ જે પુરુષને પ્રિયતમ માને છે એ પોતાને દગો આપી રહ્યો છે અથવા પોતાની સાથે પ્રેમનું નાટક કરી રહ્યો છે. એ તો પરણેલો છે અથવા વિધર્મી છે. એ સંજોગોમાં યુવતી બ્રોકન હાર્ટ સિન્ડ્રોમનો શિકાર બની જવાની પૂરેપૂરી શક્યતા છે. છાતીમાં દુઃખાવો ઉપડે કે બ્લડ પ્રેસર વધી જાય, માથું ફાટ ફાટ થાય એવું પણ બને. જો કે આવી સ્થિતિ કાયમ રહેતી નથી. આપણા વડીલો કહે છે ને કે સર્વે તકલીફનું ઔષધ સમય છે. સમયના વહેવા સાથે પ્રિયજનનો વિરહ સહ્ય થઇ જાય છે. બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના નિષ્ણાતો કહે છે કે એકાદ મહિનામાં મોટે ભાગે પરિસ્થિતિ નોર્મલ થઇ જાય છે. બહુ જૂજ કેસમાં આઘાત ભૂલવા માટે વધુ સમય લાગે છે. આ સંજોગોમાં વ્યક્તિ ક્યારેક નશો કરતી થઇ જાય છે. આપણે ત્યાં અભિનેત્રી મીના કુમારીનો દાખલો જાણીતો છે. એને જે કંઇ સહેવું પડ્યું એના કારણે એ શરાબની બંધાણી બની ગઇ અને અકાળે મૃત્યુ પામી. કેટલેક અંશે એવો કિસ્સો પાર્શ્વગાયિકા ગીતા દત્ત સાથે પણ બન્યો હતો.

આ વિષયના અભ્યાસીઓ એમ પણ કહે છે કે આ તકલીફનો બીજો પર્યાય સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ કાર્ડિયોમાયોપથી છે. વધુ પડતો સ્ટ્રેસ અનુભવતા લોકો પણ આ તકલીફનો ભોગ બની શકે. ખાસ કરીને શેર બજાર સાથે સંકળાયેલા લોકો કે સટ્ટાબાજો આસાનીથી આ તકલીફનો ભોગ બની જાય છે. એમને હાઇ બ્લડ પ્રેસર, હાઇપર ટેન્શન, કબજિયાત કે અનિદ્રા જેવા રોગો પણ લાગુ પડે છે. આવા ઘણા લોકો સતત ચીડિયા સ્વભાવના થઇ જતાં જોવા મળે છે.

અગાઉ હાર્ટના ડોક્ટરો હૃદયરોગના હુમલાને લાગણીતંત્ર સાથે જોડતા નહોતા એમ કહીએ તો ચાલે. 1990ના આ સંશોધન પછી પુરવાર થયું કે મોટા ભાગના હાર્ટ એેટેક ચિત્તતંત્રને લાગેલા ઓચિંતા ધક્કાના- આઘાતના પગલે આવે છે. બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના અભ્યાસીઓ કહે છે કે વધુ પડતા લાગણીશીલ લોકોએ ઊંડા શ્વાસ લેવાની, પ્રાણાયામ કરવાની કે ધ્યાન કરવાની તાતી જરૂર છે. ખાસ કરીને આજના સતત દોડધામ અને પ્રચંડ તનાવમય શહેરી જીવનમાં ધ્યાન અને પ્રાણાયમ ચિત્તતંત્રને શાંત-સૌમ્ય રાખવામાં ખૂબ સહાય કરે છે. બાંસુરીવાદન કે સંતુરવાદન જેવું હળવું સંગીત સાંભળવાથી પણ ચિત્તતંત્રને શાંત રાખવામાં સહાય મળે ખરી.


Comments