મેડિકલ સાયન્સ, અધ્યાત્મ અને હવે ટેક્નોલોજીની નજરે માનવ મગજ...!

 

જીવનમાં ક્યારેક આવો અનુભવ તમને પણ થયો હશે. ઉઘાડા પગે સવારે મોર્નિંગ વોક કરતા હો અને લીલા ઘાસમાં પડી રહેલો કાંટો પગમાં ભોંકાય એ સાથે પ્રકાશની ઝડપ કરતાં વધુ ગતિએ તમે પગ ઊંચકી લીધો હશે. ક્યારેક કોઇની સળગતી સિગારેટ તમારા હાથને અડી ગઇ હોય ત્યારે પણ તત્ક્ષણ હાથ ઊંચકાઇ ગયો હશે. કઇ સુષુપ્ત શક્તિ આવું કરાવે છે. ઇશ્વર કહો કે સર્જનહાર કહો, તેનો સૌથી મોટો ચમત્કાર આ છે. માણસનું મગજ બનાવીને એણે કમાલ કરી નાખી. મગજમાં અસંખ્ય સંવેદનાત્મક કોષ આવેલા છે. કાંટો સ્પર્શે કે સિગારેટ અડે એ મુદ્દે આપણે સભાન થઇએ એ પહેલાં એ અંગ સક્રિય થઇ જાય છે. પગ કે હાથ તરત ઊંચકાઇ જાય છે. 

મેડિકલ સાયન્સ કહે છે કે મગજમાં અબજો ન્યૂરોન્સ આવેલા છે. એ બધા પરસ્પર દ્રાક્ષના ઝૂમખાની જેમ એકમેક સાથે સંકળાયેલા છે. એટલે જ મગજની કોઇ બીમારી વખતે ઓપરેશનની જરૂર પડે ત્યારે ડોક્ટર એ ઓપરેશનમાં રહેલા જોખમ રૂપે ચેતવી દે છે કે ઓપરેશન સો ટકા સફળ થઇ શકે પરંતુ વ્યક્તિને લકવો મારી જઇ શકે છે.

યોગવિદ્યાના ઉપાસકો કહે છે કે મસ્તકના તાળવામાં સહસ્રાર ચક્ર આવેલું છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સહસ્રારમાં અમૃતવર્ષા થાય છે. આ વિસ્તારમાં બ્રહ્મતત્ત્વ બિરાજે છે. ભૂદેવો જ્યાં શિખા (ચોટલી) રાખે છે એ બ્રહ્મરંધ્ર તરીકે પણ ઓળખાય છે.

ન્યૂરો ફિઝિશ્યન સમજાવે છે કે ડાબું મગજ કઇ કામગીરી કરે છે અને જમણું મગજ કઇ કામગીરી કરે છે. કયા વિસ્તારમાં સ્મૃતિકોષો આવેલા છે અને કયા વિસ્તારમાં સેક્સકેન્દ્ર આવેલાં છે.

આજે ટેક્નોલોજીએ ખાસ્સો હાઇ જમ્પ માર્યો છે. વિશ્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માણસના મગજે સર્જ્યાં. જો કે હવે વિજ્ઞાનીઓ મનોમન ડરે છે કે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માણસ પર હાવી તો નહીં થઇ જાય ને. વરસો પહેલાં કોઇએ કહેલું કે સાયન્સ ઇઝ અ ગૂડ સર્વન્ટ બટ બેડ માસ્ટર ટુ. (સારો નોકર છે પરંતુ નઠારો માલિક પણ છે.)

આજની ટેક્નોલોજીની ભાષામાં તાજેતરમાં એક વોટ્સ એપ સંદેશો ફરતો થયો હતો. અલબત્ત, એ રમૂજી ટુચકા રૂપે ફરતો થયો હતો પરંતુ એમાં પણ કેટલીક સારી વાત હતી. એ સારી વાતને મમળાવીએ. ‘શું તમે મગજની ક્ષમતા જાણો છો ?’ એવા પ્રશ્ન સાથે વાતનો ઉપાડ થયેલો. પછી કહ્યું કે મગજમાં એક અબજ ન્યૂરોન્સ છે, એનો અંદાજ 2.5 ( ટુ પોઇન્ટ ફાઇવ) પેટાબાઇટ છે. એક પેટાબાઇટ 1000 ટેરાબાઇટ છે. એક ટેરાબાઇટ 1000 જીબી બરાબર છે, જો તમે 16 જીબી (ગીગાબાઇટ)ની ક્ષમતાવાળા પેનડ્રાઇવ પર મગજની તમામ ક્ષમતા મેળવવા ઇચ્છો તો એક લાખ 56 હજાર પેનડ્રાઇવ જોઇએ. એનો કુલ આંક 24 લાખ 96 હજાર જીબી (ગીગાબાઇટ ) જેટલો થશે

એ પછી આ સંદેશ મોકલનારે એક સચોટ જોક મારેલી- આવા સર્વશક્તિમાન સોફ્ટવેરને પત્ની (હાઉસ વાઇફ) ત્રીસ સેકંડથી પણ ઓછા સમયમાં હેક કરી લે છે. લો, કર લો બાત ! કેટલી સચોટ વાત કરી. દલીલ ખાતર એમ કહી શકાય કે આવું માતૃપ્રધાન પરિવારોમાં થતું હશે, સર્વત્ર આ સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં.

ખેર, વાત મગજની ક્ષમતાની થતી હતી. બુદ્ધિપ્રતિભા કે મેધા જે કહો તે, મગજમાં રહેલી છે. લાખો વ્યક્તિમાં કોઇ એકાદ જિનિયસ નીકળે જે સમગ્ર જીવસૃષ્ટિને ઉપયોગી એવી કોઇ શોધ કરે ત્યારે સામાન્ય માનવી એને અહોભાવથી નિહાળતો થઇ જાય છે. આપણા પૂર્વજો વાનર હતા કે નહીં એ ચર્ચા ભલે ઉત્ક્રાન્તિવાદના સમર્થકો કરતા રહે, હકીકત એ છે કે માનવ મગજના સર્જનહારે ખરેખર કમાલ કરી છે.

માનવ જાતને ઉપયોગી તમામ શોધખોળ માનવ મગજની કમાલ છે. એનો વિધાયક (પોઝિટિવ ) ઉપયોગ કરનારનું જીવન સફળ થઇ જાય છે. નેગેટિવ વિચારનારા કાં તો ભૂલાઇ જાય છે અથવા ઇતિહાસમાં કલંકિત થઇ રહે છે.


Comments