પ્રાચીન રૂષિ વાણી અને અર્વાચીન વિજ્ઞાન વચ્ચેનું સામ્ય જિજ્ઞાસુને આશ્ચ્રર્ય થાય એટલું વિપુલ છે. !

  


દેશના મોટા ભાગનાં શહેરો અને ગ્રામ વિસ્તારમાં આજે પણ રોજ સવારે એક દ્રશ્ય જોવા મળે છે. શ્રદ્ધાળુ લોકો લોટી ભરીને સૂર્યને અર્ઘ્ય આપતાં દેખાય છે. એ જોઇને કોન્વેન્ટિયા બાળકો કદાચ કટાક્ષમાં હસતાં હશે અને વિચારતાં હશે કે આખા વિશ્વને તાપ અને ઉજાસ આપતા સૂર્યને જળની જરૂર હોય ખરી ? આ બાળકોને ખરેખર તો સૂર્યને જળ આપવા પાછળનું રહસ્ય જાણકારે સમજાવવું જોઇએ. સૂર્યને અર્ધ્ય આપવા પાછળ એક વૈજ્ઞાનિક તથ્ય છે. શક્ય છે, નિયમિત સવારે સૂર્યને અર્ઘ્ય આપનારા લાખો લોકોને પણ કદાચ આ વૈજ્ઞાનિક તથ્યની જાણ નહીં હોય.

રોજ પ્રાતઃકાળે સૂર્યને જળ આપવાની પરંપરા હજારો વરસથી કમ સે કમ ભારતમાં તો છે. એની પાછળના રહસ્યને સમજવું દરેક વ્યક્તિ માટે જરૂરી ગણાય. સૂર્ય અને જીવસૃષ્ટિ વચ્ચે અનિવાર્ય સંબંધ છે. એક દાખલાથી સ્પષ્ટ થશે. તમે ક્યારેય મનોમન નોંધ્યું છે કે તમે પ્રવાસે જાઓ ત્યારે જે સ્થળે ગયા હો ત્યાંનાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે એકાદ દિવસમાં આપણા શરીરનું તંત્ર સમન્વય સાધી લે છે. ધારો કે તમે દૂબઇ ગયા છો. ભારત અને દૂબઇ વચ્ચે દોઢ કલાકનો સમય તફાવત છે. ધારો કે ભારતમાં આજે મંગળવારે  બપોરે ચારને દસ થઇ હોય તો દૂબઇમાં બપોરે બે વાગીને 42 મિનિટ થઇ હોય. વધુ લાંબા અંતરનો દાખલો લઇએ. ગ્રેટ બ્રિટન કરતાં ભારત સાડા ચાર કલાક આગળ છે. ભારતમાં આજે મંગળવારે ધારો કે ચાર વાગીને 14 મિનિટ થઇ છે તો લંડનમાં સવારે 11 વાગીને 44 મિનિટ થઇ હશે. હવે આ વાત સમજો. તમે જ્યાં પહોંચો ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે એકાદ બે દિવસમાં તમારા શરીરનું તંત્ર સમન્વય સાધી લે છે. લાંબા પ્રવાસના પગલે લાગતા થાકને જેટલેગ કહે છે. એ થાક ઊતરી જાય એ સાથે સ્થાનિક સૂર્યોદય-સૂર્યાસ્ત સાથે શરીર તાલ મેળવી લે છે.

એનો સરળ અર્થ એ છે કે સૂર્યના ઉદય અને અસ્ત સાથે આપણા શરીરને સીધો સંબંધ છે. આમ તો સૂર્યના તાપથી નદી-સરોવર-સમુદ્રનું પાણી બાષ્પીભવન થઇને ઊંચે ચડે છે અને ચોમાસામાં એ પાણી આપણને વરસાદ રૂપે પાછું મળે છે. આ વાત સ્કૂલમાં ભણતાં બાળકો પણ જાણે છે. પ્રાચીન કાળના રૂષિ મુનિઓએ એવી સલાહ આપેલી કે રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે તમારે સૂર્યને જળ ચડાવવું જોઇએ. સૂર્યોદય પછી એકાદ કલાક સુધી જળ ચડાવી શકો. તાંબાના લોટા વડે જળ ચડાવો તો ઉત્તમ. તાંબુ ઊર્જાના વહન માટે વધુ ગ્રહણશક્તિ ધરાવે છે. તમે જ્યાં ઊભા હો ત્યાં હાથ ઊંચા કરીને સૂર્યને જળ ચડાવતા હો ત્યારે શાસ્ત્રાજ્ઞા મુજબ આંખો ખુલ્લી રાખવી જોઇએ. સૂર્યના કિરણો અને જળપ્રવાહ વચ્ચે સાત રંગો પ્રગટતા દેખાશે. આ દરમિયાન કોઇ સૂર્યમંત્ર બોલો અને એ ન આવડે તો કમ સે કમ ઓમકાર ઉચ્ચારો.

વિદ્વાનો કહે છે કે તમને દેખાતા એ સાત રંગો તમારી આંખો દ્વારા શરીરનાં જુદાં જુદાં ચક્રો અને અંગોમાં અનેરાં આંદોલનો સર્જશે. આપણા શરીરમાં કંઇ ખૂટતું હોય, કોઇ ગડબડ હોય તો આ પ્રક્રિયા એને સુધારે છે. જેમ સૂર્યના પ્રકાશમાંથી વૃક્ષ વનસ્પતિ ફોટોસિન્થેસિસ મેળવે છે એમ સૂર્યને અર્ધ્ય આપતી વખથે આંખને દેખાતા સાત રંગો શરીર જોડે એક ખાસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે છે. આ  જ સિદ્ધાંત પર પ્રાચીન કાળમાં કલર થેરપીનો વિચાર માણસને આવ્યો હતો . જુદા જુદા રંગની બાટલીમાં પાણી ભરીને સૂર્ય પ્રકાશમાં મૂકી દેવાતી. ત્યારબાદ એ પાણી જે તે બીમારી ભોગવતા દર્દીને પીવા અપાતું. દર્દીને આરામ થઇ જતો. આ વૈજ્ઞાનિક રહસ્ય સૂર્યને જળ ચડાવતા મોટા ભાગના લોકોથી અજાણ્યું રહ્યું છે. એકવાર આ સમજાઇ જાય તો વધુ ઉત્સાહભેર સૂર્યને જળ ચડાવવાની ઇચ્છા જાગે. સૂર્યમાંથી પ્રગટતી ઊર્જા વૃક્ષ-વનસ્પતિ અને પશુ-પક્ષીની જેમ માણસ માટે પણ ઉપકારક છે. અને હા, આ ઊર્જા આપણને સાવ મફત મળે છે.  


Comments