પ્રણયની વૈવિધ્યસભર અને મુલાયમ સંવેદનાઓ અરિજિતે સ્વપુરુષાર્થથી જીવંત કરી.....

 


અરિજિત સિંઘે ગાયેલાં રોમાન્ટિક ગીતોની વાત શરૂ કરતી વખતે તમારું ધ્યાન દોર્યું હતું કે ભારતીય સંગીતના માત્ર એક રાગ અને એક તાલમાં ગીતો સ્વરબદ્ધ થયાં હોવા છતાં અરિજિતે શી રીતે આ ગીતોમાં ભાવ પ્રગટાવ્યો. અલબત્ત, દરેક સંગીતકારે અમુક રાગને પોતાની રીતે બહેલાવ્યો હોય. ઉપશાસ્ત્રીય ગાયકો જે રીતે ઠુમરી કે દાદરામાં મૂળ રાગને વધુ આસ્વાદ્ય બનાવવા જે રીતે રાગમાં વર્જ્ય હોય એવા સ્વરોની ગૂંથણી કરે એ રીતે ફિલ્મ સંગીતમાં પણ સંગીતકાર મૂળ રાગમાં બંદિશ ગોઠવતી વખતે કેટલાક પ્રયોગો કરે. રાગમાં ન વપરાતા હોય એવા સ્વરો દ્વારા સંગીત રસિકોને મીઠ્ઠો આંચકો આપે.

આજે અરિજિત સિંઘે ગાયેલાં વધુ થોડાં રોમાન્ટિક ગીતોનો આસ્વાદ લઇએ. એક અત્યંત નાજુક સંવેદનાને રજૂ કરતું આ ગીત સાંભળો. બે દિલ એકમેકની નિકટ આવે છતાં એક પ્રકારનો અલગાવ મહેસૂસ થાય ત્યારે જે શબ્દો પ્રગટે એ આ રહ્યા- પાસ આયે, દૂરિયાં ફિર ભી કમ ન હુયી, ઇક અધૂરી સી હમારી કહાની રહી, આસમાં કો જમીં સે જરૂરી નહીં, જા મિલે... ફિલ્મ હમારી અધૂરી કહાની માટે જીત ગાંગુલીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત આંખ બંધ કરીને સાંભળો તો ડૂમો ભરાઇ આવે. બીજી બાજુ શંકિત હૃદય ક્યારેક એેમ વિચારે કે તુમ મેરે હો, ઇસ પલ મેરે હો, કલ શાયદ યે આલમ ના રહે, કુછ ઐસા હો, તુમ તુમ ન રહો, કુછ ઐસા હો, હમ હમ ના રહે.... ફિર ભી તુમ કો ચાહુંગા... ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડના આ ગીતને મિથુને પહાડીને બદલે ભૈરવીમાં સ્વરબદ્ધ કર્યું છે. સંગીતના વિદ્વાનો ભૈરવીને સર્વદા સુખદાયી તરીકે વર્ણવે છે. અહીં શબ્દોમાં રહેલી શંકાને સ્વરો દ્વારે જીવંત કરાઇ છે. અરિજિત સાથે સશા તિરુપતિએ આ ગીતને કંઠ આપ્યો છે. આ ગીત પણ સાંભળનારને જકડી રાખે છે.

પ્રણયમાં ક્યારેક એવું પણ બને છે જ્યારે કોઇ ગેરસમજના કારણે બંને પાત્રો નિકટ હોવા છતાં એક પ્રકારનો અલગાવ અનુભવતાં હોય. પ્રેમમાં સમર્પણ કરવાની વાત આવે ત્યારે ભગવો રંગ દ્રષ્ટિ સમક્ષ આવી જાય. ફિલ્મ દિલવાલે માટે સંગીતકાર પ્રીતમે રાગ પહાડી અને તાલ કહેરવો અજમાવીને અરિજિતના કંઠે ગવડાવેલું આ ગીત સાંભળતી વખતે શક્ય છે, તમને કદાચ ગુલઝારે ફિલ્મ બંદિની માટે લખેલું આ ગીત પણ યાદ આવી જાય-મોરા ગોરા અંગ લઇ લે, મોંહે શ્યામ રંગ દઇ દે... અહીં ગીતકાર કહે છે- રંગ દે તુ મોંહે ગેરુઆ, રાંઝે કે દિલ સે હૈ દુઆ, રંગ દે તુ મોંહે ગેરુઆ....

આ ગીત સાથે શંકર અહેસાન લોયે સ્વરબદ્ધ કરેલું આ ગીત માણી શકો. ફિલ્મ ટુ સ્ટેટ્સનું આ ગીત પણ અલગ પ્રકારની સંવેદના પ્રસ્તુત કરે છે- ઇશ્ક કી ધૂની રોજ જલાયે, ઊડતા ધૂંઆ તો કૈસે છૂપાયેં, મન મસ્ત મગન મન મસ્ત મગન... આ ગીતમાં અરિજિત સાથે ચિન્મયી શ્રીપદા છે. ક્યારેક પ્રિયતમાને રીઝવવા પ્રેમી એવો દાવો પણ કરે કે હું તને એટલી બધી ચાહું છું જેની તું કલ્પના પણ નહીં કરી શકે. ફિલ્મ એરલીફ્ટમાં સંગીતકાર અરમાન મલિકે આ ભાવને પ્રગટ કરતું ગીત અરિજિત સિંઘ ઉપરાંત તુલસી કુમારના કંઠે તેમ જ,  અરમાને પોતે આ ગીત ગાયું હતું. એના શબ્દો પંજાબી લોકગીત જેવા છે- તેનુ મૈં ઇતના પ્યાર કરાં, ઇકલ પલ વીચ સૌ બાર કરાં, તૂ જાવે જે મૈનુ છડ કે, મૌત દા ઇંતજાર કરાં, મૈં તુઝ કો કિતના ચાહતા હું, યે તૂ કભી સોચ ના સકે... આ બધાં ગીતોમાં અરિજિતે જે રીતે પ્રાણ રેડ્યા છે એ તમે ગીતને એક કરતાં વધુ વખત સાંભળો ત્યારે અનુભવી શકો...


Comments