આઝાદીના અમૃત મહોત્સવ ટાણે દરેક નાગરિકે કેટલાક મુદ્દાઓ પર શાંતિથી વિચારવું ઘટે


આજે પંદરમી ઓગષ્ટ. દેશનો આઝાદી દિન. અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયાને પંચોતેર વર્ષ પૂરાં થયાં. આપણને રાજકીય આઝાદી કેટલી ફળી છે ? કેટલાક મુદ્દાનો છુટક છુટક વિચાર કરીએ તો ગમગીન થઇ જવાય. માણસની મૂળભૂત જરૂરિયાત માથા પર છાપરું, પીવાનું શુદ્ધ પાણી અને બે ટંક સાત્ત્વિક ખોરાકની હોય છે. દેશના તમામ લોકોની આ જરૂરિયાત આઝાદી આવ્યા પછી સંતોષાઇ છે ખરી ? એક શબ્દમાં જવાબ મળે- ના. આજે પણ દેશના કેટલાંય ગામડાં એવાં છે જ્યાં એક લોટો પાણી માટે બહેન-દીકરીઓ પાંચ પાંચ કિલોમીટર જેટલી રઝળપાટ કરે છે.

હજુ ગયા સપ્તાહે એક ટીવી ચેનલ પર ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ નામના કાર્યક્રમમાં ઘણું કરીને ઉત્તરાખંડ કે ઝારખંડનાં બાળકોએ મલખંભના પ્રયોગો રજૂ કરેલાં. આ બાળકો જાતે ઠેર ઠેર વીરડા ખોદીને ઝાડનાં પાંદડાનો પડિયો બનાવીને એ પાણી પીવે છે, કરમદાં જેવાં ટચૂકડાં જંગલી ફળ આરોગે છે. આવું ઘણી જગ્યાએ બની રહ્યું છે. 1947માં હતા એના કરતાં આજે અમીરો વધ્યા છે. અમીરોની તુલનાએ ગરીબો અનેકગણા વધ્યા છે. વિકાસની ગુલબાંગો મારતી વખતે આ પાયાની જરૂરિયાત વિશે કોઇ વિચારે છે ખરું કે લોકોને રહેવા માટે ખોરડું, પેટ ભરવા માટે ધાન્ય અને પીવાનું પાણી કેમ મળતું નથી.

જેમની રગેરગમાં એક યા બીજા પ્રકારનાં કૌભાંડો ભરેલાં છે એવા નેતાઓ આજે બગલાની પાંખ જેવાં ખાદીનાં કાંજીકડક વસ્ત્રો પહેરીને બાળકોને દેશસેવા કરવાના ઉપદેશ આપશે. દેશના આઝાદી સંગ્રામમાં સહભાગી થયા હોય એવા બહુ ઓછા નેતાઓ આજે આપણી વચ્ચે છે. છતાં આ લોકો ઊગતી પેઢીનાં બાળકોને સૂફિયાણી સલાહો આપશે અને બાળકો એનો ગૂઢાર્થ સમજ્યા વિના તાળીનો ગડગડાટ કરશે.

સળંગ કે ટુકડે ટુકડે ચાલીસથી વધુ વર્ષ રાજ કરનાર રાજકીય પક્ષે માત્ર અને માત્ર પોતાની સત્તાને અખંડ રાખવા કેવાં કેવાં કાળાં કામ કર્યાં એના દસ્તાવેજો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ગુલાબી કાગળમાં અખબાર પ્રગટ કરતા એક અખબાર સમૂહે 1964ના ઓક્ટોબરની 15મીએ ત્યારના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ નાગ નેતા ડોક્ટર વેરિયર એલ્વીન સાથે એવા કરાર કરેલા કે નાગભૂમિ ( નાગાલેન્ડ)માં ભારતીય સાધુઓ પ્રવેશી શકે નહીં. ગુજરાતી પ્રજા માટે સ્વામી આનંદનું નામ અજાણ્યું નથી. નહેરુએ આ કરાર કર્યા ત્યારે સ્વામી આનંદે પ્રગટપણે એનો વિરોધ કરેલો. સ્વામી આનંદ ભારત સાધુ સમાજના હોદ્દેદાર હતા. નહેરુએ સ્વામી આનંદની વાત માની નહીં. કરાર કર્યાના થોડા દિવસમાં ડોક્ટર એલ્વિને રાજ્યના તમામ લોકોને ધર્માંતર કરાવીને ખ્રિસ્તી બનાવી દીધા. 

એક વરિષ્ઠ પત્રકારે તાજેતરમાં ટ્વીટર પર ધડાકો કરેલો કે ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે મણીપુરમાં મીઝો બળવાખોરો પર બોંબમારો કરાવેલો. ભારતીય હવાઇ દળના જે વિમાને આ બોંબમારો કરેલો એેના પાઇલટ રાજેશ પાઇલટ અને સુરેશ કલમાડી હતા. આ બંનેને કેન્દ્ર સરકારમાં પ્રધાનપદ અને મા અકરામ આપવામાં આવેલા. ભારતીય રાજકારણમાં પરિવારવાદ પંડિત જવાહરલાલ નહેરુથી શરૂ થયો અને આજે તો ઊધઇના રાફડાની જેમ તમામ પક્ષોમાં પરિવારવાદ પ્રસરી ચૂક્યો છે. રાજકીય પરિવારવાદે દેશની બહુમતી પ્રજાની ઘોર અવગણના  કરી અને લઘુમતી પ્રજાની વોટબેંક અકબંધ રાખવા એમની સતત આળપંપાળ કરી. સદ્ભાગ્યે હવે મોડે મોડે પણ બહુમતી પ્રજા નગ્ન સત્ય સમજતી થઇ છે અને કદાચ પોતાનાં હિત માટે સંગઠિત પણ થશે.

કોઇ કહેતાં કોઇ પક્ષ કે નેતાને આમ આદમીની લેશ માત્ર પરવા નથી. કોઇ પણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા આ લોકો ગમે તે હદે જઇ શકે છે. આ આઝાદીનો અર્થ શો ? આ આઝાદી માત્ર રાજકીય પક્ષો અને નેતાઓને ફળી છે. આમ આદમીને એનાથી કશો લાભ થયો હોય એવું દેખાતું નથી. આ નક્કર વાસ્તવિકતા છે, નિરાશાવાદ કે નેગેટિવ અભિપ્રાય નથી.


Comments