અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. એમાંય આ વખતે ઠંડી વધુ છે. ઘરે ઘરે શરદી, ઊધરસ અને તાવના કેસ જોવા મળે. એટલે આપણા સૌના ઘરમાં એકાદી દવા હોવાની. ટીકડી સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે આપણે દવા લેતાં હોઇએ છીએ. કેમિસ્ટ પાસેથી દવા લેતી વખતે આપણે પેકેટ કે બાટલી પરની એક્સપાયરી ડેટ ચકાસી લઇએ છીએ. એક્સપાયરી ડેટ પછી જે તે દવા નકામી થઇ જાય છે એવી આમ આદમીની માન્યતા છે. લેટેસ્ટ સંશોધન મુજબ આ આખીય વાત નર્યું તર્કટ છે. યૂરોપીયન દવા કંપનીઓનું રાક્ષસી કદનું કૌભાંડ છે. આ સંશોધન કરનારા વિજ્ઞાનીઓ કહે છે કે અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી દવા કંપનીઓ રોજ નિયમિત રૂપે દવાઓ બનાવતી હોય. એ દવાઓ ક્યાં સુધી ગોદામમાં સંઘરી રાખે ? એ સતત વેચાવી જોઇએ તો જ રોકેલાં નાણાં છૂટાં થાય અને તગડો નફો મળે.
હવે જુઓ અમેરિકાની બદમાશી. 1979માં એવો કાયદો ઘડવામાં આવ્યો કે દવા કંપનીઓએ પોતાની પ્રોડક્ટ પર એક્સપાયરી ડેટ લખવી. દેખીતી રીતેજ આ કાયદાને લીધે આમ આદમીના મન પર એવી છાપ પડી કે એક્સપાયરી ડેટ પછીની દવા ફેંકી દેવી જોઇએ. એ દવા લઇએ તો આપણને પ્રતિકૂળ અસર થાય.
મજા જુઓ. કાયદો અમેરિકાએ ઘડ્યો અને ખાડો ખોદે તે પડે ન્યાયે સહેવાનું પણ અમેરિકાએ આવ્યું. બન્યું એવું કે અમેરિકી લશ્કર પાસે એના જવાનો માટે કરોડો રૂપિયાની દવાઓ હતી. આ દવાઓ પર એક્સપાયરી ડેટ લખેલી હતી એટલે લશ્કરી વડા મૂંઝાયા કે આટલી બધી દવાઓ શી રીતે ફેંકી દેવી. અમેરિકી લશ્કરે પોતાના દેશના જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ (અન્ન અને ઔષધ વિભાગ) વિનંતી કરી કે પ્લીઝ, આ દવાઓની અસરકારકતા તપાસી આપો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એ બધી દવાઓની તપાસ પોતાના વિજ્ઞાનીઓ પાસે કરાવી. 100થી વધુ દવાઓની તપાસ વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવી કારણ કે લશ્કરના જવાનોના આરોગ્ય અને ભવિષ્યનો સવાલ હતો. તપાસનું પરિણામ જોઇને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠ્યા.
વ્હોટ અ સરપ્રાઇઝ ! 99 ટકા દવાઓની અસરકારકતા પહેલાં જેટલીજ હતી એટલું જ નહીં, વિજ્ઞાનીઓએ કહ્યું કે એક્સપાયરી ડેટ પછીનાં દસ કે પંદર વર્ષ પછી પણ એ દવા અસરકારક રહે છે. અલબત્ત, એમાં અપવાદ પણ છે. બહુ જ નગણ્ય પ્રમાણમાં દવાઓ એવી પણ છે જેની અસરકારકતા ઘટી જાય. દાખલા તરીકે ટેટ્રાસાઇક્લીન, ડાયાબિટિસ પર લેવાતું ઇન્સ્યુલીન, નાઇટ્રોગ્લીસરીન અને કેટલીક પ્રવાહી એન્ટિ-બાયોટિક્સ. આવી દવાઓની અસરકારકતા થો..ડી..ક ઘટે છે. અહીં મહત્ત્વનો શબ્દ ‘થો..ડી..ક’ છે. વિજ્ઞાનીઓએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે વરસોના વીતવા સાથે કોઇ પણ દવાની અસરકારકતામાં સહેજ ઘટાડો થાય છે પરંતુ કોઇ પણ દવા પૂરેપૂરી બિન-અસરકારક બની જતી નથી. યાદ રહે, અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરાવેલી વૈજ્ઞાનિક તપાસનું આ તારણ છે. વાંચજો ધ્યાનથી- ‘એક્સપાયરી ડેટ પછીનાં દસ કે પંદર વર્ષ પછી પણ દવાઓ 99 ટકા અસરકારક હોય છે...!’
આ તારણનો સીધો સાદો અર્થ એટલો જ છે કે યૂરોપ-અમેરિકાની દવા કંપનીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભૂતાન વગેરે વિકાસશીલ દેશોની પ્રજાને છેલ્લાં પચાસ સાઠ વર્ષથી બેવકૂફ બનાવતી રહી છે. આપણાં અબજો, ખર્વો, શંકુ, નિઃશંકુ રૂપિયાની લૂંટ કરતી રહી છે. આજે પણ આ લૂંટ ચાલુ છે. આપણા ફેમિલિ ડોક્ટર્સ પણ આપણને આ વાતની જાણ કરતા નથી કારણ કે એમને દવા કંપનીઓ તરફથી મબલખ લાભ મળતા હોય છે.
અહીં ઔર એક વૈજ્ઞાનિક સંશોધનનો સાર એક લીટીમાં જણાવી દઉં. અભ્યાસી વિજ્ઞાનીઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એેલોપથીની દવાઓની મૂળ ફોર્મ્યુલા માત્ર પંચોતેર છે. પરંતુ એની પાંચ હજારથી વધુ બ્રાન્ડસ્ બને છે. તમે દસ અલગ અલગ કેમિસ્ટની દુકાને જાઓ અને માથું દુઃખવાની દવા માગો. દસે પાસે જુદી જુદી બ્રાન્ડની ટીકડી હશે. એ દરેક ટીકડીની મૂળ ફોર્મ્યુલા એક જ હશે. તમે ઓછામાં ઓછી એક ડઝન દવાઓ એવી જોશો જેના પર ‘પેરાસિટામોલ’ લખેલું હશે. એનો અર્થ એ કે આ બારેબાર દવાઓ બનાવનારી કંપનીઓ ભલે (બ્રાન્ડ ) જુદી હોય, એનો મૂળ કાચો માલ પેરાસિટામોલ છે. આ વિશે વધુ વિગતો ફરી ક્યારેક.
Comments
Post a Comment