હાર્ટ એટેકના કિસ્સા વધી કેમ રહ્યા છે એ મુખ્ય અને મહત્ત્વનો પ્રશ્ન છે !


2022ના અંતિમ દિને 31 ડિસેંબરે મોટા ભાગના દૈનિકોમાં એક ચિંતાજનક સમાચાર પ્રગટ થયા. એ સમાચારનો સાર એટલો કે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા દેશભરમાં વઘી રહ્યા છે. કેન્દ્ર સરકારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને આ દિશામાં તપાસ કરવાનો આદેશ આપ્યો. ફાઇન. વીતેલા વર્ષમાં બધી રીતે ફિઝિકલી ફિટ ગણાતા બે ત્રણ ટીવી સ્ટાર્સે હાર્ટ એટેકના પગલે જાન ગુમાવ્યો.

સ્કૂલમાં ભણતાં બાળકોને શીખવાય છે કે હૃદય એ શરીરના તમામ અંગોને લોહી પૂરું પાડવા માટેનો એક પ્રેસર પંપ છે. બહુ સરસ. તમે ભગવાન કહો, સર્જનહાર કહો, કુદરત કહો કે બીજું કંઇ કહો. એક વાત નક્કી કે આ પંપ બનાવનારે કમાલ કરી છે. સતત ચાલીસ પચાસ વરસ સુધી કોઇ સર્વિસિંગ વિના આ પંપ એકધારી સેવા આપે છે. આવો પંપ બનાવવાનું કોઇનું ગજું નથી. આ પંપની કામગીરી ખોરવાવાનું કારણ શું ? એ પ્રશ્ન મહાભારતના યક્ષપ્રશ્ન જેવો છે. ગયા વરસે જાન ગુમાવનારા ટીવી સ્ટાર્સ નિયમિત વ્યાયામ કરતા હતા અને છતાં સડન કાર્ડિયાક ડેથ આવી પડ્યું.

આ લખનાર કોઇ કાર્ડિયોલોજિસ્ટ નથી પરંતુ ટોચના કાર્ડિયોલોડિસ્ટ્સ સાથે થયેલી વાતચીતના આધારે લખ્યું છે. સૌથી પહેલીવાત એ કે આજનું જીવન આપાધાપીનું જીવન છે. અગાઉ ફક્ત મહાનગર મુંબઇના રહેવાસીઓ માટે આવું કહેવાતું. હવે દેશના મોટા ભાગનાં શહેરોમાં ભાગમભાગ રોજિંદા જીવનનો એક ભાગ બની ગઇ છે. સમયને નાથવો હોય એવી દિવાનગીથી ભાગમભાગ થઇ રહી છે. સાથોસાથ મનોરંજન ઉદ્યોગની જેમ હવે અન્ય વ્યવસાયોમાં પણ (સતત અનિશ્ચિતતા ભરેલી કારકિર્દીના પગલે) હાઇપર ટેન્શન પણ સ્વાભાવિક બની ગયું છે. આટલું ઓછું હોય તેમ ખાનપાનની અનિયમિતતા પણ લગભગ દરેક શહેરી નાગરિક માટે અનિવાર્ય બની ગઇ છે. તળેલી અને વધુ પડતી મસાલેદાર વાનગીઓ હૃદયને અનુકૂળ નથી આવતી. અપવાદ હોઇ શકે. આવા સંજોગો  હૃદયની કામગીરીને જબરી પ્રતિકૂળ અસર કરે છે. 

કેટલેક અંશે મેદસ્વિતા પણ હૃદયના કામને અવરોધે છે. એક ટોચના કાર્ડિયોસર્જ્યને વાતવાતમાં કહ્યું કે માણસના શરીરમાં, હાથનો અંગુઠો અંદર રાખીને તમે મૂઠ્ઠીવાળો એટલા કાદનું હૃદય અત્યંત નાજુક અવયવ છે. બહારની મેદસ્વિતા વધે ત્યારે અંદર હૃદયનું કદ વધતું નથી. પણ બહાર મેદસ્વિતા આવવાથી હૃદયનું કામ વધી જાય છે. પરિણામે હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. શરીરમાં ફેટ (ચરબી ) જરૂરી છે પરંતુ એની પણ કોઇ મર્યાદા હોય છે. 

એક મહત્ત્વનો મુદ્દો નિયમિત વ્યાયામનો છે. તમે રોજ અખબારો વાંચતા હો તો ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રવાળો કિસ્સો વાંચ્યો હશે. આ પંજાબી જાટ પાંચ છ વર્ષની વયથી નિયમિત વ્યાયામ કરતો રહ્યો છે. પરંતુ થોડા મહિના પહેલાં 87 વર્ષની વયે વ્યાયામનો અતિરેક થતાં હોસ્પિટલમાં ભરતી થવાનો વારો આવ્યો હતો. વીસ પચીસ વર્ષની વયે તમે જેટલો વ્યાયામ કરતાં હો એટલો 87 વર્ષની વયે થઇ શકે નહીં. કંઇક એવુંજ મુંબઇ મ્યુનિસિપાલિટીના નિવૃત્ત ડેપ્યુટી કમિશનર ગોવિંદ રાઘવ ખૈરનાર સાથે 2017-18માં થયેલું  યોગાસનોનો અતિરેક થતાં ખૈરનારની તબિયત લથડી હતી અને એમને તત્કાળ તબીબી સારવાર લેવાની ફરજ પડી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે તમારે કેટલો વ્યાયામ કરવો એ કોઇ જાણકારની સલાહ લઇને કરો. સલમાન ખાનના સિક્સ પેક જોઇને તમે સિક્સ પેક કરવા જાઓ તો ભારે પડી શકે. તમારી ઉંમર, શારીરિક કાઠું અને ક્ષમતા જોયા વિના આડેધડ કસરત કરી શકાય નહીં. હૃદયને હેમખેમ રાખવા આટલું પૂરતું છે.


Comments