અગિયારસ કે પૂનમના ઉપવાસને ચોખા ખાવા જોડે કોઇ વૈજ્ઞાનિક સંબંધ ખરો કે...?


અત્યારે ભારતીય પંચાંગ પ્રમાણે અધિક શ્રાવણ શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. શનિવારે 28 જુલાઇએ અગિયારસ ગઇ. અમદાવાદના એક મંદિરમાં શ્રદ્ધાળુ વયસ્ક (વૃદ્ધ0 મહિલાઓ અંદર અંદર ચર્ચા કરી રહી હતી કે અગિયારસે ભાત કેમ ન ખવાય ? એક મહિલાએ પોતે નથી જાણતી એવું સૂચવતાં હોઠ ઊંચાનીચા કર્યા તો એક મહિલાએ ખભા ઊલાળ્યા. એક મહિલાએ પ્રખર ભાગવતકાર પૂજ્ય ડોંગરેજી મહારાજને યાદ કર્યા. ડોંગરે મહારાજ પોતાની કથામાં કેટલીક જૂની વાતોને વ્યવહારુ રીતે સમજાવતા. તેમના કહેવા મુજબ આપણે જમતાં હોઇએ ત્યારે ભોજનની પરાકાષ્ઠા રૂપે ભાત પીરસવામાં આવે. એ પહેલાં રોટલી પુરી વગેરે પીરસાતાં રહે. જમતી વખતે ભાત ખાઇએ એટલે એક પ્રકારની હા...શ થાય, એક પ્રકારે ધરવ થાય. સરખું જમી રહ્યાનો અહેસાસ થાય. 

ડોંગરે મહારાજ કહેતા કે ઘણા લોકો ઉપવાસ નથી કરી શકતા. કશો વાંધો નહીં. ઉપવાસ ન કરો તે દિવસે ભોજનમાં ભાત નહીં ખાતા. વ્યવસ્થિત જમવા છતાં એક પ્રકારની ઊણપ લાગશે. એ ઊણપ ભાતની ગેરહાજરીથી લાગશે. આ વાત શ્રદ્ધાળુ લોકોને શીરાની જેમ ગળે ઊતરી જતી. અગિયારસ અને પૂનમના દિવસે જે લોકો ઉપવાસ ન કરી શકે એવા સેંકડો લોકો ભાત નથી ખાતા. ડોંગરે મહારાજ તો મજાકમાં કહેતા કે અગિયારસે ભાત નહીં ખાવાથી અરધું પુણ્ય મળશે. એ જતું નહીં કરતા. આ તો થઇ ધાર્મિક લોકોની વાત. 

હવે એક નવી વાત જાણવા મળી છે. કેટલાક લોકો અગિયારસે ભાત નહીં ખાવાના વૈજ્ઞાનિક કારણ તરીકે આ વાત રજૂ કરે છે. એમાં લોજિક તો છે. વિજ્ઞાન છે કે નહીં એ તમે નક્કી કરજો. એક વાત સાચી કે આ તર્કબદ્ધ વાતમાં સત્યનો અંશ હોય એવું લાગે છે. ગામડાગામમાં વસતા ખેડૂતો અને દરિયો ખેડતા દરિયાછોરુ આ વાત સાથે અચૂક સંમત થશે. આ તર્ક રજૂ કરનારા અભ્યાસીઓ કહે છે કે ચંદ્રની વધઘટ થતી કળા સાથે સાગરની ભરતી ઓટને સંબંધ છે એ જ રીતે ચંદ્રની વધતી ઘટતી કળા સાથે માનવ આરોગ્યને પણ સંબંધ છે. હવે વાંચજો ધ્યાનથી. એકમથી આઠમ સુધી શરીરમાં પ્રવાહી અંશની અસર ક્રમશઃ ઓછી હોય છે.  દરેકને સરખી ભૂખ લાગે છે અને રોજિંદા આહારમાં ભાતનું પ્રમાણ સારું એવું  હોય છે.

આઠમથી પૂનમ સુધી જેમ મહાસાગરમાં ભરતીના પ્રમાણમાં વધારો થાય છે તેમ આપણા શરીરમાં જળ સંક્રમણ વધે છે . તમારા ધ્યાનમાં એક વાત હશે. મનોચિકિત્સકો કહે છે કે પૂનમના દિવસે ઘણા લોકોનાં વાણીવર્તનમાં ફેરફાર જોવા મળે છે. માનસિક સમસ્યા હોય એવા લોકો વધુ આક્રમક બની જાય છે. પાગલશાળામાં રહેલા લોકોનાં તોફાન વધી જાય છે.  દરિયામાં પૂનમની ભરતી પણ અન્ય તિથિઓ કરતાં પ્રમાણમાં વધુ સઘન જોવા મળે છે. મોજાં વધુ વેગવાન અને આક્રમક જણાય છે.  એટલે આઠમથી પૂનમ વચ્ચે ભાત ટાળી શકાય તો સૌથી ઉત્તમ. ન ટાળી શકો તો પ્રમાણ ઓછુ કરી દેવું યોગ્ય રહેશે.

હવે પૂછો ધરતીના તાતને. ચોખા પકવવા માટે ખેતરમાં પાણી વધુ જોઇએ. ચોખા રાંધવામાં પણ પાણી વધુ જોઇએ. રાંધેલા ચોખા અર્થાત્  ભાત ખાધા પછી એક પ્રકારનું ઘેન ચડે છે એનું કારણ પણ ભાતમાં રહેલા જળઅંશો શરીરના જળ-અંશો (રક્ત, પ્રાણ વગેરે)ને અસર કરે છે. પરિણામે સુસ્તી જેવું લાગે છે. થોડીવાર સુઇ જવાની ઇચ્છા જાગે છે. આઠમથી પૂનમ કે અમાસ વચ્ચે ભાત ઓછો ખાવાથી શરીરના જળ-અંશો સંતુલિત રહે છે એટલે સ્વસ્થતા જળવાઇ રહે છે. આ વાત વિચાર કરવા જેવી છે. ધર્મ અને વ્યવહારુ વિજ્ઞાન બંને આ વાતમાં સમન્વય છે. ઉપવાસ કરવો કે નહીં એ દરેકની અંગત વાત છે. આઠમથી પૂનમ-અમાસ દરમિયાન ભાત ઓછો ખાવો અથવા ન ખાવો એ તમારી ઇચ્છાની વાત છે.  તમે નક્કી કરજો. 


Comments