કચ્છી નવું વર્ષ અને જગન્નાથજીની રથયાત્રા, બબ્બે મંગળ પર્વ ટાણે ઉમળકો ટકવો ઘટે

 


આજે અષાઢી બીજ. બબ્બે મંગળ પર્વ. એક તરફ કચ્છી ભાઇબહેનોનું નવું વર્ષ અને બીજી બાજુ જગતના નાથની નગરચર્યા- રથયાત્રા. સામાન્ય રીતે અષાઢી બીજે કચ્છી યુવક યુવતીઓ એેકમેકને કહેતાં હોય નયે વરહ જી વધાયું, મડે કચ્છી ભાવરેં કે નયે વરહ જી વધાયું...  (બધાં કચ્છી ભાઇબહેનોને નવા વરસની વધાઇ ) આ વખતે કચ્છની પ્રજા પ્રભુનો પાડ માનતી હશે કે જાન બચી તો લાખોં પાયે... જીવતો નર ભદ્રા પામે. બીપર્જોય વાવાઝોડાએ જબરદસ્ત વિનાશ વેર્યો છે. અબજો રૂપિયાની સંપત્તિ ઢેર થઇ ગઇ છે. પરંતુ કચ્છી મહાકવિ દૂલેરાય કારાણી કહેતા, કચ્છી માડુ ત પથર મેં લત્ત મારે ને પાણી કઢે... કચ્છી માડુ તો પથ્થરમાં લાત મારીને પાણી કાઢે એવો ભડનો દીકરો હોય છે. કચ્છી માડુ સંગીતકાર કલ્યાણજીભાઇ કહેતા, પરમાત્મા મુશ્કેલી પણ મરદ માણસને આપે છે. માયકાંગલાને આપે તો પેલો મુશ્કેલીને આવતી જોઈને જ પોક મૂકે. મરદ માણસ કહેશે, આવી જા, હું તારી જ વાટ જોતો હતો. 

2001ના ધરતીકંપ પછી આ વખતનું વાવાઝોડું બીજી મોટી કુદરતી આફત હતી. પરંતુ સમયસર અગમચેતીનાં પગલાંએ જાનખુવારી નહીંવત્ કરી. બીજું નુકસાન ઘણું થયું.  કચ્છી માડુ તો કમર કસીને કાલ સવારે ફરી ઊભો થઇ જશે અને પગભર થઇ રહેશે એમાં કોઇ શંકા નથી. જો કે  આ વખતે નવા વર્ષની ઊજવણી ધામધૂમથી નહીં થાય એ સમજી શકાય એવી વાત છે.

રથયાત્રાનો આ બીજો ઉત્સવ સેંકડો વર્ષોથી ઊજવાતો રહ્યો છે. એને કોમવાદ નડ્યો નથી. ઓરિસાના જગન્નાથપુરીમાં વસતા ભગવાન કૃષ્ણ બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામ સાથે નગરચર્યા કરવા નીકળે એ ઉત્સવ હવે  લગભગ દુનિયાભરમાં વધતે ઓછે અંશે ઊજવાય છે. ગુજરાતનાં પણ દરેક શહેરમાં આ ઉત્સવ ઉમળકાભેર ઊજવાય છે. લાખો ભાવિકો મગ અને જાંબુનો પ્રસાદ આરોગે છે. ભાગ્યે જ કદી અનિચ્છનીય બનાવ બને છે. આ વખતની રથયાત્રા વખતે એક જુદો વિચાર આવે છે.

કોરોના કાળમાં અને આ વખતના વાવાઝોડા વખતે જગતના નાથ દ્વારિકાધીશ, ચોટિલાની મા ચામુંડા, પાવાગઢ, ખોડલધામ, સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી વગેરે મંદિરોના કમાડ વાસી દેવામાં આવેલા. અલબત્ત, ભક્તોનો ધસારો ન થાય અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે આવાં આકરાં પગલાં લેવા પડ્યાં એ મજબૂરી હતી. આજે જ્યારે જગતનો નાથ નગરચર્યા કરવા નીકળે ત્યારે એને અંતઃકરણના ઉમળકાથી વધાવી લેવા જોઇએ અને મીઠ્ઠી રાવ કરવી ઘટે કે બીપર્જોય વાવાઝોડા જેવી ભયંકર કસોટી વારંવાર ન કરતા મારા નાથ ! લાખેક માણસોને સહીસલામત એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા, એમના યોગક્ષેમની વ્યવસ્થા કરવી એ સાવ નાનીસૂની વાત નથી. સદ્ભાગ્યે બધું પાર ઊતરી ગયું. આમ છતાં 85 હજાર જેટલા વીજ પોલ ધરાશાયી થઇ ગયા, એક લાખ વૃક્ષ મૂળસોતા ઊખડી ગયા, પુલ અને હાઇવે ધોવાઇ ગયા. જે બાળકોએ આવું પહેલીવાર જોયું હશે એમના મનમાં જે ભય પેસી ગયો એ જીવનભર ભૂલી નહીં શકે. 

આવી ગંભીર કુદરતી આફત વચ્ચે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાતસો બાળકો જન્મ્યાં એ જાણીને કવિવર રવીન્દ્રનાથ ટાગોર યાદ આવી ગયા. નોબેલ વિજેતા આ કવિવરે ટાગોરે એકવાર કહેલું કે દરેક નવું જનમતું બાળક મને ખાતરી કરાવે છે કે ઇશ્વરે હજુ માણસ જાત પરથી વિશ્વાસ ગુમાવ્યો નથી. આજે રથયાત્રાના પવિત્ર પર્વે પ્રભુને એટલીજ પ્રાર્થના કે અમારા પરનો તારો આવો વિશ્વાસ કાયમ અખંડ રાખજે. છોરુ કછોરુ થાય માવતર કમાવતર ન થાય બાપ...!

Comments