2005ના એપ્રિલ-મેમાં રમણીકદાદા પંડ્યા સાથે પ્રથમ પરિચય થયો ત્યારબાદ ધીમે ધીમે અમે એકબીજાને વધુ પિછાણતા થયા. અમારી વચ્ચે એક પ્રકારની આત્મીયતા સ્થપાઇ ગઇ. દાદા રોજ સવારે ગુજરાત સમાયાર કાર્યાલયમાં આવે એટલે સૌ પ્રથમ મારી મુલાકાત લ્યે. ખબર અંતર પૂછીને પછી એમના કાર્યસ્થાને જાય. વચ્ચે વચ્ચે પાછા મળે ખરા. હસતાં હસાવતાં વાતો કરતા જાય અને પોતાનું કામ કરતા જાય.
દરમિયાન, દર ગુરૂવારે મારા મિત્ર અને ગુજરાત સમાચારના સિનિયર કટાર લેખક નસીર ઇસ્માઇલી આવે. અમે બંને સાથે ચા પીએ. થોડાં ગપાટાં મારીએ. એમાં એકવાર નસીર બેઠા હતા ત્યારે રમણીકદાદા કંઇક પૂછવા આવ્યા. એ પૂછીને ગયા પછી નસીર મને કહે, આ માણસ જેવો ગુણી માણસ મેં બીજો જોયો નથી. પાતાળકૂવો છે. એને એક વાત જાણવા મળે એ એના મોઢેથી તમે કદી કઢાવી શકો નહીં. પેલી ત્રણ પૂતળીવાળી વાર્તા યાદ છે ને... આ ત્રીજી પૂતળી છે. એના પેટમાં કોઇ વાત ઊતરી ગઇ એ પોતે કહેવા માગે તો જ કહે. બાકી તમે માથું પટકીને મરી જાઓ એ કદી કોઇની ખરીખોટી કરે નહીં. કોઇની ખુશામત નહીં તેમ કોઇની નિંદા પણ નહીં.
લગભગ આવોજ અભિપ્રાય અન્ય મિત્ર પ્રિયકાંત પરીખના મોઢે સાંભળેલો. આમ તો નસીર અને પ્રિયકાંત બંને મારા કરતાં ઉંમર અને અનુભવમાં મારાથો બે ત્રણ વર્ષ મોટા પરંતુ મારી સાથે સમવયસ્ક જેવો વ્યવહાર રાખે. જ્યારે આવે ત્યારે સાથે ચા પીએ. રમણીકદાદા અમારી મૈત્રી જોઇને રાજી થાય. એકવાર પ્રિયકાંતે વાતવાતમાં કહ્યું કે ક્યારેક તક મળે તો આ માણસની બહુમુખી પ્રતિભાનો પરિચય કરજે. મેં આ વાત પકડી લીધી. પછી જ્યારે રમણીકદાદા થોડા ફ્રી હોય ત્યારે આડાઅવળા સવાલ પૂછ્યા કરું. એવા એક પ્રસંગે મારી બાની વાત નીકળી. એમાંથી પછી બીજી વાત નીકળી. મેં કહ્યું કે બાને કેન્સરનું છેલ્લું સ્ટેજ હતું ત્યારે રોજની નર્સ તો રાખવી પરવડે નહીં એટલે મેં નર્સિંગનો કોર્સ કરેલો એ કામ આવ્યો. બાને સ્પંજ કરવું, પથારીની ચાદર બદલવી, એનિમા આપવો વગેરે કામો હું કરતો.
દાદા મલક્યા. પછી કહે, હું નવો નવો પત્રકાર થયો ત્યારે મનમાં થોડી શંકા હતી કે હું આ વ્યવસાયમાં સફળ થઇશ કે નહીં થાઉં. કદાચ ન ફાવે તો શું કરવું એવા વિચારમાં મેં પણ જામનગર આયુર્વેદિક ક઼ૉલેજનો વૈદકનો અભ્યાસ કર્યો. એને કારણે માધવ નિદાન, હિન્દુસ્તાનનો વૈદરાજ ઉર્ફે આર્યભિષક, ચરક સંહિતા વગેરે ગ્રંથો વાંચવાની તક મળી. ભિક્ષુ અખંડાનંદની સસ્તું સાહિત્ય સંસ્થા જોડે અખંડ આનંદ સામયિકને કારણે જોડાયેલો હતો એટલે મને વૈદકના પુસ્તકો સહેલાઇથી વાંચવા મળતાં. તમે (અજિત પોપટ) ક્વોલિફાઇડ નર્સ છો તો હું ક્વોલિફાઇડ વૈદ છું.
પછી તો એમને કદાચ વધુ પૂછવા-કહેવાનું મન થયું એટલે કહે, તમે એમ. એ. પછી જે રીતે વધુ ને વધુ શીખતા ગયા એમ હું પણ નવો નવો અભ્યાસ કરતો રહ્યો. પહેલાં તમારી (અજિત પોપટની) વાત કરો. પછી હું મારી વાત કરું. મેં કહ્યું કે એમ. એ.માં બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રક મળ્યો એટલે મારી જ્ઞાનભૂખ ઊઘડી. યોગાનુયોગે એ દિવસોમાં (1971-72)માં મુંબઇમાં મરાઠી સાહિત્ય સંઘ મંદિર તરફથી મરાઠી ભાષા મફત શીખવાડતો અભ્યાસક્રમ શરૂ થયો. કેલેવાડીમાં આવેલા સંઘ મંદિરના હૉલમાં મરાઠીના મફત વર્ગો ચાલતા. એ મેં ભર્યા અને પદ્ધતિસર મરાઠી વાંચતાં-લખતાં-બોલતાં શીખ્યો. એ પછી તો જાણે નીત નવું શીખવાની ધગશ જાગી.
રાષ્ટ્રભાષા રત્નનો અભ્યાસ કર્યો, બંગ ભાષા પ્રચાર સમિતિ તરફથી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો. એના પગલે પરિચય ટ્રસ્ટ અને ગ્રંથના સંપાદક શ્રી યશવંત દોશીએ મને વંદે માતરમના સર્જક (બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય) નામે પરિચય પુસ્તિકા લખવાની તક આપી. પછી ચર્ની રોડ સ્ટેશન નજીક આવેલા મહાત્મા ગાંધી ફાઉન્ડેશનમાં ઊર્દૂના પ્રાથમિક વર્ગો ભર્યા, બોમ્બે યુનિવર્સિટીમાં જર્મન ભાષાનો પ્રાથમિક અભ્યાસ કર્યો. ભારતીય સંગીતની સંગીત વિશારદની ડિગ્રી અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની લીધી હતી. તારી આંખનો અફિણી ફેમ સંગીતકાર અજિત મર્ચંટની સહાયથી પિયાનોવાદનની પ્રાથમિક તાલીમ લીધી અને લંડનની ટ્રિનિટી કૉલેજની પહેલા બે વર્ષની પરીક્ષા ડિસ્ટીંગ્શનમાં પાસ કરી. હવે તમારી વાત કરો.
દાદા મલક્યા. એ કહે કે, મને તમારા જેટલું ભણવા શીખવાની તક કે સમય મળ્યાં નથી. પરંતુ તમે જે નથી શીખ્યા અને હું શીખ્યો છું એની વાત કરું. આ મારું શર્ટ જુઓ છો ને... મેં હકારમાં ડોકું હલાવ્યું એટલે કહે કે આ શર્ટ મેં જાતે સીવ્યું છે. આયુર્વેદની ડિગ્રી લીધા પછી પણ મને સતત એમ થતું કે ક્યારેક જરૂર પડ્યે અ્ન્ય વ્યવસાય કરવો પડે તો હાથમાં હુન્ન્રર હોય એ કામ લાગે એટલે મેં ટેલરિંગની (દરજીકામની) તાલીમ લીધી. મારી પાસે ટેલરિંગનો ડિપ્લોમા છે. આજે પણ મારાં કપડાં સીવવા ઉપરાંત હું જાતે મારા કપડાં ધોઉં છુ. મને ભાવતી વાનગી જાતે બનાવી શકું છું.
વાતનો તંતુ સાંધતાં મેં કહ્યુ કે દાદા, રસોઇની કળા તો હું પણ મારી બા પાસે શીખ્યો છું. જો કે મારા હાથે રોટલી હજુ ગોળ વણાતી નથી. દાદા કહે, એનો વાંધો નહીં. પરાઠા કે ચોપડાની જેમ ત્રિકોણ બનાવી નાખવાની. આખરે ખાવાની તો આપણે જ છે ને.
2005માં શરૂ થયેલી અમારી એ આત્મીયતા દાદા કાર્યાલયમાં આવતા ત્યાં સુધી એટલે કે લગભગ દાદા એકાણું-બાણું વર્ષના થયા ત્યાં સુધી ચાલી. પોતાને ગમતા કટાર લેખકો અને સાહિત્યકારો માટે દાદાને ખૂબ લાગણી. એમાંય ચિત્રલેખાના હરકિસન મહેતા માટે ખાસ પક્ષપાત. દાદા વારંવાર કહે કે હરકિસન મહેતા વાચકોની નાડ પારખીને લખે છે.
માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો... ન્યાયે રમણીકદાદા વિશે આટલું બીજી વાર લખ્યું છે. એમના આશીર્વાદથી જ લખાયું છે એમ કહું તો ચાલે. પ્રભુ એમને શતાયુ કરે એવી પ્રાર્થના.
Comments
Post a Comment