છન્નુ (96) વર્ષના એક વડીલની પડખે બેઠો છું. વીતેલા સમયનાં સંભારણાં ચોકલેટની જેમ ચગળીએ છીએ-માણીએ છીએ. વચ્ચે વચ્ચે દાદા મલકી લે છે. વાતનો આરંભ ક્યાંથી કરું એ મીઠ્ઠી મૂંઝવણ છે. 2005ના એક દિવસે અમદાવાદના ગુજરાત સમાચારના કાર્યાલયમાં હું મારા ટેબલ પર બેસીને લખી રહ્યો છું. અચાનક એક વડીલ પાસે આવીને ઊભા રહી જાય છે. મોતીના દાણા જેવા દાંત દેખાય એ રીતે મલકે છે- તમે અજિત પોપટ છો ને ? મને પૂછે છે, હું હકારમાં જવાબ આપું છું. એ પોતાનો પરિચય આપે છે- મારું નામ રમણિકલાલ પંડ્યા. મેં કરસનદાસ માણેક સાથે અખંડ આનંદમાં ત્રીસ વર્ષ કામ કરેલું. અને હા, હું મુંબઇમાં સી.પી. ટેંક પર આવેલી આઇડિયલ હાઇસ્કૂલમાં ભણ્યો હતો. તમે પણ એ સ્કૂલના વિદ્યાર્થી છો, ખરું ? મેં ફરી હકારમાં જવાબ આપ્યો.
પળ બે પળ અને અમારા બંને વચ્ચે કોઇ ઋણાનુબંધ હોય એમ આત્મીયતા સ્થપાઇ ગઇ.
રમણિકભાઇ પંડ્યા. 1946 થી 2020. પંચોતેર વર્ષની પત્રકારત્વની યાત્રા. ગુજરાત રાજ્યમાં ભાગ્યે જ કોઇએ પત્રકારત્વની આટલી લાંબી મજલ કાપી હશે. મહાનગર મુંબઇ છોડીને રમણિકભાઇ અમદાવાદ આવ્યા અને મણીનગરમાં વસવાટ કર્યો. પહેલા પાંચેક વર્ષ સંદેશ અખબારમાં કામ કર્યું. એ સમયે સંદેશનું વડું મથક ઘીકાંટા વિસ્તારમાં હતું. ત્યારબાદ મનુ સુબેદાર અને ભિક્ષુ અખંડાનંદના માસિક અખંડ આનંદમાં જોડાયા. ધુરંધર સાહિત્યકારો સાથે ઘરોબો કેળવાયો. કવિ કરસનદાસ માણેક, ઉમાશંકર જોશી, વિજયગુપ્ત મૌર્ય, પન્નાલાલ પટેલ, ઇશ્વર પેટલીકર, કાકાસાહેબ કાલેલકર.... કેટલાં નામ ગણવાં ? ત્રીજે પગથિયે ગુજરાત સમાચારમાં જોડાયા. તે છેક 2020 સુધી.
આઇડિયલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નગીનદાસ સંથેરિયા અને કવિ કરસનદાસ માણેક
-----------------------------------------
એકવાર વાતવાતવમાં શ્રેયાંસભાઇએ મને કહ્યું, મારી બે આંખ છે- રમણિકભાઇ પંડ્યા અને શ્રુતિબહેન. શ્રુતિબહેનની વાત ફરી ક્યારેક. રમણિકભાઇની વાત કરીએ તો એમણે પત્રકારત્વની તમામ કામગીરી કરી છે. તરજુમો કરવાથી માંડીને પહેલું પાનું સંભાળવા ઉપરાંત રાતપાલી, વિવિધ પૂર્તિઓ અને એમાંય અગમ નિગમની પૂર્તિ તો એવી કાઢે કે ભલભલા અધ્યાત્મ પુરુષો મુગ્ધ થઇ જાય. એમનું વાંચન એટલું વિપુલ કે બહુશ્રુત શબ્દ નાનો પડે. એકવાર બકુલ ત્રિપાઠી અને પ્રિયકાંત પરીખ વચ્ચે વાતચીત ચાલતી હતી. બકુલભાઇએ વાતવાતમાં પ્રિયકાંતને કહ્યું, મને ઇશા કુન્દનિકા પૂછતાં હતાં કે તમારી રવિ પૂર્તિ હાલ કોણ સંભાળે છે ? મેં કુન્દનિકાબહેનને સામો પ્રશ્ન કર્યો, કેમ પૂછવું પડ્યું. બહેન કહે, પૂર્તિમાં એક કાનોમાત્રની પણ ભૂલ આવતી નથી. ત્યારે મેં ફોડ પાડ્યો કે રમણિકભાઇ પંડ્યા સંભાળે છે.
કુન્દનિકાબહેન ખુશ થઇ ગયાં. ઓહ્ પેલા અખંડ આનંદવાળા, ખરું ને ? રમણિકભાઇની કાર્યનિષ્ઠાનો આ જીવંત પુરાવો. પૂર્તિના દરેક લેખનો અક્ષરે અક્ષર વાંચી જાય. સહેજ પણ શંકા પડે તો લેખકને ફોન કરે, પૂછપરછ કરે, જરૂર જણાય તો શ્રેયાંસભાઇને દેખાડે. જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી રમણિકભાઇને ચેન ન પડે. ભાષાશુદ્ધિના જબરા આગ્રહી. જોડણી, અનુસ્વાર, વિરામ ચિહ્નો, વર્ણ્ય વિષયની ખરાઇ વગેરે બાબતોમાં એમની કાર્યદક્ષતા અજોડ. એવો બીજો સંપાદક કોઇ જાણ્યો નથી. ક્યારેક મારા ટેબલ પર આવે અને કહેશે, જરા ગુગલ પર ભગવદ્ ગોમંડળ ખોલોને. આ એક શબ્દ જોવો છે. એ શબ્દની ખરાઇ કર્યા પછી જ એમને સંતોષ થાય. જૂની રંગભૂમિનાં અનેક ગીતો એમને કંઠસ્થ. ઘણીવાર ગુજરાત સમાચાર કાર્યાલયમાં અમે સાથે બેસીને એ ગીતો યાદ કરતા. એ કલાકારો, એ ગીતો, એ સંગીતકારો... ન ભૂતો ન ભવિષ્યતિ...
સતત પંચોતેર વર્ષ કોઇ ગુજરાતીએ પત્રકારત્વમાં કાઢ્યા હોય એવો કદાચ સમગ્ર પત્રકારત્વના ઇતિહાસમાં આ એકમેવ દાખલો હશે એવું મારું નમ્રપણે માનવું છે. ભૂલચૂક લેવી દેવી. એમના પુત્રના બે ફોન આવી ગયેલા કે બાપુજી તમને મળવા માગે છે. આજે મંગળવાર, નવમી મે, 2023ના દિને અચાનક એમને મળવાનું થયું. સ્કૂલના દિવસો યાદ કર્યા. આઇડિયલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નગીનદાસ સંથેરિયા અને એમનાં પત્ની સુશીલાબહેનને તેમજ કવિ કરસનદાસ માણેકને યાદ કરતાં એમની આંખના ખૂણા ભીના થયા. મને એક ખાસ ડિક્શનરી આપવા બોલાવેલો. આપ્ટેની અંગ્રેજી-સંસ્કૃત ડિક્શનરી. દુર્લભ ગ્રંથ. મને કહે કે આ ડિક્શનરી તમને આપવા માટે રાખી મૂકેલી. હવે તમે લઇ જાઓ. આશરે પોણો કલાકની આ મુલાકાત મારા માટે અનેરી બની રહી. શરીરથી થાક્યા છે પરંતુ મનથી હજુ એવા ને એવા ચિરયુવાન છે.
Comments
Post a Comment