મુંબઇના વરલી દરિયા કિનારે મીઠા પાણીનો કૂવો આપીને હઠયોગી સંતે ધૂણી ધખાવી...!

 ખાલિસ્તાનવાદી તત્ત્વોના ઉધામાના કારણે હાલ પંજાબ મિડિયાના કેન્દ્રમાં છે. આ પંજાબમાં ઉદાસીન પંથના એક હઠયોગી સંત બાબા પૂરણદાસજીના નામે એક કરતાં વધુ સ્કૂલો-કોલેજો ચાલે છે. એક શિક્ષણ સંસ્થામાં તો એમની પૂર્ણ કદની આરસની પ્રતિમા પણ બિરાજમાન છે. પંજાબના ધીંગડ વિસ્તારના આ સંતને પંજાબીઓ અને સિંધીઓ વારીવારા સંત પણ કહે છે. કારણ ? એ રેતીની પથારી પર સુતા અને ઇંટનો તકિયો બનાવતા. છ ફૂટ અઢી ત્રણ ઇંચની ગૌર કાયા, ગૌર વર્ણ અને આખું શરીર ભભૂતિથી સજ્જ રહેતું.  આ સંત કહેતા, આ દુનિયામાં પૂર્ણ તો એક માત્રપરમેશ્વર છે. આપણે સૌ એેના સેવક છીએ. પંજાબીઓ જોડાક્ષર બોલતા નથી એટલે પૂર્ણદાસનું પુરણદાસજી થઇ ગયું. 

અહીં થોડી વાત ‘ઉદાસીન’ પંથની કરવી ઘટે છે. ઉદાસીન એટલે ગમગીન, હતાશ, નિરાશ કે ડિપ્રેસ્ડ નહીં. સંસ્કૃત ભાષામાં ઉદ્ આસીન બે શબ્દ છે.. ઉદ્ એટલે પરમાત્મા કે બ્રહ્મ. આસીન એટલે લીન. જેમનું ચિત્ત ચોવીસે કલાક પ્રત્યેક ક્ષણે ઇશ્વરમય રહે છે એે ઉદાસીન. આ સંપ્રદાયની સ્થાપના પૂજ્ય ગુરુ નાનકના પુત્ર શ્રીચંદ્રે કરી હતી. શ્રીચંદ્ર નાની વયથી પ્રભુ સ્મરણમાં રહેતા. નાનકડાં બીજાં બાળકો રમતાં હોય ત્યારે શ્રીચંદ્ર એક વૃક્ષની છાયામાં બેસીને ધ્યાનમગ્ન થઇ જતા. લોકવાયકા એેવી છે કે પોતાની જીવન સંધ્યાએ શ્રીચંદ્રબાબા જમ્મુ કશ્મીરમાં જેલમ નદીના સામા કાંઠે ગયા, ત્યારબાદ અદ્રશ્ય થઇ ગયા. એટલે આજે પણ એ  આપણી વચ્ચે છે એવું ઉદાસીન પંથના સાધુઓ માને છે. એમના દેહત્યાગ વિશે કોઇ માહિતી ઉપલબ્ધ નથી. 

વાત તપસ્વી બાબા પૂરણદાસજીની વરસી (પુણ્યતિથિ)ની છે. રસપ્રદ વાત એ છે કે પંજાબમાં જેમના નામે વિવિધ શિક્ષણ સંસ્થાઓ છે એવા આ સંતે મહાનગર મુંબઇમાં 1961ના વૈશાખ સુદ સાતમે (ગંગા સપ્તમીએ) સમાધિ લીધેલી. એ સમયે એમની વય 150 વર્ષની હતી એવું મહાલક્ષ્મી મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા સાધુબેલાના મહંત ગણેશદાસજી કહેતા. મુંબઇના વરલી નાકા પર બાબાજીની સમાધિ છે. એ સ્થળે પણ બાબાજીએ 150 વર્ષની વયે દેહત્યાગ કરેલો એવી આરસની તકતી છે. એમણે બાર પૂર્ણ કુંભ મેળામાં હાજરી આપેલી. પૂર્ણ કુંભ મેળો દર બાર વરસે યોજાય છે. બાર કુંભ એટલે 144 વર્ષ થયા. સંત કહેતા કે જ્યારે દેશમાં હજુ રેલવે આવી નહોતી ત્યારે અમે પદયાત્રા કરીને કુંભમેળામાં હાજરી આપતા. 

વડીલોના કહેવા મુજબ 1950ના દાયકામાં ફરતાં ફરતાં બાબા પુરણદાસજી મુંબઇના વરલી વિસ્તારમાં આવ્યા. એ સમયે વરલીમાં આજના જેવો ઝળહળાટ નહોતો. બહુ ઓછાં મકાનો હતાં. મોટેભાગે માછીમારો અને મજૂરોની ગરીબ વસતિ હતી. એ સમયે પીવાના પાણીની ખૂબ તંગી હતી. આ પ્રભાવશાળી સંતને જોઇને લોકોએ પાણીની સમસ્યા વર્ણવી. સંતે વરલીના દરિયાકાંઠે એક સ્થળે ખોદવાનું કહ્યું. દરિયા કિનારે ખોદવાથી શો લાભ ? એવો વિચાર કેટલાક લોકોને આવેલો. છતાં બે ચાર શ્રદ્ધાળુએ સંતના આદેશને માથે ચડાવીને ખોદવા માંડ્યું. થોડા ખોદકામ પછી  મીઠા પાણીનો કૂવો મળ્યો. દરિયા કિનારે મીઠા પાણીનો કુવો મળતાં સ્થાનિક લોકોની શ્રદ્ધા આ સાધુમાં વધી ગઇ. છેક 2006 સુધી એ કૂવાનું પાણી વપરાતું હતું. દરમિયાન, મુંબઇ મ્યુનિસિપાલિટીએ પાણીની વ્યવસ્થા કરી એટલે કૂવાનો ઉપયોગ ઘટી ગયો.

પછી તો વરલીવાસીઓએ સંતને વીનવણી કરી-બાપજી, અહીં રહી જાઓ. સંત રોકાઇ ગયા અને ત્યાં અખંડ ધૂણી ધખાવી. આજે પણ સંતની સમાધિના મંદિરમાં બારેમાસ ચોવીસે કલાક અખંડ ધૂણી ધખે છે. બાબાજીએ અહીં બે પ્રવૃત્તિ શરૂ કરાવી- ગરીબોને ભોજન અને ધર્માદા દવાખાનું. ધીમે ધીમે પ્રવૃત્તિ વિકસી, મોરારજી દેસાઇ મુંબઇના મુખ્ય પ્રધાન હતા અને રેશનિંગ લાદેલું ત્યારે પણ અહીં સેંકડો લોકો નિયમિત ભોજન કરતા. કાર્યવાહક વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા પણ આ સંતના દર્શને આવેલા. આ સંત કોઇ પાસે કશું લેતા નહીં. કોઇ પ્રણામી ચડાવે તો બાજુ પર મૂકાવી દે. કુંભ મેળો આવે ત્યારે જમા થયેલી રકમ દ્વારા મેળામાં સાધુઓનો જમાડી દે. છેલ્લાં છ સાત દાયકાથી અહીં દર રવિવારે અહીં અંધ-અપંગ, દીન-દરિદ્ર લોકોને ભંડારાના પ્રસાદ રૂપે ભોજન મળતું. માત્ર એક રૂપિયામાં ડોક્ટર તપાસીને દવા આપતા. કોરોના કાળમાં રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમોના પાલન રૂપે ભીડ ટાળવા ભંડારો સ્થિગત કરી દેવામાં આવ્યો. દવાખાનું હજુ ચાલુ છે. આ ગુરુવારે 27મી એપ્રિલે વૈશાખ સુદ સપ્તમી (ગંગા સાતમ)  છે. એટલે આજથી ત્રણ દિવસ અખંડ પાઠ સાહેબ અને ભજન-કીર્તન યોજાઇ રહ્યાં છે.


Comments