પેન પરિક્રમા દુનિયાભરમાં વસતા આઇડિયલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલને ભૂલી નહીં શક્યા હોય.. .

 સાતમા કે આઠમા ધોરણમાં એક કાવ્ય ભણેલા- ‘પછી શામળિયાજી બોલિયા તને સાંભરે રે, હા જી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે...’ દ્વારકાધીશ કૃષ્ણને મળવા એનો બાળસનેહી સુદામો આવ્યો છે અને બંને દોસ્તો ગોઠડી કરે છે ત્યારનું આ કાવ્ય અચાનક યાદ આવી ગયું. એમાં શાળાજીવનના બે દોસ્તો નિમિત્ત બની ગયા.પહેલો મિત્ર ખરેખર તો અમારો પાડોશી, ગિરીશ જયપ્રસાદ ભટ્ટ. દક્ષિણ મુંબઇના સી. પી. ટેંક વિસ્તારમાં એક તરફ માધવબાગનું લક્ષ્મીનારાયણ મંદિર જ્યાં પૂજ્ય દાદાશ્રી પાંડુરંગ વૈજનાથ આઠવલેએ સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરેલી અને બીજી તરફ રાધાકૃષ્ણ મંદિર જે માતુશ્રી કાનબાઇ લાલબાઇ ટ્રસ્ટના પ્રાંગણમાં આવેલું હતું. એક સમયે આ વિસ્તાર દક્ષિણ મુંબઇના હાર્દ સમાન હતો.

બીજો દોસ્ત એટલે નવીન માંડલિયા. એના પિતાજી અમારી સ્કૂલના એક શિક્ષક હતા. એનાં બધાં ભાઇબહેનો અમારી સાથે ભણતાં. તાજેતરમાં એક હમઉમ્ર મિત્ર ભરત કાપડિયાએ એક તસવીર મોકલી. અમારી આઇડિયલ હાઇ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નગીનદાસ સંથેરિયા અને ગાંધી યુગના પ્રખર કવિ-કીર્તનકાર કરસનદાસ માણેક એકમેકની નિકટ ઊભા છે એવી આ તસવીર ભરતે વ્હોટ્સ એપ દ્વારા મોકલી. તરત આઇ઼ડિયલ હાઇ સ્કૂલનાં સંભારણાં તાજાં થઇ ઊઠ્યાં. માત્ર નામ આઇડિયલ નહોતું, સ્કુલ ખરેખર આદર્શ હતી અને શિક્ષણ પણ ઉત્તમ હતું. શિક્ષકો પણ સદા યાદ રહી જાય એવા હતા. પ્રાથમિક વિભાગ સુશીલાબહેન સંથેરિયા સંભાળતા અને માધ્યમિક વિભાગ શ્રી નગીનદાસભાઇ પોતે સંભાળતા. એમની સાથે વાઇસ પ્રિન્સિપાલ તરીકે દુર્લભજી એમ ( ડી એમ) પટેલ હતા. તેમના બંને ભાઇઓ પી એમ પટેલ અને સી એમ પટેલ પણ આ જ સ્કૂલમાં શિક્ષક હતા. 

સાથોસાથ દિનેશ ઠાકર, કે વી પટેલ, એન કે ભટ્ટ, દશરથલાલ આચાર્ય, કે ડી ઠક્કર ( જે પાછળથી મુંબઇ મ્યુનિસિપાલિટીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બનેલા), દાઉદત્ત ઉપાધ્યાય, ગોવિંદભાઇ માસ્ટર ( એ પીટી ઉપરાંત બેન્ડ ટીચર હતા. સૌથી લોકપ્રિય શિક્ષક કદાચ સુશીલ રણછોડલાલ જ્ઞાની હતા. એ ખરેખર જ્ઞાની હતા, સિલ્કનો જભ્ભો અને ધોતિયું, વાઘ જેવી માંજરી આંખો, માથા પર ખીચડીયા કાળા-ધોળા વાળ અને કે એલ સાયગલ જેવો ઘેઘુર કંઠ. બહુ સરસ ગાતા. એમનો આખોય પરિવાર શિક્ષિત અને સંસ્કારી. એમના પિતા રણછોડલાલ જ્ઞાની પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર હતા. બધા ભાઇઓનો ચહેરમોરો માતા જેવો. મોટા ભાગના ભાઇઓની આંખો માતા જેવી માંજરી. એક ભાઇ વકીલ તો બીજો બેંકમાં. જો કે જ્ઞાનીસર બહુ વહેલા આઇડિયલ છોડીને કલ્યાણ નજીક શહદમાં ઘણું કરીને બિરલા સ્કૂલમાં ચાલ્યા ગયેલા. ત્યાં રહેવા માટે ઘર સાથેની નોકરીની સગવડ હતી. મારો એમની સાથેનો સંપર્ક લાંબો સમય ટકી રહેલો. એનું કારણ સંગીતમાં મને રસ હતો એ હતું. એક વીક એન્ડમાં હું શહદ એમને ત્યાં ગયેલો. સંગીતની વાતો કરેલી. એક બે ગીતો સરે ગાયાં અને એકાદ બે ગીતો મેં ગાયાં. છેલ્લે એ અંધેરીના વીરા દેસાઇ રોડ પર જ્યાં ચિત્રલેખા કાર્યાલય આવેલું છે ત્યાં મને મળી ગયેલા. પતિપત્ની ઇવનીંગ વોક કરવા નીકળેલાં. હું ચિત્રલેખા કાર્યાલયમાંથી નીકળીને અંધેરી સ્ટેશન તરફ જવામાં હતો ત્યાં જ્ઞાનીસર મળી ગયા. 

મારા વર્ગના કેટલાક દોસ્તો આજે પણ યાદ છે. જિતેકર વાડીમાં રહેતો ભરત સાબુવાલા, માધવબાગની સામેની ગલીમાં રહેતો બાબુલાલ મહેતા, ગણિતનો ખાં એવો સુરેશ મર્થક, મહેન્દ્ર મહેતા, સતીશ ચૌધરી, દિલીપ ભાઇશંકર દેસાઇ, કાંતિ પટેલ, દૌલત પટેલ ( આ દૌલત અમારા વાઇસ પ્રિન્સિપાલ ડી એમ પટેલનો પુત્ર થાય), રામબાગ નજીક રહેતો સુરેશ સુતરિયા, મહેશ શાહ, સુરેશ સોમૈયા, ધીરજ સોમૈયા, મનહર સોમૈયા, બટુક મોરજરિયા, મોહન સોની  વગેરે. આ બધા આજે ક્યાં છે અને શું કરે છે એની મને જાણ નથી.  

સ્કૂલનો પ્રાથમિક વિભાગ જ્યાં આવેલો હતો એ માતુશ્રી કાનબાઇ લાલબાઇ ટ્રસ્ટ એક નાનકડી ટાઉનશીપ હતી. ત્યાં કાનબાઇ ભવન, પદમસી ભવન, રાધાકૃષ્ણ ચાલ, પાછળની બાજુ ગરીબ પરિવારો માટે ધર્માદા ચાલ જ્યાં એક સમયે માત્ર એક રૂપિયાના ભાડામાં બે રૂમ મળતી. આજે તો આ ચાલના રહેવાસીઓ ખાસ્સા પગભર થઇ ચૂક્યા છે. આ ચાલમાં ગરીબ બહેનો પાપડ વણવા, મસાલા ખાંડવા વગેરે કામ કરીને પેટિયું રળતી. મારા ઉપરાંત આ ટ્રસ્ટના મકાનોમાં વસતા કેટલાક પડોશીઓ આઇડિયલ સ્કૂલમા ભણેલા. એવા ભાઇબંધોમાં રણજિત ઉનડકટ, હરીશ કાનાબાર, અગાઉ જેનું નામ લીધું એ ગિરીશ ભટ્ટ, નંદકિશોર ઠક્કર, અનિલ અને રમેશ પોપટનો સમાવેશ કરી શકાય. એમાં ગિરીશ, રમેશ અને અનિલ કાંદિવલી-બોરિવલીમાં વસી ગયા છે. નવીન માંડલિયા કાંદિવલી ઇસ્ટમાં લોખંડવાલા ટાઉનશીપમાં રહે છે. એની બહેન કંચન મુલૂંડમાં રહે છે. રણજિત આજે પણ કાનબાઇ ભુવનમાં રહીને સ્વાધ્યાય પરિવારનું કામકાજ સંભાળે છે.

આઇડિયલ સ્કૂલની એક વિશેષતા હતી. માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં. વૈવધ્યપૂર્ણ ઇતર પ્રવૃત્તિઓ પણ ખરી. દર મહિને એકાદ સેલેબ્રિટી આવે. એમાં કરસનદાસ માણેક પણ હોય, ચકોર તરીકે ઓળખાતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા પણ હોય, જગવિખ્યાત જાદુગર કે લાલ પણ હોય અને વિશ્વવિખ્યાત ચિત્રકાર ગૌતમ વાઘેલા પણ હોય. ઉપરાંત દર બુધવારે સ્કૂલના મેદાનમાં બુધસભા થાય. એમાં ક્યારેક બાળકવિ સંમેલન હોય તો ક્યારેક વક્તૃત્વ કલા સ્પર્ધા હોય. પ્રિન્સિપાલ શ્રી સંથેરિયા પોતે પણ સભાને સંબોધે. એમાં ઘણા વિષયો આવરી લે. અમારા જેવા જે સ્કૂલની નિકટ રહેતા વિદ્યાર્થીઓના વાનરવેડાનો પણ એમાં ઉલ્લેખ આવી જાય. સાથોસાથ સ્કાઉટીંગ અને એક્ઝીલીયરી કેડેટ કોર (એ.સી.સી.) જેવી પ્રવૃત્તિ પણ ચાલે. વાર્ષિક ઉત્સવમાં દુર્ગેશ શુક્લ કે પ્રબોધ ચોક્સીનાં નાટકો, ગીતો-ગરબા વગેરે રજૂ કરવાના. એક સામયિક પણ નીકળતું.

શ્રી સંથેરિયાનાં મોટાં દીકરી  કુમુદબહેન એમ એ થયેલા અને સ્કૂલમાં ભણાવતા. બીજી બે બહેનો ભારતીબહેન અને ઉષાબહેન પણ વિવિધ પ્રવૃત્તિમાં સહભાગી થતાં. ઉષાબહેન આજે અમેરિકામાં છે એવી માહિતી ભરત કાપડિયાએ આપેલી. આ બ્લોગ વાંચનારા સૌ દોસ્તોને યાદી.

Comments