પોતાના સંતાનોની જેમ અમને વહાલ કરતાં હોય એ રીતે ઓપીએ ફોટો લેવડાવ્યો
----------------------------------------------
આર ડી બર્મનની મુલાકાત વિશે લખ્યું ત્યારે અછડતો ઉલ્લેખ કર્યો હતો કે એકાદ બે સંગીતકારોનો ઇન્ટરવ્યૂ એવા સમયે લેવાનો આવેલો જેને પ્રતિકૂળ સમય કહેવો પડે. આર ડી બર્મનની એક સાથે લગભગ 23 ફિલ્મો ફ્લોપ નીવડી હતી ત્યારે અમે તેમને મળવા ગયેલા અને સદ્ભાગ્યે એમનો ઇન્ટરવ્યૂ અમારે માટે યાદગાર બની રહ્યો.
કેટલેક અંશે એવુંજ રિધમ કિંગ ગણાયેલા સંગીતકાર ઓ પી નય્યર વિશે કહી શકાય. એ મુંબઇના ચર્ચગેટ સ્ટેશન નજીક એ રોડ પર સિડ્નહામ કોલેજની સામે ‘શારદા’ બિલ્ડીંગમાં રહેતા હતા ત્યારે અકસ્માતે મળવાનો મોકો મળ્યો હતો. બપોરે સાડા ત્રણ ચારની આસપાસ ચા પીવાના સમયે અમે તેમને ત્યાં પહોંચ્યાં હતાં.
ઘરમાં પ્રવેશતાંની સાથે દરવાજાની સામે ડ્રોઇગ રૂમમાં એમનો પિયાનો નજરે પડ્યો. જમણી બાજુ ગાદી તકિયા પાથરેલાં હતાં. ગીતકારો સાથે ત્યાં બેસીને ઓપી વાતચીત કરતાં હશે એમ માની શકાય. એના પર ઓ પી બેઠાં હતા.
વાતાવરણ થોડું બોઝિલ હતું. એનું કારણ કદાચ એ હતું કે આગલા સાત આઠ વરસથી સતત એમના સહવાસમાં રહેલાં પાર્શ્વગાયિકા આશા ભોંસલે સાથેના એમના સંબંધોનો અંત આવ્યો હતો. આશાજી પેડર રોડ પરના મંગેશકર પરિવારના નિવાસસ્થાન પ્રભુકુંજમાં પાછાં ફર્યાં હતાં. એટલે મંગેશકર પરિવારમાં એક પ્રકારનો આનંદ હતો જ્યારે ઓપીના ઘરમાં થોડી તંગદિલી હતી. ઓપીની સ્થિતિ કરુણ થઇ ગઇ હતી. આશા સાથેની આત્મીયતા વધારવા એમણે છેક સંઘર્ષના દિવસોથી સાથ આપનારી પત્ની સરોજ મોહિનીની ઉપેક્ષા કરી હતી. ફિલ્મ સર્જક દલસુખ પંચોલીએ એમને જે ગીત સાંભળીને ફિલ્મમાં સંગીત આપવાની તક આપી હતી એ પ્રીતમ આ ન મિલો.. સરોજ મોહિનીએ લખ્યું હતું. આશા સાથેના સંબંધોનો અંત આવ્યો ત્યારે ઓપી સાવ એકલા અટુલા થઇ ગયા કારણ કે એમનાં કુટુંબીજનોએ પણ એમને પડતા મૂક્યા હતા. અમારી સાથેના ઇન્ટરવ્યૂ પછી થોડા સમય બાદ ઓપીને આ ઘર છોડવાની ફરજ પડી હતી. પહેલાં વિરાર અને ત્યારબાદ થાણેમાં પોતાના ફેનને ત્યાં રહેતા થઇ ગયા હતા. આપણે થોડા આગળ નીકળી ગયા. વાત ઓપી સાથેના ઇન્ટરવ્યૂની હતી.
આમ છતાં ઓપીએ અમને મળવાની હા પાડી તેથી થોડું આશ્ચ્રર્ય થયું હતું. ઇન્ટરવ્યૂ કેવોક નીવડશે એનું અમને થોડું ટેન્શન હતું. પરંતુ કુદરતની થોડી કૃપા અમારા પર હશે. એનું કારણ જાણીને તમે પણ સહમત થશો કે કુદરતે અમને સહાય કરી. અમે ગાદી-તકિયા પર બેઠાં ન બેઠાં ત્યાં ઓપી મારી સામે જોઇને બોલી ઊઠ્યા- અજિત, એક વાત યાદ રાખજે, તને આજ સુધી જે કંઇ મળ્યું એ સરોજના કારણે મળ્યું છે...
ઓપી જ્યોતિષવિદ્યા અને હોમિયોપથીના ઊંડા અભ્યાસી હતા એ સૌ કોઇ જાણે છે. પરંતુ લક્ષણ શાસ્ત્ર કે સામુદ્રિક વિદ્યાના પણ અભ્યાસી હશે એની અમને જાણ નહોતી. મેં નમ્રતાથી કહ્યું કે ઓપી, હું તો જાહેરમાં સ્વીકારું છું કે સરોજ સાથેનાં લગ્ન પછી મારી ચડતી થઇ છે. ફરી ઓપી મુક્ત મને હસી પડ્યા. કહે, તુમ બડે ચાલાક હો. પહલે હી સ્ટેપ મેં કબૂલ કર લિયા તાકિ બાત આગે ના બઢે...
વાતાવરણ થોડું હળવું થયું એટલે લાગ જોઇને મેં એક સવાલ પૂછ્યો- ગુસ્તાખી માફ લેકિન આપ કો ભી મેરે જૈસા અનુભવ તો હુઆ હી હોગા... ગુસ્સે થવાને બદલે ઓપી ફરી એકવાર હસી પડ્યા. એ કહે, મૈં સમજ ગયા તુમ્હારા ઇશારા કિસ તરફ હૈ, લેકિન એક બાત કહું ? મેરે સાથ કબ ક્યા હોગા ઉસ કી પ્રિડિક્શન મૈંને ડેટ (તારીખ) કે સાથ અપને દોસ્તોં કો બતા દિયા થા. તુમ ચાહો તો મેરે અઝીઝ દોસ્તોં કો પૂછ સકતે હો. કૌન સે સાલ મેં કૌન સી તારીખ કો ક્યા હોગા વો મુઝે એસ્ટ્રોલોજી કે મેરે ગ્યાન સે પતા ચલ ગયા થા. હોની કો કોઇ રોક સકતા નહીં. મૈં ભી તુમ્હારે જૈસા હી આદમી હું. અબ આગે બઢો.
સવાલ- આપ હમેશા કહતે હો કિ મૈંને સંગીત કી તાલીમ નહીં લી. લેકિન આપ કે બહુત સે હિટ ગાને શાસ્ત્રીય રાગ રાગિની પર આધારિત હૈ. જૈસે કિ તૂ હૈ મેરા પ્રેમ દેવતા ગીત લલિત રાગ પર આધારિત હૈ તો આપ યું હી અગર હમ સે મિલતે રહે ગીત રાગ કેદાર પર આધારિત હૈ...
જવાબ- મૈં અબ ભી કહતા હું કિ મૈંને સંગીત કી તાલીમનહીં લી હૈ. મેરી બાત સમજો. કિસી ઉસ્તાદ કે સામને બૈઠકર મૈંને તાલીમ નહીં લી હૈ. અમારા સમયમાં મનોરંજનના બે જ વિકલ્પ હતા- સંગીત સમારોહો અને રે઼ડિયો. આ બંનેનો મેં ખૂબ લાભ લીધો છે. ખૂબ સાંભળ્યું છે. તમે બંને તો સંગીતના વિદ્યાર્થી છો એટલે તમને ખબર હશે કે ઉસ્તાદો પોતાના શાગિર્દોને જુદા જુદા કલાકારોને સાંભળવાનો આગ્રહ રાખતા હોય છે. એટલે મેં ખૂબ સાંભળ્યું અને મને ગમતા રાગો ફરી ફરી સાંભળીને આત્મસાત કર્યા. ઉસ્તાદ અમીર ખાનની વાત કરું તો મને એમનો લલિત અને મારવા ખૂબ ગમે છે. લલિત પરથી મેં તમે જણાવ્યું એેમ તૂ હૈ મેરા પ્રેમ દેવતા ગીત તૈયાર કર્યું.
રહી વાત રાગ કેદાર**ની. એકવાર અમે થોડાક સંગીતઘેલા લોકો ડ્રીન્ક પર બેઠેલા ત્યારે વાતવાતમાં ઉસ્તાદ અમીર ખાને કહ્યું કે રાગ કેદાર ભક્તિપ્રધાન છે. કોણ જાણે કેમ મને એ વાત એક પ્રકારની ચેલેંજ જેવી લાગી. એટલે મેં એમને કહ્યું કે આ વાત મને ગળે ઊતરતી નથી. હું તમને ચાર પાંચ દિવસ પછી કેદારમાં રોમાન્ટિક રચના સંભળાવીશ. ખાન સાહેબ માત્ર મલક્યા. ચાર પાંચ દિવસ પછી મેં એમને ડ્રીન્ક પર બોલાવ્યા અને એક તર્જ સંભળાવી જે પાછળથી ફિલ્મમાં લેવાઇ. એ ગીત એેટલે આપ યું હી અગર હમસે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા... ખાન સાહેબ ખુશ થઇ ગયા કે તુમને તો કમાલ કર દી યાર... આમ મને પહેલેથી ચેલેંજ સ્વીકારવાની આદત પડી ગઇ છે.
એ ચેલેંજના ભાગ રૂપેજ તમે લતાના કંઠ સિવાય કામ કરી રહ્યા છો કે એવા સવાલના જવાબમાં ઓપી ફક્ત મલક્યા. તરત અમે પછીનો સવાલ કર્યો, શમસાદ બેગમે ગુસ્સામાં કહ્યું હતું કે ઓપીને હું પંજાબી ગણતી નથી. કોઇ વાંક વિના મને પડતી મૂકી હતી. એ વિશે શું કહો છો. ઓપીએ જરાય નારાજ થયા વિના કહ્યું કે શમસાદ બેગમ અને ગીતા (ગીતા દત્ત-રોય) બંનેએ મારાં ઉત્તમોત્તમ ગીતો ગાયાં છે એ કબૂલ. પરંતુ સાચું કહું તો હું લતાનો વિકલ્પ બને એવો કંઠ શોધી રહ્યો હતો. હવે એ એક જોગસંજોગ છે કે લતાની બહેન જ મને એના વિકલ્પ જેવી લાગી. ઔર એક વાત. સંગીતકાર તરીકે કહું છું. શમસાદ અને ગીતા બંનેના કંઠના સમન્વય જેવો કંઠ મને આશામાં જણાયો. એટલે મેં આશાને મારી મુખ્ય ગાયિકા તરીકે પસંદ કરી. સ્વાભાવિક છે કે શમસાદ બેગમ અને ગીતા મારા પર નારાજ થયાં. એકવાર તો મોડી રાત્રે મને ગીતાનો ફોન આવેલો. એના કંઠ પરથી સમજાતું હતું કે એ હોશમાં નથી. (ઓપીએ ગીતા નશામાં હતી એમ કહેવાનું ટાળ્યું) એ ફરિયાદ કરતી હતી કે તમે મને ગાવા કેમ બોલાવતા નથી. મેં એને માંડ માંડ સમજાવી.
શંકર જયકિસન સાથે તમારે શું ઝઘડો હતો એવા સવાલના જવાબમાં ઓપી ફરી મલક્યા. યહ સબ બાતેં બકવાસ હૈ. તમે જરા વિચાર તો કરો. કોર્ટમાં બે વકીલો લડતા હોય ત્યારે એમ લાગે કે બંને બાથંબાથી કરી બેસશે. સુનાવણી પૂરી થતાં બંને સાથે બેસીને ચા પીતા હોય છે. અમે વ્યાવસાયિક સંગીતકારો છીએ. અમારી વચ્ચે સ્પર્ધા જરૂર થાય પણ ઝઘડા ન થાય. એ બધી વાતો મિડિયાએ ઉપજાવી કાઢેલી છે. તમને એક ફોટો આપું છું. એમાં ધ્યાનથી જોજો. સંગીતકાર નૌશાદ અને જયકિસન સાથે મારો ફોટો છે. કેવી આત્મીયતા છે એ તમે જોઇ શકશો.
તમારી ભાવિ યોજના શી છે એવા સવાલના જવાબમાં ઓપી બે ત્રણ મિનિટ મૂગા રહ્યા. પછી કહ્યું કે હું વાસ્તવવાદી છું. દરેક કલાકારની એક આવરદા હોય છે. એક સમયે સાયગલ અને પંકજ મલિક પાછળ લોકો ઘેલા હતા. પછી મુહમ્મદ રફી, તલત મહેમુદ વગેરેનો વારો આવ્યો. આજે અન્ય નવા ગાયકો આવી રહ્યા છે. એ જ રીતે મારી સંગીતકાર તરીકેની કારકિર્દી હવે સંધ્યાકાળે પહોંચી છે. હું અમરપટો લખાવીને લાવ્યો નથી. મારી પોતાની જન્મકુંડળીનો મેં ઊંડો અભ્યાસ કર્યો છે. હવે મારા જીવનનો એક જુદો તબક્કો શરૂ થઇ રહ્યો છે. એના વિશે હાલ વાત કરવાની મારી ઇચ્છા નથી. ફરી ક્યારેક મળીએ તો વાત કરીશું.
આટલે સુધી આવીને ઓપીએ વાત પર પૂર્ણવિરામ મૂક્યું. અમે એમની સાથે ફોટા પડાવ્યા અને એમની રજા લીધી.
--------------
લેખકની નોંધ
** કેટલાક લોકો પોતપોતાની રીતે બીજાના લખાણ પોતાના નામે ચડાવી દે છે. મને પણ આવા અનુભવ એક કરતાં વધુ વખત થયા છે. ફેસબુક પર મારી શંકર જયકિસનની હિન્દી શ્રેણીનો એક લેખ રેડિયો સિલોનના એક સમયના એનાઉન્સર અને પોતાને પત્રકાર ગણાવતા મનોહર મહાજને ફેસબુક પર જ પોતાના નામે પ્રગટ કરીને પાછો એવો ઉમેરો કરેલો કે આ લેખ તમને કેવો લાગ્યો એ જણાવજો. મેં એને તરત ચેલેંજ કરી કે આ લેખ મારો છે. તમે ઊઠાંતરી કરી છે. એણે તરત પોતાના એકાઉન્ટમાંથી એ લેખ ડિલિટ કર્યો. પરંતુ વિસ્મયજનક વાત એ હતી કે મારા મિત્ર અને વીન્ટાજ ગીતોનું ગ્રુપ ચલાવતા વિનોદ દેસાઇના ગ્રુપમાં મનોહર મહાજનના નામે આ લેખ મૂકાયો. એનું જોઇને મારા એક સમયના પાડોશી અને નશા ગ્રુપના સંચાલક નલિન શાહના ગ્રુપમાં આ લેખ રિપિટ થયો. મેં તરત ખુલાસો કર્યો કે આ લેખ મારો છે અને ફેસબુક પરથી જ ઊઠાંતરી થયેલી.
એવો બીજો કિસ્સો તાજેતરમાં બની ગયો. ઓપી અને ઉસ્તાદ અમીર ખાન વચ્ચે થયેલી કેદારની વાત તાજેતરમાં રક્ષાબહેન શુક્લ નામની લેખિકાએ મહિલા પૂર્તિ સહિયરમાં પોતાને નામે રજૂ કરી દીધો. આવું આજકાલ વારંવાર બની રહ્યું છે. એને રોકવાનો કોઇ ઇલાજ નથી. આટલું લખતાં પણ મને સંકોચ થતો હતો પરંતુ વારંવાર આપણા લખાણની ઊઠાંતરી થાય ત્યારે સ્વાભાવિક રીતેજ હતાશ થઇ જવાય. અસ્તુ. ઇશ્વર સૌનું કલ્યાણ કરે.
-----------
Comments
Post a Comment