ધૂળેટીનારંગો દ્વારા સ્વાસ્થ્યને થતા લાભ જાણવા જોઇએ

 


આજે ધૂળેટી. અબીલ, ગુલાલ અને અન્ય રંગો દ્વારા એકબીજાને રંગવાનો સાત્ત્વિક આનંદ લેવાનું પર્વ.  રંગે રમવાના આનંદની સાથોસાથ રંગના મહિમાને પણ સમજવો આજના સમયમાં જરૂરી છે. યૂરોપની ઔષધીય કંપનીઓ (ફાર્માસ્યુટિકલ કંપનીઓ ) કોઇ પણ પ્રકારની વૈકલ્પિક ચિકિત્સાને ક્વેકરી એટલે કે ઊંટવૈદું ગણાવી દે છે. સામાન્ય માણસ આવી વાતોમાં ભરમાઇ જાય છે. એને ખ્યાલ આવતો નથી કે એલોપથીને રોકડા ત્રણસો સાડા ત્રણસો વર્ષ થયાં છે. એ પહેલાં લોકો કઇ રીતે સાજાસારા રહેતા હતા. હજારો વર્ષથી મેગ્નેટ થેરપી, એક્યુપ્રેસર, રેકી, પ્રાણ ચિકિત્સા વગેરે રોજબરોજના જીવનમાં મહત્ત્વનું પ્રદાન કરતા રહ્યા છે. 

તાજેતરમાં એક પસ્તીવાળા પાસેથી સોનાની લગડી જેવું પુસ્તક હાથમાં આવી ગયું. 1981-82માં ગુજરાતીમાં પ્રગટ થયેલું આ પુસ્તક એકદમ જીર્ણશીર્ણ છે. પાનાં સૂકા પાંદડા જેવા થઇ ગયા છે. પુસ્તક સાચવીને ન ખોલો તો પાનાં ફાટી જાય. પુસ્તકનું નામ છે ક્રોમોપથી. દોઢસો બસો વરસ પહેલાં એક યૂરોપિયન વિદ્વાન એડવીન ડ્વાઇટ બેબ્બીટે પહેલીવાર રંગ ચિકિત્સા એેટલે કે ક્રોમોપથી કે કલર થેરપીનો વિચાર વહેતો મૂક્યો હતો. તેમની દલીલ એેવી હતી કે દરેક રંગ એક ખાસ ઊર્જી  ધરાવે છે જે માણસના આરોગ્યને ઉપકારક છે. વડોદરાના ગિરિધરભાઇ મિસ્ત્રીએ પણ રંગ ચિકિત્સા નામે પોકેટ બુક ગુજરાતીમાં લખી છે. એમાં હાથના ચિત્રો સાથે સાથે કઇ તકલીફમાં કયો રંગ કેવી રીતે વાપરવો એની વિગતો પણ આપી છે. 

ભારતીય આયુર્વેદ અને યોગશાસ્ત્રમાં તો હજારો વરસથી રંગ ચિકિત્સાનો ઉલ્લેખ છે. શરીરના વિવિધ અવયવો જે તે રંગના છે. ઉપરાંત શરીરમાં સાત ચક્રો આવેલા છે જે મૂલાધારથી શરૂ કરીને બ્રહ્મરંધ્રમાં સહસ્રાર સુધી પહોંચે છે. એ દરેક ચક્રનો પોતાનો એક રંગ છે. વિવિધ અવયવોના રંગ ઉપરાંત ચક્રોના રંગ, આ બંનેનો સમન્વય સાધીને આપણા રૂષિ-મુનિઓએ રંગ ચિકિત્સા હાથ ધરી હતી. સીમાવર્તી વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ આજે પણ શરીર પર વિવિધ રંગ લગાડીને આરોગ્યનું જતન કરે છે એ હકીકત છે.

આધુનિક મનોચિકિત્સકો આડકતરી રીતે રંગોનું મહત્ત્વ સ્વીકારે છે. દાખલા તરીકે કોઇને રાત્રે ઊંઘ ન આવતી હોય તો બેડરૂમમાં આસમાની કે બ્લુ રંગની લાઇટ લગાડવાની ભલામણ કરવામાં આવે છે. જુદા જુદા રંગમાં જુદી જુદી ઊર્જા છે જે માણસના સ્વભાવ પર સકારાત્મક અસર કરે છે. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જનારને પીળા કે હળવા કેસરી રંગનું શર્ટ પહેરવાનૂં સૂચન કરાય છે. કેટલાક વિદ્વાનો આસમાની કે બ્લુ રંગને ઇર્ષાનો રંગ ગણાવે છે તો બીજા કેટલાક વિદ્વાનો લાલ રંગને ઇર્ષાનો રંગ ગણાવે છે. આવા મતભેદો તો રહેવાના. 

સારવાર કરવાની જૂની પદ્ધતિ કંઇક આ પ્રકારની હતી. કાચની સફેદ બાટલીમાં પાણી ભરવાનું. પછી એના પર જે રંગની જરૂર હોય એ રંગનો અબરખ જેવો પારદર્શક કાગળ વીંટાળીને બાટલીને ધાબા પર તડકામાં મૂકવાની. અમુક સમય પછી બાટલી લઇને એમાં રહેલું પાણી દર્દીને નિશ્ચિત માત્રામાં પીવાની સલાહ આપવામાં આવે. દર્દી ડોક્ટર પર વિશ્વાસ રાખતો હોય એ રીતે પૂરેપૂરા વિશ્વાસથી આ પાણી પીએ તો એનો ચોક્કસ સકારાત્મક અસર થાય એવું રંગ ચિકિત્સકો કહે છે.  


આપણે ત્યાં વિવિધ રંગો સાથે કેટલીક માન્યતા પણ સંકળાયેલી છે. જેમ કે શ્વેત રંગ શાંતિસૂચક છે. યુદ્ધમાં પરાજય સ્વીકારનારો પક્ષ સફેદ  ધ્વજ ફરકાવે. કેસરી રંગ શહાદતનો રંગ છે. લીલો રંગ હરિયાળી અને ખેતીવાડીનું પ્રતીક છે. કાળો રંગ અશુભનું સૂચવે છે.  મૂલાધાર ચક્રનો રંગ લાલ છે, સ્વાધિષ્ઠાન ચક્રનો રંગ કેસરી છે, મણીપુર ચક્રનો રંગ પીળો છે, હૃદય ચક્ર અથવા અનાહત ચક્રનો રંગ લીલો છે, વિશુદ્ધ ચક્રનો રંગ આસમાની છે, આજ્ઞા ચક્ર કે ત્રિનેત્રનો રંગ ઘેરો ભૂરો . છે અને સહસ્રાર ચક્ર (બ્રહ્મરંધ્ર)નો રંગ જાંબુડી છે. આ વિદ્યાશાખાના ઉપાસકો કહે છે કે જે તે ચક્રને ઉપકારક રંગનો ઉપયોગ કરવાથી જે તે ચક્ર વધુ કાર્યાન્વિત થાય છે. ધૂળેટીએ રંગે રમીએ ત્યારે આરોગ્યને ઉપકારક રંગોને યાદ રાખીએ તો સોનામાં સોડમ ભળે.

ખાસ નોંધ- ચિત્રો પ્રતીકાત્મક છે.  સરળતાથી સમજાય માટે પ્રગટ કર્યા છે.


Comments