ઔર એક વહાલા વડીલે અમારી વચ્ચેથી વિદાય લીધી. સરોજનાં મોટાં ફોઇના નાના પુત્ર અને અમારા સૌના વહાલા વડીલ પશાભાઇ (પુરુષોત્તમભાઇ ઇશ્વરલાલ મોદી)એ, તારીખ 21 જાન્યુઆરી, 2023 એ જીવનલીલા સંકેલી લીધી. આવરદાના દસમા દાયકામાં હતા એટલે અનુભવીઓ તો કહી શકે કે લીલી વાડી જોઇને ગયા. વાત સાચી છતાં, અમારા માટે એ વસમી વિદાય છે.
બ્રિટિશ રાજમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને બેંક ઓફ સૌરાષ્ટ્રમાં જોડાયા. સાડા ત્રણ ચાર દાયકા કામ કરીને બેંકમાંથી નિવૃત્ત થયા. પરંતુ નિવૃત્તિ એટલે ઘરેમાં બેસીને રોટલા તોડ્યા એમ નહીં. નિવૃત્તિના બીજા દિવસથી સામાજિક કાર્યોમાં જોડાયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત સભ્ય હતા એટલે પગ વાળીને બેસે એ બીજા. આપબળે એક્યુપ્રેસર શીખ્યા. લોકોને નિઃશુલ્ક સારવાર આપવાની શરૂ કરી. છેક 90 વર્ષની ઉંમર સુધી સારવાર કરતા રહ્યા. એમને ત્યાં આવી શકે એવા પેશન્ટને રોજ સવારે ચારેક કલાક સારવાર આપે. પોતાને ત્યાં ન આવી શકે એવા પેશન્ટને સામે ચાલીને ગાંઠના ખર્ચે સારવાર આપવા જતા.
ભાવનગરના ઘોઘા સર્કલમાં આવેલા એમના સેતુ બંગલામાં પ્રવેશો તો બહારના રૂમમાં વચ્ચોવચ જૂની બાંધણીનો હિંચકો. એના પર પશાભાઇ તકિયાને અઢેલીને બેઠાં હોય. પેશન્ટ આવ્યા હોય તો એક્યુપ્રેસરની સારવાર આપતાં હોય. સાથોસાથ પેશન્ટને ખાવાપીવા બાબતની સલાહ સૂચના આપતાં હોય. હિંચકાની બંને બાજુ અઢળક પુસ્તકો, અખબારોનાં કટિંગ્સ, સામયિકો અને દવાઓથી ખીચોખીચ ભરેલાં ટેબલ. પૈસા ખર્ચી ન શકે એવા પેશન્ટને કેટલીક દવાઓ સામે ચાલીને આપી દે.
પશાભાઇનું વાંચન અગાધ. પ્રતિષ્ઠિત સાહિત્યકારોને અદેખાઇ આવે એવું વાંચન. આયુર્વેદ, આરોગ્યવિજ્ઞાન, મેગ્નેટ થેરપી, હાઇડ્રોથેરપી, એક્યુપ્રેસર, અન્ય સારવાર પદ્ધતિઓ... આટલું ઓછું હોય તેમ વનસ્પતિ વિજ્ઞાનનું અખૂટ જ્ઞાન. કોઇનો ફોન આવે કે ફલાણી તકલીફ છે એટલે તરત પશાભાઇ ઇલાજ સૂચવે- તમે સવારે કરંજનું દાતણ કરવાનું રાખો. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે સિદ્ધાંતને અનુસરીને તમામ વિદ્યા ગાંઠે બાંધેલી. સતત મલકતા દેખાય. એમનું સ્મિત ચુંબકીય (મેગ્નેટિક ) હતું. સામે બેઠેલાને પણ મલકતા કરી દે. ભાગ્યે જ એમને ગુસ્સે થતાં જોયાં છે. કુતૂહલ નાના બાળક જેવું. છેલ્લે સુધી નવું નવું જાણવાની એમની તાલાવેલી વિરલ હતી. સફેદ સુતરાઉ ઝભ્બો અને લેંઘો એમનો પોષાક. સામાને માપી લે એવી તીક્ષ્ણ નજર. પાણીદાર આંખો. સાદો પોષક આહાર, કોઇ વ્યસન નહીં. એમને માટે ભક્તિ એ કર્મકાંડ નહોતો, દીનદુઃખીઓ અને બીમારની સારવાર એ એમની ભક્તિ હતી.
સરોજ પર એમને વિશેષ સ્નેહ. ભાવનગરથી ફોન આવે કે સરોજ ફોન કરે ત્યારે બંને ભાઇબહેન અર્ધો પોણો કલાક વાતો કરે. મને નવાઇ લાગે કે આટલી બધી શી વાત કરતાં હશે ! શુક્રવારે રાત્રે સરોજને મોડે સુધી ઊંઘ નહોતી આવતી. મને કહે, પશાભાઇ સાથે ઘણા દિવસથી વાત નથી થઇ. કાલે એમને ફોન કરવો છે . એ ક્ષણે જરૂર પશાભાઇ પણ આ નાની બહેનને યાદ કરતા હશે. સવારે પાંચ સવા પાંચે અનુપમનો ફોન આવ્યો કે પપ્પા ગયા.
મુરબ્બી પશાભાઇ સાથે અમે દંપતી (સરોજ અને અજિત પોપટ)
-----------------------------
અમે મળીએ ત્યારે જરૂર કંઇક નવું જાણવા મળે. ક્યારેક સૂચવે, અજિત આ વિષય પર લખો. સમાજને લાભ થશે. ન્યાતજાતમાં આગળ પડતા. ભાવનગરમાં વસતા દશા ઝારોળા વણિક જ્ઞાતિના લોકોમાં જાણીતા. કોઇ સલાહ સૂચન લેવા આવે તો નિર્લેપ ભાવે સાચી સલાહ આપે. બાકી અનાસક્ત ભાવે પોતાનું કામ ચૂપચાપ કર્યા કરે.
એમના અગાધ જ્ઞાનનો કેટલોક વારસો એમની નાની દીકરી મીતાને મળ્યો છે. એક્યુપ્રેસર, આયુર્વેદ વગેરેની જાણકારી ઉપરાંત પિતાની પાસે રહીને મીતા ટ્યુશનો કરે. સૌથી મોટી પુત્રી ચંદ્રિકા એના પરિવાર સાથે સુખી છે. બીજી પુત્રી કુસુમ અને અનુપમ બેંકની નોકરી સંભાળે. મીતા ઘર અને પિતાનાં સેવાકાર્યોમાં તેમજ પોતાનાં ટ્યુશનોમાં સમય વ્યતીત કરે. સંતાનોની પ્રગતિ જોઇને પશાભાઇને સંતોષ હતો. બોલે બહુ ઓછું પણ જે બોલે એ અનુભવની વાણી. એમાં નર્યું સત્ય અનુભવાય. પશાભાઇના જવાથી અમારા પરિવારને કદી પૂરી ન શકાય એવી ખોટ પડી છે. એ તો વૈકુંઠમાં પણ જરૂરિયાતવાળાને એક્યુપ્રેસર આપતા થઇ જશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને ચિર શાંતિ બક્ષે એવી પ્રાર્થના.
ઉત્તમ અને માહિતી સભર લેખ
ReplyDeleteપુરુષોત્તમ ભાઈ મારા સાઢુ ભાઈ થાય. ખૂબ જ પવિત્ર આત્મા. આ યુગમાં ભાગ્યે જ આવી ઉમદા વ્યક્તિ જોવા મળે. આપની અભિવ્યક્તિ અતિ ઉમદા અને સમ્પુર્ણ પણે સત્ય છે. પ્રભુ સદગત ના આત્મા ને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના આપણે અનુપમ ના ઘરે મળેલ. મુકેશ પારેખ હંસા શાહ
ReplyDeleteAll the words mentioned in the blogs are so true, sir you have nicely penned down the reality in unique way. 👍
ReplyDelete🙏