દેશના સૌથી વધુ સફળ ઉદ્યોગપતિના જીવન પર આધારિત ફિલ્મ ગુરુના સંગીતે ધૂમ મચાવેલી


  કેટલાક વેપારી-ઉદ્યોગપતિનું સંઘર્ષમય જીવન મનમોહન દેસાઇ કે પ્રકાશ મહેરાની મસાલેદાર મનોરંજક ફિલ્મ જેવું હોય છે. ગુજરાતના પનોતા પુત્ર ધીરુભાઇ અંબાણીનું જીવન એવુંજ હતું. ગુજરાતના ચોરવાડથી એડન અને ત્યાંથી મુંબઇ. મુંબઇમાં ભૂલેશ્વરના એક મકાનના બે ઓરડામાં આરંભે રહ્યા. સતત સંઘર્ષ કરીને એક પછી એક વ્યાવસાયિક સિદ્ધિ મેળવતા રહ્યા. એક પ્રચંડ લોકચાહના ધરાવતા ગુજરાતી વાર્તાકારે ધીરુભાઇના જીવન પરથી પ્રેરાઇને હિટ નવલકથા લખેલી તો સાઉથના ટોચના ફિલ્મ સર્જક મણી રત્નમે ધીરુભાઇના જીવનના વિવિધ પાસાંને આવરી લેતી ફિલ્મ બનાવી. એક્સપ્રેસ ગ્રુપના શ્રી રામનાથ ગોએન્કાના ઇશારે ધીરુભાઇના કહેવાતા ગોટાળાની તપાસ કરનારા સ્વામીનાથન ગુરુમૂર્તિના નામ પરથી આ ફિલ્મનું નામ ગુરુ રાખ્યું. જો કે મણી રત્નમે એવો દાવો કરેલો કે આ ફિલ્મ કાલ્પનિક કથા પર આધારિત છે. વાસ્તવમાં ધીરુભાઇના જીવનની 90 ટકા ઘટનાઓ પર આ ફિલ્મની કથા આધારિત હતી..

ફિલ્મનાં ગીતો ગુલઝારે લખ્યાં હતાં. ગીતોના શબ્દોમાં જબરું વૈવિધ્ય હતું. એકાદ ગીતમાં આજના માર્કેટિંગ ટ્રેન્ડ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. જેમ કે જોડી હૈ યહ, એક લો, એક મુફ્ત. અન્ય એક ગીતમાં સીધાસાદા શબ્દો સાથે  થોડીક ફિલસૂફી વણી લેવાઇ હતી. સંગીત એ આર રહેમાને પીરસ્યું હતું. વડીલોને આ ફિલ્મનું સંગીત ગમ્યું હોય કે ન ગમ્યું હોય, યુવા પેઢીને બેશક ગમ્યું હતું. અહેવાલો સાચા હોય તે આ ફિલ્મના સંગીત આલ્બમની સાડા અગિયાર લાખ નકલો વેચાઇ હતી. ફિલ્મના સંગીતમાં રહેમાને કેટલાક પ્રયોગો પણ કર્યા હતા. ગાનાર કલાકારોમાં સાઉથના અને મુંબઇના એમ બંને તરફના કલાકારો હતા. બે ગીતો ખુદ રહેમાને અન્ય ગાયક સાથે ગાયાં હતાં. ગાયકોમાં હરિહરન, શ્રેયા ઘોષાલ, ચિત્રા, ઉદિત નારાયણ, કીર્તિ, ચિન્મયી, અલકા યાજ્ઞિક, સૌમ્યા રાવ અને સંગીતકાર બપ્પી લાહિરીનો સમાવેશ થયો હતો. 

આ ફિલ્મના સંગીતની એકમાત્ર મર્યાદા એ હતી કે બધાં ગીતો પાશ્ચાત્ય શૈલીના કહેરવા તાલ પર આધારિત હતાં. એને કારણે એક પ્રકારની મોનોટોની (એકવિધતા) આવી જાય છે. આમ છતાં એવું કહી શકાય કે યુવા પેઢીને પગથી ઠેકો આપવાનું અને કમર લચકાવીને ડાન્સ કરવાનું મન થાય એવો લય હતો. મુખ્ય પ્રયોગની વાત કરીએ તો ભારતીય સંગીતમાં વર્ષા રુતુ માટે મલ્હાર નામનો રાગ પ્રકાર છે. મલ હારયતિ ઇતિ મલ્હાર એટલે કે ધરતી પરનો કચરો (મલ) ધોઇ નાખે એ મલ્હાર. રહેમાને અહીં વરસાદ સાથે મલ્હાર રાગને બદલે અન્ય રાગોનો ઉપયોગ કર્યો છે. એ એક પ્રયોગ છે જે સફળ થયો.

અહીં દાદામુનિ તરીકે પંકાયેલા વરિષ્ઠ અભિનેતા અશોક કુમારનું એક કથન યાદ આવે છે. એમણે કહેલું કે આજની ફિલ્મોનાં ગીતોમાં એક વાત મને ખૂંચે છે. અમારા સમયમાં નાયક નાયિકા ગીત ગાતાં હોય તો એ ફક્ત બે જણ ગીતમાં રહેલા ભાવને પ્રગટાવતા. આજે તો  નાયક નાયિકા ગીત ગાવાનું શરૂ કરે એ સાથે ક્યાંકથી પચીસ પચાસ ડાન્સરો પરદા પર આવી જાય છે. ઓચિંતા આટલા બધા ડાન્સર્સ ક્યાંથી આવ્યા એનું મને (અશોક કુમારને) વિસ્મય થાય છે. ફિલ્મ ગુરુમાં પણ એવું એક કરતાં વધુ ગીતોમાં જોવા મળે છે.

ગુરુનાં ગીતસંગીતની વિગતે વાત કરવા અગાઉ રહેમાનને એની નિખાલસતા માટે પૂરેપૂરા માર્કસ્ આપવાની ઇચ્છા થાય છે. કોઇ લોકપ્રિય વિદેશી ગીત કે ગાયકની રચના પરથી તર્જ બનાવનારા અન્ય કોઇ સંગીતકારે કબૂલ કર્યુ નથી કે આ તર્જ મેં ફલાણાની ઉપાડી છે. અહીં રહેમાને કબૂલ કર્યું છે કે ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત તેરે બિના અમે નુસરત ફતેહ અલી ખાનના સજના તેરે બિના પરથી પ્રેરાઇને લીધું હતું. ઔર એક આડવાત. ફિલ્મ મહલનું લતાની કારકિર્દી પલટી નાખનારું ગીત આયેગા આનેવાલા ફિલ્મની લંબાઇ વધી જતાં નિર્માતા-અભિનેતા અશોક કુમાર કાઢી નાખવાના હતા. લતાની વીનવણીથી રાખેલું. એજ રીતે ફિલ્મ દીવાદાંડીનું ગીત તારી આંખનો અફિણી (ગીતકાર વેણીભાઇ પુરોહિત, સંગીતકાર અજિત મર્ચંટ અને ગાયક દિલીપ ધોળકિયા) ફિલ્મ લાંબી થઇ જતાં કાઢી નાખવાના હતા. પછી જે બન્યું એ ગઇ કાલનો ઇતિહાસ છે. ગુરુ ફિલ્મનું તેરે બિના ગીત પણ છેક છેલ્લી ઘડીએ ફિલ્મમાં લેવાનો નિર્ણય મણી રત્નમે કર્યો. અગાઉ આ ગીત નહીં લેવાનું વિચારાયું હતું. 

ઔર એક ગીત મય્યા મય્યા.. ની બાબતમાં એવું બન્યું કે મણી રત્નમે એનું શૂટિંગ ઇસ્તંબુલમાં કરવાનું નક્કી કર્યું હતું. એટલે રહેમાને આ ગીતની તર્જ તૂર્કી લોકસંગીત પર આધારિત બનાવી. એણે કહ્યું કે હું ચિંતક રૂમીની દરગાહ પર સિજદો (સલામ) કરવા ગયેલો. ત્યાં તૂર્કી લોકસંગીત સાંભળ્યું અને એના પરથી મય્યા મય્યાની તર્જ બનાવી.


Comments