પેન પરિક્રમા-8 મધુબહેન સતત માતા સમાન વ્હાલ-વાત્સલ્ય વર્ષાવતાં રહ્યાં


‘તમને સારી તક મળે છે એટલે જાઓ છો પરંતુ અમદાવાદ ન ફાવે તો પાછાં આવી જજો. ચિત્રલેખાના દરવાજા તમારા માટે સદાય ખુલ્લા રહેશે...’ આ શબ્દો છે મધુબહેન (ચિત્રલેખાના સહસ્થાપક અને તંત્રી મધુરી કોટક)ના. ઠેઠ 1976થી શરૂ કરીને 2004ની રામનવમી સુધી હું ચિત્રલેખા પરિવારનો સભ્ય હતો. ત્યારબાદ અમદાવાદ આવવા નીકળ્યો. શ્રી ભરતભાઇ કાપડિયા અને મધુબહેને એક નાનકડો આત્મીય વિદાય સમારોહ યોજેલો. એમાં આ શબ્દો કહ્યા હતા.  ઘણા સાથી પત્રકારો અને મિત્રોને થશે કે મધુબહેનની વિદાય પછી એક સપ્તાહ સુધી મેં અંગત સંભારણાં કેમ ન લખ્યાં ? 

આશરે પાંત્રીસ વર્ષના મારા મિત્ર અને હાલ ચિત્રલેખાના તંત્રી શ્રી હીરેન મહેતાનું સૂચન હતું કે તમે મધુબહેન માટે લખેલી સ્નેહાંજલિ ચિત્રલેખામાં પ્રગટ થઇ જાય એ પછી તમારાં સંભારણાં લખજો. એટલે મધુબહેનની વિદાય પછી લગભગ એક સપ્તાહ બાદ આ લખી રહ્યો છું. હૈયું ભારે છે અને વીતેલા દિવસો યાદ કરીને આંખ ભીંજાય છે.

ચિત્રલેખા પરિવારમાં લખવાનું સૂચન કાંતિ ભટ્ટ અને ટોચના નવલકથાકાર વર્ષાબહેન અડાલજાનું હતું. વર્ષાબહેન એ દિવસોમાં જન્મભૂમિ સંસ્થાના મહિલા સાપ્તાહિક સુધાનાં તંત્રી હતાં. અમારી કૌટુંબિક આર્થિક સ્થિતિ થોડી નબળી હતી એટલે જન્મભૂમિમાં કામ કરતાં કરતાં થોડી વધુ આવક થાય એવો મારો પ્રયાસ હતો. કાંતિભાઇએ એક લેખનું ભાષાંતર મારી પાસે કરાવ્યા બાદ ટકોર કરેલી કે આવું સરસ લખે છે તો પછી બેસી કેમ રહ્યો છે ? હરકિસન મહેતા અને મધુરીબહેનને મળ. કાંતિભાઇએ તો હરકિસન મહેતા પર એક પત્ર પણ લખી આપ્યો. આમ ચિત્રલેખા પરિવારમાં જોડાયો. મધુબહેને મારી પાસે મધર ટેરેસા અને તેમની સંસ્થા ‘નિર્મોલ હૃદય’ વિશે એક લેખ લખાવ્યો. (બંગાળી ભાષામાં હૃદયનો ઉચ્ચાર નિર્મોલ થાય.) એ લેખ ચિત્રલેખા પરિવારના એક પણ જાહેર ખબર વિનાના માસિક ‘બીજ’માં છપાયો. એનો પુરસ્કાર મને બે સ્થળેથી જુદી જુદી રીતે મળ્યો. મધુબહેને તો આપ્યો, બીજી રીતે પણ મળ્યો.  એ સમયે સૌથી વધુ ફેલાવો ધરાવતા રાજકોટના દૈનિક ફૂલછાબના તંત્રી (ફૂલછાબ જન્મભૂમિ સંસ્થાનું જ દૈનિક છે) હરસુખભાઇ સાંગાણી સંસ્થાના કામે મુંબઇ આવેલા. મધર ટેરેસાનો મારો લેખ વાંચીને પ્રભાવિત થયા. મને બોલાવ્યો અને સમાજના વિવિધ ક્ષેત્રેના સફળ મહાનુભાવો વિશે કોલમ લખવાનું આમંત્રણ આપ્યું. કોલમનું નામ બહુરત્ના વસુંધરા. આ કોલમમાં લખવા યોગ્ય સેલેબ્રિટીઝ વિશે મધુબહેન વિવિધ સૂચનો કરતાં અને ક્યારેક કોઇ સેલેબ્રિટીઝ વિશે ક્યાંક કંઇ વાંચ્યું હોય તો એ જોઇ જવાનું કહેતા.

ધીમે ધીમે ફિલ્મ સામયિક જીમાં મને લખતો કર્યો. ક્યારેક નબળું લખાયું હોય તો પ્રેમથી સમજાવતા કે આમ નહીં, આ રીતે લખો. બીજી કે ત્રીજીવાર લખાઇ જાય ત્યારે સંતોષ વ્યક્ત કરતા. ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુ કોટક વિશે પરિચય પુસ્તિકા જેવું એક પ્રકાશન લખવાની મને તક આપી. એ નિમિત્તે એેમની નિકટ રહેવાની તક મળી. એમનાં વ્યક્તિત્ત્વનો થોડો જુદેરો પરિચય થયો. આત્મીયતા વધી. 

અમારાં લગ્ન પ્રસંગે મધુબહેન અને રાજુલભાભી (બિપિન કોટકનાં ધર્મપત્ની)

---------------------------------------------

જન્મભૂમિમાં કામ કરતાં કરતાંહું અને સરોજ પ્રેમમાં પડ્યાં. સાઉથ બોમ્બેના સી.પી. ટેંક વિસ્તારમાં આવેલા આર્ય સમાજમાં પરણ્યાં ત્યારે મધુબહેન ખડે પગે અમારી સાથે હતાં. હેતથી ખભે હાથ મૂકીને કહે, કોઇ પણ ચીજવસ્તુની જરૂર હોય તો નિઃસંકોચ મને કહેજો.

એક બાજુ જન્મભૂમિ અને બીજી બાજુ ચિત્રલેખા પરિવારનાં ત્રણ પ્રકાશનો. સાથોસાથ ફૂલછાબની બે કોલમ. આમ દોડાદોડ વધી ગઇ. ચિત્રલેખા સાથેના મારા ત્રણેક દાયકાના સંબંધ દરમિયાન, કામકાજની દોડધામના પગલે મને ટુ વ્હીલરના ત્રણેક મોટા એક્સિડંટ થયા. પહેલીવાર મારા ડાબા અને બીજીવાર જમણા પગમાં ફ્રેક્ચર થયું. ત્રીજી વાર ખભાની હાંસડી ભાંગી. તબીબી સારવાર કરાવવા ઉપરાંત મધુબહેન કોઇ સામાજિક સંસ્થામાંથી વૉકર ભાડે લઇને જુહુથી બોરિવલી મારે ઘેર આપવા આવ્યાં. કહે કે કોઇ ચિંતા કરતા નહીં. તમારાથી થાય એટલું કામ ઘેર બેસીને કરો. વૉકરની જરૂરિયાત પૂરી થશે ત્યારે આપણે પાછું આપી આવશું. 

એ જ રીતે મારી બાને પહેલીવાર કેન્સરનું નિદાન થયું ત્યારે હું પરદેશમાં હતો. પણ મધુબહેન સતત મારા નાનાભાઇ પ્રતાપને ફોન કરીને મારી બાનાં સમાચાર પૂછતાં અને કહેતાં કે કોઇ વાતે મૂંઝાતા નહીં. તમને કશી મૂંઝવણ હોય તો નિઃસંકોચ મને ફોન કરજો. પહેલીવારની સારવાર પછી બા સાજાં થયાં. ત્યારપછી પણ બાને એક કરતાં વધુ વખત બોરિવલીની હાર્ટ હૉસ્પિટલમાં બે ત્રણ વાર રાખવા પડ્યાં. હૉસ્પિટલનાં બિલ ક્યારે ભરાઇ ગયાં અને કોણે ભર્યાં એની જાણ પણ અમને થઇ નહીં. છેલ્લે ફરી કેન્સરે ઊથલો માર્યો અને બાએ ચિરવિદાય લીધી. અમારે આંગણે સૌ પ્રથમ મધુબહેન અને મૌલિકબાઇ હાજર થઇ ગયાં. મને ક્યારેય એવું લાગવા દીધું નહીં કે હું ચિત્રલેખા પરિવારનો પગારદાર કર્મચારી છું.

ચિત્રલેખાના એક ઉત્સવમાં પધારેલા મુંબઇના ટોચના ફર્ટિલિટી એક્સપર્ટ ડોક્ટર ફરામ ઇરાની અને તેમનાં પત્ની ગુલિસ્તાન સાથે મધુબહેન અને અમે પતિ-પત્ની.  ડોક્ટર ઇરાની 1931માં આવેલી પહેલી બોલતી ફિલ્મના સર્જક અરદેશર ઇરાનીના દોહિત્ર થાય.

----------------------

 એક પ્રસંગ ખાસ યાદ આવે છે. કોઇ બહેનને વૃદ્ધાવસ્થા દરમિયાન રહેવાની તકલીફ હતી. નાસિકમાં પંચવટી વિસ્તારમાં ડુંગરશી નાગશી ટ્રસ્ટનો એક સરસ વૃદ્ધાશ્રમ છે. મેં એ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધેલી અને મધુબહેનને એ વિશે વાત કરેલી. મધુબહેને એ વાત યાદ રાખેલી. એક દિવસ મને એમની કેબિનમાં બોલાવીને કહ્યું, આવતી કાલની રજા મૂકી દો. આપણે એક હાજતમંદ બહેનને લઇને નાસિકના વૃદ્ધાશ્રમમાં જવાનું છે. એમની કારમાં અમે નાસિક ગયાં. વૃદ્ધાશ્રમ નિહાળ્યો. પેલા બહેનને બધું દેખાડ્યું. સમજાવ્યું. એમને કહ્યું કે જુઓ, સરસ હરિયાળી અને ગોદાવરી નદીની એક નાનકડી શાખા અહીં છે. મંદિર છે. નીરવ શાંતિ છે. તમને અનુકૂળ આવતું હોય તો કહો. અહીં તમારા રહેવાની વ્યવસ્થા કરી આપું. આવી હતી એમની સેવા ભાવના ! પ્રચાર પ્રસિદ્ધિનાં કોઇ પડઘમ વગાડ્યાં વિના એ ચૂપચાપ સહાય કરતા. એ વિશે કદી કોઇને કહેતાં નહીં. 

હું અમદાવાદ આવવા નીકળ્યો ત્યારે ફરી કહ્યું, તમને ન ગમે તો પાછાં આવતા રહેજો. અને હા, અમદાવાદમાં મારી નાની બહેન મીરાં રહે છે .એને પણ મળજો. સદ્ભાગ્યે અમદાવાદમાં જૂનાં યાદગાર ગીતોની સૌથી સાંસ્કૃતિક સંસ્થા ક્લબ ગ્રામોફોન ક્લબમાં વિજયગુપ્ત મૌર્યના પત્રકાર પુત્ર નગેન્દ્ર વિજયનાં પત્ની દક્ષાબહેન સાથે પ્રોગ્રામમાં મીરાંબહેન મળી ગયાં. એમની સાથે પણ સ્નેહસંબંધ સ્થપાયો. ચિત્રલેખાના મારા સાથીદાર દેવાંશુ દેસાઇએ મધુબહેન વિશે પુસ્તક લખવા માંડ્યું અને દેવાંશુ તથા મધુબહેન અમદાવાદ આવ્યાં ત્યારે મને યાદ કર્યો અને મળ્યાં. 

અમદાવાદમાં ચિત્રલેખાનો કોઇ પણ સમારોહ યોજાય ત્યારે મધુબહેન અચૂક મને અને સરોજને યાદ કરતાં. એ નિમિત્તે અલપઝલપ મળાતું. હું અમદાવાદમાં કામમાં વ્યસ્ત રહેતો થયો પણ મધુબહેન અમને ભૂલ્યાં નહીં. અવારનવાર ફોન દ્વારા ખબર અંતર પૂછતાં. મારા માટે મધુબહેન સંસ્થાના માલિક નહીં પણ પાલકમાતા જેવાં બની રહ્યાં હતાં. પહેલાં મારી બા ગયાં. હવે મધુબહેન વિદાય થયાં. ફિલ્મ અભિનેતા શશી કપૂરનું એક વાક્ય યાદ આવે છે. એમનાં માતુશ્રી ગયાં ત્યારે શશીએ કહેલું, માતા વિદાય લે ત્યારે રાતોરાત સંતાન મોટું થઇ જાય છે. એનું બાળપણ છીનવાઇ જાય છે. પુત્ર ગમે તેટલો મોટો થાય માતા માટે તો બાળક જ રહે છે. માતાનો ખોળો અને સંતાનના મસ્તક પર હેતાળ હાથ ફરતો સદાને માટે અલોપ થઇ જાય છે. અમારા મનની સ્થિતિ અત્યારે એવી જ છે. માતાનો હેતાળ હાથ અમે ગુમાવ્યો છે. મૌલિકભાઇ, બિપિનભાઇ અને રોનકબહેનનાં દુઃખમાં અમે સહભાગી છીએ.


Comments

  1. અજિતભાઈ, હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ

    ReplyDelete

Post a Comment