પેન પરિક્રમા-7 સરળ સ્વભાવનાં શમસાદ બેગમની નિખાલસતાએ મુગ્ધ કર્યા


1978ની આખરનો કે ’79ના આરંભનો સમય હશે. ચિત્રલેખાના ત્યારના સીઇઓ ભરતભાઇ કાપડિયાએ એક દિવસ સરસ સૂચન કર્યું, અનેક મધુર અને સુપરહિટ ગીતો આપનારાં શમસાદ બેગમ ધીમે ધીમે ભૂલાઇ રહ્યાં છે. આજની તારીખમાં સૌથી સિનિયર પ્લેબેક સિંગર કહેવાય એવાં શમસાદ બેગમને આ એપ્રિલમાં 60 વર્ષ પૂરાં થશે. આજકાલ એ ક્યાં છે અને શું કરે છે એ વિશે એક નાનકડી મુલાકાત કરીએ. તમે તપાસ કરો, 

મેં નૌશાદ સાહેબને ફોન કર્યો અને શમસાદ બેગમ વિશે પૃચ્છા કરી. એ કહે, થોડા સમયથી અમારો સંપર્ક છૂટી ગયો છે પરંતુ તમે મને થોડો સમય આપો. હું તપાસ કરીને તમને કહું છું. લગભગ એકાદ કલાક પછી નૌશાદ સાહેબનો ફોન આવ્યો. મને કહે કે મારી એમની સાથે વાત થઇ ગઇ છે. મેં તારી ભલામણ કરી છે. એમનો ફોન નંબર લખી લે. ફોન કરીને જજો. બની શકે તો તમારાં પત્નીને સાથે લઇ જજો. એ થોડાં રૂઢિચુસ્ત છે. લેડિસ સાથે હશે તો તમારું કામ સરળ થઇ જશે.  અમારા આનંદનો પાર ન રહ્યો.

નૌશાદ સાહેબે આપેલા નંબર પર અમે ફોન કર્યો. શમસાદ બેગમના એકમાત્ર પુત્રી ઉષાજીએ ફોન ઉપાડ્યો. નૌશાદ સાહેબનો ઉલ્લેખ કરીને મેં એમને એમનાં માતુશ્રીની મુલાકાત માટે વિનંતી કરી. એમણે મમ્મી સાથે એ જ ઘડીએ વાત કરીને અમને સમય આપ્યો. યોગાનુયોગે એ દિવસોમાં શમસાદ બેગમ આપણા પ્રસિદ્ધ કવિ ડોક્ટર સુરેશ દલાલ રહેતા એ કોલાબાના દલામલ ટાવર્સમાં રહેતાં હતાં. હું અને સરોજ નિર્ધારિત સમયે એમને ઘેર પહોંચ્યાં. બેગમ સાહિબા સાવ સાદાં વસ્ત્રોમાં બેઠાં હતાં. ચહેરા પર એક પ્રકારની ગમગીની જેવું લાગ્યું. ધીમે ધીમે મૂડમાં આવતા જણાયાં. કહે કે આપના બહાને નૌશાદ સાહેબનો ફોન આવ્યો. મને બહુ સારું લાગ્યું. બાકી ફિલ્મ ઉદ્યોગમાં કોઇ કોઇનું સગું નથી. મને તો એકાદ બે કડવા અનુભવો પણ થયા છે.

એમને વધુ મુખરિત રીતે બોલતાં કરવા અમે અલગ રીતે પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. અમે કહ્યું, તમારી અને ઓ પી નય્યર વચ્ચે થોડીક સમાનતા છે. નય્યર કહે છે કે એમણે શાસ્ત્રીય સંગીતની કોઇ તાલીમ નથી લીધી. તમે પણ બાકાયદા તાલીમ વગર ગાતાં થયાં હતાં એમ સાંભળ્યું છે. એ થોડાક ટટાર થયા. કહે, પાક પરવરદિગાર કી હમ પર બડી મેહરબાની રહી. પ્રાયમરી સ્કૂલ મેં થી તભી સે મેરે ટીચર્સ મેરી આવાઝ સે ખુશ થે. સ્કુલ મેં હર સુબહ પ્રાર્થના હોતી થી ઉસ ગ્રુપ મેં મુઝે લીડર બના દિયા થા. મેરી આવાઝ સે પ્રાર્થના શુરુ હોતી થી. મેરે ચાચા આમિર ખાન ભી મેરી આવાઝ સે કાફી ખુશ થે. ઉન્હોંને હી મેરે અબ્બા જાન કો સમજાયા ઔર મુઝે બાહર ગાને કે લિયે તૈયાર કિયા.

તરત અમે તક ઝડપીને એવોજ બીજો પ્રશ્ન કર્યો. આપ કે ઔર નૌશાદ સાહબ કે જીવન મેં ભી થોડી સી સમાનતા રહી હૈ. હૈ ન, તરત એ સહેજ મલક્યા અને કહે કે આપને ઠીક ફરમાયા. નૌશાદ સાહબ કી તરહ હમારા પરિવાર કાફી પુરાને વિચારોંવાલા રહા. મૈં ગાતી થી તો મેરે અબ્બુ કો પસંદ નહીં થા. વે માનતે થે કી ગાના બજાના અચ્છે લોગોં કે લિયે નહીં હૈ. વૈસે ઉન દિનોં સંગીતકારોં ઔર ગાયકોં કી સોસાયટી મેં બહુત ઇજ્જત નહીં થી. લેકિન મેરે ચાચુ કી વજહ સે મૈં પ્લેબેક સિંગર બન સકી. આપને પહલે ભી સહી ફરમાયા થા, મેરી સંગીત મેં કોઇ બાકાયદા તાલીમ નહીં હુયી. મેરી આવાજ ખુદા કી દૈન થી. લેકિન હાં, મૌસિકાર (મ્યુઝિક ડાયરેકટર) માસ્ટર ગુલામ હૈદર ઔર એક સરંગિયે  (સારંગી વાદક ) મૌલા હુસૈન બક્ષવાલે સાહબ ને મેરી ગાયકી કો થોડા પોલિશ કિયા. સૂર કૈસે લગાતે હૈં. ગાને કે શબ્દોં કો કૈસે પેશ કિયા જાય, જજબાત કો ગાતે વક્ત કૈસે પેશ કરના હૈ, કૌન સે શબ્દ પે કિતના વજન દેના હૈ...વગૈરહ બાતેં મુઝે ઇન દોનોં ને સિખાયી. મેં અપને ચાચુ ઔર યહ દોનોં મૌસિકાર કી હમેશા કે લિયે શુક્રગુજાર હું.

વાતનું અનુસંધાન કરતાં અમે કહ્યું કે આપને અપને વાલિદૈન (માતાપિતા) ઔર સોસાયટી સે બગાવત કી થી ઐસા નૌશાદ સાહબ સે સુના હૈ... ફરી બેગમ સાહિબા મલક્યા. કહે, લાહોરમાં અમારી પડોશમાં એક હિન્દુ પરિવાર રહેતો હતો. એમના યુવાન પુત્ર ગણપત લાલ બટ્ટુ (મૂળ કશ્મીરી) સાથે મારું મન મળી  ગયું હતું. સૌથી રસપ્રદ વાત એ હતી કે ગણપત કાયદાના વિદ્યાર્થી અને પાછળથી વકીલ થયેલા. બીજી બાજુ હું તો માત્ર પાંચ છ ધોરણ ભણીને ગાતી થઇ ગયેલી. પણ અમારી વચ્ચે સાચો પ્રેમ હતો. એ જમાનામાં હિન્દુ મુસ્લિમ યુવક યુવતી પ્રેમ કરે એ હકીકત સમાજમાં ખળભળાટ મચાવી દે એવી વાત હતી.  જો કે ગાંધીજી સાથે જોડાયેલા ઘણાં યુવક યુવતીઓએ આ રીતે આંતરજ્ઞાતિય કે આંતર કોમી લગ્નો કરેલાં. અમે બંને મક્કમ હતાં. બંને પક્ષના વડીલોએ અમને વારવાના અથાક પ્રયાસો કર્યા પરંતુ અમે એમને મચક ન આપી. આખરે અમને લગ્ન કરવાની પરવાનગી મળી. આ વાતને તમે સોસાયટી સામે બગાવત કહો તો મને વાંધો નથી.

ગાયિકા તરીકે તમારી વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ કેવી રીતે થયો એ સવાલના જવાબમાં શમસાદ બેગમ કહે, માસ્ટર ગુલામ હૈદર સાહેબે મારા અવાજને પસંદ કરીને બે-ચાર ગીતો કમ્પોઝ કરેલાં. એ ગીતો તૈયાર કરાવીને એ મને ઝેનોફૌન નામની રેકર્ડ કંપનીમાં લઇ ગયા. ત્યાં મારું ઓડિશન થયું. માત્ર બાર વર્ષની વયે હું ગાયિકા થઇ ગઇ. ફરી એકવાર મારા પરિવારમાં ભૂકંપ આવ્યો. જો કે મારા કાકા આમિર ખાને મારા પિતા મિયાં હુસૈન બક્ષને સમજાવ્યા કે તમને આઠ બાળકો છે. મિકેનીક તરીકે તમારી કોઇ ગંજાવર આવક નથી. આ છોકરી ગાશે તો એને પૈસા મળશે અને તમને થોડીક આર્થિક મદદ મળશે. માંડ માંડ મારા પિતા સંમત થયા. જો કે એમણે એક શરત મૂકેલી કે હું કોઇ રેકર્ડ પર મારો ફોટો નહીં મૂકું. અખબારો કે મેગેઝિનવાળાને મારો ફોટો નહીં પાડવા દઉં, વગેરે. મેં હા પાડી ત્યારે પિતાએ ખંચકાટ સાથે પરવાનગી આપી કારણ કે અમારે રૂઢિચુસ્ત સમાજમાં રહેવાનું હતું. ઝેનોફોન કંપનીએ મારી પાસે બારેક ગીતો ગવડાવ્યાં. પછી તો હું રેડિયો પર પણ ગાતી થઇ. દેશ આઝાદ થયા પછી અમે ઇન્ડિયામાં સેટલ થયા. હું વિવિધ ભારતી પર પણ ગાતી થઇ. અલ્લાહની મહેરબાનીથી મારી ગાયિકા તરીકેની કારકિર્દી જામી ગઇ. મારાં ગીતો સુપરહિટ થયાં. એને પણ હું માલિકની મહેરબાની સમજું છું.

નૌશાદ સાહેબે એક વાત કરી  છે કે મધર ઇન્ડિયાનાં પી કે ઘર આજ પ્યારી દૂલ્હનિયાં ચલી ગીત ગાતાં ગાતાં તમે લાગણીવશ થઇ ગયાં હતાં અને આંસુ વહાવ્યાં હતાં... અમારી વાત પૂરી થાય એ પહેલાં બેગમ સાહિબા બોલી ઊઠ્યાં, મારી જગ્યાએ અન્ય કોઇ ગાયિકા હોત તો પણ એવું જ થાત. કન્યા વિદાયનું ગીત ગાનારની ભીતર રહેલી ગંભીર લાગણીને જગાડી મૂકે છે. મને મારાં પ્રેમલગ્ન અને પતિના અકાળ અવસાનની યાદ તાજી થઇ એટલે મારે ગળે ડૂમો ભરાઇ ગયો હતો. નૌશાદ સાહેબે રેકોર્ડિંગ મુલતવી રાખીને બીજે દિવસે કરવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ અમે કહ્યું કે નહીં, અત્યારે અમારો મૂડ ગીતના શબ્દો સાથે એકરૂપ થઇ ગયો છે. માટે રેકોર્ડિંગ તો આજે અત્યારે જ કરીએ.

તમે ડઝનબંધ સંગીતકારો સાથે ગાયું છે. સૌથી વધુ આનંદ કોની સાથે આવ્યો, એવા સવાલના જવાબમાં શમસાદ બેગમે કહ્યું કે આ પ્રશ્ન વાજબી નથી. અમારા સમયમાં દરેક સંગીતકારની પોતાની આગવી શૈલી હતી. દરેકનો પોતાના ગીત પર એક પ્રકારનો સ્ટેમ્પ લાગી જતો. મને બધાંની સાથે ગાવાની મજા પડી છે. કોઇ એક સંગીતકારનું નામ આપવાથી અન્યોને અન્યાય થઇ જાય. આમ છતાં તમારો આગ્રહ હોય તો હું કહીશ કે મારા ગુરુ સમાન માસ્ટર ગુલામ હૈદર, શ્યામ સુંદર, સજ્જાદ હુસૈન, એસ ડી બર્મન, શંકર જયકિસન, વગેરે દરેક સંગીતકારની વિશિષ્ટ સર્જનપ્રક્રિયાએ મને પ્રભાવિત કરી છે.

તમે ઓ પી નય્યરનું નામ ન આપ્યું, અમે ધ્યાન ખેંચ્યું. એમના ચહેરાના હાવભાવ થોડા બદલાયા. પછી ખંચકાટ સાથે કહે, દેખિયે, મૈં કિસી કા બૂરા નહીં બોલુંગી. લેકિન હમારા કોઇ  કસૂર નહીં થા,      કોઇ ગલતી નહીં થી,  ફિર ભી ઉસ આદમી ને હમેં ધોખા દિયા, સિર્ફ મેરી બાત નહીં હૈ, ગીતા (દત્ત) સાથ ભી ઐસા હી કિયા. હમેં છોડકર વો ઉસ મરાઠી ગાનેવાલી કે પીછે ભાગા. લેકિન ઉપરવાલે કી અદાલતને ઉસે જવાબ દે દિયા. ઉસ ને હમેં છોડા તો ઉસ મરાઠી બાઇને બાદ મેં ઉસ કો છોડા... દગા કિસી કા સગા નહીં હોતા હૈ... હમેં લોગ આજ ભી યાદ કરતે હૈં. હમને જો કામ કિયા, હમ કો જો કામિયાબી મિલી, ઉસ સે હમ ખુશ હૈ.  

શમસાદ બેગમની વાત તો સાચી. એમનાં કેટલાંય ગીતો આજે પણ આબાલવૃદ્ધને  આકર્ષે છે. એમાંય લે કે પહલા પહલા પ્યાર ભર કે આંખોં મેં ખુમાર (ફિલ્મ સીઆઇડી), તેરી મહફિલ મેં કિસ્મત આજમાકર હમ ભી દેખેંગે (મુઘલે આઝમ), કજરા મુહબ્બતવાલા (કિસ્મત), કભી આર કભી પાર મારા તીરે નજર (આરપાર), મિલતે હી આંખેં દિલ હુઆ દિવાના કિસી કા (બાબુલ), સાવન કે નઝારે હૈં (ખજાનચી) જેવાં અસખ્ય સુપરહિટ ગીતો શમસાદ બેગમે આપ્યાં છે. અમારા સદ્ભાગ્યે અમારી પાસે શમસાદ બેગમે ગાયેલાં આશરે અઢીસો ગીતોનું સંકલન છે. 

એકવાતનો અફસોસ મને છે. મારી બેદરકારીના કારણે શમસાદ બેગમ સાથેનો મારો ફોટાગ્રોફ સચવાયો નથી. સરોજના એકાદ બે ફોટોગ્રાફ અહીં પ્રસ્તુત છે. ઔર એક વાત જે મને આજેય ગમગીન કરી દે છે. ચિત્રલેખા પરિવારના જી સામયિકમાં આ ઇન્ટરવ્યૂ પ્રગટ થયો એની સાથે મધુબહેન (મધુરી કોટક)એ શમસાદ બેગમનું સરનામું પ્રગટ કર્યું હતું. એ વાંચીને એક પ્રતિષ્ઠિત લેખક પોતાની મિત્રમંડળી સાથે શમસાદ બેગમને ઘેર પહોંચી ગયા. એ ઇન્ટરવ્યૂ પ્રગટ કર્યો ત્યારે પોતાની કોલમમાં લખ્યું, ‘એક ફિલ્મી ફરફરિયામાંથી અમને શમસાદ બેગમનું સરનામું મળ્યું.’ પાછળથી એજ જી સામયિકમાં આ પ્રતિષ્ઠિત લેખકે કોલમો લખી. ફિલ્મી ફરફરિયું શબ્દ અમને ખૂંચ્યો હતો. ખેર, પ્રભુ સૌનું કલ્યાણ કરે.

(એક  સાવ નાનકડા બોક્સ કેમેરાથી ફોટા લીધા હતા.) 

Comments