ઇન્ડિયન આઇડોલ નામના સંગીતપ્રધાન ટીવી કાર્યક્રમમાં ગયા મહિને સુભાષ ઘાઇએ મુખ્ય મહેમાન તરીકે હતી. એમણે પોતાની ફિલ્મોનાં કેટલાંક ગીતો વિશે રસપ્રદ વાતો કરી હતી. પોતાની ફિલ્મ તાલના ગીતો વિશે બોલતાં તેમણે કહ્યું, હું એ આર રહેમાનના મ્યુઝિક સ્ટુડિયોમાં બેઠો હતો. રહેમાન એમના કી બોર્ડ પર હતા. અચાનક એમણે એક નાનકડો ટુકડો કી બોર્ડ પર વગાડ્યો. ટ્રાન્સમાં હોય એમ કી બોર્ડ વગાડતાં તેમણે કહ્યું કે તમારા ટાઇટલ ગીતનું મુખડું તૈયાર થઇ ગયું. ઇટ વોઝ કમ્પોઝ્ડ ઇન અ સ્પ્લીટ ઓફ સેકંડ...
સાંભળનારને કદાચ નવાઇ લાગે. પરંતુ આવું બને છે. દેવ આનંદે ગાઇડના ગીતો વિશે બોલતાં કહેલું કે એક સવારે હું શેવ કરવા દરમિયાન મોઢા પર સાબુ લગાડતો હતો ત્યારે બર્મનદાદાનો ફોન આવ્યો અને ફોન પર એમણે વાત કરતાં કરતાં મને ક્યા સે ક્યા હો ગયા ગીતનું મુખડું સંભળાવી દીધેલું. તો યહ બાત હૈ. સર્જકને ક્યારે કઇ પ્રેરણા કેવી રીતે મળશે એ કહેવું મુશ્કેલ હોય છે. આજના એપિસોડમાં દરેક ગીતની અલગ વાત કરવાની પરંપરા બાજુ પર રાખીને સર્વાંગી સમીક્ષા કરવાનું રાખ્યું છે.
સુભાષ ઘાઇની તાલ ફિલ્મમાં મનોરંજનનો ભરપુર મસાલો હતો. અમીર-ગરીબના ભેદભાવ, સંગીતકારની પડતી-ચડતી, ઉત્કટ પ્રણય અને લવ ટ્રાયન્ગલ. કલાકારો પણ ટોચના હતા. ગર્ભશ્રીમંત જગમોહન મહેતા તરીકે અમરીશ પુરી, ગરીબ ગાયક સંગીતકાર તરીકે આલોકનાથ, લવ ટ્રાયન્ગલમાં અનિલ કપૂ, ઐશ્વર્યા રાય બચ્ચન અને અક્ષય ખન્ના. ફિલ્મના ક્લાયમેક્સમાં અનિલ કપૂર પોતાની પ્રેમની લાગણીનું બલિદાન આપે છે.
1950-60ના દાયકાની યાદ તાજી કરાવે એ રીતે દસ અગિયાર ગીતો અને ટાઇટલ મ્યુઝિક.સરેરાશ દરેક ગીત સાડા ચારથી પાંચ મિનિટનું, લયમાં વૈવિધ્યનો અભાવ હોવા છતાં તર્જની તાજગી એવી હતી કે દરેક ગીત સુપરહિટ નીવડ્યું. એમાં પણ ઇશ્ક બિના ક્યા મરના, ઇશ્ક બિના ક્યા જીના... અને ટાઇટલ ગીત તાલ સે તાલ મિલા રિપિટ થયાં હતાં.. ગાયકોમાં બમ્બૈયા અને સાઉથના એમ બંને પ્રદેશોનું પ્રતિનિધિત્વ હતું. આશા ભોંસલે, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, સોનુ નિગમ, અનુરાધા, શ્રીરામ, હરિહરન, વૈશાલી સામંત, સુજાતા, આદિત્ય નારાયણ, સુખવિન્દર સિંઘ, રિચા શર્મા અને રહેમાન પોતે આમ સંખ્યાબંધ ગાયકો હતાં.
ચારેક ગીતો શાસ્ત્રીય રાગ પર આધારિત હતા. બાકીનાં રહેમાનની કલ્પનાનો વિસ્તાર હતો. ગીતો આનંદ બક્ષીનાં હતાં. સુભાષ ઘાઇ પોતાની રીતે ગીતકાર અને સંગીતકાર પાસે કામ લઇ શક્યા એ એમની ખૂબી હતી. સૌથી વધુ રસપ્રદ વાત એ હતી કે આ ફિલ્મમાં (કદાચ સુભાષ ઘાઇના સૂચનથી) રહેમાને ભૈરવી રાગિણીનો એક કરતાં વધુ વખત ઉપયોગ કર્યો છે. જો કે દરેક ગીતમાં ભૈરવી સાથે સ્કેલ બદલીને બીજો રાગ પણ (આર ડી બર્મનની સ્ટાઇલથી) અજમાવ્યો છે. એક કરતાં વધુ ગીતમાં ભૈરવી અજમાવ્યો હોવા છતાં રાગોના મિશ્રણથી તર્જોમાં અનેરું વૈવિધ્ય અનુભવાય છે.
પ્રણયના સંવેદનમાં પણ વિવિધ લાગણીનો સમન્વય કરાયો છે. મિલનની સાથોસાથ, પ્રિયતમનો ઇંતેજાર સૂફી સ્ટાઇલમાં સજના વે મે સોનૈયા વે, રાંઝના વે... ગીતમાં કરાવે છે. તો કરિયે ના કોઇ વાદા... ગીતમાં મીઠ્ઠી ફરિયાદ પણ સાંભળવા મળે છે. તાલ સે તાલ મિલાની તર્જ પહેલીવાર શુદ્ધ ભારતીય રાગમાં સર્જી છે તો બીજી વાર આ ગીત પાશ્ચાત્ય શૈલીમાં રજૂ થયું છે. પ્રિયતમ નજર સમક્ષ નથી પણ હૈયામાં તો ચોવીસે કલાક હાજર છે એવી ભાવના નહીં સામને યહ અલગ બાત હૈ, મેરે પાસ હૈ તૂ... ગીતમાં રજૂ થાય છે. આ ગીતના શબ્દો ભક્તના પણ હોઇ શકે. ઇશ્કે હકીકી અને ઇશ્કે મજાજી એમ બંને પ્રકારની ભાવના આ ગીતમાં રજૂ થઇ છે.ઉત્કટ પ્રણયની સંવેદનાને આનંદ બક્ષી સચોટ રીતે ઉપસાવી શક્યા. ઇશ્ક બિના ક્યા જીના.. અને તાલ સે તાલ મિલા.. બંને ગીતો એ રીતે સરસ બન્યાં છે. પંજાબી શબ્દોની ભરમાર સાથે એક ગીત સુખવિન્દર અને અલકા યાજ્ઞિકે ગજબની જમાવટ સાથે રજૂ કર્યું છે. ના જાને દિલ વિચ કી આયા, એક પ્રેમ પિયાલા પી આયા, ઓય રમતા જોગી ઓય રમતા જોગી.. ગીતમાં જિપ્સી કે વણઝારાના લોકગીતોની સ્ટાઇલ શબ્દોની સાથે તર્જ-લયમાં પણ પ્રગટ થઇ છે. ટૂંકમાં, એમ કહી શકાય કે તાલના સંગીતમાં એક તરફ સુભાષ ઘાઇ પોતાની અપેક્ષા મુજબનું કામ લઇ શક્યા છે તો રહેમાને ઉત્કૃષ્ટ સર્જક તરીકે પૂર્વ-પશ્ચિમના સમન્વય સાથે જબરદસ્ત જમાવટ કરી છે.
Comments
Post a Comment