મણી રત્નમ, ગુલઝાર અને રહેમાનની ત્રિપુટીએ દિલ સે દ્વારા ધમાલ મચાવી


બોમ્બે  ફિલ્મમાં બાબરી કાંડ પછીનાં મુંબઇનાં કોમી તોફાનોને કલાત્મક રીતે વણી લીધા પછી મણી રત્નમે આસામમાં શરૂ થયેલા આતંકવાદને કેન્દ્રમાં રાખીને એક રોમાન્ટિક થ્રીલર બનાવી. શાહરુખ ખાન, મનીષા કોઇરાલા અને પ્રીતિ ઝિન્ટાને કેન્દ્રમાં રાખીને બનાવેલી આ ફિલ્મ દિલ સે તમિળ અને હિન્દી બંને ભાષામાં બની. સૌથી રસપ્રદ વાત એ બની કે ભારતમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઇ મોટી ધાડ ન મારી પરંતુ અમેરિકા અને ઇંગ્લેંડમાં આ ફિલ્મે રીતસર ધમાલ મચાવી. બ્રિટનમાં કોઇ વિદેશી ફિલ્મે ટોપ ટેનમાં નામ નોંધાવ્યું હોચ તો આ દિલ સે ફિલ્મે નોંધાવેલું. અમેરિકામાં દિલ સે ફિલ્મે 9 લાખ પંચોતેર હજાર ડોલરનો બિઝનેસ કર્યો અને બ્રિટનમાં પાંચ લાખ સાડત્રીસ હજારથી પણ વધુ પાઉન્ડ ઉસેડી લીધા. 

આ ફિલ્મથી રહેમાન અને ગુલઝાર પહેલી વાર ભેગા થયા. આ ફિલ્મનું સંગીત સાંભળ્યા પછી ગુલઝારે કહેલું કે રહે્માને મુખડું અને અંતરો એવા ભેદ દૂર કરી દીધા. એનું સંગીત ખળખળ વહેતી નદીના પ્રવાહની જેમ વહ્યે જાય છે. ગુલઝારની આ વાત જરા જુદી રીતે સમજવા જેવી છે. રહેમાનનો વિદેશી ઢબનો કહેરવો વિદેશી વાદ્યો પર ખનકે છે. રૂઢિચુસ્ત સિનેરસિકને એ લય એકસરખો (મોનોટોનસ ) લાગે પરંતુ યુવા પેઢીને આને ખાસ કરીને ખપ પૂરતું સંગીત સમજનારા સંગીત રસિકો આ લય સાથે જાણે અજાણે પગનો તાલ આપતા થઇ જાય. આ ફિલ્મ્ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો તર્જ અને લય તરવરાટ, થરથરાટ અને અનેરા ઉત્સાહથી છલકે છે.

સાચા સર્જકને ગમે ત્યાંથી પ્રેરણા મળતી હોય છે. રહેમાને એક મુલાકાતમાં કહેલું કે હું હજ કરવા ગયેલો. ત્યારે મને હિન્દી, ઊર્દૂ કે અરબી ભાષા આવડતી કે સમજાતી નહોતી. સાઉદી અરેબિયામાં એક માણસ ચોક્કસ લહેકામાં મય્યા મય્યા બોલતો હતો. મારા સહયાત્રીને મેં પૂછ્યું કે આ માણસ શું બોલે છે. સહયાત્રી અરબી ભાષા જાણતો હતો. એણે કહ્યું કે આ માણસ પાણીના પાઉચ વેચે છે. આ મય્યા મય્યા પરથી મને ચલ છૈય્યાં છૈય્યાં ગીતની પ્રેરણા મળી. મેં ગુલઝાર સાહેબને આ વાત કરી. એમણે એ વિચારને ચલ છૈય્યાં છૈય્યાં ગીતમાં સાકાર કર્યો. 

ઔર એક વાત. આ ફિલ્મનું સંગીત તૈયાર કરવામાં રહેમાને અજાણતાંમાં એક નહીં, બે ગીતમાં રાગમાલા જેવો પ્રયોગ કર્યો છે. ચલ છૈય્યાં છૈય્યાં ગીતમાં રહેમાને પીલુ, મધમાઢ સારંગ, મેઘ અને ખમાજ રાગોનો આધાર લીધો છે. પરદા પર ટ્રેનની છત પર આ ગીત રજૂ થાય છે. સામાન્ય રીતે પાટા પર દોડી રહેલી ટ્રેન પર આ રીતે ડાન્સ કરતાં કરતાં ગીત ગવાય એ અશક્ય લાગે. પણ મણી રત્નમે સરસ રીતે ગીતને રજૂ કર્યું. સુખવિન્દર સિંઘ અને સપના અવસ્થીએ આ ગીતને જીવંત કર્યું.

રાગમાલા ટાઇપનું બીજું ગીત છે જિયા જલે જાન જલે, નૈનોં તલે ધુંઆ ચલે... આ ગીત માટે પહેલી વાર રહેમાને લતાનો કંઠ વાપર્યો છે. સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ લતાએ ગુલઝાર મારફત રહેમાનને જણાવેલું કે મારે તમારા સંગીતમાં એકાદ ગીત ગાવું છે. આ ગીતમાં રહેમાને નટભૈરવ, આસાવરી અને કાફી રાગોનો સમન્વય કર્યો છે.  લતાજી સાથેના પોતાના અનુભવને વર્ણવતાં રહેમાને કહેલું, અમે બંને શરૂમાં એકબીજાથી થોડા ડરેલાં હતાં. લતાજી લિવિંગ લેજન્ડ હતા જ્યારે હું બોલિવૂડમાં પા પા પગલી ભરતો હતો. પરંતુ એમની ગ્રહણશક્તિ જોઇને હું છક થઇ ગયો. એકાદવાર તર્જ સાંભળી. પોતે કયા શબ્દ પર કેટલું વજન મૂકવાનું છે અને કયો ભાવ પ્રદર્શિત કરવાનો છે એ સમજી લીધા પછી એમણે કહ્યું કે ચાલો, હું રેકોર્ડિંગ માટે તૈયાર છું.

દિલ સેના સંગીતની ઔર એક ખૂબી છે. એક કરતાં વધુ ગીતમાં રહેમાને કોરસ (સમૂહગાન)નો બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે જબરદસ્ત અસરકારક ઉપયોગ કર્યો છે. એવું પહેલું ગીત એટલે લતાજીએ ગાયેલું જિયા જલે... અને બીજું ગીત ઓ પાખી પરદેશી... આ ઓ પાખી પરદેશીમાં ઔર એક ખૂબી વચ્ચે વચ્ચે આવે છે. ચાલુ ગીતમાં લેવાયેલો પોઝ.. એને કારણે ગીતમાં કલાત્મક આંચકાનો અહેસાસ થાય છે. ઓ પાખી પરદેશી ગીત ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી અય્યરના કંઠમાં છે. બંને પાસે રહેમાને ધાર્યું કામ કરાવ્યું છે.

રહેમાને મણી રત્નમના આગ્રહને માન આપીને ટાઇટલ ગીત દિલ સે રે, દિલ તો આખિર દિલ હૈ... ગાયું છે. અહીં રહેમાનના કંઠનો લહેકો અલગ રંગ જમાવે છે. ભલે મુહમ્મદ રફી કે કિશોર કુમાર જેવી રહેમાનની રેંજ નથી. પરંતુ આ ગીતમાં રહેમાન ખીલ્યો છે. 

ફરી એકવાર સુખવિન્દર આવે છે. ઇદ આયી મેરા યાર ન આયા, કર થૈયાં થૈયાં... આ ગીત ચલ છૈય્યાં છૈય્યાંના ઉત્તરાર્ધ જેવું લાગી શકે. જો કે શબ્દો અને લય-તર્જ દૂધમાં સાકર ભળે એ રીતે એકાકાર થઇ ગયાં છે.

છેલ્લું ગીત સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિના કંઠમાં છે. તૂહી તૂ સતરંગી રે, ઇશ્ક પર જોર નહીં હૈ... આ ગીતમાં પણ કોરસનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે કરેલો ઉપયોગ સાંભળનારને અચંબિત કરે છે. તમામ ગીતોમાં એક સરખો લય હોવા છતાં લયવાદ્યોના વૈવિધ્યને કારણે ગીત માણવામાં રસક્ષતિ થતી નથી. રહેમાનનું આ ફિલ્મનું સંગીત કેટલું જોરદાર રહ્યું હશે એની કલ્પના આ આલ્બમના વેચાણ પરથી આવશે. ભારતમાં આ ફિલ્મની કેસેટ-સીડીની સાઠ લાખ નકલો વેચાઇ હતી. બોલિવૂડમાં માત્ર બે ત્રણ ફિલ્મો કરનારા સંગીતકાર માટે આ જેવી તેવી સિદ્ધિ ન કહેવાય.


Comments