આવો, આસ્વાદ માણીએ રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ રંગીલાનાં ગીતસંગીતનો...

રામગોપાલ વર્માની ફિલ્મ રંગીલા એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ હતી. ટપોરીછાપ એક અનાથ ટીનેજર મુન્ના (આમિર ખાન), એની બાળપણની દોસ્ત અને પાછળથી પ્રિયતમા બની જતી મીલી (ઊર્મિલા માતોંડકર) અને સફળ અભિનેતા રાજકમલ (જેકી શ્રોફ) ત્રણ મુખ્ય પાત્રો છે. મીલીને અભિનેત્રી બનવું છે. એ સ્વપ્ન સાકાર કરવામાં રાજ કમલ નિમિત્ત બને છે. મુન્નો થિયેટર બહાર ટિકિટોના કાળાંબજાર કરે છે. અભિનેત્રી તરીકે સફળ થયા બાદ મીલીને ખ્યાલ આવે છે કે પોતે મુન્નાને પ્રેમ કરે છે. અહીં ફરી રાજ કમલ એને સહાય કરે છે. વાર્તા પૂરી.

સંગીતકાર તરીકે એ આર રહેમાનની આ પહેલી હિન્દી ફિલ્મ. અહીં રહેમાને સહેજ જુદી રીતે ગાયકો પસંદ કર્યા છે. બોલિવૂડના અને પોતાના સાઉથના ચાહકો નારાજ ન થાય એ રીતે ગાયકોની પસંદગી કરી છે. અહીં આદિત્ય અને ઉદિત નારાયણ સાથે આશા ભોંસલે છે તો બીજી બાજુ હરિહરન, ચિત્રા, શ્વેતા શેટ્ટી અને રહેમાન પોતે છે. બધાં ગીતો હિટ નીવડ્યાં હતાં અને યુવાન ચાહકો રીતસર ઘેલા થયા હતા. 

સિનિયર સિટિઝનને બહુ મઝા ન આવે કારણ કે મેલોડી કરતાં રિધમને વધુ મહત્ત્વ અપાયું છે. એક સરખો વિદેશી સ્ટાઇલનો કહેરવા કે દાદરા વાગ્યા કરે. મહેબૂબ કોટવાલનાં ગીતો ફિલ્મની કથાને અનુરૂપ લખાયાં છે. આદિત્ય નારાયણ આશા ભોસલેના પૌત્ર જેવડો છે પરંતુ ટાઇટલ ગીત હો જા રંગીલા રે..ની સરસ જમાવટ કરી છે. વિદેશી ટાઇપના  કહેરવાનો લયની મર્યાદાને થોડીવાર ભૂલી જઇએ તો અહીં રાગ ધાનીનો આધાર લઇને રહેમાને સરસ તર્જ બનાવી છે.

હાય રામ યે ક્યા હુઆ ક્યૂં હમેં સતાને લગે... ગીતનો વિદેશી કહેરવો કાનમાં વાગે છે. એને કારણે એક પ્રકારની એકવિધતા (મોનોટોની) સંગીતમાં આવી જાય છે. દિવાળીમાં તડાફડીની લૂમ ફૂટતી હોય એવો ધડાકેદાર કહેરવો અહીં છે. જો કે ગીતને જમાવવા હરિહરન અને સ્વર્ણલતાએ સારી મહેનત કરી છે.  

ક્યા કરે ક્યા ના કરે, યે કૈસી મુશ્કિલ હૈ, કોઇ તો બતા દે ઇસકા હાલ ઓ મેરે ભાઇ... આદિત્યના કંઠમાં છે. રાગ ભીમપલાસીનો આધાર લઇને આ ગીતની તર્જ પાશ્ચાત્ય ઢબના દાદરા તાલમાં સરસ બની છે.

એવો જ એક સોલો આશા ભોંસલેના કંઠમાં છે. શબ્દો ચોટડૂક છે. શહેરી જીવનની મર્યાદા શબ્દોમાં વ્યક્ત થઇ છે. તન્હા તન્હા જીના યહાં, યે કોઇ બાત હૈ, કોઇ સાથી નહીં યહાં તેરા, યે કોઇ બાત હૈ... અહીં રહેમાને નટભૈરવ અને ભીમપલાસી એમ બે રાગોનો આધાર લીધો છે. આ ગીત પણ કહેરવા તાલમાં ઝૂમતું ગીત છે.

પ્યાર યે જાને કૈસા, ક્યા કહેં યે કુછ ઐસા હૈ, કભી દર્દ યે દેતા હૈ, કભી ચૈન યે દેતા હૈ... ફરી એકવાર આદિત્ય નારાયણ અને આશા ભોસલેના કંઠમાં મજેદાર રોમાન્ટિક રચના છે.

જૂની ને જાણીતી રાગિણી ભૈરવીના આધાર પર અહીં એક ગીત ચિત્રા અને ઉદિત નારાયણના કંઠમાં છે. યારોં સુન લો જરા અપના યે કહના...  મુખડું ધરાવતું આ ગીત એના લયના કારણે વધુ આસ્વાદ્ય બન્યું છે. 

છેલ્લું ગીત આઇ આઇ યો, મંગતા હૈ ક્યા, દિલ કો વો તો બોલો, જીના હૈ તો અપુન કે જૈસા જિયો... ગાડી બંગલા નહીં ના સહી ના, બેંક બેલેન્સ નહીં ના, સહી ના ...? જેવા શબ્દો ધરાવતા આ ગીતમાં સંપત્તિ, બંગલો, મોંઘીદાટ કાર અને બેંક બેલેન્સ હોવા છતાં માણસ સુખી નથી હોતો એવી ફિલસૂફી સરળ શબ્દોમાં રજૂ થઇ છે. અસ્સલ બમ્બૈયા ટપોરી ટાઇપના શબ્દોથી ગીત સજેલું છે. 

કથા, કલાકારોનો અભિનય, છબીકલા, ગીતો અને સંગીત બધી રીતે ફિલ્મ સુપરહિટ નીવડી હતી. માત્ર સાડા ચાર કરોડ રૂપિયામાં રામ ગોપાલ વર્માએ બનાવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે સાડા તેત્રીસ કરોડનો બિઝનેસ કર્યો હતો. ગીતો સતત ગવાતાં રહ્યાં હતાં. રિધમ એકસરખી હોવાની સૌથી મોટી મર્યાદા છતાં રહેમાનના સંગીતે ધમાલ મચાવી દીધી હતી એ હકીકત સ્વીકારવી રહી.


Comments