શમ્મી કપૂરની ફોટોજેનિક યાદદાસ્તે જ્યારે દંગ કર્યા..

પેન પરિક્રમા


શમ્મી કપૂુર સાથે લેખક અજિત પોપટ

---------------------------------------------------------

લગભગ 1980ના દાયકાની વાત છે. ચિત્રલેખાના એક પ્રવાસ પર્યટન વિશેષાંકની તૈયારી ચાલતી હતી. દરેક રિપોર્ટરને અંકના એક એક પાસાની જવાબદારી સોંપાઇ હતી. મારા સદ્ભાગ્યે મને એક જમાનાના અલ્લડ અને મદમાતી જવાનીથી તરબતર અભિનેતા શમ્મી કપૂરની મુલાકાત લેવાની તક મળી હતી. મુંબઇના વાલકેશ્વર વિસ્તારથી હેંગિંગ ગાર્ડન તરફ જતા માર્ગ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના વર્ષા બંગલાની બરાબર સામે શમ્મી કપૂરનો આલીશાન ફ્લેટ. મેં ફોન કર્યો ત્યારે એ નિરાંતના મૂડમાં હશે. એક વાક્યમાં કહી દીધું, કલ દોપહર કો આ જાઓ. હું અને અમારો ચિત્રલેખાનો એ સમયનો ફોટોગ્રાફર નિકોલસ યાર્ડે શમ્મી કપૂરને ત્યાં પહોંચ્યા. એમનાં પત્નીશ્રી અને ભાવનગર સ્ટેટના પ્રિન્સેસ નીલાદેવી અમને શમ્મી કપૂરની ક્યૂબિકલ તરફ લઇ ગયા. આશરે પાંચ ફૂટ બાય પાંચ ફૂટની કેબિનમાં શમ્મી કપૂર પોતાના કોમ્પ્યુટર અને પુસ્તકોથી વીંટળાઇને બેઠા હતા. અમને પણ બેસવાનો ઇશારો કર્યો.

અમે બેઠાં. ચા-પાણી થયાં. શમ્મી કપૂર એકધારી અથવા કહો કે ધારદાર નજરે મારી સામે નીરખી રહ્યા હતા. મને થોડી અકળામણ થઇ. મેં પૂછ્યું, સર, મારી સામે આ રીતે કેમ જુઓ છો. પાંચ સાત સેકંડ મૂગા રહ્યા પછી એમણે પૂછ્યું કે તું સંગીતકાર કલ્યાણજી આણંદજીના મ્યુઝિક રૂમમાં બેસી રહેતો ખરો ? મેં તને ત્યાં જોયો હોવાનો મને ખ્યાલ છે. મેં કહ્યું કે હું કલ્યાણજીભાઇ પાસે સંગીતની જાણકારી મેળવવા જતો હતો. 

તો પછી સંગીત કેમ મૂકી દીધું, શમ્મી કપૂર બોલી ઊઠ્યા. મેં કહ્યું કે પત્રકાર તરીકે સંગીત વિશે લખવા માટે કેવી પૂર્વતૈયારી કરવી એ સમજવા હું તેમની પાસે જતો હતો. અચ્છા અચ્છા, શમ્મી બોલ્યા. અબ ચલો, ઇન્ટરવ્યૂ શુરુ કરો, એમણે આદેશ આપ્યો. એમની ફોટજેનિક યાદદાસ્તે મને દંગ કરી દીધો. 

જો કે પૂર્વપરિચય નીકળ્યો એટલે મારી હિંમત થોડી વધી. મેં કહ્યું કે સર, આપણે ઇન્ટરવ્યૂના મૂળ વિષય ઉપરાંત બીજી થોડી વાતો કરી શકીએ ? તરત એમણે કહ્યું કે વધુ પડતી અંગત વાતો નહીં કરું. મારી કારકિર્દીને લગતી વાત હશે તો જવાબ આપીશ.

તરત મેં તક ઝડપી લીધી. મેં કહ્યું કે તમે, રાજ સાહેબ, શશી કપૂર વગેરેએ સંગીતકે નૃત્યની તાલીમ લીધી હતી ક્યારેય ? શમ્મી કપૂર મીઠ્ઠું મલક્યા. પછી કહેવા લાગ્યા, વાસ્તવમાં સંગીત-નૃત્ય અમારા લોહીમાં છે. મારા દાદા બસેશ્વરનાથ બ્રિટિશ કાળના વરિષ્ઠ પોલીસ અધિકારી હતા.  એમના પિતા કેશવમલ કપૂર બ્રિટિશ કાળના મામલતદાર હતા. એ જમાનામાં આ હોદ્દા રાજરજવાડાનેય સલામ કરવાની ફરજ પાડે એવા હતા. બ્રિટિશ સરકારની બોલબાલા હતી. એટલે અમારા દાદા અને એમના પિતાને જ્યાં જ્યાં શાસ્ત્રીય સંગીતની બેઠકો હોય, તવાયફોના મુજરા કે ઠુમરી ગાયનના પ્રોગ્રામ હોય ત્યાં ખાસ આમંત્રણ મળતું. એનો લાભ પાપાજી (પૃથ્વીરાજ કપૂર)ને પણ મળતો. એ લાભ પાછળથી અમને બાળકોને મળતો. પાપાજી અમને શાસ્ત્રીય સંગીત સાંભળવા લઇ જતા. પોતાની નાટક કંપની માટે ખપપૂરતું સંગીત પાપાજી શીખેલા. એ જ રીતે સંગીતની આછીપાતળી બારાખડી અમે અર્થાત્ રાજ સાહેબ અને હું પણ શીખેલા. ખાસ કરીને લય અમારા લોહીમાં આપોઆપ હૃદયના ધબકારાની જેમ આત્મસાત થઇ ગયેલો. ઉપરાંત એક બીજી વાત પણ મને ઉપયોગી થઇ પડેલી. નર્ગિસજી જ્યારે રાજના કેમ્પમાં હતાં ત્યારે મને ઘણી પાશ્ચાત્ય સંગીતની વિદેશી રેકર્ડ લાવી આપતા. હું પણ ક્યારેક કાલા ઘોડા પાસે આવેલા રિધમ સેન્ટર સ્ટોરમાં ઝઇને નર્ગિસજીના નામે રેકર્ડસ્ લઇ આવતો. ત્યાં નર્ગિસજીનો એકાઉન્ટ ચાલતો હતો.

અને ડાન્સ ?  મારા પહેલા સવાલનું અનુસંધાન હતું. જવાબમાં એમણે કહ્યું કે અભિનય કારકિર્દીની શરૂઆતમાં અન્ય કલાકારોની જેમ હું પણ દિલીપ કુમારને અનુસરવાના પ્રયાસો કરતો. મારી પહેલી પત્ની ગીતા બાલીએ મને વાર્યો. એણે કહ્યું કે દર્શકો તમને લાંબા સમય માટે યાદ રાખે એવી ઇચ્છા હોય તો તમારી પોતાની અભિનય શૈલી કેળવો. ડાન્સની સ્ટાઇલ બદલો. ભલે થોડા વાનરવેડા લાગે, પણ હાલના ત્રણે મુખ્ય કલાકારો (દિલીપ, રાજ, દેવ) કરતાં કંઇક જુદું કરો. મેં એ વાતને એક પડકાર રૂપે લીધી. એ પછીનો ઇતિહાસ તમારી સામે છે. ઘણા મિડિયામેને એવી વાહિયાત ગોસિપ ચગાવેલી કે મેં એલ્વિસ પ્રિસ્લીની નકલ કરી છે. મારી ખુલ્લી ચેલેંજ હતી કે એલ્વિસ પ્રિસ્લીની વિડિયો કેસેટ્સ જુઓ અને મારા ડાન્સની વિડિયો કેસેટ્સ જુઓ. પછી નક્કી કરો કે મેં કોઇની નકલ કરી છે કે મારી પોતાની સ્ટાઇલ છે. તમને એક રમૂજી વાત કહું. એસ મુખરજીની જંગલી ફિલ્મ જોયા પછી પાપાજીએ ઘરે પહોંચીને રાત્રે ડાઇનિંગ ટેબલ પર  ખડખડાટ હસતાં હસતાં કહેલું કે શમ્મી જંગલી ફિલ્મમાં ખરેખર નટખટ મન્કી (વાનર ) જેવો લાગતો હતો. મારા માટે તો આ ટકોર ઓસ્કાર એવોર્ડ જેવી હતી.

આગળ વાત વધારતાં શમ્મી કપૂરે કહ્યું કે ઘણીવાર ડાન્સ ડાયરેક્ટરે બતાવ્યું હોય એ બાજુ પર રાખીને કેમેરા ચાલુ થાય ત્યારે હું મારા સ્ટેપ જાતે બનાવીને ડાન્સ કરતો. વડીલોના આશીર્વાદથી ઓડિયન્સને મારી ઊછળકૂદ પસંદ આવી અને મારી ગા઼ડી ચાલી નીકળી.

તમે ગાઓ છો અને તબલાં પણ વગાડો છો એવું સાંભળ્યું છે, મેં કહ્યું. એટલે શમ્મી કપૂરે કહ્યું કે હું કહી ચૂક્યો છું કે અમે પ્રાથમિક સંગીતની બારાખડી શીખ્યા હતા એેટલે ફેમિલિ ફંક્શનમાં હું ક્યારેક ગાઇ લેતો. તબલાં વગાડવાનો મને શોખ હતો અને પંડિત સામતા પ્રસાદ કને હું બેચાર તાલ શીખેલો. પરંતુ એકવાર કારકિર્દી ફ્રન્ટીયર મેલની જેમ ચાલી એટલે ગાયન અને તબલાંવાદન પાછળ રહી ગયાં. 


જયકિસન સિદ્ધાંતનો પાકો હતો એટલે અમે ઘણી વાર ઝગડી પડતા.

------------------------------------------

સંગીતકારોમાં તમને કોની સાથે વધારે ફાવતું, એવા સવાલના જવાબમાં એમણે કહ્યું કે અમે સરખે સરખી વયના હોવાથી (શંકર) જયકિસન સાથે મને વધુ ફાવતું અને ઓ પી નય્યર સાથે રોજ સાંજે એકાદ પેગ શરાબ પીવાનો મારો કાર્યક્રમ હતો. એ દિવસોમાં મુંબઇનો ટ્રાફિક આજના જેવો નહોતો. ખૂબ ઓછો ટ્રાફિક. હું વાલકેશ્વરથી કાર લઇને નીકળું તો પાંચ સાત મિનિટમાં ઓ પીને ત્યાં શારદા (ચર્ચગેટ એ રોડ) પર પહોચી જતો. જયકિસન સાથે તો મીઠા ઝઘડા પણ થતા. ફિલ્મ સસુરાલનું તેરી પ્યારી પ્યારી સૂરત કો ગીત મને એટલું ગમતું કે મેં જયકિસનને કહ્યું કે આ ગીત મને આપી દે. પણ એ તો પાક્કો સિદ્ધાંતવાદી. એ કહે કે જે પ્રોડ્યુસર માટે આ ગીત બનાવ્યું છે એના સિવાય હું કોઇને આપી ન શકું. આ ગીત ફિલ્મ સસુરાલ માટે છે.

અમારી વચ્ચે બોલાચાલી થઇ ગઇ. થોડા દિવસ અમે એકબીજા સાથે બોલ્યા નહીં. પછી એક દિવસ એ આવ્યો. રડું રડું થઇ રહ્યો હતો. મને કહે કે એક અવ્વલ દરજ્જાની તર્જ બનાવી છે પણ જે હીરોની ફિલ્મ માટે છે એ કહે છે કે મારી ઇમેજ માટે આ તર્જ નહીં ચાલે. મેં (શમ્મીએ) કહ્યું કે મને સંભળાવી દે. મને ગમશે તો મારી. એણે સંભળાવી અને મારાં હિટ ગીતોમાં એ ટોચ પર પહોંચી ગઇ. એ તર્જ એટલે આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર, સબ કો માલૂમ હૈ...


ઓ પી નય્યર સાથે એકાદ પેગ પીવાની દોસ્તી હતી

------------------------------------------

તમને મોટે ભાગે નવી નવી હીરોઇનો મળી એવા મારા વિધાન પર એ ફરી મલક્યા. કહે કે ઉપરવાલે કી મહરબાની હૈ કિ એક ઇમેજ હો ગયી થી કિ કિસી લડકી કો કેરિયર મેં બ્રેક ચાહિયે તો શમ્મી કપૂર કે સાથ ફિલ્મ કરની ચાહિયે. વૈસે મેરી જોડી આશા પારેખ કે સાથ જમ ચૂકી થી. લેકિન બાદ મેં સાયરા બાનુ, રાજશ્રી, શર્મિલા ટેગૌર વગૈરહ ભી મેરે સાથ પહલીબાર ચમકી. ઓડિયન્સ કો મેરી હરેક હીરોઇન પસંદ આયી ઔર મેરી ફિલ્મેં હિટ હુયી. હકીકત મેં ઉસકી ક્રેડિટ મૈં ગીતા (બાલી) કો દેતા હું.

પાપાજીથી વધુ ડરો કે મોટાભાઇથી, એવા સવાલના જવાબમાં એ સહેજ અચકાયા. પછી કહે કે મને રાજ સાહેબ ગમે ત્યારે ધમકાવી શકતા. એવી એક ઘટના તમને કહું. અશોક કુમાર જેવા સિનિયર કલાકારના સૂચનથી મેં એમની જોડે એક ગૂટકાની જાહેર ખભર કરેલી. રાજ સાહેબે  એ જાહેરાતની ફિલ્મ જોયા પછી ફોન કરીને મને બોલાવ્યો અને કહ્યું કે તને પૈસાની તકલીફ હોય તો મારી પાસે માગી લે. પરંત આવી તમાકુની જાહેર ખબર કરવાની હિંમત કેવી રીતે કરી ? મેં ચૂપચાપ ઠપકો સાંભળી લીધો. 

આટલી વાત થઇ ત્યાં શમ્મી કપૂરે કહ્યું કે તું જે સબ્જેક્ટની વાત કરવા આવ્યો છે એ તો બાજુ પર રહી ગઇ. તને આપેલા સમય કરતાં વધુ સમય મેં આપ્યો છે. હવે કમ ટુ યોર સબ્જેક્ટ. બીજી વાતો ફરી ક્યારેક કરીશું.

Comments