હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણયુગ અને પોતાના સંગીત વિશે રહેમાન શું કહે છે ?


  સાઉથના ટોચના ફિલ્મ સર્જક મણી રત્નમની ત્રણ તમિળ ફિલ્મોના હિન્દી ડબ્ડ વર્ઝનમાં પોતે આપેલાં ગીત સંગીતને જબરદસ્ત આવકાર મળ્યો હતો. ફિલ્મોની સાથોસાથ ગીત સંગીત પણ હિટ થયાં હતાં. એટલે સંગીતકાર એ. આર. રહેમાનના મનમાં એક નકશો આપોઆપ તૈયાર થઇ ગયો કે બોલિવૂડમાં કેવું સંગીત ચાલશે. રહેમાન પોતાના સંગીતને ઇન્ટરનેશનલ લેવલનું સંગીત ગણાવે છે. અહીં એક વાત જાણી લેવી જોઇએ કે સાત આઠ વર્ષની વયથી રહેમાન સતત પાશ્ચાત્ય સંગીત સાંભળતો અને માણતો રહ્યો હતો. એના પિતા શેખર સાઉથની ફિલ્મોના ટોચના સાજિંદા હતા અને વેસ્ટર્ન નોટેશન પદ્ધતિ જાણતા હતા એટલે રહેમાન પણ વેસ્ટર્ન નોટેશનનો અભ્યાસી હતો. આમ ગળથૂથીમાં પાશ્ચાત્ય સંગીત મળ્યું હતું એટલે એના સંગીતમાં વેસ્ટર્ન ટચ સ્વાભાવિક હતો.

અહીં એક મહત્ત્વનો મુદ્દો જાણવા જેવો છે. એક ઇન્ટરવ્યૂમાં રહેમાનને પૂછવામાં આવેલું કે હિન્દી ફિલ્મોનાં જૂનાં ગીતો ખૂબ લોકપ્રિય છે અને ફિલ્મ સંગીતના અભ્યાસીઓ અમુક સમયગાળાને ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ ગણાવે છે. તમારું સંગીત એ રીતે યાદગાર બની રહેશે એમ તમને લાગે છે ?

એના જવાબમાં રહેમાને પોતાની સર્જન શૈલીનો બચાવ કરતાં સરસ વાત કરી હતી. રહેમાને કહ્યું કે 1950ના દાયકામાં દેશમાં નવી નવી આઝાદી આવી હતી. ઉત્સાહથી છલોછલ આનંદમય માહોલ હતો. અર્થસભર ગીતો અને મધુર સંગીથી સજેલાં ગીતો આવ્યાં હતાં. એ વાત હું પણ માનું છું. પરંતુ એક વાત યાદ રહે કે સમયના વહેવા સાથે ઘણું બધું બદલાતું હોય છે. આજે 1950 કે ’60ના દાયકામાં બનતી હતી એેવી કથામય ફિલ્મો ઓછી બને છે. આજે એક્શન ફિલ્મોનો જમાનો છે. રોમાન્ટિક ફિલ્મો બનાવવાની શૈલીમાં પણ આકાશ પાતાળ જેવું પરિવર્તન આવી ચૂક્યું છે. બીજી બાજુ 1990ના દાયકા પછી યુવા પેઢી સમક્ષ ઇન્ટરનેટ અને દુનિયાભરનું સંગીત હાથવગું થઇ પડ્યું છે. આજની પેઢીને ગમે એવું સંગીત હું પીરસું છું. એ આજની જરૂરિયાત છે. શક્ય છે કે પચીસ પચાસ વરસ પછી મારું સંગીત ગોલ્ડન એજ ગણાશે. તમે એની ટીકા કરો તો ભલે કરો, 1950 અને ’60ના દાયકાનું સંગીત આજે અચૂક સુપરહિટ નીવડશે એની કોઇ ગેરંટી ખરી ?

રહેમાનની વાત વિચારવા જેવી છે. દરેક દાયકે ફેશન, સાહિત્યની વ્યાખ્યા, કલા પ્રત્યેનાં રસરુચિ, ખાનપાન અને બીજું ઘણું બધું બદલાય છે. સી રામચંદ્ર, શંકર જયકિસન અને ઓ પી નય્યર આવ્યા ત્યારે એ સમયના સિનિયર સિટિઝનોને નાકનું ટીંચકું ચડાવ્યું હતું અને આ લોકોના સંગીતની ટીકા કરી હતી એ યાદ કરવા જેવું છે. સી રામચંદ્રના આના મેરી જાન સન્ડે કે સન્ડે અને ઇના મીના ડીકા જેવાં ઘણાં ગીતો સામે એ સમયના વડીલોએ નારાજી વ્યક્ત કરી હતી. એ દર્ષ્ટિએ આજની પેઢીને એ આર રહેમાન પોતીકો લાગે તો એમાં ખોટું શું છે ?

સૌથી મહત્ત્વની વાત એ છે કે મણી રત્નમની રહેમાન સાતેની પહેલી ત્રણ તમિળ ફિલ્મોના હિન્દી રૂપાંતરનું સંગીત હિટ નીવડ્યું એટલે બોલિવુડના ટોચના ફિલ્મ સર્જકો આપોઆપ રહેમાન તરફ આકર્ષાયા. 1994ની આખરમાં બોલિવૂડના ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્મા (રામુ) રહેમાનને મળ્યા અને પોતાની રંગીલા ફિલ્મમાં સંગીત પીરસવાની વિનંતી કરી. રંગીલાએ બોલિવૂડની ફિલ્મોના સંગીતનો ટ્રેન્ડ બદલી નાખ્યો એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. રંગીલા સુપરહિટ નીવડી. એનાં ગીત-સંગીતની વાત કરવા અગાઉ એની પૂર્વભૂમિકા સમજી લેવી જરૂરી છે. 

રંગીલા એક કોમેડી કમ રોમાન્ટિક ફિલ્મ હતી. એની સફળતામાં એની સ્ક્રીપ્ટનો પણ માતબર ફાળો હતો. આપણે ગૌરવ લઇ શકીએ કે આ ફિલ્મની સ્ક્રીપ્ટ બે ગુજરાતી લેખકોની કમાલ હતી. નીરજ વોરા અને સંજય છેલે એની સ્કીપ્ટ તૈયાર કરી હતી. એ સ્ક્રીપ્ટને પણ સારો આવકાર મળ્યો હતો. રંગીલાનાં ગીતો મહેબૂબ કોટવાલે લખ્યાં હતાં અને સંગીત રહેમાને તૈયાર કર્યું હતું. બોલિવૂડની પહેલી ફિલ્મ હતી એટલે રહેમાને બોલિવૂડના જાણીતા પાર્શ્વગાયકોને પણ સાથે રાખ્યા 

Comments