અલ્લડ અને ઊછળકૂદ દ્વારા પ્રસિદ્ધ થયેલા અભિનેતા યાહુ ફેમ શમ્મી કપૂરની મુલાકાતનો સાર વાંચીને શિરીષ મહેતા, સંગીત પ્રેમી ગોપાલભાઇ પટેલ અને શંકર જયકિસન ફાઉન્ડેશન તેમજ ગુજરાતી ક્લબના પ્રમુખ સ્નેહલ પટેલ જેવા મિત્રોએ આગ્રહ કર્યો કે આ વાત તમે અધૂરી કેમ મૂકી દીધી. વાત પૂરી કરો. મારો ખ્યાલ એવો હતો કે ચિત્રલેખાના પ્રવાસ વિશેષાંક માટે જે મુલાકાત લીધી હતી એ તો ચિત્રલેખામાં છપાઇ ચૂકી એટલે રિપિટ ન કરવી. પરંતુ મિત્રોના સ્નેહ આગળ નમતું મૂકીને અહીં એ મુલાકાતનો બીજો ભાગ પ્રગટ કરું છું. શમ્મી કપૂરની વાતનો સાર એવો હતો કે 1950 અને ’60ના દાયકામાં વિદેશ પ્રવાસો બહુ ઓછા થતા. આઝાદી પછીના પહેલા દાયકામાં જમ્મુ કશ્મીર, સિમલા, દાર્જિલિંગ, કુલુ મનાલી, વગેરે હિલ સ્ટેશનો પર શૂટિંગ વધુ થતા. પાછળથી વિદેશી લોકેશનનું આકર્ષણ વધ્યું. યશ ચોપરા, અનિસ બઝ્મી અને કબીર ખાનની પહેલાં રાજ કપૂર અને દેવ આનંદ જેવા સર્જકોએ વિદેશી લોકેશન પર શૂટિંગ શરૂ કર્યા હતા. જેવા ફિલ્મ સર્જકોએ વિદેશ પ્રવાસોને વધુ મહત્ત્વ આપ્યું અને વિદેશનાં લોકેશન પર વધુ શૂટિંગ કર્યા. શમ્મી કપૂરે વાતનો આરંભ કરતાં કહ્યું.
‘ઉન દિનોં વિદેશોં મેં જ્યાદા શૂટિંગ નહીં હોતે થે. ફોરેન મેં શૂટિંગ કે લિયે પરમિશન લેની પડતી ઔર પૂરે યુનિટ કે સાથ વહાં જાના, બહુત દિનોં તક રહના વગૈરહ કાફી એક્સપેન્સિવ હો જાતા થા. મૈં કાફી લકી થા કિ મુઝે અપને દેશ મેં ભી બહુત સે લોકેશન પર શૂટ કરને કા સૌભાગ્ય પ્રાપ્ત હુઆ થા. આપ કે મેગેઝિન કે ટ્રાવેલ ઇશ્યૂ કે લિયે મૈં દો-તીન ટુર કી બાત કરુંગા. મેરે લિયે યહ ટુર્સ અલગ અલગ કારણોં સે યાદગાર બન ગયી હૈ. આપ કો જિસ ટુર કા લિખના હો વો લિખ દેના. મુઝે કોપી જરૂર ભેજના...’ શમ્મી કપૂરે વાતનો આરંભ કર્યો. આખી મુલાકાત હવે એમના શબ્દોમાં રજૂ કરી છે.
‘એસ મુખરજી કી જંગલી ફિલ્મ કે બાદ મૈં ઠીક ઠીક પોપ્યુલર હો ગયા થા. મેરી ફિલ્મેં ભી ચલને લગી થી. 1963-64 મેં શક્તિ સામંત કી કશ્મીર કી કલી ફિલ્મ બન રહી થી. તબ કા એક યાદગાર વાકયા બતાતા હું.’ શમ્મીએ વાતનો આરંભ કર્યો. ‘એ દિવસોમાં કશ્મીર ખરા અર્થમાં સ્વર્ગ હતું. આતંકવાદનું નામ કોઇએ સાંભળ્યું નહોતું. એકલા જમ્મુ-કશ્મીરમાં પચાસેક લોકેશન હતાં જે જુદી જુદી ફિલ્મોમાં રજૂ થયાં હતાં. કશ્મીર કી કલીનું શૂટિંગ પણ દાલ સરોવર તથા આસપાસના વિસ્તારોમાં થયું હતું. ત્યાં સુઘીમાં હું આખા કશ્મીરમાં જાણીતો થઇ ગયો હતો.
આ પહેલાં અમે જંગલીનું પણ ઘણું શૂટિંગ કશ્મીરમાં કરેલું. એટલે કશ્મીર કી કલી વખતે મને ત્યાંના લોકોના મારા માટેના પ્રેમનો જુદો અનુભવ થયો. જુદા જુદા ગ્રામ વિસ્તારના લોકો અલગ અલગ નોન-વેજિટેરિયન વાનગીઓ બનાવીને લાવતા અને એવો આગ્રહ રાખતા કે મારે એ વાનગીઓ તેમની સામે જ ખાવી... હું એમને સમજાવવાનો પ્રયાસ કરતો કે મારી સાથે આખા યુનિટના કલાકારો છે. તમે ફક્ત મારા માટે આવું લઇ આવો એ વધુ પડતું કહેવાય. તો એક દિવસ કશ્મીર ખીણના વિસ્તારના લોકો આખા યુનિટ માટે ભોજન લઇ આવ્યા. અમે તો એ લોકોનો પ્રેમ જોઇને છક થઇ ગયા.
‘દરમિયાન, શૂટિંગમાં ભીડ થવા માંડી. એટલે અમારે પોલીસ બંદોબસ્ત રાખવો પડ્યો. એને લઇને લોકો નારાજ થઇ જતા. નારાજી વ્યક્ત કરવાની તેમની સ્ટાઇલ કેવી હતી એ જાણીને તમને પણ હસવું આવશે. ભીડમાં સંખ્યાબંધ જુવાનો રહેતા. એ લોકો નિર્દોષ કહેવાય એવી ધમાલ કરતા. એ ધમાલનો યશ ઓ પી નય્યર અને મુહમ્મદ રફીને આપવો પડે. કેમેરા, એક્શન, સ્ટાર્ટ એવો આદેશ ડાયરેક્ટર આપે એ સાથે આ ટીખળી જુવાનિયા એક સાથે ગાવા માંડતા- તારીફ કરું ક્યા ઉસ કી જિસને તુમ્હેં બનાયા... તમે નહીં માનો પરંતુ મારે એ લોકોને રીતસર ભાઇબાપા કરવા પડતા કે પ્લીઝ, શાંત રહો. એક દિવસ બહુ તોફાન કર્યું ત્યારે મારે માઇક પર કહેવું પડ્યું કે તમે અમને કામ નહીં કરવા દો તો અમે હવે પછી કદી કશ્મીરમાં શૂટિંગ કરવા નહીં આવીએ. એ સાથે ચારે કોર સન્નાટો છવાઇ ગયો. અમે અમારું કામ પૂરું કર્યું.પેકપ કરતા હતા અને હું કારમાં બેસવા જતો હતો ત્યારે લોકલ પોલીસ ઇન્સ્પેકટરે કહ્યું કે કેટલાક યુવાનો તમારી સાથે બે મિનિટ વાત કરવા માગે છે. એ લોકોએ મારી માફી માગી અને કહ્યું કે અમે જરા પણ ગેરશિસ્ત નહીં કરીએ પણ તમે શૂટિંગમાં પોલીસ બંદોબસ્ત રાખવાનું જતું કરો. મેં કહ્યું કે મારે શક્તિ સામંત સાથે વાત કરવી પડશે. હું માત્ર ફિલ્મનો હીરો છું. નિર્માતા નિર્દેશક બીજા છે. જો કે આ ઘટના બન્યા પછી શૂટિંગ સરળતાથી પૂરું થયું. કશ્મીરમાં અમે જ્યાં જ્યાં ગયા ત્યાં અમને જોઇને લોકો તારીફ કરું ક્યા ઉસ કી ગીત ગાવા માંડતા. આમ ફિલ્મ રજૂ થયા પહેલાં જ આ ગીતે જમ્મુ કશ્મીરમાં દેકારો બોલાવી દીધો હતો.
‘આ ઘટના કરતાં એક સાવ જુદી ઘટના કહું. ફિલ્મ એન ઇવનિંગ ઇન પેરિસનું એક હિટ ગીત હતું- આસમાન સે આયા ફરિશ્તા, પ્યાર કા સબક સિખલાને કો...એનું શૂટિંગ કરતી વખતે મેં એક જોખમી શોટ આપેલો. હેલિકોપ્ટર પર લટકતાં લટકતાં આ ગીત ગાવાનો અભિનય મારે કરવાનો હતો. થોડું જોખમ હતું. ફિલ્મ સર્જકે મને પૂછેલું પણ ખરું કે તમારા ડબલ (ડુપ્લીકેટ) પાસે આ શોટ કરાવી લઇએ. પરંતુ મારામાં જુવાનીનું જોશ હતું અને સાહસિક સ્વભાવ હતો. મેં પ્રભુની પ્રાર્થના કરીને આ શોટ આપ્યો. અમારી સાથે કેટલાક મિડિયામેન પણ હતા. એમાં કોઇ ઉત્સાહી પત્રકારે મુંબઇ જઇને રાજ સાહેબને આ શોટની વાત કરી. બીજે દિવસે અમે જે હોટલમાં ઊતર્યા હતા ત્યાં રાજ સાહેબનો ફોન આવ્યો અને મને રીતસર ધમકાવી નાખ્યો. ચાયજી (પંજાબી લોકો માતાને ચાયજી કહે છે) ચિંતિત થઇ ગયાં છે અને તને આવું કરવાનું કોણે કહ્યું. શક્તિ સામંત સાથે મારી વાત કરાવ. મેં એમનો ગુસ્સો સહી લીધો અને શક્તિ સામંત અત્યારે બીજું લોકેશન જોવા ગયા છે એમ કહીને વાત ટાળી દીધી.‘ઔર એક પ્રસંગે અમે સિમલામાં હતા. યોગાનુયોગે યુગસર્જક સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાન સાહેબ એ દિવસોમાં સિમલામાં એક આઠ દસ રૂમવાલી હવેલીમાં રહેતા હતા. એમને જાણ થઇ કે અમે લોકો કોઇ લોકેશનની વિગતો મેળવવા સિમલામાં છીએ. એ તો પોતાની મર્સિડિ લઇને આવી ગયા. કહે કે આજ રાત કા ખાના આપ સબ હમારે સાથ ખાઓગે. ખાન સાહેબના મિજાજની બધાંને બરાબર ખબર. એટલે કોઇએ દલીલ ન કરી. ખાન સાહેબે તે દિવસે અમને જે મુઘલાઇ વાનગીઓ ખવડાવી અને મોડી રાત સુધી સિતારવાદન સંભળાવ્યું એ પણ અમારે માટે યાદગાર બની રહ્યું. આવી તો ઘણી ઘટનાઓ મારી અભિનેતા તરીકેની કારકિર્દીમાં મેં અનુભવી છે. આજે આટલી વાતો પૂરતી છે.’ શમ્મી કપૂરે વાતનું સમાપન કર્યું.
------------------
ખાસ નોંધ- અંગત કારણોસર એક નાનકડું વેકેશન લઉં છું. હવે પછીનો પેન પરિક્રમા લેખ જા્ન્યુઆરી, 2023ના પહેલા સપ્તાહમાં આપીશ. વેઇટ ફોર મી. થેંક્સ.
Comments
Post a Comment