દુનિયાભરના વૈષ્ણવોને પ્રિય એવા એક ભજન વિશે થોડી ઓછી જાણીતી વાતો


 ફેસબુકના પ્રિય દોસ્તો, તમે ગુજરાતી હો અને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા હો, જીવનમાં એકાદ વાર જાણ્યે અજાણ્યે તમે એક ભજનના મુખડાને ગણગણ્યા હશો. એ ભજન આમ તો પૂજ્ય ભાઇશ્રીએ પોતાની ભાગવત કથા પારાયણમાં સ્વયં ગાઇને લોકપ્રિય કર્યું હતું. એ ભજન વિશે અહીં એક નાનકડો લેખ અને ગાયકની ટચૂકડી મુલાકાત રજૂ કરી છે.

ફેસબુકના પ્રિય દોસ્તો, તમે ગુજરાતી હો અને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા હો, જીવનમાં એકાદ વાર જાણ્યે અજાણ્યે તમે એક ભજનના મુખડાને ગણગણ્યા હશો. એ ભજન આમ તો પૂજ્ય ભાઇશ્રીએ પોતાની ભાગવત કથા પારાયણમાં સ્વયં ગાઇને લોકપ્રિય કર્યું હતું. એ ભજન વિશે અહીં એક નાનકડો લેખ અને ગાયકની ટચૂકડી મુલાકાત રજૂ કરી છે.

 ‘ન તો આ ભક્તિગીતના શબ્દો મારા છે કે ન તો એની તર્જ મેં રચી છે. ફક્ત મારા કંઠમાં એ રેકોર્ડ થયું અને પરમાત્માની કૃપાથી વિશ્વવ્યાપી થઇ ગયું’ ગાયક-સંગીતકાર આશિત દેસાઇ પૂરેપૂરી નમ્રતાથી કહે છે. આશિત દેસાઇ ગુજરાતી સુગમ સંગીતના ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય કલાકાર છે. છેલ્લાં પંચાવન સાઠ વર્ષમાં એમણે હજારો ગુજરાતી ગીતો-ગઝલો સ્વરબદ્ધ કર્યાં અને ગાયાં છે. કેટલાંક પ્રાચીન સ્તવનો-સ્તુતિઓ પણ તેમણે સ્વકંઠે રેકોર્ડ કરી છે. એમના એ પુરુષાર્થના પગલે જ એમને ચાણક્ય જેવી પ્રાચીન કથા આધારિત ટેલિવિઝન પ્રોગ્રામમાં સંગીત આપવાની જવાબદારી સોંપાઇ હતી. 

તમને જરૂર યાદ હશે. રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં જગવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું સંગીત હતું. આશિત દેસાઇએ પંડિત રવિશંકરના સહાયક-કમ-મ્યુઝિક એરેંજર તરીકેની જવાબદારી સંભાળી હતી. એથી પણ આગળ વધીને ફિલ્મની પરાકાષ્ઠામાં ગાંધીજીને ગમતું નરસિંહ મહેતાનું ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ....’ આશિતે ગાયું હતું.

આશિતભાઇ સાથે એક એવા ભક્તિગીતની વાત થઇ જે આજની તારીખે દુનિયાભરના ગુજરાતીઓ હોંશે હોંશે ગાય છે, પછી ભલે એ વૈષ્ણવ હોય., શિવપૂજક હોય કે શક્તિપૂજક. આ ભજન સૌ દિલથી ગાય છે- ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમુનાજી, મહાપ્રભુજી...’ સુગમ સંગીતના દરેક  ગાયકે પણ આ ભજનને કંઠ આપ્યો છે. આ ભજન વિશે બોલતાં આશિતભાઇએ કહ્યું કે ઘણાને એવી ગેરસમજ છે કે આ ગીતનું સ્વરાંકન મેં કર્યું છે અથવા એના શબ્દો મારા છે. વાસ્તવમાં એવું નથી. ન તો એના શબ્દો મેં રચ્યા છે કે ન તો એનું સ્વરાંકન મેં કર્યું છે. તમે પૂછો છો એટલે એ ભજન પાછળ રહેલી વાત કરું છું.

‘મુંબઇમાં એક ઓ઼ડિયો કંપની છે. આ કંપની વિવિધ ગાયકોના કંઠે લોકપ્રિય ગીતોઃબજનોની સીડી-ડીવીડી વગેરે તૈયાર કરે છે. મને એ લોકો ગાયક- સંગીતકાર તરીકે ઓળખે. મારાં ગાયેલાં સુગમગીતોની સીડી પણ બહાર પાડી છે. એકવાર એમણે મને બોલાવીને કહ્યું કે આશિતભાઇ, પૂજ્ય ભાઇજી એમની ભાગવત કથા સપ્તાહમાં એક ભજન સતત ગાતાં હોય છે. તમે એ સાંભળો. જરૂર પડ્યે એમાં બે-ચાર સ્વરોમાં ફેરફાર કરો. અમારે તમારા કંઠમાં એ રેકોર્ડ કરવું છે. અમને આ ભજનમાં ઘણી શક્યતાઓ દેખાય છે...’

પૂજ્ય ભાઇજી એટલે ભાગવતકાર શ્રી રમેશભાઇ ઓઝા. ભાઇશ્રી પોતાની ભાગવત કથામાં વચ્ચે વચ્ચે ઘણાં ભજનો ગાતાં હોય છે. ઓડિયો કંપની વાત સાંભળીને આશિતભાઇને પણ વિસ્મય થયું. એમણે ભાઇજીના કંઠમાં ગવાયેલું એ ભજન સાંભળ્યું. ભજનના શબ્દો અને તર્જથી ખૂબ પ્રભાવિત થયા. નવધા ભક્તિમાં જેને સમર્પણ ભક્તિ કહી છે એવો ભાવ આ ભજનમાં હતો. પરંતુ રચનાકાર અને સ્વરકાર કોણ છે એ જાણવું જરૂરી હતું.મૂળ  ગીતકાર સંગીતકારની પરવાનગી વિના આ ભજનનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકાય નહીં. એમણે ઓડિયો કંપનીના સંચાલકોને કહ્યું કે આપણે ભાઇજીને પૂછીએ કે આ ભજન કોનું છે. પછી એ રચનાકારની ઔપચારિક પરવાનગી લઇને પછી રેકોર્ડ કરીએ.  ઓ઼ડિયો કંપનીને આશિતભાઇની એ વાત ગળે ઊતરી. એટલે તપાસ કરાવી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની નાગપુરમાં એક વૈષ્ણવ ભાઇ રહે છે. શ્રી ચંદ્રકાંત ભૂપતાણી નામના ભાઇએ શ્રીનાથજીનાં આવાં થોડાંક ભજનો રચ્યાં છે. એ પોતે પણ સારા ગાયક છે. ભજનના શબ્દો અને સ્વરાંકન બંને ચંદ્રકાંતભાઇનાં છે.  તેમનો સંપર્ક સાધવામાં આવ્યો . તેમની સાથે વાતચીત થઇ.તેમની ઔપચારિક પરવાનગી મેળવવામાં આવી. આશિતભાઇ આ ભજન ગાવાના છે એ જાણીને ભૂપતાણી પણ રાજી થયા. આશિતભાઇએ ગીતની બંદિશને થોડી વધુ અસરકારક બનાવીને પૂરેપૂરા ભક્તિભાવથી ગાયું.  

ભક્તિભાવની ભાષામાં કહીએ તો ચમત્કાર થયો. જોતજોતાંમાં આ ભજન દેશના ખૂણે ખૂણા ઉપરાંત યૂરોપના દેશો, અમેરિકા અને આફ્રિકાના દેશોમાં પણ જબરદસ્ત લોકપ્રિય થયું. માત્ર વૈષ્ણવો નહીં, દરેક ગુજરાતી માણસ એને મસ્તીથી ગાતો થઇ ગયો. દેશમાં અસંખ્ય  ગુજરાતી કે બિનગુજરાતી ભાગવતકારો-કથાકારો છે. એ બધા પણ હોંશે હોંશે પોતાની કથાના પારાયણ દરમિયાન લગભગ રોજ આ ભજન ગાય છે અને ગવડાવે છે. 

આશિતભાઇ પછી સુગમ સંગીતના લગભગ બીજા દરેક ગાયકના કંઠે આ ભજન રેકોર્ડ થયું છે. રોજ દુનિયાના કોઇક ખૂણે નિયમિત રીતે ગવાય છે- ‘મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી, જમુનાજી, મહાપ્રભુજી, મારું મનડું છે, ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીનાં વન. મારા પ્રાણજીવન... મારા ઘટમાં બિરાજતાં.......’  આજે કારતકી પૂનમે આ ભજન ઓચિંતું યાદ આવી ગયું. એના રચનાર અને ગાનાર દરેકને બિરદાવવા રહ્યા.

Comments