પેન પરિક્રમા -5
પત્રકાર તરીકે ક્યારેક વિપરીત સંજોગોમાં સેલેબ્રિટીને મળવાના સંજોગો ઊભા થતા હોય છે. આપણે જેમને સેલેબ્રિટી ગણતાં હોઇએ એ પણ આખરે તો આપણા જેવા હાડ, માંસ, લોહી, ચામના બનેલા માણસ છે. એમને પણ અંગત મુશ્કેલી, ટેન્શન અને તકલીફો હોઇ શકે. 1970ના દાયકામાં ફિલ્મ સંગીતમાં એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્રણ માતબર સંગીતકારોએ મુંબઇના તમામ રેકોર્ડિંગ સ્ટુડિયોઝ પોતાના નામે આખા વર્ષ માટે બુક કરી લીધા હતા. એટલે નવોદિત સંગીતકારો તો ઠીક, સી રામચંદ્ર, નૌશાદ કે મદન મોહન જેવાને પણ પોતાનાં રેકોર્ડિંગ માટે સ્ટુડિયો જોઇએ ત્યારે આ સંગીતકારોને ભાઇબાપા કરવા પડતા. પંચમની પણ એવીજ સ્થિતિ હતી.
આટલું ઓછું હોય તેમ 1978થી 1982-83 વચ્ચે રાહુલ દેવ બર્મન ‘પંચમ’ની એક બે નહીં, વીસેક ફિલ્મો ફ્લોપ નીવડી હતી. ગુજરાતી પટેલ યુવતી સાથેનાં એના લગ્ન નિષ્ફળ નીવડ્યા હતા.બીજી બાજુ બાપ્પી લાહિરી અને અન્ય નવા સંગીતકારો હરણફાળ ભરી રહ્યા હતા. પંચમનાં બીજાં પત્ની અને ટોચની ગાયિકા આશા ભોંસલે અન્ય સંગીતકારો માટે વધુ ગાતાં થઇ ગયાં હતાં. આમ પંચમ એકલા અટુલા પડી ગયા હતા. પોતાની અંગત મુશ્કેલીની વાત પણ કોની સાથે વહેંચે ? બરાબર આ સમયગાળામાં પંચમની મુલાકાત લેવાની આવી. શરૂમાં તો ચા કરતાં કીટલી ગરમ હોય એમ પંચમના સેક્રેટરી અમને ડેટ આપવામાં ગલ્લાંતલ્લાં કરતા રહ્યા. એમાં એનો પણ કોઇ વાંક નહોતો. જાણ્યે અજાણ્યે પંચમ પણ મદન મોહનની જેમ સિગારેટ અને સોમરસ ‘પીવા’ માંડ્યા હતા. અને એની પ્રતિકૂળ અસર પણ એમના આરોગ્ય પર પડવા લાગી હતી.
અમે સતત ફોન કરતા રહ્યા ત્યારે પંચમના સેક્રેટરીએ સમય આપ્યો. પરંતુ તાકીદ કરી કે તમને જે દિવસનો સમય આપું છું એ સાંજે લંડનથી બીબીસીની ટીમ પંચમ વિશે એક ફિલ્મ ઊતારવા આવવાની છે એટલે તમને અર્ધા કલાકથી વધુ સમય નહીં મળે. અમારે માટે એક પડકાર ઊભો થયો હતો. વીસ વીસ ફિલ્મો ફ્લોપ નીવડી હોય, લગ્નજીવન ભાંગી પડ્યં હોયચ એવા સમયે માણસ કેવો અપસેટ હોય એ સમજી શકાય. એવા નાજુક સમયે મળીએ ત્યારે સામી વ્યક્તિને બોલતી કરવામાં જ ક્યારેક પંદર વીસ મિનિટ નીકળી જાય. અરધા કલાકમાં લઇ લઇને કેવીક મુલાકાત લેવાય.
પરંતુ અમે પડકાર ઝીલી લીધો. ચોક્કસ દિવસે બપોરે ચારેક વાગ્યે પંચમના મ્યુઝિક રૂમ પર મેરીલેન્ડ, નોર્થ એવેન્યુ, સાંતાક્રૂઝ પહોંચવાનું હતું. અમે પોણા ચારે પહોંચી ગયાં. પંચમ સફેદ વસ્ત્રોમાં સજ્જ હતા. ચહેરો થોડોક ઉદાસ જણાતો હતો અને હાથમાં સિગારેટ હતી. સરોજે માફી માગવાના સ્વરમાં કહ્યું કે અમને ધૂમાડો અનુકૂળ આવતો નથી. તરત પંચમે સિગારેટ બુઝાવી નાખી.
પંચમને બોલતા કરવા શું કરવું એ વિચારમાં મને કલ્યાણજીભાઇની એક વાત યાદ આવી. કલ્યાણજીભાઇ કહેતા કે દરેક કલાકાર દિલથી એક બાળક હોય છે. દુનિયા આખીને પજવતા કિશોર કુમારમાં રહેલા નટખટ બાળકને અમે સાચવી લઇએ છીએ એટલે એ અમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. અમે એ જ ટ્રીક અજમાવી. પંચમને એક ઘટના યાદ કરાવી. પંચમ તરત મૂડમાં આવી ગયા અને પોતે એ ઘટના વર્ણવવા લાગ્યા. હવે પંચમના શબ્દોમાં- ‘એ ઘટના તો હું કદી ભૂલી નહીં શકું. હું છ કે સાત વર્ષનો હતો. 1945માં કલકત્તામાં એક વિરાટ સંગીત સંમેલન યોજાયું હતું. દેશના ટોચના કલાકારો હાજર હતા. ત્યાં બાબા અને મા સાથે હું પણ ગયો હતો.કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનું ગાયન શરૂ થાય એ સમયે આ ઘટના બની હતી. પરદો બંધ હતો. સારો એવો સમય વીતી રહ્યો હતો. અંદરથી તાનપુરાનો રણઝણાટ સંભળાઇ રહ્યો હતો. હું તો બાળક એટલે ચંચળ વૃત્તિ. ઊંચોનીચો થયા કરું. બાબા મારી સામે આંખ કાઢે એટલે હું જરાક શાંત થાઉં. થોડીવારે પરદો ખુલ્યો. ‘હવામાં પવનની સરસરાટ હતો એટલે ખાન સાહેબે ફરી એકવાર તાનપુરો એડજસ્ટ કરવા માંડ્યો, મને ગુસ્સો આવ્યો. મારાથી બોલાઇ ગયું કે આ લોકો શું કરે છે. પરદો બંધ હતો ત્યારે તો તાનપુરો મેળવી લીધો હતો. હવે ફરીથી શું કામ સમય વેડફી રહ્યા છે. આજુબાજુ બેઠેલા બે ચાર જણ અમારી સામે જોવા લાગ્યા.. બાબાએ મારા પગ પર ચોંટિયો ભર્યો. મને બહુ પીડા થઇ. પણ બાબાના ડરથી હું મૂગો બેસી રહ્યો.
‘આખરે અમારી ધીરજનો અંત આવ્યો. ખાનસાહેબે આંખો મીંચીને ષડ્જ (સા) લગાડ્યો અને સાહેબ, મારાં રૂંવાડાં ખડાં થઇ ગયાં. બાબાએ ભરેલા ચોંટિયાની પીડા ભૂલીને હું ખાનસાહેબના ષડ્જમાં લીન થઇ ગયો. સ્થળકાળ ભૂલી ગયો. જાણે સ્વરસમાધિમાં ઊતરી પડ્યો. એવો સા ત્યારપછી મેં બહુ ઓછો સાંભળ્યો છે. કુદરત ફિલ્મના એક ગીત માટે વિદૂષી પરવીન સુલતાનાએ મારા માટે ગાયું ત્યારે પણ મેં રોમાંચ અનુભવ્યો હતો...’ એટલું કહેતાં તો પંચમની આંખોના ખૂણા સહેજ ભીના થઇ ગયા.
પંચમ સાથે કામ કરનારા સાજિંદા પંચમને ‘એમ્પરર ઓફ સાઉન્ડ (ધ્વનિના શહેનશાહ)’ તરીકે ઓળખાવે છે. દાખલા તરીકે હજારો ગીતોમાં રિધમ વગાડનારા બરજોર (બીઝી) લોર્ડ. બરજોરે એક મુલાકાતમાં કહેલું કે પંચમના રેકોર્ડિંગ વખતે આગલી રાત્રે મને ક્યારેક ઊંઘ નહોતી આવતી. પંચમ ક્યારે શું વગાડવાનું કહેશે એની કલ્પના કરી શકાતી નહોતી. અમે એ તરફ પંચમનું ધ્યાન ખેંચ્યું ત્યારે એમણે સરસ વાત કરી. પંચમ કહે, તમે તો સંગીતના વિદ્યાર્થી છો એટલે જાણતા હશો. સંગીત શાસ્ત્રજ્ઞો કહે છે કે નાદાધીનં જગત્... સમગ્ર જગત નાદને આધીન છે. હું દરેક ધ્વનિમાં સંગીત શોધતો રહ્યો છું. નાનો હતો ત્યારે બાળકો કાચની જે લખોટી (ગોટી)થી રમે એ ગોટીના પરસ્પર અથડાવાનો ધ્વનિ પણ મને આકર્ષતો. એકવાર મનોહારી એના મેંડોલીન પર ખાસ પ્રકારનો કાચ કાગળ (પોલિશ પેપર) ઘસી રહ્યો હતો ત્યારે એ ધ્વનિએ પણ મને આકર્ષ્યો હતો. મિસ્ત્રી લાકડા પર રંદો મારે એ પણ હું રેકોર્ડ કરી લેતો. જાતજાતના ધ્વનિ દ્વારા સંગીત સર્જવાના પ્રયાસ હું કરતો રહ્યો છું. ક્યારેક ધારી સફળતા મળે છે ક્યારેક નથી મળતી.
મેં જ્યારે આશાને કહ્યું કે મેં એક અલગ પ્રકારની રિધમ ધરાવતું ગીત તૈયાર કર્યું છે એટલે તમારે સારી એવી પ્રેક્ટિસ કરવી પડશે. આશા જેવી આશા થોડા ટેન્શનમાં આવી ગયેલી. ઓ હસીના જુલ્ફોંવાલી... ગીતની વાત હતી. અઅઅ આજા...નું પુનરાવર્તન ચોક્કસ રિધમ પેટર્નમાં ગોઠવ્યું હતું. મારે સચિન દેવ બર્મનના પુત્ર તરીકેની નહીં પણ સ્વતંત્ર સંગીતકાર તરીકેની મારી ઓળખ સ્થાપવી હતી.
પછી પંચમ ફરી મલક્યા. કહે કે હું તમને એક રમૂજી વાત કહું. તીસરી મંજિલ પછી એક સવારે બાબા રોજની જેમ મોર્નિંગ વોક કરીને આવ્યા અને સર્વંટને પૂછ્યું કે પંચમ ક્યાં છે. પેલાએ જવાબમાં કહ્યું કે એ તો હજુ સુતા છે. ઊઠાડ એને, બાબાએ આદેશ આપ્યો.
નોકર મને ઊઠાડવા આવ્યો કે બાબા બોલાવે છે. આંખો ચોળતો હું બહાર આવ્યો. બાબાના ચહેરા પર અનોખી ચમક હતી. હોઠ હસું હસું થતા હતા. મને કહે કે હવે તું સંગીતકાર સાચો. આજે હું મોર્નિંગ વોક કરી રહ્યો હતો ત્યારે મારી પાછળ બે કોલેજિયન જેવા યુવાનો આવતા હતા. એ અંદર અંદર વાત કરી રહ્યા હતા કે વો આગે ધોતી કૂર્તે મેં જાતા હૈ ના, વો પંચમ કા બાપ હૈ... હવે તેં સંગીતકાર તરીકે તારી આગવી ઓળખ ઊભી કરી... અને પંચમ હસી પડ્યા. પછી ઉમેર્યું કે આ ઘટનાએ મને દેવ આનંદની ફિલ્મ હરે રામ હરે કૃષ્ણમાં વધુ પ્રયોગો કરવાની પ્રેરણા આપી અને દમ મારો દમ... ગીત રચાયું. એ વખતે ગોસિપ કૉલમના લેખકોએ ગપ મારેલી કે મારા આ ફિલ્મના સંગીતથી બાબા ખૂબ રોષે ભરાયા હતા.
પછી તો વાતનો દોર એવો ચાલ્યો કે એકાદ દોઢ કલાક સહેલાઇથી વીતી ગયો. એમનો સેક્રેટરી ઊંચો નીચો થતો હતો. પહેલાં એણે દૂરથી ઇશારા કર્યા. પણ પંચમને કાં તો ખ્યાલ ન આવ્યો. પછી એણે પાસે આવીને પંચમને યાદ કરાવ્યું કે બીબીસીવાળા તમારી વાટ જુએ છે. પંચમને તો સંગીતની વાતોમાં સમયનો સંગીતની વાતો કરતાં કરતાં પંચમ ખરેખર ખુશ થયા હતા. એકવાર તો બોલી પણ ઊઠ્યા કે સંગીત સમજનારા બહુ ઓછા પત્રકારો મને મળ્યા છે. એમાંના તમે બે જણ છો. અત્રે પંચમ સાથે અમારો માત્ર એક ફોટોગ્રાફ સચવાયો છે. પરંતુ આ ફોટોગ્રાફમાં પણ અમારા સૌના અને ખાસ તો પંચમના ચહેરા પરનો આનંદ તમે જોઇ શકશો. થેંક્યુ પંચમ... તમે તો બહુ જલદી અમને સૌને છોડી ગયા.
Comments
Post a Comment