સાઉથના ટોચના ફિલ્મ સર્જક મણી રત્નમ લિખિત અને નિર્દેશિત ફિલ્મ રોજા મૂળ તો તમિળભાષી ફિલ્મ હતી. એને હિન્દીમાં ડબ કરવામાં આવેલી. સાઉથના અભિનેતા અરવિંદ સ્વામી અને મધુ (મૂળ નામ પદ્મા માલિની)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ આપણી ડ્રીમ ગર્લ હેમા માલિનીની સંબંધી છે. તમિળમાં હિટ નીવડી એટલે હિન્દીમાં ડબ કરાઇ. આ ફિલ્મે રાતોરાત સંગીતકાર એ આર રહેમાનને દેશવિદેશના ખૂણે ખૂણે જાણીતો કરી દીધો.
આ ફિલ્મના સંગીતની વિશિષ્ટતા સમજવા જેવી છે. સૌથી પહેલી વાત એ કે હિન્દી ડબ્ડ ફિલ્મનાં ગીતો મૂળ તમિળ ગીતોનો શબ્દસઃ અનુવાદ હતો. બીજી વાત એ કે એમાં બોલિવૂડના કોઇ ટોચના ગાયકોનો કંઠ રહેમાને વાપર્યો નહોતો. લતા, આશા, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ, કુમાર સાનુ કે સોનુ નિગમ અહીં નહોતા અને છતાં સંગીત સુપરહિટ નીવડ્યું એટલે સ્વાભાવિક રીતેજ બોલિવૂડના ગીતકારો-સંગીતકારો મનોમન ધ્રૂજી ઊઠ્યા હતા.
ફિલ્મમાં આમ તો સાત ગીતો હતાં જેમાંના બે રિપિટ થતા હતા એટલે પાંચ ગીતો ગણાય. બધાં ગીતો પી કે મિશ્રાએ લખ્યાં છે. મૂળ સાઉથના પણ હિન્દી ફિલ્મોમાં પણ કંઠ આપી ચૂકેલા એસ પી બાલાસુબ્રહ્મણયમ, હરિહરન, શ્વેતા શેટ્ટી ઉપરાંત મિન્મીની, સુજાતા મોહન, ચિત્રા અને હા, પંજાબી ગાયક બાબા સહગલે એક ગીત ગાયું હતું. આપણી પરંપરા પ્રમાણે આપણે હિટ નીવડેલાં થોડાંક ગીતોનો આસ્વાદ કરવાના છીએ. રહેમાનના સંગીતની વાત કરતી વખતે એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. રહેમાન મોટે ભાગે આપણા આઠ માત્રાના (કેટલાકના મતે ચાર માત્રાના) કહેરવા તાલનો પાશ્ચાત્ય ઢબે ઉપયોગ કરે છે. એને માટે વાદ્યો પણ પાશ્ચાત્ય- ડ્રમ, કોંગો-બોંગો વગેરેનો ઉપયોગ કરે છે.
ઔર એક વાત. અગાઉ કહેલું એમ રહેમાને કર્ણાટક સંગીત અને ઉત્તર ભારતીય શસ્ત્રીય સંગીત બંનેની તાલીમ લીધી હોવાથી એ ભારતીય રાગરાગિણી ખૂબીપૂર્વક વાપરે છે. આમ આદમીને કદાચ ખ્યાલ ન હોય કે ઉત્તર ભારતીય રાગરાગિણીનાં નામ કર્ણાટક સંગીતમાં જુદાં હોય. જેમ કે આપણો ખમાજ સાઉથમાં હરિકંબોજી તરીકે ઓળખાય છે, કાફીને કાપી કે ખરહરપ્રિયા કહે છે, પહાડીને પહાડી ઉપરાંત મોહન કલ્યાણી કહે છે. આ તો બે ત્રણ દાખલા લીધા.આ લખનારની દ્રષ્ટિએ એસ પી બાલાસુબ્રહ્મણ્યમ અને સુજાતા મોહને ગાયેલું રાજો જાનેમન, તૂ હી મેરા દિલ, તુઝ બિન તરસે નૈના, દિલ સે ના જાતી હૈ યાદ તુમ્હારી... સૌથી સરસ રોમાન્ટિક ગીત છે. આપણને એમાં પ્રાસાનુપ્રાસ મળતા ન લાગે પરંતુ કોમન મેનના દિલની વાત છે.
રૂઢિચુસ્ત મિજાજ ધરાવતા વડીલોને કદાચ ન પણ ગમે એવા શબ્દો ધરાવે છે. રુક્મણી રુક્મણી શાદી કે બાદ ક્યા હુઆ, કૌન હારા કૌન જીતા, ખીડકીમેં સે દેખો જરા... આ ગીતને શ્વેતા શેટ્ટી અને બાબા સહગલે લાડ લડાવ્યા છે. સંગીતના જાણકારોને આ ગીતમાં આર ડી બર્મનના ભાઇ બટ્ટુર ભાઇ બટ્ટુર અબ જાયેંગે કિતની દૂર (ફિલ્મ પડોસન)ની અસર જણાશે. જો કે રહેમાને પોતે કહ્યું છે કે હું આર ડી બર્મનના સંગીતથી પ્રભાવિત છું. આમ તો મને નૌશાદ , શંકર જયકિસન અને મદન મોહનનું સંગીત પણ ગમે છે.
જમ્મુ કશ્મીરના સૌંદર્યને બિરદાવતું ગીત યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં... એસ પી બાલા અને ચિત્રાએ જમાવ્યું છે. આ ગીતમાં રહેમાને ઉપશાસ્ત્રીય ગાયન માટે વખણાતા પીલુ અને એવાજ બીજા રાગ કાફીનો આશ્રય લીધો છે.
દેશભક્તિનું કહી શકાય એવું એક ગીત ભારત હમ કો જાન સે પ્યારા હૈ, સબ સે ન્યારા ગુલિસ્તાં હમારા હૈ... હરિહરનના કંઠમાં છે. એમાં દેશભક્તિનાં ગીતોમાં હોય એવું જોશ અને ઉલ્લાસ અનુભવી શકાય છે.
ઔર એક ગીત મિન્મીનીના કંઠમાં છે. છોટી સી આશા મસ્તીભરે મન કી ભોલી સી આશા... અહીં રહેમાને રાગ દેશ અને પીલુનો સમન્વય કર્યો છે. સિનિયર સિટિઝન શ્રોતાઓને એકસરખા પાશ્ચાત્ય લયને કારણે કદાચ વૈવિધ્યનો અભાવ વર્તાય ખરો. યુવા પેઢી રહેમાનના આ લય પાછળ પાગલ છે. રોજાનાં ગીતોની આ માત્ર એક ઝલક છે.
હિન્દીમાં ડબ થયેલી રોજા રજૂ થઇ એ સાથે ફિલ્મ સંગીત ક્ષેત્રે એક નવોન્મેષ સર્જાયો એમ કહીએ તો ચાલે. બોલિવૂડના સમકાલીન સંગીતકારો જાહેરમાં કશું બોલ્યા નહીં પરંતુ તેમને જરૂર એક પ્રકારની અસલામતી લાગી હશે.
Comments
Post a Comment