તમિળ ભાષામાંથી હિન્દીમાં ડબ થયેલી ફિલ્મ સંગીતે રાતોરાત તહલકો મચાવી દીધો....

 


ધરતીકંપ કે વિનાશક વાવાઝોડા જેવી એ અનુભૂતિ હતી. આગલી રાત સુધી જેનું નામ કોઇએ સાંભળ્યું નહોતું એેવો એક તમિળભાષી યુવાન સંગીતકાર ચોવીસ કલાકમાં ઘેર ઘેર જાણીતો થઇ ગયો. બરસાતના શંકર જયકિસન કે દોસ્તીના લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવી થ્રીલ આ કિસ્સામાં અનુભવી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે. 1992ના ઉત્તરાર્ધની વાત છે. જમ્મુ કશ્મીરમાં 1989થી જિહાદી આતંકવાદ શરૂ થઇ ચૂક્યો હતો. નિર્દોષોની હત્યા અને વગદાર વ્યક્તિનું અપહરણ કરીને નાણાં વસૂલવાની આતંકવાદીઓને ફાવટ આવી ગઇ જણાતી હતી. એવા સમયે 1992માં એક તમિળ ફિલ્મ આવી- રોજા. અંગ્રેજીમાં એનો અર્થ થાય રોઝ (ગુલાબ). દક્ષિણ ભારતમાં હરતી ફરતી દંતકથા તરીકે પંકાયેલા ફિલ્મ સર્જક મણી રત્નમની એ ફિલ્મ રોજા અને એના સંગીતે રાતોરાત સમગ્ર દેશમાં ઉત્તેજના મચાવી દીધી. દેશ અને દુનિયાની યુવા પેઢી માટે સાવ અજનબી એવા સાઉથના કોઇ એ આર રહેમાનનું એેમાં સંગીત હતું. દેશભરના યુવાનો આ સંગીતની ધૂન પર નાચી ઊઠ્યા હતા. એ સંગીતની વાત કરવા અગાઉ આ ફિલ્મ રહેમાનને મળી શી રીતે એ જાણવું રસપ્રદ થઇ પડશે.

મણી રત્નમ સામાન્ય રીતે સાઉથના ભગવાન ગણાતા સંગીતકાર ઇલિયારાજાનું સંગીત પોતાની ફિલ્મમાં પસંદ કરતા. પરંતુ 1991ની આસપાસ મણી રત્નમ અને ઇલિયારાજા વચ્ચે કોઇ વાતે મતભેદ થયો. મણી રત્નમે મનોમન નક્કી કર્યું કે ઇનફ. હવે બીજો કોઇ સંગીતકાર શોધી લેવો પડશે. એવામાં મણીને એની કઝિન બહેન શારદાનો ફોન આવ્યો કે અમારી એક એડ કેમ્પેઇનને એવોર્ડ મળ્યો છે એની પાર્ટી છે. તમે જરૂર આવજો.

શારદા અને એનો પતિ ત્રિલોક એકડવર્ટાઇઝિંગ એજન્સી ચલાવે છે. સાઉથમાં લિયો બ્રાન્ડની કોફી લોકપ્રિય છે. એની એક કમર્શિયલ એડ ત્રિલોકે બનાવી હતી. એ એડની જિંગલ એ આર રહેમાને તૈયાર કરી હતી. સાઉથની બધી ભાષાના લોકોમાં એ જિંગલ સુપરહિટ નીવડી હતી. લિયોની પાર્ટીમાં પહેલીવાર મણી રત્નમ અને રહેમાન મળ્યા. રહેમાને ઔપચારિક રીતે મણી રત્નમ (જેમને બધા મણીસર કહે છે)ને વિનંતી કરી કે એકવાર મારા મ્યુઝિક રૂમ પર આવો. યોગાનુયોગે પાર્ટી પતી એ પછીના અઠવાડિયે મણી રત્નમ રહેમાનના મ્યુઝિક રૂમ પર ગયા અને કંઇક સંભળાવવાનું કહ્યું. ફુરસદની પળોમાં પોતે જે થોડી બંદિશો બનાવેલી એ રહેમાને સંભળાવી. મણી રત્નમે કહ્યું કે આમાંની થોડી બંદિશ હું ટેપ કરીને લઇ જાઉં ? મણી સરને રહેમાન શી રીતે ના પાડી શકે ? એણે થોડી બંદિશો ટેપ કરીને આપી. પછી એ તો પાછો જિંગલ્સ બનાવવામાં વ્યસ્ત થઇ ગયો અને આખીય વાત ભૂલી ગયો.

થોડા દિવસ પછી મણી રત્નમનો ફોન આવ્યો કે મારે તને મળવું છે. તારી કેટલીક બંદિશો મને ગમી છે. મારી હવે પછીની ફિલ્મમાં વાપરવી છે. રહેમાનના રૂંવાડાં ખડાં થઇ ગયાં. પહેલીજ ફિલ્મની ઓફર અને એ પણ મણીસરની ! એ તો હરખઘેલો થઇ ગયો. મણી રત્નમને મળવા ગયો. મણી રત્નમે પોતાની નવી ફિલ્મની કથાનો સાર એને કહ્યો અને થોડાક પ્રસંગોને અનુરૂપ સંગીત તૈયાર કરીને પોતાને સંભળાવવાનો આદેશ આપ્યો. રહેમાનની એક બંદિશ મૂળ કરુણ ગીત માટે હતી. એ સૂરાવલિ કરુણ હતી. મણી રત્નમે એને કહ્યું કે આ બંદિશ આનંદની ક્ષણોમાં મૂકવી છે. સૂરો થોડા આઘાપાછા કરીને આનંદનું ગીત બનાવ. રહેમાનને નવાઇ તો લાગી પરંતુ મણી રત્નમ સામે દલીલ કેવી રીતે કરે ? 

જો કે ફિલ્મમાં ખુશીના ગીત તરીકે મૂકાયેલી એ બંદિશ સુપરહિટ નીવડી. એટલે રહેમાનને ‘મણીસર’ની પ્રતિભાનો ખ્યાલ આવ્યો. વાસ્તવમાં બોલિવૂડમાં જેમ રાજ કપૂર કે સંજય લીલા ભણસાલી સંગીતના જાણકાર ગણાતા રહ્યા છે એમ મણી રત્ન કર્ણાટક સંગીતના અભ્યાસી છે એટલે કયા પ્રસંગે કયા ગીતમાં કેવું પાર્શ્વસંગીત કે બંદિશ જોઇએ એનું સૂચન એ પોતે કરતા હોય છે. બાવીસ વર્ષના રહેમાનને મણી રત્નમની પહેલી ફિલમ રોજા મળી અને રોજાના હિન્દી રૂપાંતરના સંગીતથી રાતોરાત આ તમિળ યુવાન દેશના ખૂણે ખૂણે જાણીતો થઇ ગયો. 

Comments