1990ના દાયકામાં દક્ષિણ ભારતમાંથી આવ્યું એક વાવાઝોડું- ફિલ્મ સંગીતની કાયાપલટ થઇ...


બોલિવૂડ અને ટેલિવૂડના વડા મથક સમી માયાનગરી મુંબઇ સહિત પશ્ચિમ ભારતમાં તોફાની પવન અને વરસાદી વાદળો ઉત્તર ભારત તરફથી આવે છે. દક્ષિણ ભારત તરફથી ક્યારેય વાવાઝોડાં માયાનગરી મુંબઇ તરફ આવતાં નથી. પરંતુ મસાલેદાર હિન્દી ફિલ્મોમાં બને છે એમ ક્યારેક દક્ષિણમાંથી પણ આંધી આવી ચડે ખરી. પચાસ સાઠ વરસ પહેલાં એકવાર દક્ષિણના ફિલ્મ નિર્માતા-સંગીતકાર આદિ નારાયણ રાવે મુંબઇમાં નસીબ અજમાવ્યું હતું. જો કે ઝાઝું લાંબું ખેંચી શક્યા નહીં. ત્રણેક ફિલ્મો કરી- અનારકલી (સી રામચંદ્ર વાળી નહીં), સ્વર્ણ સુંદરી અને ફૂલોં કી સેજ. ત્યારબાદ કોઇ સાઉથ ઇન્ડિયન સંગીતકારે મુંબઇ ભણી નજર દોડાવી નહીં. 

બીજી બાજુ મુંબઇના સફળ સંગીતકારોમાંના કેટલાકે સાઉથની ફિલ્મોમાં પણ ઘુસ મારી. 1950 અને ’60ના દાયકામાં એલ વી પ્રસાદ, જૈમિની અને અન્ય સાઉથ ઇન્ડિયન ફિલ્મ સર્જકોએ બનાવેલી હિન્દી ફિલ્મોમાં શંકર જયકિસન, સી રામચંદ્ર,  કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ વગેરેએ હિટ સંગીત પીરસ્યું. એથી પણ આગળ વધ્યા સંગીતકાર રવિ. અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેનના આગમને મુંબઇમાં મેલોડી બેક સીટ પર જવા માંડી ત્યારે રવિએ સાઉથમાં નસીબ અજમાવ્યું અને ત્યાં અક્ષરસઃ જામી પડ્યા. સંખ્યાબંધ ફિલ્મોમાં હિટ સંગીત આપ્યું. સાઉથમાં ગયા ત્યારે ત્યાંની એક પણ ભાષા જાણતા નહોતા. પરંતુ તેમની ગાડી ચાલી નીકળી અને ત્યાં કામ કરતાં કરતાં સાઉથની ભાષાઓ પણ શીખી ગયા. 

આદિ નારાયણ રાવ પછી ઔર એક યુવાન સંગીતકારે 1990ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી મારી. દિવાળીમાં કાનમાં ધાક પડી જાય એવા ચોરસ બોંબ નામના ફટાકડા ફૂટતા હોય છે. આ યુવાન સાઉથ ઇન્ડિયન સંગીતકારે પણ રીતસર વિસ્ફોટ સર્જ્યો. ભારતીય ફિલ્મોના છેલ્લા સોએક વર્ષના ઇતિહાસમાં ઓસ્કાર એેવોર્ડ પણ જીત્યો. દુનિયા એને અલ્લા રખ્ખા રહેમાન (એ. આર. રહેમાન)ના નામથી પિછાણે છે. એમના કામ વિશે વાત કરવા અગાઉ થોડી પૂર્વભૂમિકા સમજી લેવી જરૂરી છે.

2031માં હિન્દી બોલપટને એકસો વર્ષ પૂરાં થશે. 1931માં પહેલી બોલતી ફિલ્મ આવી- આલમ આરા. ત્યાંથી શરૂ કરીને 1945 દરમિયાનના પચીસ વર્ષમાં સંગીત ક્ષેત્રે પહેલવહેલી ક્રાન્તિ અનિલ વિશ્વાસે કરી. માત્ર હાર્મોનિયમ, તબલાં અને વાંસળી કે શરણાઇના સ્થાને સાગર મુવીટોનમાં કામ કરતાં અનિલ વિશ્વાસ બાર પંદર સાજિંદા લાવ્યા. સાથોસાથ પાશ્ચાત્ય સંગીત અને અરબી સંગીતની ઝલક ફિલ્મ સંગીતમાં ઉમેરી. 

બીજા પચીસ વર્ષ 1945થી 1970 વચ્ચેના હતા જેને ફિલ્મ સંગીતના અભ્યાસીઓ ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ ગણાવે છે. આ ચુગમાં એકસો સાજિંદા સાથે ફિલ્મ સંગીતની કાયાપલટ કરી નાખી શંકર જયકિસને. દેશી-વિદેશી સંગીતનો અને વાદ્યોનો સમન્વય સાધીને આ જોડીએ ફિલ્મ સંગીતનાં રંગરૂપ બદલી નાખ્યાં. ફિલ્મ સંગીતની ત્રીજી ક્રાન્તિ આર ડી બર્મનના નામે બોલે છે. 1970થી 1995નો એ સમયગાળો ત્રીજું પરિવર્તન ગણી શકાય. નાસિર હુસેનની ગોલ્ડી વિજય આનંદ નિર્દેશિત ફિલ્મ તીસરી મંજિલ અને દેવ આનંદની હરે કૃષ્ણ હરે રામથી આરડીએ ફિલ્મ સંગીતને પંચકર્મ કરાવીને કાયાકલ્પ કરાવ્યો.

આરડી બર્મનથી શરૂ થયેલાં પચીસ વર્ષ પૂરાં થાય એ પહેલાં 1990ના દાયકાના આરંભે પ્રવેશ થયો એ આર રહેમાનનો. મણીરત્નમની મૂળ તમિળ ફિલ્મ રોજાના હિન્દીમાં ડબ થયેલા વર્ઝનમાં રહેમાનની સૂરાવલિ ઝળકી ઊઠી. જો કે રહેમાનની પહેલી મૌલિક હિન્દી ફિલ્મ રામ ગોપાલ વર્માની રંગીલા હતી. રંગીલાથી શરૂ થયેલી રહેમાનની સંગીત કારકિર્દીમાં અત્ચાર સુધીમાં વીસેક હિન્દી ફિલ્મો આવી. 

રસપ્રદ વિગત એ છે કે રહેમાન પણ માયાનગરી મુંબઇમાં રંગીલાથી પ્રવેશ્યા ત્યારે એમને હિન્દી કે ઊર્દૂ ભાષા આવડતી નહોતી. અલબત્ત, તેથી રહેમાનને કોઇ તકલીફ પડી નહીં. એમ તો એસ ડી બર્મન નવા નવા મુંબઇ આવ્યા ત્યારે એમને ક્યાં હિન્દી કે ઊર્દૂ આવડતી હતી ? ગીતકાર પાસે ગીતનો ભાવાર્થ સમજીને તેમણે સ્વરનિયોજન કરવા માંડેલું. ડિટ્ટો, રહેમાને પણ એ જ રીતે કામ શરૂ કર્યું. કર્ણાટક સંગીત તો એમની રગોમાં હતું જ. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત રામપુર સહસવાન ઘરાનાના ઉસ્તાદ (હવે સ્વર્ગસ્થ) ગુલામ મુસ્તફા ખાન પાસે શીખી લીધું. જાવેદ અખ્તર, મજરૂહ સુલતાનપુરી અને ગુલઝાર જેવા ગીતકાર મિત્રોની સહાયથી હિન્દી ઊર્દૂ ભાષાઓ પર ખપ પૂરતો કાબુ મેળવી લીધો. પછી તો હિન્દી ફિલ્મોની બોલીમાં કહીએ તો એ આર રહેમાન કી તો નીકલ પડી... 

હવે થોડાં સપ્તાહોમાં રહેમાનના સંગીતનો આસ્વાદ આપણે લેવાના છીએ.


Comments